ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/નારાયણશંકર દેવશંકર વૈદ્યશાસ્ત્રી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
નારાયણશંકર દેવશંકર વૈદ્યશાસ્ત્રી

એકલા ગુજરાતમાં જ નહિ પણ ક્રમશઃ દેશભરમાં વિદ્વાન વૈદ્યશાસ્ત્રી તરીકે પ્રતિષ્ઠા સ્થાપનાર અમદાવાદના આ વૈદ્યશાસ્ત્રીનો જન્મ રાયકવાળ બ્રાહ્મણ જ્ઞાતિમાં, અમદાવાદના સ્વામિનારાયણ મંદિરના શાસ્ત્રી સેવકરામ જેમણે ‘સત્સંગ જીવન' નામના પુસ્તક ઉપર સંસ્કૃત ટીકા લખી છે એવા પ્રસિદ્ધ પ્રપિતામહના કુટુંબમાં, સંવત ૧૯૩૦ના ભાદરવા સુદ પાંચમના રોજ, ચરોતરમાં આણંદ પાસે આવેલા જોર ગામે થયો હતો, એમના પિતા દેવશંકર શાસ્ત્રી પણ વિદ્યાવ્યાસંગી અને પ્રાચીન શાસ્ત્રોના અભ્યાસી હતા. એમની માતાનું નામ દુર્ગાબાઈ. ગુજરાતી ત્રણ ચોપડીનો અભ્યાસ અમદાવાદમાં કરીને તે વડોદરામાં રાજકીય સંસ્કૃત પાઠશાળામાં વ્યાકરણ સાહિત્ય અને ધર્મશાસ્ત્રના અભ્યાસ માટે ગયા. ઘરની સ્થિતિ ઘણી સાધારણ હોવાથી ત્યાં ભિક્ષાન્નદેહિ કરીને જ નિર્વાહ ચલાવતા અને ભણતા; પણ બુદ્ધિ તેજસ્વી હોવાથી અભ્યાસમાં ઉત્તમ નંબરે પાસ થતા ગયા અને વડોદરા રાજ્ય તરફથી તેમને શ્રાવણ માસ દક્ષિણા મળતી ગઈ. ત્યાં ત્રણે શાસ્ત્રોનો અભ્યાસ પૂરો કરી તે વ્યાકરણના અભ્યાસ માટે કાશી ગયા, અને ત્યાંની ઉત્તમ પરીક્ષા પસાર કરી અમદાવાદ આવ્યા; બાદ સં૧૯૪૬માં ચરોતરના પ્રસિદ્ધ પુરાણી અને સમર્થ વૈદ્ય રાજારામ બાપુજીનાં મોટાં પુત્રી જીવકોર જોડે એમનું લગ્ન થયું. લગ્ન બાદ ફરી એમણે જયપુર રાજકીય આયુર્વેદ પાઠશાળામાં વૈદકનો અભ્યાસ શરુ કર્યો અને તે સંપૂર્ણ કરી અમદાવાદમાં આવીને ‘આયુર્વેદ ચિકિત્સાલય' નામનું દવાખાનું સ્થાપ્યું, તે સાથે જ આયુર્વેદ પાઠશાળા પણ સ્થાપી. ક્રિયા અને કુશળતા બંને હોવાથી દવાખાનાની પ્રવૃત્તિ વધતી ગઈ અને અમદાવાદના તે લોકપ્રિય વૈદ્ય થઈ ગયા. પણ ધંધા ઉપરાંત વિદ્યાવ્યાસંગ અને વિદ્યસમાજની ઉન્નતિ એ બે પ્રિય પ્રવૃત્તિઓ એમણે જીવનભર ચાલુ રાખી. ૧૯૧૧માં અમદાવાદમાં સ્થપાઈને બંધ પડેલી સ્થાનિક વૈદ્યસભાને પુનર્જીવિત કરી તેના મંત્રી, પ્રધાન અને માનદ પ્રમુખ પોતે થયા; ગુજરાત પ્રાંતના વૈદ્યોનું સંગઠન કરી ઈ સ.૧૯૨૫માં તેનું પહેલું સંમેલન અમદાવાદમાં ભર્યું. મુંબઈમાં ભરાએલા તેના બીજા સંમેલનના અધ્યક્ષસ્થાનેથી આપેલા મનનીય વ્યાખ્યાનના ઊંડા જ્ઞાનથી તેમણે એવી છાપ પાડી કે ત્યાંની પ્રભુરામ આયુર્વેદિક કૉલેજે એમને પ્રાણાચાર્યની ઉપાધિ એનાયત કરી. કરાંચીમાં ભરાએલા ઑલ ઇંડિયા વૈદ્ય-સંમેલનમાં ‘સ્વસ્થ-સંભાષા' પરિષદના તેમજ ૧૯૩૧માં મ્હૈસુરમાં ઑલ ઇંડિયા વૈદ્ય-સંમેલનના 'રસાયણ-સંભાષા' પરિષદના પ્રમુખ તરીકે તે ચુંટાયા; અને સીલોનભાં ભરાએલા ઑલ ઇંડિયા વૈદ્યસંમેલનમાં ત્રિદોષના નિબંધ માટે તેમને સુવર્ણપદક મળ્યો. પાટણની તથા મુંબઈની પ્રભુરામ આયુર્વેદિક કૉલેજે તેમજ નિખિલ ભારત આયુર્વેદ વિદ્યાપીઠે તેમને પરીક્ષક તરીકે નીમેલા. ૧૯૩૫માં તેમણે ઑલ ઇંડિયા વૈદ્યસંમેલનને અમદાવાદમાં આમંત્રી તેનો રૌપ્યમહોત્સવ પણ દબદબાથી ઊજવ્યો. સને૧૯૩૬માં પં. મદનમોહન માલવીયજીએ કાશીમાં આમંત્રેલા ઑલ ઇંડિયા વૈદ્ય-સંમેલનના પ્રમુખ તરીકે તે સર્વાનુમતે ચુંટાયા, ને એમની કીર્તિને કળશ ચડ્યો. ઈ.સ.૧૯૩૭ના સપ્ટેમ્બરની ૨૩મી તારીખે અમદાવાદમાં એમનું અવસાન થયું. એમને ચાર પુત્રો છે, જેમાના મોટા વૈદ્યરત્ન માધવપ્રસાદ ગુજરાત, કચ્છ, કાઠિયાવાડ વૈદ્યસંમેલનના ૧૯૪૧ના વર્ષના પ્રમુખ અને મ્યુનિસિપલ આયુર્વેદિક દવાખાનાના મેડિકલ ઑફિસર છે. બીજા નટવરપ્રસાદ, ત્રીજા જયંતીલાલ અને ચોથા ઈન્દ્રવદન અભ્યાસ કરે છે, એમના જીવનવિષયક વિશેષ માહિતી ‘વૈદ્યસભા રજતજજ્યંતી ગ્રંથ’ તેમજ ‘ઑલ ઇંડિયા આયુર્વેદ મહામંડળ રજતગ્રંથ'માંથી મળે છે. ઈ.સ.૧૯૧૮માં એમનું પ્રથમ પુસ્તક ‘પ્લેગ સુદર્શનચક્ર' બહાર પડ્યું. એમની કૃતિઓની યાદી નીચે મુજબ: પ્લેગ સુદર્શનચક્ર, જ્વરચિકિત્સા, ક્ષયચિકિત્સા, અનુભૂત ચિકિત્સા, આક્ષેપક જ્વર, પંચભૂત, ત્રિદોષ.

***