ચાંદરણાં/માણસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


1. માણસ


  • પ્રતિબિંબ સિવાય પણ માણસ પોતાની બહાર હોઈ શકે છે.
  • માણસ ઊભા રસ્તે જાય છે ત્યારેય રસ્તો સૂતેલો હોય છે.
  • માણસ કાંટો થાય તો પવનને પણ ઉઝરડા પડે!
  • માણસ બ્લેકબૉર્ડ પર ભુંસાવા માટે લખાયેલો શબ્દ છે.
  • માણસની જરૂરિયાતો માણસને સસ્તો બનાવી દે છે.
  • ગોળ ગોળ બોલનાર માણસ, ગબડતો નથી પણ ગબડાવે છે.
  • માણસ કંઈ દરિયો નથી કે પોતાનામાં જ આંદોલન કરે!
  • ભૂતકાળ અને ભવિષ્યકાળની ડબલ સવારીને વર્તમાનમાં ખેંચે તે માણસ.
  • હિસાબ માંડશો તો માત્ર માણસ જ ખૂટે છે.
  • માણસનો બીજા માણસ પરનો અવિશ્વાસ એને દેવ પાસે પહોંચાડે છે.
  • ખોટમાંયે માણસ, ને પુરાંતમાં પણ માણસ!
  • માણસની ઇચ્છા જ એની અપૂર્ણતા પ્રગટ કરે છે!
  • માટીનો માણસ ધૂળનો માણસ થવા રાજકારણી થાય છે.
  • સારા માણસ મૂંગા રહેવાનો અપરાધ પણ કરે છે.
  • ધર્મ માણસને પાળે છે, પણ માણસ એને ‘પાલતુ’ બનાવી દે છે.
  • ઈશ્વરે અવળા હાથે મૂકેલી જણસ, તે માણસ.
  • કોઈપણ સ્થાનને નિર્જન કરવા માણસ હાજર છે!
  • માણસ એકલતાના ડરે પરણે છે!
  • માણસને કપાસના ફૂલનું રક્ષણ છે એટલું બીજા કોઈ ફૂલનું નથી.
  • ગુસ્સો શબ્દની વ્યુત્પત્તિ : માણસ
  • પછડાઈને પાછાં પડે તે મોજાં, પછડાઈને આગળ વધે તે માણસ.
  • પ્રાર્થના ન કરે ત્યાં સુધી માણસ નિરાધાર નથી હોતો.
  • માણસ દિવસે ઊંઘ ભેગી કરીને રાત્રે વાપરે છે.
  • માણસ શું છે? આંસુનું એક સરનામું છે.
  • માણસ ગુમ થાય છે ત્યારે તે હતો એવા સમાચાર મળે છે!
  • એકાંતમાં ખોવાય તેને કોઈ ન જાણે, પણ મેળામાં ખોવાય તેને બધા જાણે.
  • માણસ મૂંગો રહે એ માટે રાત્રિ આવે છે.
  • સારા માણસો બીજાના અભિપ્રાય પર જીવતા નથી.
  • માણસ ઈશ્વરથીયે ન ઉકેલાતી સમસ્યા છે.
  • પાઘડી સાચવવા માથું ગુમાવે તેને માણસ કહેવાય.
  • વાચાળ માણસ આપણને બહેરા બનાવે છે.
  • સમસ્યા માણસ છે, ઉકેલ પણ માણસ છે.
  • કેટલાક માણસ, ખુદ સમય માટે તક હોય છે!
  • એક માણસ કેટલી બધી જાહેરખબરોનો અનુયાયી હોય છે!
  • બીજાઓ એની ભૂલ બતાવે એની માણસ રાહ જુએ છે!
  • માણસ પણ લાઇબ્રેરીના નહીં વંચાતા પુસ્તક જેવો હોય છે.
  • માણસ ચાલતો નથી, પરિસ્થિતિ એને ધકેલે છે.
  • માણસનું સૌથી વધારે રોકાણ ઊંઘમાં હોય છે.
  • પહેલાં ‘ઢોરવૈતરું’ કરતો માણસ આજે ‘યંત્રવૈતરું’ કરે છે.
  • માણસને ગૌરવ મળે તોયે તે રૌરવ (નરક) પસંદ કરે છે.
  • ભય પણ માણસને ‘પરેસવાની કમાણી’ કરાવે છે.
  • ભીખને બદલે દાન માંગે તે સારો માણસ કહેવાય.
  • સંસ્કારી માણસ પોતાના વિશે સારી ગેરસમજ ફેલાવે છે.
  • વારંવાર સરનામાં બદલતો માણસ છેલ્લું સરનામું બદલતો નથી.
  • નસીબ માણસોની પસંદગી બદલ્યા કરે છે.
  • માણસ તો પોતાના વિના પણ ચલાવી લે તેવો સગવડિયો છે.
  • માણસને એકાંત જોઈતું હોય ત્યારે તે નોટોના બંડલ ગણે છે.
  • બ્રહ્માએ ઘડતર તો કર્યું પણ ચણતર કરવાનું માણસ પર છોડ્યું.
  • કેટલાક માણસો રેલ્વેની મુસાફરીમાં જ નજીક આવે છે.
  • સારા માણસો વર્તમાને ભાગીદાર અને ભવિષ્યે હરીફ.
  • દરેક કાવતરા પાછળ માણસ જ હોય છે!
  • વેદનાનો અનુવાદ કરવા માણસ મૂંગો થઈ જાય છે.
  • માણસ કોઈપણ દિશાને ઉગમણી દિશા બનાવી શકે છે.
  • દરિદ્રમાં દરિદ્ર માણસને સ્મૃતિનો વારસાહક હોય છે.
  • માણસ કેટલો ઉદાર છે, જીવનનું એક વર્ષ ઓછું થયું તેનો ઉત્સવ ઊજવે છે!
  • માણસમાં પાણી હોય તો મોજાં ઊઠે, પરપોટા ન થાય.
  • માણસ છે એક જ વહાણ, પણ તેને કેટલાં તો લંગર!
  • માણસથી માણસ સુધી પહોંચતાં થાકી જવાય છે.
  • વિચારોનું ટોળું માણસના એકાતંમાં જ ભેગું થાય છે.
  • દરેક મહાન માણસની આગળ એક વિશેષણ હોય છે.
  • અજોડ માણસને પણ પડછાયાની જોડ હોય છે.
  • માણસમાં હોવું એ માણસ હોવા જેટલું સહેલું નથી.
  • માણસ અને ઘરમાં ફેર એ છે કે એકને નામ હોય છે, બીજાંને નામ ઉપરાંત નંબર પણ હોય છે.
  • માણસની મદદ વગર શેતાન સફળ થઈ શકતો નથી.
  • માણસ હાડપિંજર ન હોય તોયે તે ‘ખોપરી’ હોઈ શકે છે.
  • હવે માણસને નહીં, મિસાઈલને દૂરનાં લક્ષ્યો હોય છે.
  • સારા માણસના કાનને પણ ખરાબ સાંભળવું ગમે છે!
  • હવે સત્ય જ ફાટે ડોળે માણસ સામે જુએ છે.
  • માણસ સૂર્ય નથી એટલે એક જ વાર આથમવા માટે ઊગે છે.
  • બીજા જુએ છે એટલે માણસ પોતાને જોતો નથી!
  • આકાશને શી ખબર, માણસને પોતાનું આકાશ હોય છે.
  • માણસના બે હાથ એને સમેટી શકતા નથી કે ફેલાવી શકતા નથી.
  • માણસ પોતાના માટે અરીસો અને બીજા માટે દૂરબીન વસાવે છે.
  • દરેક માણસ સારો છે, માત્ર દુનિયા જ ખરાબ છે!
  • દુનિયા તો સત્ય છે માણસ જ એક ભ્રમણા છે!
  • માણસને માર્ગ મળતો હતો, હવે માર્ગને માણસો મળે છે!
  • માણસના સંયમની પાળ રેતીની બનેલી હોય છે.
  • દરેક માણસ પોતાના પ્રત્યે ઉદાર જ હોય છે!
  • મૃત્યુ સિવાયના ભવિષ્યના સપનાં જુએ તે માણસ!
  • આદમખોર પ્રાણી કરતાં માણસ વધારે આદમખોર હોઈ શકે છે.
  • માણસનો ઇલાજ ઈશ્વર નહીં માણસ છે.