ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/સાકરલાલ મગનલાલ કાપડિયા (‘મધુકર’)

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
સાકરલાલ મગનલાલ કાપડિયા

શ્રી. સાકરલાલ મગનલાલ કાપડિયા (મધુકર) મૂળે પારડી (જી.સુરત)ના મોઢ વણિક છે. તેમનાં માતાનું નામ હીરાબાઈ. તેમનો જન્મ સં.૧૯૫૩માં થએલો. ઈ.સ.૧૯૨૪માં તેમનું લગ્ન થએલું. પત્નીનું નામ વીરમતી. પારડીમાં પ્રાથમિક કેળવણી લીધા પછી અંગ્રેજી કેળવણી શાળામાં ભણીને તેમણે માત્ર ૩ ધોરણ સુધી જ લીધેલી; પરન્તુ ખંત અને ખાનગી અભ્યાસને જોરે તેમણે પોતાનું અંગ્રેજી જ્ઞાન એટલું વધાર્યું છે કે તાજેતરમાં તેમણે અમેરિકાના પ્રૌઢશિક્ષણપ્રચારના નિષ્ણાત મી. ડેલ કારનેગીના ગ્રંથ How to win friends and influence people એ નામના અંગ્રેજી ગ્રંથનો અનુવાદ કર્યો છે જે મેસર્સ ડી. બી. તારાપારવાળાએ પ્રસિદ્ધ કર્યો છે. એ ઉપરાંત બીજાં ઘણાં પુસ્તકો તેમણે અંગ્રેજી ભાષાના ગ્રંથોનો આધાર લઈને લખ્યાં છે. તેમનો મુખ્ય વ્યવસાય પત્રકારિત્વ છે. છેલ્લાં ૨૦ વર્ષથી તે ‘જામે જમશેદ'ના તંત્રીખાતામાં કામ કરે છે. તેમના જીવન પર વિશિષ્ટ અસર મીસીસ બેસંટ અને ગાંધીજીની થઈ છે પરન્તુ તે આછી છે, ઘેરી નથી, એમ તેમનું કહેવું છે. અત્યારનું પોતાનું જીવન જડ યંત્રવત્ છે એવું તે માની-અનુભવી રહ્યા છે. તેમનું પહેલું પુસ્તક "કમનસીબ લીલા” ઈ.સ.૧૯૧૭માં બહાર પડેલું. ત્યારપછીનાં તેમનાં બીજાં પુસ્તકોમાં “લોહીનો વેપાર" અને "ધીખતો જ્વાળામુખી”એ બે નવલકથાનાં પુસ્તકો મૌલિક છે અને બાકીનાં નવલકથાનાં પુસ્તકો! અનુવાદ કે અનુકરણરૂપ છે. પુસ્તકોની નામાવલિ નીચે મુજબઃ (૧) કમનસીબ લીલા-ભાગ બે. (૨) કલંકિત કાઉન્ટેસ. (૩) સૌંદર્યર્ય વિજય-પાંચ ભાગ. (૪) મધુર મિલન. (૫) આનંદ ઝરણાં (૪) બુલબુલ. (૭) પ્રેમ-સમાધિ (૮) ગોરા-બે ભાગ. (૯) લંડન રાજ્યરહસ્ય-૧૨ ભાગ. (૧૦) જીંદગી જીતવાની જડીબુટ્ટી (How to win friends and influence people). (૧૧) સ્વરાજ્યને પંથે. (૧૨) લોહીનો વેપાર. (૧૩) ધીખતો જ્વાળામુખી. (૧૪) અંધકાર પર પ્રકાશ. (૧૫) રાતની રાણી. (૧૬) બેગમ કે બલા? (૧૭) રસમંદિર.(૧૮) કુસુમકુમારી. (૧૯) પેલે પાર (નાટક). (૨૦) ગુન્હેગાર (નાટક). (૨૧) આ તારા બાપનો દેશ.

***