ચાખડીએ ચઢી ચાલ્યા હસમુખલાલ/કૃતિ-પરિચય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


કૃતિ-પરિચય

‘ચાખડીએ ચઢી ચાલ્યા હસમુખલાલ’

૧૯૬૯માં જ્યોતિષ જાનીની પ્રથમ નવલકથા ‘ચાખડીએ ચઢી ચાલ્યા હસમુખલાલ’ પ્રસિદ્ધ થઈ હતી. ત્યારે એના ઠઠ્ઠાચિત્ર જેવા મધ્યવર્ગીય નાયક હસમુખલાલ પાત્રનિરૂપણ અને ભાષાની સર્જનાત્મક અભિવ્યક્તિને લીધે ધ્યાનપાત્ર બની હતી. ઓગણપચાસ વર્ષનો બૅન્ક એકાઉન્ટન્ટ તરીકે કામનો બોજ ઉઠાવતો હસમુખલાલ – પરિવારમાં પણ માતા ચંચળબા, પત્ની શારદા, ત્રણ પુત્રીઓ નીતા, સરિતા, સ્વાતિની જવાબદારીનું વહન કરે છે. શહેરમાં રહે છે. સ્વપ્ન છે જમીન લઈ મકાન બનાવવાનું, આ માટે રૂપિયાની વેતરણ ફંડમાંથી કરતાં રહેવાનું. નવલકથાકારે એનું વિગતખચિત નિરૂપણ કર્યું છે, એ રસપ્રદ છે. તો શરીરથી પણ ક્યાં સુખી છે? દેહાદિની વ્યાધિ, કબજિયાત, હરસમસા... વગેરેથી પીડાય છે —એનું હાસ્યના પુટમાં કરેલું નિરૂપણ કરુણને નીપજાવે છે. એથી એને અભ્યાસીઓએ ‘ટ્રેજિ-કોમિક’ એમ કહ્યું છે. હસમુખલાલની સામે —એક બીજું પાત્ર અજય શાહનું મૂકાયું છે, એ એના પિતાથી દુઃખી ને નારાજ છે. એ હસમુખલાલને પચીસ હજાર રૂપિયા સામેથી આપવા તૈયાર થાય છે. આ રૂપિયા સ્વીકારવા કે નહીં એ હસમુખલાલ માટે પ્રાણપ્રશ્ન બની રહે છે. કોઈને આ વાત કરવી કે નહીં ? એ પણ એ નક્કી કરી શકતા નથી. છેવટે મોટી પુત્રી નીતાને એ વાત કરે છે એ પછીની મનોસ્થિતિનું વર્ણન ભાષાકૌશલના ઉદાહરણરૂપ છે : ‘હુમ જગ જીત્યા’ કહેતાં હસમુખલાલે જમીન પરથી એક કાંકરો લઈ હવામાં ઉછાળ્યો ને બે હાથની હોડી બનાવી ઝીલી લીધો. ને એ પળે છેક માથાના તાળવા ઉપર બ્રહ્મરંધ્રથી માંડી છેક પગની પાની સુધી આનંદની એક સેર પ્રસરી ગઈ.... (પ્રકરણ પાંચ) છેવટે દૂધેશ્વર સ્મશાનગૃહે બીડીથી પોતાના દેહને ચાંપતા હસમુખલાલને વાચકો જોઈ રહે છે — આ ખુલ્લો અંત નવલકથાને ઉપકારક છે. ભાષાની તાજગી અને સામાન્યને અસામાન્ય વિષય બનાવતી — આ અલગ શૈલીની નવલકથા આજે પણ આકર્ષક છે!

—અજય રાવલ