ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/મૂલચંદ્ર તુલસીદામ તેલીવાળા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
મૂલચંદ્ર તુલસીદાસ તેલીવાલા

સ્વ. મૂલચંદ્ર તુલસીદાસ તેલીવાલાનો જન્મ ભરૂચમાં તા. ૨૩-૯-૧૮૮૭ના રોજ (સં.૧૯૪૩ના આસો સુદ ૭) થયો હતો. તેમના પિતાનું નામ તુલસીદાસ લાલભાઈ તેલીવાલા. ન્યાતે તે વીશા મોઢ અડાલજા હતા. તેમનો રૂનો વેપાર મુંબઈમાં ચાલતો હતો અને ભરૂચ, પાલેજ વગેરે સ્થળે તેમની શાખાપેઢીઓ હતી. શ્રી. મૂલચંદ્રે સને ૧૯૦૫માં મૅટ્રીકની પરીક્ષા પસાર કરી હતી અને ત્યારબાદ ઉંચી કેળવણી લેવાને તે મુંબઈની વિલસન કૉલેજમાં દાખલ થયા હતા. ૧૯૦૯માં તે વેદાંતનો વિષય લઈને બી. એ.માં પાસ થયા હતા. ગ્રેજ્યુએટ થયા પછી તે એલ્ફીન્સ્ટન હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયા હતા. ત્યાંથી તેમની પસંદગી રૂ ૫૦ની શિષ્યવૃત્તિ સાથે ટ્રેનિંગ કૉલેજ માટે થઈ હતી. આ તકનો લાભ લઈને તેમણે કાયદાનો અભ્યાસ કર્યો અને ૧૯૧૪માં તેમણે એલ. એલ. બી.ની પરીક્ષા પસાર કરી. વકીલ તરીકે તેમણે હાઈકૉર્ટની સનદ મેળવીને એપેલેટ સાઈડમાં પ્રેક્ટીસ કરી હતી. પરંતુ એ વ્યવસાય કરતાંય વિશેષ રસનો તેમનો વિષય વૈષ્ણવ ધર્મના ગ્રંથોનું સંશોધન, સંપાદન અને પ્રકાશન એ હતું. પુષ્ટિ સંપ્રદાયના તે એક ચુસ્ત વૈષ્ણવ હતા. બાલપણથી જ એ ધર્મના સંસ્કાર તેમનામાં પડ્યા હતા. વિદ્યાર્થી અવસ્થામાં 'પુષ્ટિભક્તિસુધા માસિકમાં તે ધર્મવિષયક લેખો લખતા. શ્રી. મગનલાલ ગણપતરામ શાસ્ત્રીને એ માસિક ચલાવવામાં શ્રી. તેલીવાલા સારી પેઠે સહાયક બનતા. વૈષ્ણવોની સભામાં તે ‘અણુભાષ્ય' અને 'નિબંધ'નું વાચન પણ જરૂર પડ્યે કરતા. ૧૯૧૫નું 'સુજ્ઞ ગોકુલજી ઝાલા વેદાંત પ્રાઈઝ' તેમને “બ્રહ્મસૂત્રોના કર્તાનો મત શકરાચાર્ય કેટલે સુધી સાચી રીતે રજુ કરે છે” એ વિશે અંગ્રેજીમાં વિદ્વત્તાપૂર્ણ નિબંધ લખવા માટે મળ્યું હતું. શ્રી. તેલીવાલાની સાહિત્યસેવા મુખ્યત્વે પુષ્ટિ સંપ્રદાયનાં દુષ્પ્રાપ્ય પુસ્તકોની પ્રાચીન હસ્તલિખિત પ્રતો મેળવી, સંશોધી, પાઠાંતરનો નિર્ણય કરી, તેને શુદ્ધ રીતે પ્રકાશિત કરવામાં તથા તેનાં ટીકા-ટીપ્પણી વગેરે દ્વારા વૈષ્ણવોમાં ધર્મબોધનો પ્રચાર કરવામાં સમાયલી છે. એ રીતે સેવાફલ, નિરોધલક્ષણ, સંન્યાસનિર્ણય, જલભેદ, પંચપદ્યાનિ, ભક્તિવર્ધિની, તૈત્તિરીયોપનિષદ્ ભાષ્ય, સિદ્ધાંતરહસ્ય પુષ્ટિપ્રવાહમર્યાદા ભેદ, સિદ્ધાંતમુક્તાવલી, પત્રાવલંબન એ વગેરે પ્રક૨ણગ્રંથો મૂળ સંસ્કૃત ટીકા ટિપ્પણ સાથે છપાવ્યા બાદ, શ્રી વલ્લભાચાર્યની ભાગવત ઉપરની સુબોધિની ટીકાના દશમ સ્ક્ન્ધના ભાગો છેલ્લેથી શરુ કરી સંસ્કૃત ટિપ્પણો સહિત છપાવવા માંડ્યા હતા. એ ઉત્તરાર્ધના અધ્યાયો છપાયા હતા, તે દરમિયાન દશમ સ્કંધ-સુબોધિની ઉપરની શ્રી વિઠ્ઠલનાથજીની ટિપ્પણી એના જ હસ્તાક્ષરની જૂની હાથપ્રત ઉપરથી મેળવી છપાવી હતી. પણ એમના જીવનનું મહત્ત્વનું કાર્ય તે માત્ર વૈષ્ણવ સંપ્રદાયને જ ઉપયોગી થાય એટલેથી ન અટકતાં વેદાંતના અભ્યાસીઓને પણ સર્વત્ર ઉપયોગી થાય તે, વલ્લભાચાર્યના અણુભાષ્ય ઉપર ગો. શ્રી પુરુષોત્તમજીનો પ્રકાશ અને તે ઉપર છેલ્લા સૈકામાં લખાયેલી નાથદ્વારાના ગો. શ્રી. ગોપેશ્વરજીની રશ્મિ નામક ટીકાના સંપાદનનું જટિલ કાર્ય આરંભ્યું તે હતું. તેમના જીવનકાળમાં છેલ્લા અધ્યાયથી થોડા ભાગો બહાર પડ્યા પછી છેક આ વર્ષે તેમના મિત્ર અને સહકાર્યકર્તા શ્રી. ધીરજલાલ સાંકળિયાએ એ કાર્ય ૧૫ ભાગમાં પ્રસિદ્ધ કર્યું છે. વેદાંતની બધી શાખાઓના તુલનાત્મક જ્ઞાનનો આ અત્યંત મહત્ત્વનો ગ્રંથ ગ્રંથકર્તાની હાથની નકલની મદદથી સંપાદિત થયો છે. આ ગ્રંથ સમજવાને ઉપયોગી શ્રી. પુરુષોત્તમજીની “વૈદાંતાધિકરણ માલા,” શૃંગાર રસમંડન, રસાબ્ધિ કાવ્ય વગેરે બીજા પણ મહત્ત્વના ગ્રંથો તેમણે સંપાદિત કર્યા છે. એમણે “વેણુનાદ” નામનું સાંપ્રદાયિક માસિક પણ બે વર્ષ ચલાવ્યુ હતું. વૈષ્ણવ પરિષદના તેઓ એક કાર્યકર હતા. એમના મૃત્યુ પછી તેની પ્રવૃત્તિ બંધ જેવી જ થઈ ગઈ છે. એ સંપ્રદાયમાં તેમની આ સેવાનું મૂલ્ય ઘણું ઉંચું અંકાયું હતું અને તે કાર્યમાં તેમને પ્રેમભાવથી સહાય કરનારાઓ સહેજે મળી આવતા હતા. કેટલાંક પુસ્તકોની હસ્તપ્રતો મેળવવાને તેમણે અનેક સ્થળોએ પ્રવાસ કરીને વૈષ્ણવ ગ્રંથભંડારો તથા ઇતર પ્રાચીન ગ્રંથોના જાહેર તથા ખાનગી સંગ્રહો ઢૂંઢી કાઢયા હતા. વૈષ્ણવ સંપ્રદાય માટે જ એક ખાસ સાહિત્યસશોધન સંસ્થાની કેટલી અગત્ય છે તેની પ્રતીતિ વૈષ્ણવધર્મ પરિષદને શ્રી. તેલીવાલાના પ્રયત્નાંના ફળો જોયા પછી ઉપજી હતી. તેમનું અવસાન ૨૬-૬-૧૯૨૭ના રોજ મુંબઈમા થયું હતું. શ્રી. તેલીવાલાનું પ્રથમ લગ્ન સને ૧૯૧૧-૧૨માં ઉજ્જનમાં અને બીજું લગ્ન ૧૯૨૦માં દશા મોઢ જ્ઞાતિમાં સુરતમાં થયું હતું. તેમના બીજાં પત્ની કાન્તા મૂલચંદ્ર તેલીવાલા વિદ્યમાન છે. તેમના બે પુત્રોનાં નામો શ્રી. ચંદ્રગોવિંદ બી.એ. એલ. એલ બી. થયા છે, બીજા પુત્ર શ્રી. વ્રજેન્દ્ર સાયન્સ કૉલેજમાં અભ્યાસ કરે છે.

***