ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/મણિશંકર ગોવિંદજી વૈદ્યશાસ્ત્રી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
મણિશંકર ગોવિંદજી વૈદ્યશાસ્ત્રી

એમનો જન્મ જામનગરમાં ગિરનારા બ્રાહ્મણ જ્ઞાતિમાં સં.૧૯૧૫ના શ્રાવણ સુદ બીજના દિવસે થયો હતો. એમના પિતાનું નામ ગોવિંદજી સવજી જોશી અને માતાનું નામ ઝવેરબાઈ હતું. જામનગરમાં તેમણે મેટ્રિક સુધી અભ્યાસ કર્યો હતો; એ દરમ્યાન એમના મોટાભાઈ કાલિદાસ ગોવિંદજી તથા વૈદ્યરત્ન ઝંડુ ભટ્ટજીના સહવાસથી પડેલી અસરને લીધે એમણે વૈદકનો વ્યવસાય ગ્રહણ કર્યો અને એક પાઈને પણ મૂડી વિના જીવનની શરૂઆત કરવા છતાં બુદ્ધિ અને સ્વાશ્રય વડે જામનગરની જાણીતી 'આતંકનિગ્રહ ઔષધાલય' નામની સંસ્થા જમાવી, પરન્તુ આમ મુખ્ય વ્યવસાય વૈદકનો હોવા છતાં એમના અભ્યાસના પ્રિય વિષયો અધ્યાત્મવિદ્યા અને ફિલ્સૂફી હતાં અને લેખન પર એમને પ્રીતિ હતી. એમનું ગીતાનું ભાષાંતર લોકપ્રિય છે. જામનગર, લાલપુર અને લુણાવાડા એમ ત્રણ સ્થળે ત્રણ વખત એમનાં લગ્ન થયેલાં અને એ ત્રણ પત્નીના નામ અનુક્રમે સુંદરબાઈ, મોતીબાઈ અને ચંચળબાઈ હતાં. એમના ચાર પુત્રોમાં મોટા મોતીલાલ ગ્રેજ્યુએટ થઈ પિતાની હયાતીમાં અવસાન પામ્યા; બીજા શંકરલાલ પણ ગ્રેજ્યુએટ થઈ પિતાના મરણ બાદ ઔષધાલય ચલાવતા તેમ જ એક નાટક કંપની પણ કાઢેલી, પરંતુ તેમનો ૧૯૯૪માં સ્વર્ગવાસ થયો; ત્રીજા પુત્ર ગુલાબરાય ફોટો આર્ટિસ્ટ છે અને ચોથા ત્રંબકલાલ ગ્રેજ્યુએટ છે, જે બંને આજે ઔષધાલય સંભાળે છે. એમનાં પુસ્તકોની યાદી: મુક્તા (મૌલિક નવલકથા), રામ અને રાવણ, પાંડવ અને કૌરવ, પાંડવાશ્વમેધ, સંક્ષિપ્ત કાદંબરી, ચિકિત્સાબ્દિ (વૈદક-મૌલિક), આર્યાનાર્યઔષધ (વૈદક મૌલિક), મણિ મનુસ્મૃતિ (સટીક ભાષાંતર), શ્રીમદ્ ભગવદ્ગીતા, (સટીક ભાષાંતર).

***