ચિત્રકૂટના ઘાટ પર/એક હતો કાગડો પૂરેપૂરો...

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
એક હતો કાગડો પૂરેપૂરો..

શાંતિનિકેતનના રતનકુઠિ નામે વિશિષ્ટ અતિથિગૃહમાં ૧૯૮૦ના માર્ચ મહિનાની એક સવારે મારી ઓરડીના બારણા પર હળવે હાથે કોઈના ટકોરા પડ્યા. બારણું ખોલીને જોઉ છું તો સ્વયં ઉમાશંકરભાઈ. એ બાજુના જ ઓરડામાં હતા. ત્યારે એ વિશ્વભારતીના આચાર્ય-કુલાધિપતિ હતા. “આવું કે?” કહેતા અંદર આવ્યા. તેમના હાથમાં એક કાગળ હતો.

કહે : ‘સાંભળો.’

હું પરમ કુતૂહલથી પ્રસન્નચિત્તે એમની સામે બેઠો. એ વાંચવા લાગ્યા :

આજ તો છે ને એવું બન્યું, એવું બન્યું, બા!

ચાટલામાં હું જોવા જાઉં, શું હું જોતો આ?

સફેદ માથું, સફેદ દાઢી, સફેદ મોટી મૂછો.

ગભરાઈ જતાં જતાં મેં તો સવાલ તરત પૂછ્યો :

હસે છે મારી સામે લુચ્ચું કોણ રે કોણ છે તું?

ચાટલામાંથી પડ્યો પડઘો તરત ઘડી : ‘તું’

આ તો નવી નવાઈ, આવું બનતું હશે, બા?

બા હસી હસી બેવડ વળી કહે, ‘સો વરસનો થા.’

અરે, આ તો કવિએ રચેલું બાળકાવ્ય! એ વાંચતાં એમનો ચહેરો, એમની આંખો, એમનો અવાજ, અરે સમગ્ર વ્યક્તિત્વ બાળસુલભ વિસ્મયથી ભરપૂર હતું. એમણે એ ફરી વાંચ્યું. એ બાળકાવ્ય રચાયાની પ્રસન્નતા હું જોઈ શકતો હતો.

પછી બીજે જ દિવસે સવારે ફરી એવું બીજું બાળકાવ્ય વાંચ્યું.

એ વાંચન પછી અમે શાંતિનિકેતનની આમ્રકુંજ ભણી ચાલવા નીકળતા. એમને આવાં બાળગીતો રચવાની હોંશ થયેલી. બાળકો માટે કશુંક લખવાની ઈચ્છા એ દિવસોમાં હતી. એ પછી કેટલીક એવી કવિતાઓ લખાઈ છે અને ‘અગિયાર બાળકાવ્યો’ નામથી ‘ધારાવસ્ત્ર’ નામે સંગ્રહમાં પ્રકટ થઈ છે. એ બધી કવિતાઓ એમને મુખે સાંભળતાં એવું લાગે કે, એ ‘શિશુ’ બની ગયા છે. મને ઘણી વાર થાય છે કે, એમણે એવી વધારે રચનાઓ કરી હોત!

એમની સામે વિશ્વકવિ રવીન્દ્રનાથનો આદર્શ હતો જ ને. રવીન્દ્રનાથે પણ ‘શિશુ’ અને ‘શિશુ ભોલાનાથ’ નામે બે સંગ્રહોમાં શિશુને કેન્દ્રમાં રાખી કરેલી રચનાઓ અક્ષરશઃ અર્થમાં અદ્વિતીય છે. આવડો મોટો કવિ બાળકો માટે લખે અને એ પણ એવું લખે કે, જો એમની ‘ગીતાંજલિ’ને નૉબેલ પારિતોષિક ના મળ્યું હોત, તો એમનાં શિશુ કાવ્યોના અંગ્રેજી રૂપાંતર ‘ધ ક્રેસન્ટ મૂન’ને તો અવશ્ય મળ્યું હોત એમ કાવ્યમર્મજ્ઞોનું કહેવું હતું.

રવીન્દ્રનાથે તો બાળકો માટે ઘણું ઘણું લખ્યું છે. કક્કો ઘૂંટવા માંડતા બાળકોથી શરૂ કરી એકડિયા-બગડિયા વર્ગો માટે તેમણે લખ્યા ‘સહજ પાઠ.’ એ ભણીને તો બંગાળની પાંચ પેઢીઓ તૈયાર થઈ હતી. એ રીતે એ ‘કવિ’ કરતાં ‘ગુરુદેવ’ તરીકે મોટા છે.

જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા હિંદી કવિ અજ્ઞેયજીએ ૧૯૭૭ના એમના એક ઈન્ટરવ્યુમાં એવી ઈચ્છા વ્યક્ત કરેલી કે, તે હવે બાળકો માટે લખશે. એ ઇચ્છા તેઓ પૂરી કરી શક્યા નહીં, પણ બાળકો માટે રચનાઓ કરવી એ કેટલું મહિમાવંતુ કામ છે તે સમજતા હતા. કવિ

ન્હાનાલાલ એ સમજતા હતા. ઉમાશંકર એ સમજતા હતા.

પરંતુ સંભવ છે કે, જે કોઈ કવિ ઉત્તમોત્તમ કવિતાઓ લખે છે તે બાળકાવ્ય લખવામાં સફળ ન પણ થાય. બાળકાવ્ય કે બાળકથા લખવા માટે સર્જક પાસે જુદી ‘ફેકલ્ટી’ હોવી જોઈએ. શિશુ બન્યા સિવાય શિશુસાહિત્યનું સર્જન કરવાનું દોહ્યલું છે. એ માટે ગિજુભાઈ થવું પડે, એ માટે ત્રિભુવન વ્યાસ થવું પડે, એ માટે રમણલાલ સોની થવું પડે.

હા, રમણલાલ સોની.

ગિજુભાઈ પછી ગુજરાતીમાં બાળસાહિત્યના આવા લેખક થયા નથી, જે બાળકોનાં સુંદર જોડકણાં લખે, બાળગીતો લખે, બાળનાટિકાઓ લખે, બાળકથાઓ લખે, કિશોરકથાઓ પણ લખે. સ્વતંત્ર રીતે લખે અને આખી દુનિયાના બાળકિશોર સાહિત્યના ખજાનામાંથી લૂંટ કરીને ગુજરાતી ભાષાના બાળકોને એ આપે. એ પણ એવી માતૃભાષા ગુજરાતીમાં કે બાળકો-કિશોરો એ ગુજરાતી વાંચતાં માતાના પુષ્ટ ધાવણથી જેવું શારીરિક સ્વાથ્ય મેળવે એવું એ ભાષાથી માનસિક સ્વાથ્ય મેળવે.

આજે રમણલાલ સોની ૯૦મા વર્ષમાં પ્રવેશવાની તૈયારીમાં છે, છતાં એક રીતે હજુ એવા જ વિસ્મયથી સભર શિશુ છે, જે ૮૫ વર્ષ પહેલાં એકડિયાના ભૂલકા તરીકે મોડાસાના એક મેળાવડા વખતે હતા. ‘એ કુતૂહલ, એ વિસ્મય, એ આનંદ’ હજી એમના વ્યક્તિત્વમાં છે. એટલે તો લગભગ ૯૦ની ઉંમરે પણ ‘ખદુક ઘોડા ખદુક’ સંગ્રહનાં ૧૦૦ કરતાં વધારે બાળકાવ્યો રચી કાઢે છે.

લગભગ વરસેક થયું હશે. એમને ઘેર સુતરિયા હાઉસ – એલિસબ્રિજમાં મળવા ગયો. નયનની અને શ્રવણની શક્તિ થોડી ક્ષીણ, પણ થોડી વારમાં ઓળખી લેતા. તરત હાથમાં હાથ રાખી હસતાં હસતાં વાતો કરે. આ વખતે કહે : “થોડાં કાવ્યો લખ્યાં છે. જોઈ જશો? બધાં છેલ્લા બે માસમાં જ લખાયાં છે.” એ કાવ્યો વાંચી સાહિત્ય પરિષદના પ્રમુખમંત્રીને અને અન્ય સભ્યોને કહ્યું : “આ તો આપણે પ્રકટ કરવા જેવી બાળકવિતાઓ છે.” સાહિત્ય પરિષદના પ્રમુખ વિનોદ ભટ્ટે પ્રસન્નતાથી પ્રસ્તાવનો સ્વીકાર કર્યો અને યથાક્રમે એ ચોપડી છપાવા ગઈ. એ હવે ગૂર્જર ગ્રંથરત્ન દ્વારા રમણલાલ સોનીનાં અન્ય પ્રકાશનો સાથે પ્રકટ થાય છે.

એ પ્રકટ થાય છે, રમણલાલ સોનીને જ્યારે ગુજરાત સાહિત્ય સભા થકી ૧૯૯૬ના વર્ષનો ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’ પ્રાપ્ત થાય છે, ૧૦મી મેના દિવસે. ૯૦ વર્ષના બાળસાહિત્યના લેખકને વધાવવા આખો ભાઈકાકા હૉલ ચિક્કાર હતો. શ્રી મહેન્દ્ર મેઘાણીએ કહ્યું કે, “કોઈ પણ સભામાં આટલાં બાળકો ભાગ્યે જ જોયાં હશે!”

આપણા પ્રસિદ્ધ કવિ-નાટ્યકાર-કથાકાર લાભશંકર ઠાકર હવે બાળકો માટેની વારતાઓ પણ લખે છે. ‘લાઠાદાદાની બાળવારતા’ઓ એમની પાસેથી વધારે ને વધારે મળે એવી આશા રાખીએ. તેમણે રમણલાલ સોનીને સુવર્ણચંદ્રક સમારંભ વખતે યોગ્ય રીતે જ ‘તપસ્વી’ કહીને એમની બાળસાહિત્ય સેવા માટે અનુવાદસેવા માટે રીતસરના જાહેર પ્રણામ કર્યા હતા. એ સાથે આખી સભાએ પણ એમને પ્રણામ કર્યા. આંખોને ધન્ય કરે એવું ભાવભીનું દૃશ્ય વારેવારે જોવા મળતું નથી.

‘માતૃભાષા ગુજરાતી ગુજરાતી’ – કરી કરીને તો બહુબધા તથાકથિત કેળવણીકારો બૂમો પાડે છે, પણ એમણે શું કર્યું છે ગુજરાતી ભાષા માટે? ગુજરાતનાં બાળકો માટે? એ બાળકો શું વાંચે? આ જમાનાને અનુસરીને એમને શું વાંચવું ઘટે એવી કોઈ ચિંતા એમણે કરી નથી. એવે વખતે રમણલાલ સોની જેવા બાળકોના સાહિત્યકારનું બહુમાન કેટલું બધું ઉચિત છે? પણ તેઓ છેક ૯૦ વર્ષના થયા ત્યારે સભાના વિદ્વાનોને આ સન્માન આપવાનું સૂઝ્યું? એમ કહી લાભશંકર ઠાકરે યોગ્ય ટકોર કરી, પણ રમણલાલને તો કશી શિકાયત જ નહોતી. એમણે તો બાળસાહિત્યનું લેખન (કે ટાગોર-શરદબાબુનું અનુવાદકાર્ય) પોતાના જીવનધર્મ જેવું લાગ્યું છે, અને એમણે કહ્યું તેમ, “તે કાર્ય હું પૂરી નિષ્ઠાથી કરતો રહ્યો છું, એમાં મેં અંચઈ કરી નથી કે અશ્રદ્ધા દાખવી નથી.”

રમણલાલ સોનીએ લખેલા એ બાળ-કિશોર સાહિત્યને મેં મારી કિશોરવયે તન્મય થઈને વાંચ્યું હતું. એ પછી જ્યારે મારાં બાળકોને વાર્તા કહેવાના દિવસો આવ્યા ત્યારે બત્રીસ પૂતળીઓની વારતાઓ સાથે રમણલાલ સોનીના ‘ગલબા શિયાળનાં પરાક્રમો’ની કે એવી બધી વારતાઓ કહેવા માંડી. આજે હવે જ્યારે સંતાનોનાં સંતાન મારી પાસે વારતા સાંભળવાની હઠ કરે ત્યારે ગલબા શિયાળનું કોઈ પરાક્રમ સંભળાવવા ઇચ્છા કરું. એમની એ વારતાઓમાં એ જ તાજગી લાગી છે, કેમકે એમણે એ ફરીફરી મઠારી છે.

ટાગોર અને શરદબાબુને ગુજરાતીમાં ઉતારનારાઓમાં નગીનદાસ પારેખ અને ભોગીલાલ ગાંધી આદિ સાથે એક તો રમણલાલ સોની. એ નિમિત્તે એમનું અભિવાદન કરતાં મને તો એમની કેટલીક બાળ-કિશોર કવિતાઓ યાદ આવી. એક મને બચપણથી પ્રિય અને એટલે મોઢે થઈ ગયેલી – ‘એક ઈડરનો વાણિયો.’ બાળકોને બોલતાં બોલતાં મોઢે થઈ જાય એવી એ કાવ્યવારતા પ્રબુદ્ધ સભાજનો

આગળ પણ હું શિશુસહજ પ્રગલ્લભતાથી બોલી ગયો :

એક ઈડરનો વાણિયો, ધૂળો એનું નામ.

સમી સાંજનો નીકળ્યો, જવા કોથળે ગામ.

રસ્તે અંધારું થયું, ચઢિયો બીજી વાટ.

જંગલમાં ભૂલો પડ્યો, દિલમાં થયો ઉચાટ

પણ હિંમત એણે ધરી, મનમાં કર્યો વિચાર

નથી કદી હું એકલો સાથી મારે બાર.

એવે ઝાડી સળવળી, ચમક્યા કોળી ચાર.

‘ખબરદાર! જે હોય તે, આપી દે આ વાર.’

ધૂળો કહે એ કોળીને ‘અલ્યા નથી હું એક,

બાર જણા લઈ નીકળ્યો કરજો કાંક વિવેક?

–‘કાલે કરજે ટાયલી હમણાં દઈ દે માલ,’

એવું બોલી ઊમટ્યા કોળી બે વિકરાળ.

ધૂળો કૂદ્યો કોથળે વીંઝે છબોછબ.

હતાં કોથળે કાટલાં, વાગે ધબોધબ…

કોળી ચોંક્યા : એકમાં હોય આટલું જોર,

બાર જણા જો છૂટશે, થશે આપણી ઘોર.

એમ વિચારી બી સહુ નાઠા એકીસાથ

ધૂળો હરખ્યો વાહ મેં ઠીક બતાવ્યો હાથ.

પછી તો ધૂળાને રસ્તો જડ્યો ને પોતાને ગામ પહોંચી ગયો. બધાં બાળકોને ભેગાં કરી કોળીઓને ભગાડવાના આ પરાક્રમની વાત કરી. તો બાળકોએ પૂછ્યું : ‘પણ એ તો કહો કે તમે બાર જણા કોણ હતા?’ ધૂળાએ કહ્યું :

ધૂળો કહે આ હાથ બે, બે આંખો, બે પાય.

ચાર કાટલાં કોથળે એમ મળી દશ થાય.

છેલ્લા સાથી બે ખરા, હિમ્મત ને વિશ્વાસ.

એ બે વિણ બીજા બધા થાય નકામા ખાસ.

કેવી પ્રેરક અને બાળકોને મન પરાક્રમની મનમોહક વારતા! હિમ્મત અને વિશ્વાસ એ મોટામાં મોટા સાથી એવો પરોક્ષ બોધ આપતી આ કાવ્યવાર્તા એના પ્રાસાનુપ્રાસ સંવાદથી તરત યાદ રહી જાય બાળકોને, એ એની સફળતા છે.

આવી સ-રસ કવિતા પણ હવે સરકારે એને પાઠ્યપુસ્તકમાંથી કાઢી નાંખી છે, કેમકે એમાં ‘કોળી’ શબ્દ આવે છે. છે એથી કોળીભાઈઓને માઠું લાગે! વાહ સરકાર! વાહ કોળીભાઈઓ!

એ સમારંભમાંથી ઘરે આવ્યા પછી હજુ તો એકડિયામાં ભણતા ને માંડ વાંચતા થયેલા મૌલિકના હાથમાં ‘પશુ-પંખીનો મેળો’ નામની રમણલાલની બાળગીતોની સચિત્ર ચોપડી આપી, તો ખુશ ખુશ.

એણે એક પાનું ઉઘાડ્યું અને ધીરેધીરે એક કવિતા વાંચવા લાગ્યો :

એ-ક હ-તો કા-ગ-ડો

પૂ-રે-પૂ-રો ના-ગ-ડો.

–અને પછી તો એને એવી મઝા પડી ગઈ છે કે કાગડાને જોતાં નાચતો નાચતો બોલી ઊઠે છે :

એક હતો કાગડો

પૂરેપૂરો નાગડો…

બાળગીતની આ જ તો સફળતા, કે તે બાળકને ગાતા કરે છે, નાચતા કરે છે.

[૮-પ-૯૭]