ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/અબ્દુલસત્તારખાન પઠાણ (ભક્ત સત્તારશાહ)

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
અબ્દુલ સત્તારખાન પઠાણ (ભક્ત સત્તારશાહ)

ભક્ત સત્તારશાહ ઉર્ફે અબ્દુલ સત્તારખાન પઠાણના પૂર્વજો મૂળે અફઘાનિસ્તાનની સરહદના વતનીઓ. એમના પિતાનું નામ ખેસ્ત ગુલખાન, અને માતાનું નામ નનીબીબી ઉર્ફે જાનબેગમ. તેમનો જન્મ સંવત ૧૯૪૮ (ઈ.સ.૧૮૯૨)માં નાદોદમાં થએલો. તે ન્યાતે યુસુફજઈ પઠાણ લેખાય છે. નાંદોદમાં તેમણે ચાર ધોરણ સુધી ગુજરાતી પ્રાથમિક કેળવણી લીધેલી અને ઉર્દૂનો અભ્યાસ પણ કરેલો. તે ત્રણ માસના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયેલું એટલે માતાએ ઉછેરી તેમને મોટા કરેલા. ચુસ્ત વિચારવાળા પઠાણ સગાંએાએ તેમને અંગ્રેજી જેવી 'કાફરી' જબાનની કેળવણી લેવા દીધી નહિ, રાજપીપળાના મહારાજા છત્રસિંહજીના નાના ભાઈ દિગ્વિજયસિંહજીના પ્રેમપાત્ર સાથી થવાથી અને રાજવંશી મોજો માણવાની લતમા પડી જવાથી પણ તે વધુ ભણી શક્યા નહિ. ૧૯૦૮માં સોળ વર્ષની ઉંમરે તેમણે દેશી નાટક સમાજમાં ‘વીણાવેલી' નાટકમાં કઠિયારાનો ભાગ ભજવીને છએક માસ સુધી રંગભૂમિની જિંદગી જોઈ લીધી. સત્તારશાહ સરસ ગાતા, એટલે નાટકનો તખ્તો છોડીને તેમના મીઠ! ગાને તેમને ભજનો તરફ ખેંચ્યા. સત્તારશાહ ભક્ત બન્યા અને ભજનિકૉના અખાડાઓ તરફ દોરાવા લાગ્યા. આજે ભક્ત સત્તારશાહનો અભ્યાસનો વિષય સુધી તત્ત્વજ્ઞાન અને મુખ્ય વ્યવસાય ભજનોપદેશ, સમાજસેવા તથા સત્યંત બની રહ્યો છે. મર્હુમ કાજી અનવરમીયાંની તેમના જીવન પર અસર છે અને ‘અનવર કાવ્ય' તેમનું પ્રિય પુસ્તક છે. તેમનું એક પુસ્તક ‘“સત્તાર ભજનામૃત’ છે જેમાં તેમનાં રચેલાં ભજનો સંગ્રહેલાં છે. પહેલાં તે સંવત ૧૯૭૯માં બહાર પડેલું, હાલમાં તેની ત્રીજી આવૃત્તિ પ્રસિદ્ધ થઈ છે. તેમનું લગ્ન અમીના બેગમ વેરે સને ૧૯૨૦માં અંકલેશ્વરમાં થયેલું. તેમને ત્રણ પુત્રો તથા બે પુત્રીઓ છે.

***