ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/મૂળશંકર હરિનંદ મૂલાણી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
મૂળશંકર હરિનંદ મૂળાણી

ગુજરાતની સર્વસામાન્ય જનતાને રસ અને સંસ્કાર આપનારાં ૪૦થી ૫૦ની વિપુલ સંખ્યામાં અને ઊંચા સાહિત્યગુણ ધરાવતાં લોકપ્રિય દૃશ્ય નાટકો આપનાર અને ગુજરાતની રંગભૂમિનું સાચું સંસ્કરણ કરનાર આ નિરાડમ્બરી અને અબોલ નાટકકાર સાહિત્યજગતમાં બહુ જાણીતા નથી, એનું મુખ્ય કારણ એ છે કે એમાંના એક ‘દેવકન્યા' સિવાય એક પણ નાટક છપાએલું નથી. કાઠિયાવાડમાં ચાવંડ મુકામે પ્રશ્નોરા નાગર (અહિચ્છત્ર) જ્ઞાતિમાં વિ.સં.૧૯૨૪ ના કાર્તિક સુદ પાંચમને દિવસે મૂળ અમરેલીના વતની હરિનંદ દયારામ મૂળાણીને ત્યાં એમનો જન્મ થયો. એમના માતાનું માનકુંવર નથ્થુ મહેતા. અમરેલીમાં જ અંગ્રેજી ચોથા ધોરણ સુધી અભ્યાસ કર્યા બાદ એમણે આપમેળે વાચન વગેરેથી જ શેક્સ્પીઅર, શેરીડન તેમજ બીજા એવા સમર્થ અંગ્રેજ લેખકોનાં નાટકો તથા નવલો સરળતાથી વાંચી સમજી શકાય તેટલું જ્ઞાન મેળવ્યું અને સાહિત્યનો પોતાનો શોખ પોષ્યો. સંસ્કૃતમાં પણ કાલિદાસ આદિનાં નાટકો સમજીને વાંચી શકાય તેટલું જ્ઞાન એ જ રીતે મેળવ્યું. સાહિત્ય ઉપરાંત પ્રાચીન તેમજ આધુનિક ફિલ્સૂફી તથા ધર્મનું સાહિત્ય, યોગાભ્યાસ અને આધુનિક વિજ્ઞાન એ એમના અભ્યાસના પ્રિય વિષયો. એમના જીવન પર પણ એ સમર્થ નાટકકારોના વિચારોની, પાતંજલ યોગદર્શન જેવાં પુસ્તકોની તેમજ નથુરામ શર્મા અને ઍની બેસંટ જેવાં ધર્મમીમાંસકોનાં લખાણોની પ્રબળ અસર પડી છે. જીવનભર એમણે નાટકૉ લખવાનો જ વ્યવસાય કર્યો છે અને ગુજરાતની જાણીતી નાટક કંપનીઓને સંખ્યાબંધ લોકપ્રિય નાટકો આપ્યાં છે, જેવાં કે- ‘મુંબઈ ગુજરાતી નાટક કપની'માં રાજબીજ, કુન્દબાળા, જયરાજ, બૅરિસ્ટર, અજબકુમારી, વીરમંડળ, વિક્રમચરિત્ર, સૌભાગ્યસુંદરી, જુગલ જુગારી, કામલતા, પ્રતાપ લક્ષ્મી, વસંતપ્રભા વગેરે; ‘કાઠિયાવાડી નાટક મંડળી'માં કૃષ્ણચરિત્ર અને દેવકન્યા, ‘રોયય નાટક મંડળી’માં ભાગ્યોદય અને એક જ ભૂલ, તેમજ 'મુંબઈ સુબોધ ગુજરાતી નાટક મંડળી’માં રત્નાવલિ, વિક્રમ અને શનિ વગેરે. કાઠિયાવાડમાં કુંડલા (સાવર) મુકામે સં.૧૯૩૭માં શ્રીમતી કૃષ્ણાબાઈ જોડે એમનું લગ્ન થયું. એમનાં ત્રણ બાળકોમાં સૌથી મોટાં દીકરી ધીરજ. વચલા પુત્ર હરિલાલ મૂળાણી કાનપુરના ટેક્નિકલ ઈન્સ્ટીટ્યૂટમાં લેક્ચરર છે, અને નાના પુત્ર મણિલાલ પણ વિજ્ઞાન લઈને એમ. એસસી. થએલા છે. ગુજરાતી રંગભૂમિનું સક્રિય ઉત્થાન લાવવામાં એમના જેટલો, હિસ્સો હજુસુધી ભાગ્યે જ કોઈએ આપ્યો છે. ગુર્જર રંગભૂમિ પર કવિ મૂળશંકરનો ઉદય થયો ત્યારે ગુજરાતી નાટકોની સ્થિતિ વિચિત્ર હતી. ગુજરાતી ભાષણો, હિંદી ગાયનો અને દક્ષિણી પહેરવેશવાળાં સ્ત્રીપાત્રોથી નાટકો ભજવાતાં. ગુજરાતી નાટકોમાં શુદ્ધ ગુજરાતી ભાષા, આચારવિચાર બધું ગુજરાતી જીવનમાંથી ઉતારવાનો પ્રયત્ન કરી નાટ્યસાહિત્યની પ્રથમ દિશા બતાવવાનું કામ કવિ મૂળશંકરે કર્યું. એમની પ્રતિભાવાન કલમે લખાએલાં નાટકો, ઉર્દૂના પ્રખ્યાત લેખક મુન્શી આત્રા હશ્ર અને મરાઠી નાટકકાર ખાડિલકર અનેક વાર જોતા અને તેનું મનન વિવેચન કરતા. વાઘજી આશારામ અને ડાહ્યાભાઈ ધોળશાજી એમના સમકાલિનો. એમનું પ્રથમ નાટક 'રાજબીજ' ઈ.સ.૧૮૮૮-૯૦ની લગભગ લખાયું. ત્યારપછી 'કુંદબાળા', 'મૂળરાજ', 'જયરાજ વગેરે આવ્યા. ગુજરાતના લોકસમાજને ઘેલો કરનાર 'સૌભાગ્યસુંદરી' નાટકના અને તેમાં જાણીતા પાત્ર જયશંકર 'સુંદરી'ના સર્જક પણ એ જ. એ ‘સૌભાગ્યસુંદરી' સાથેનાં ‘અજબ કુમારી', 'વીરમંડળ' 'વિક્રમચરિત્ર', 'જુગલ જુગારી’, ‘કામલતા', ‘નંદબત્રીસી', અને 'કૃષ્ણગરિત્ર' એ એમનાં મધ્યકાળનાં નાટકો, લોકરુચિને સાથે રાખવાના પ્રયત્નમાં એમાં માત્ર એમણે સરળ અને આકર્ષક વસ્તુયોજના એ બે જ તત્ત્વો સંભાળેલાં છે; જ્યારે સાહિત્યગુણોની દૃષ્ટિએ જેતે વસ્તુવિકાસ, પાત્રવૈવિધ્ય, સ્વભાવવિકાસ, આદિ કલાની યોજના સાથે ઉચ્ચ આદર્શો અને વિચારો, રસિક તર્કવાદો, શુદ્ધ અને બળવાળી ભાષા તેમજ કાવ્યમય સાહિત્યનો ઉપયોગ એમાં ઉત્તરોત્તર ચડતો દેખાતો આવે છે. ‘કૃષ્ણચરિત્ર' નાટક સુધીમાં એમનો મધ્યકાળ પસાર થઈ એમની કલા પૂર્ણ વિકાસ પામે છે. એ દરમ્યાન એમનું જીવન પણ ક્રમશઃ યોગાભ્યાસ અને તત્ત્વચિંતન તરફ વળતું જતું હોવાથી એમનાં પકવકાળનાં નાટકો હૃદયભાવનાનાં ચિત્રો કરતાં વિચારસમૃદ્ધિથી વિશેષ ભરેલાં દેખાય છે. તેમાં 'દેવકન્યા', 'ચૈતન્યકુમાર', 'વસંતપ્રભા', 'પ્રતાપ લક્ષ્મી', 'સંગતનાં ફળ', 'ઊર્વશી', 'ભાગ્યોદય', 'એક જ ભૂલ', ‘પોરસ-સિકંદર', ‘કૉકિલા', ‘ધર્મવીર', 'કલ્યાણરાય', 'રત્નાવલિ' અને ‘વિક્રમ અને શનિ' (૧૯૨૫) ગણાવી શકાય. આ બધાં નાટકો ઉપરાંત અનેક નાટકૉમાં થોડા ઘણા પ્રવેશો ને ગાયનો એમણે લખી આપ્યાં છે; ઘણાંમાં પ્રસંગવૈવિધ્ય યોજીને રસ ઉપજાવ્યો છે; ઘણાંની વસ્તુસંકલના સુધારી આપી છે. 'સૂર્યકુમારી' અને 'છત્રસાલ’ તેનાં ઉદાહરણ છે. સદ્ગત સાક્ષરવર્ય ગોવર્ધનરામભાઈ અને રમણભાઈ જેવાઓએ એમનાં નાટકો જોઈને ઊંચા અભિપ્રાય આપેલા. સ્વ. રણજીતરામે એમનાં નાટકોમાંથી કેટલાક ભાગ પ્રસિદ્ધ કરવાની માગણી કરેલી, પણ દૈવયોગે રણજીતરામ અકાળ અવસાન પામ્યા. એમનું એકમાત્ર પ્રકાશિત પુસ્તક 'દેવકન્યા' ઈ.સ.૧૯૦૯ માં બહાર પડ્યું છે. બાકીનાં એમનાં રચેલાં નાટકો વિવિધ કંપનીઓએ ભજવેલાં, તેની યાદી નીચે મુજબ છે: (૧) રાજબીજ, (૨) કુન્દબાળા, (૩) જયરાજ, (૪) મૂળરાજ સોલંકી, (૫) બૅરીસ્ટર, (૬) અજબકુમારી, (૭) વીરમંડળ, (૮) વિક્રમચરિત્ર, (૯) સૌભાગ્યસુંદરી, (૧૦) જુગલ જુગારી, (૧૧) નંદબત્રીસી, (૧૨) શકુંતલા, (૧૩) કામલતા, (૧૪) થી કૃષ્ણચરિત્ર, (૧૫) દેવકન્યા, (૧૬) ચૈતન્યકુમાર, (૧૭) વસંતપ્રભા, (૧૮) પ્રતાપ લક્ષ્મી, (૧૯) સંગતનાં ફળ, (૨૦) ભાગ્યોદય, (૨૧) એક જ ભૂલ, (૨૨) કૉકિલા, (૨૩) પોરસ-સિકંદર, (૨૪) ધર્મવીર, (૨૫) કલ્યાણરાય, (૨૬) રત્નાવલિ, (૨૭) વિક્રમ અને શનિ, (૨૮) ઊર્વશી-પુરુરવા અથવા કનકમંજરી, (૨૯) સુદર્શન. આમાંનાં ૨૩, ૨૪, ૨૫, ૨૮ અને ૨૯ નંબરનાં નાટકો સંયોગવશાત્ ભજવાયાં નથી. આ ઉપરાંત તેમણે બીજાં કેટલાંક નાટકો લખ્યાં છે અને લખવા માંડેલાં છતાં અધૂરાં રહ્યાં છે. તેમાંનાં થોડાંનાં નામ-ભોજપ્રતાપ, ચીન-જાપાન, સુધરેલી, શ્વેતવસના, ભોજરત્ન કાલિદાસ, ચિત્તોડની રાણી પદ્મિની, ગોરી ગુલામડી, ગનોરની રાણી, મધુ-માધવી, ઓખાહરણ, ચપલાની ચાતુરી, ઈત્યાદિ.

***