ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/હાશિમ યુસુફ ભરૂચા (‘ઝાર’ રાંદેરી)

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
હાશિમ યુસુફ ભરૂચા (‘ઝાર’ રાંદેરી)

'ઝાર' રાંદેરીના તખલ્લુસથી લખાએલાં પુસ્તકો-અને તેમાં પણ ‘શાયરી’ નામના ઈસ્લામી કાવ્યપ્રણાલિના પિંગળની સમજણ આપતાં બે પુસ્તકોના કર્તા તરીકે ગુજરાતી જાણનારાઓને પરિચિત આ લેખક મૂળ રાંદેરના સુન્ની વહોરા કોમના છે. સુરત જિલ્લાના રાંદેર ગામમાં ઈ.સં.૧૮૮૭ના નવેમ્બરની પહેલી તારીખે એમનો જન્મ થયો. એમનું નામ હાશિમ યુસુફ ભરૂચા અને એમના પિતાનું નામ યુસુફ હાશિમ ભરૂચા. એમનાં માતાનું નામ મૂમિનબીબી. રાંદેરમાં જ ઇ.સ ૧૯૦૪માં રસૂલબીબી સાથે એમનું લગ્ન થયું. તેમને એક પુત્ર અને પાંચ પુત્રીઓ છે. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ રાંદેરમાં લઈ તેઓએ દિલ્હી જઈ ત્યાંના મદ્રેસા અમીનિય: અરબિયઃમાં ઉચ્ચ શિક્ષણ લીધું. હાલ તેઓ પોતાના વતનમાં શ્રી રાંદેર યૂનાની ફાર્મસી' ચલાવે છે; પરંતુ બચપણથી જ સાહિત્ય પ્રતિ વલણ હતું, તેમાં ગુલિસ્તાં, દીવાને હાંફિઝ, તુહફ્તુલ અહરાર, વગેરે પુસ્તકોના વાચને એમને ખૂબ પ્રેરણા આપી. એ ઉપરાંત એમના ગુરુ મૌલાના અશ્રફઅલી થાનવી, ઉસ્તાદ મુફ્તી કિફાયતુલ્લાહ, મર્હૂમ અનવરશાહ વગેરેની એમના જીવન ઉપર પ્રબળ અસર પડી છે. યૂનાની વૈદાના એમના ચાલુ વ્યવસાય ઉપરાંત આજ પંચાવન વર્ષની ઉમરે પણ તેઓની સાહિત્ય પ્રવૃત્તિ હજી ચાલુ જ છે. એ ઉપરાંત સંગીતનું જ્ઞાન એમણે બચુ ઉસ્તાદ કચ્છી પાસેથી અને સૂરનું જ્ઞાન ઇંદોરવાળા મહમુદખાન પાસેથી મેળવ્યું છે, અને એ શાસ્ત્રમાં ૩૫ વર્ષનો અનુભવ ધરાવે છે. આમ કાવ્ય અને સંગીત એ બંને કળાઓના શાસ્ત્રીય જ્ઞાનનો એમનામાં સમન્વય થયો છે. એમનો પ્રથમ ગ્રંથ ક્સ્દુસ્સબીલ (અનુવાદ) ઇ.સ.૧૯૧૩માં બહાર પડ્યો એની આજસુધીમાં છ આવૃત્તિ થઈ ચૂકી છે. એમના ગ્રંથોની યાદી નીચે મુજબ છેઃ કરદુસ્સબીલ, (અનુવાદ) હિંદુસ્થાની ભાષા (અનુવાદ) શમ્શીરે સદાક્ત (મૌલિક) મુહન્નદ (અનુવાદ) ખુત્બ એ સદારત (અનુવાદ) હિન્દુ રાજ્યના હુમલા (મૌલિક) ધર્મપ્રચાર (અનુવાદ) હઝરત મૂસા (અલ) (અનુવાદ) આત્મા અને પુનર્જન્મ (મૌલિક) મહાત્મા અને ઇસ્લામ (અનુવાદ) તિહઝીરુન્નાસ (અનુવાદ) શાયરી ભાગ ૧-૨ (મૌલિક)

***