ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/અમૃતલાલ નાનકેશ્વર ભટ્ટ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
અમૃતલાલ નાનકેશ્વર ભટ્ટ

શ્રી. અમૃતલાલ ભટ્ટ ન્યાતે ક૫ડવણજના મોઢ બ્રાહ્મણ છે. તેમનો જન્મ તા.૩-૧૦-૧૮૭૯ના રોજ કપડવણજમાં થએલો. પિતાનું નામ નાનકેશ્વર પુરુષોત્તમ ભટ્ટ અને માતાનું નામ સૂરજબહેન. કપડવણજના ભટ્ટ કુટુંબને ઝાબુઆ સ્ટેટ તરફથી જાગીર મળે છે તેમાં તેમનું કુટુંબ ભાગીદાર છે. તેમણે પ્રાથમિક કેળવણી લેવાની શરુઆત ઝાબુઆ સ્ટેટના રાણાપુર ગામમાં કરેલી અને પછી કપડવણજની ગામઠી નિશાળમાં અભ્યાસ કરેલો. અંગ્રેજી શિક્ષણ કપડવણજમાં પાંચમા ધોરણ સુધી લઈને આગળ અભ્યાસ અમદાવાદની સરકારી હાઈસ્કૂલમાં કરી ૧૮૯૫માં મૅટ્રિકની પરીક્ષા પસાર કરેલી. ત્યારપછી તેમણે હાઈકોર્ટ પ્લીડરની પરીક્ષા માટેનો અભ્યાસ શરુ કરી ૧૯૦૨માં એ પરીક્ષા પાસ કરી હતી. એકાદ વર્ષ અમદાવાદમાં વકીલાતનો વ્યવસાય કરીને પછી તેમણે ઉમરેઠમાં પ્રેકટીસ શરુ કરેલી, જ્યાં પાંચ વર્ષમાં જ તે વકીલોની આગલી હરોળમાં આવી ગયા હતા. સને ૧૯૩૪માં ડાકોરમાં રણછોડરાયજીના મંદિરમાં રિસીવરની જગ્યાએ તે રૂ. ૩૦૦ના પગારથી નીમાયા હતા, તે જ જગ્યાએ હાલમાં પણ તે મેનેજર તરીકે કામ કરે છે. તેમનું લગ્ન સોમેશ્વર ગિરધરભાઈ પુરાણીની દીકરી રેવાબહેન સાથે થએલું. વિદ્યાર્થી અવસ્થામાં જ તેમને કવિતાઓ લખવાનો શોખ હતો. ૧૮૯૯માં તેમણે એક કાવ્ય લખેલું તે છેક ૧૯૨૮માં પ્રસિદ્ધ થયું હતું. કવિ તરીકે પ્રસિદ્ધ થવાની વૃત્તિ ઉપર તેમણે સારી પેઠે સંયમ દાખવ્યો છે, અને તેથી જ તેમની પ્રસિદ્ધ થયેલી કૃતિઓ કરતાં અપ્રસિદ્ધ કૃતિઓનો સંગ્રહ મોટો છે. તેમનાં પ્રસિદ્ધ થયેલાં કાવ્યોમાં પ્રકૃતિવર્ણન કરતાં વિચારપ્રધાન અને ચિંતનપ્રધાન કાવ્યો વધારે છે. ‘ડ્રેમેટિક મોનોલોગ' (નાયકની સ્વગત ઉક્તિરૂપે આખું કાવ્ય) ગુજરાતીમાં તે સારી રીતે ઉતારી શક્યા છે તે “સીતા” અને “કૃષ્ણકુમારી” એ બે કૃતિઓ ઉપરથી જણાય છે. તે ધર્મશાસ્ત્ર, તત્ત્વજ્ઞાન તથા સાહિત્યના સારા અભ્યાસી છે. બ્રાઉનિંગ અને શેલી, કાલિદાસ તથા દયારામ તેમના પ્રિય કવિઓ છે. તત્ત્વજ્ઞાનમાં શંકરાચાર્ય તથા શોપનહોઅરે તેમના ઉપર અસર નીપજવી છે. તેમનાં પ્રસિદ્ધ થયેલાં પુસ્તકોની નામાવલિ નીચે મુજબ છે : (૧) પુલોમા અને બીજાં કાવ્યો (૧૯૨૮), (૨) સીતા (૧૯૨૮), (૩) કૃષ્ણકુમારી (૧૯૨૮), (૪) રાસ પંચાધ્યાયી (ભાષાન્તર) ૧૯૩૮.

***