ચંદ્રહાસ આખ્યાન/કડવું ૨૬

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
કડવું ૨૬

[ચંદ્રહાસના ચંપકમાલિની સાથે વિવાહ થાય છે. રાજા વર-વહુને આશીર્વાદ આપે છે. પછી બે કન્યા સાથે લગ્ન કરેલા ચંદ્રહાસે પ્રણામ કરવા માટે પોતાના સસરાને બોલાવ્યા. ચંદ્રહાસને રાજમહેલમાં જોઈને ધૃષ્ટબુદ્ધિ તરત જ પૂછે છે; ચંદ્રહાસે કહ્યું કે મારા બદલે પૂજા કરવા મદન ગયો છે આ સાંભળતાં જ ધૃષ્ટબુદ્ધિ મૂર્છિત થઈ જાય છે.]

રાગ : સામેરી

નારદજી એમ ઊચરે : સુણ, પારથ બળવંતજી,
મરણથી ઊગર્યો રાજા, જેને માથે શ્રીભગવંતજી.         

હવે ચંપકમાલિની કેમ પરણી, તે કહું કથાયજી,
ચંદ્રહાસ કુંતલને મંદિર હરિ ભજતો જાયજી.         

પોંખી-પૂજીને ઘરમાં લીધાં, ગાલવ દેખી પ્રસન્ન થાયજી,
રાજાને કહે : ‘ઉતાવળ કીજે, લગ્નવેળા જાયજી.’         

માહેરામાં ગોત્રોચ્ચાર કીધા, ચોરીમાં તેડી લાવ્યાજી;
કુંતલે કન્યાદાન દીધું; દેવ ગગને જોવા આવ્યાજી.         

મંગળફેરા પહેલા ફરિયાં, આપ્યા હસ્તી, મૂક્યું પાણીજી;
ગાલવ ઋષિ વખાણ કરે છે, હરખ હૈયામાં આણીજી.         

બીજા મંગળફેરામાં આપ્યાં કનક સહિત સપ્ત ધાતુજી;
એમ રાજાએ માંડ્યું દાન જ, મન રાખ્યું ત્યાં માતું[1]જી.         

ત્રીજા મંગળના ફેરામાં આપી વસ્તુ રાજ્યાસન માંયજી;
રથ સુખપાલ[2] ને વસ્ત્ર નાનાવિધ મન મૂકી આપ્યાં ત્યાંયજી.         

ચોથો મંગળ ફેરો ફરિયાં, આપ્યું રાજ્યસનજી;
ચંદ્રહાસને પગે પડિયા, રાયજી બોલ્યા વચનજી :         

‘અમો અપરાધી વનમાં જાશું; પુત્રીને છેહ ન દેશોજી;
વિષયા તો ઘણું રૂપવાન છે; રૂડું ભૂડું કાંઈ ન કહેશોજી.’         

પછે કંસાર જમ્યાં વરકન્યા, હૈયે હર્ષ ન માયજી;
ચંપકમાલિની આનંદ પામી, જે પરણી ચંદ્રહાસ રાયજી.          ૧૦

પછે રાજા સ્ત્રી સાથે વન ચાલ્યા, વનકૂળ અંગે ધરતાજી,
પુત્રીને શિખામણ દીધી : ‘આળસ ન સેવા કરતાંયજી.’          ૧૧

ચંદ્રહાસ વળાવી વળિયો; ચંપકમાલિનીએ આંખ ભરીજી;
ચંદ્રહાસે સાતા દીધી : ‘રેશો મા, સુંદરીજી.’          ૧૨

રાજ્યાસને કુંવર બેઠો, શાલિગ્રામ પર છત્ર ધરાયજી.
બે સ્ત્રીઓ આર્ધાંગે રહેતી, સુંદર શોભે શોભાયજી.          ૧૩

આવ્યા ગાલવ ઋષિ કહેતા : ‘ચંદ્રહાસ જોગ
ચંદ્રહાસે પૂજન કીધું, સંતોષિયા ભગવાનજી.          ૧૪

‘અરે ગુરુજી, કોણ એવો છે સસરાને લાવે તેડીજી?
આપણા રાજમાં જે ખાઈ ગયો છે, તે સર્વે લીજે ઝંઝોડીજી.’          ૧૫

ત્યારે ઋષિ કહે : ‘એ કાર્ય મારું,’ કહી ઉતાવળો ચાલ્યોજી;
સવારે શપ્યાથી ઊઠતાં પાપી પુરોહિત ઝાલ્યોજી.          ૧૬

‘કુલિંદકુંવરને રાજ્ય આપ્યું, કુંતલ પધાર્યો વનજી;
નામું લેખું ચોખ્ખું કરવા તેડે ચંદ્રહાસ રાજનજી.’          ૧૭

સાંભળતાં હુંતાશન લાગ્યો : ‘જમાઈ જીવ્યો તે જુઓજી;
કુંવરી સાથે રાજ્ય પામ્યો, મેં મરાવ્યો નવ મૂઓજી.’          ૧૮

દંત કરડતો ને મૂછ મરડતો આવ્યો રાજસભા મોઝારજી;
ચંદ્રહાસે માન જ દીધું; કર જોડી કીધો નમસ્કારજી.          ૧૯

ધુણાવી શીશ, ચઢાવી રીસ, મુખે બોલ્યો મર્મની માંહ્યજી :
‘અરે સાધુ, મોકલ્યા’તા કરવા દેવી તણી પૂજાયજી!’          ૨૦

જમાઈ કહે : ‘જ્યારે ગયાની વેળા, ત્યારે હતું લગ્નજી;
મારે સાટે મોકલ્યા છે પૂજા કરવા મદનજી.’          ૨૧

વલણ


‘મોકલ્યો મદન પૂજાને,’ એવી વાત દુષ્ટે સાંભળી રે;
ઊડી ગયું મુખ ને પામ્યો દુઃખ, મૂર્ખને મૂર્ચ્છા વળી રે.          ૨૨




  1. માતું – ઉમંગમાં ઉદાર
  2. સુખપાલ – પાલખી