ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/મંગળજી હરજીવન ઓઝા
શ્રી. મંગળજી હરજીવન ઓઝાનો જન્મ ઇ.સ.૧૮૭૦માં મહુવા (તાબે ભાવનગર)માં થયો હતો. તેઓ શ્રીમાળી બ્રાહ્મણ છે. તેમના પિતાનું નામ હરજીવન મોરાર ઓઝા અને માતાનું નામ ધોળીબાઈ. ૧૮૮૪માં તેમનું લગ્ન સૌ. મણિબહેન વેરે થએલું. તેમને બે પુત્રો છે: ભાઈ જયંતીલાલ બી.એ, બી. ટી., એલ. એલ. બી. છે, અને બીજા ભાઈ ચંદ્રકાન્ત, જેમના રાસો અને ગીતોના સંગ્રહો જાણીતા છે. તેમને ત્રણ પુત્રીઓ છે: તારાબહેન, મુક્તાબહેન અને મનોરમાબહેન. ત્રણે પુત્રીઓ ફ્રીમેલ ટ્રે, કૉલેજમાં અભ્યાસ કરીને સીનિયર ટ્રેન્ડ થયાં છે. શ્રી. મનેરમાબહેન એક સારાં લેખિકા છે, જેમનું નાનું પુસ્તક 'ભાવના' બહાર પડેલું છે. આમ પિતાના કેળવણીના સંરકાર તેમનાં બધાં સંતાનોએ વારસામાં મેળવ્યા છે. તેમણે મહુવા અને ગઢડામાં પ્રાથમિક કેળવણી લીધેલી અને ૧૮૮૬માં રાજકોટની ટ્રે. કૉલેજમાં શિક્ષણ લેવાને દાખલ થયા હતા. ૧૮૮૯માં તે અમદાવાદની ટ્રેનિંગ કૉલેજમાંથી સીનિયર થયા હતા અને પહેલે નંબરે પસાર થઈ શિક્ષણ માટેનો ‘હોપ મેડલ' મેળવ્યો હતો. રાજકૉટની મેલ ટ્રે. કૉલેજમાં ગુજરાતી ભાષા અને સાહિત્ય, સંસ્કૃત કાવ્ય, નાટક તથા અક્ષરગણિતના અધ્યાપક તરીકે તેમણે ૨૨ વર્ષ સુધી કામ કર્યું હતું. પછીથી ફીમેલ ટ્રે. કૉલેજમાં હેડમાસ્તર અને સુપરિ. નો ઓદ્ધો ભોગવ્યો હતો. રાજકોટની રાજકુમાર કૉલેજમાં તેમણે સોળ વર્ષ સુધી શાસ્ત્રી તરીકે અને વાંસદાના યુવરાજના શાસ્ત્રી તરીકે પણ કામ કર્યું હતું. ગુજરાતી સાહિત્ય, સંસ્કૃત સાહિત્ય, ધર્મશાસ્ત્ર, વેદાંત અને અક્ષરગણિત એ તેમના અભ્યાસ ને રસના વિષયો છે. કવિ દલપતરામનો અને મહામહોપાધ્યાય શંકરલાલ શાસ્ત્રીનો સહવાસ તેમણે સારી પેઠે સેવેલો. એમના સહવાસ ઉપરાંત પ્રેમાનંદ અને દલપતરામના ગ્રંથોએ તેમના પર પ્રબળ અસર નીપજાવેલી. પ્રેમાનંદ કૃત ‘સુદામાચરિત્ર' અને ‘“મામેરું'નું સંપાદન કરી ટીકા સાથે સૌથી પહેલાં તેમણે ઇ.સ.૧૯૦૨માં પ્રસિદ્ધ કરેલાં. નર્મદકૃત રામાયણ, મહાભારત અને ઇલિયડના સાર ઉપર વિસ્તૃત વિવેચન લખી એ જ વર્ષમાં બહાર પાડેલું. ત્યારપછી તેમના પ્રસિદ્ધ થએલા ગ્રંથો “શ્રી ભગવત્સ્મરણમ્” (ઈશ્વરસ્તુતિઓનો સંસ્કૃત સંગ્રહ ગુજરાતી અનુવાદ સાથે) ઈ.સ.૧૯૧૦, “ઈશ્વર સ્તુતિઓનો ગુજરાતી પદ્યસંગ્રહ” (ઈ.સ.૧૯૨૦) અને ”નીતિપાઠમાળા” (ઈ.સ.૧૯૨૭) એટલાં પુસ્તકો પ્રસિદ્ધ થયાં છે. ગુજરાતી અને સંસ્કૃત કાવ્યો તથા સુભાષિતોનો મોટો સંગ્રહ હજી તેમની પાસે અપ્રકટ પડ્યો છે. રાજકોટમાં આજે તે નિવૃત્તિપરાયણ જીવન ગાળી રહ્યા છે.
***