ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/જયન્તી ઘેલાભાઈ દલાલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
જયન્તી ઘેલાભાઈ દલાલ

શ્રી. જયન્તી ઘેલાભાઈ દલાલનો જન્મ સં.૧૮૬૬ના કાર્તિક સુદ ૫ (તા ૧૮-૧૧-૧૯૦૯) ના રોજ થએલો તેમના પિતાનું નામ ઘેલાભાઈ દોલતરામ દલાલ અને માતાનું નામ માણેક બહેન વાડીલાલ. તે અમદાવાદના વીસા ઓશવાળ જૈન વણિક છે તેમણે હજી લગ્ન કર્યું નથી. તેમણે પ્રાથમિક કેળવણી અમદાવાદમાં, માધ્યમિક કેળવણી સુરત તથા અમદાવાદમાં અને ઊંચી કેળવણી અમદાવાદની ગુજરાત કૉલેજમાં લીધી હતી કૉલેજમાં ઈંટરમાં તે અંગ્રેજીની પરીક્ષામાં પહેલે નંબરે આવેલા તેથી જ્યુનીયર બી. એ.ના અભ્યાસમાં તેમને સરકારી સ્કોલરશિપ મળેલી. બી. એ.ના સીનિયર વર્ગમાં સ્કોલરશિપ લઈ લેવામાં આવેલી અને રાજકીય અશાંત વાતાવરણને કારણે પાછળથી અભ્યાસ છોડી દીધો તેમજ બી. એ.ની પરીક્ષા આપી નહિ. ઇતિહાસ અર્થશાસ્ત્ર અને રાજકારણ એ તેમના પ્રિય વિષયો છે. રાષ્ટ્રીય ચળવળને અંગે તેમને અનેક વાર તુરંગવાસ કરવો પડ્યો છે. 'રેખા' માસિક અને ‘ગતિ’ ગ્રંથમાળાના સંચાલનના તે આત્મારૂપ છે. કૉલેજ છોડતાંની સાથે એક બાજુએ રાષ્ટ્રીયસેવા અને બીજી બાજુએ સાહિત્યસેવામાં તેમનો રસ દીપ્તિમાન બન્યો છે. વર્તમાન રંગભૂમિના વિકાસમાં તેમનો વિશેષ રસ છે. તેમના પિતા સ્વ. ઘેલાભાઈ ‘દેશી નાટક કંપની’નું સંચાલન કરતા અને તેમના જીવન ઉપર પિતાની વિશેષ અસર પડી હોવાથી રંગભૂમિ પ્રત્યેનો તેમનો રસ એ પિતાના એક વારસા સરખો જ છે. તેમની સાહિત્યસેવાનું પહેલું ફળ ‘બળવાખેાર પિતાની તસ્વીર’ (૧૯૩૭–૩૮) હતું જે Portrait of a Rebel Father નો અનુવાદ છે. ત્યારપછીની તેમની કૃતિઓ: ‘ઝબૂકિયાં' (૧૯૩૯), ‘પગદીવાની પછીતેથી’ (૧૯૪૦) ‘જવનિકા, (૧૯૪૧) 'ધીમુ અને વિભા' (૧૯૪૩).

***