ચાંદનીના હંસ/૮ સંધિકાળ
Jump to navigation
Jump to search
સંધિકાળ
લૉનમાં કૂણા ભીના તૃણ તૃણ ઉપર નાચે પવન.
માથું નમાવી સૂર્ય ચૂમી ભોંય
ગળતો ઘાસમાં.
ઊંડે સૂતેલી લીલ પરની થરકતી જળ – લહેરખીની જેમ
ચારેકોર મેંદી વાડ, કૂણી કેળ ને શિરીષ ઘટાઓ
બાહુઓ ફેલાવતી
ઊંચકાઈને ઊંચીનીચી થઈ રણઝણે.
દાહક થપાટે શીશ પટકી, પ્રજળતો ઊછળે પવન.
ને ઘાસમાં આળોટતું
અંધારને છંછેડતું
વળી તંગ તીણાં તૃણ તૃણને
બાથમાં લઈ ભીંસતું
આકાશ માંસલ તારકે
લીલોતરીમાં લસ લસે.
૧૮–૨–૭૮