ચૂંદડી ભાગ 1/1.ધરતીમાં બળ સરજ્યાં બે (ચાક વધાવવાનું)

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


1

સહુથી પહેલું લગ્નનું મહિમા-ગીત લઈએ; સરજનહારની સૃષ્ટિમાં મહિમા દાખવતી શક્તિઓના યશ વર્ણવતું આ ગીત છે. મેહુલા વરસાવી આભ પોતાની સહચરી ધરતીનાં અંગો પલાળે, અને પતિદેવની એ પ્રેમધારાઓ ઝીલી ધન-ધાન્ય વનસ્પતિને જન્મ દેતી ધરતી કૈં કૈં ગર્ભભારની વેદના ઝીલે : द्यावापृथिव्योની સ્નેહ-બેલડીવાળું એ શાસ્ત્રોમાં ગવાયેલું સ્તવન આંહીં લોકવાણીમાં સરલ બનીને ઊતર્યું :

ધરતીમાં બળ સરજ્યાં બે જણાં
એક ધરતી બીજો આભ : વધાવો રે આવિયો.
આભે મેહુલા વરસાવિયા,
ધરતીએ ઝીલ્યા છે ભાર : વધાવો રે આવિયો.

એ તો સૃષ્ટિની ઉત્પત્તિ કરનાર ભવ્ય શક્તિ-યુગલ : હવે સૃષ્ટિનાં પોતાનાં પોષાક અને સાહસપ્રેરક બે બળો ગણાવાય છે :

ધરતીમાં બળ સરજ્યાં બે જણાં,
એક ઘોડી બીજી ગાય : વધાવો રે આવિયો.
ગાયનો જાયો રે હળે જૂત્યો,
ઘોડીનો જાયો પરદેશ : વધાવો રે આવિયો.

એ સર્જન, પોષણ, દેશપરદેશનાં સાહસ વગેરેની વચ્ચે માનવશક્તિ કોણે પેદા કરી? જગત્પિતાએ માનવીમાં સૌંદર્ય સીંચવા, અને કયાં કયાં સૌંદર્ય સીંચવા, કોને મોકલ્યાં?

ધરતીમાં બળ સરજ્યાં બે જણાં,
એક સાસુ બીજી માત : વધારો રે આવિયો.
માતાએ જનમ જ આપિયો,
સાસુએ આપ્યો ભરથાર : વધાવો રે આવિયો.

કન્યા ને ભરથાર, બંનેને અવતરાવનાર વિધાતા કૃતાર્થ થયો. પણ પૂરી સફળતા હજુ બાકી છે. કન્યાને સાચી કુલવધૂ બનાવવા માટે બે સંસ્કારોની જરૂર : પ્રીતિભર્યા પિતાનાં લાલનપાલન અને ગૌરવભર્યા સસરાની કુલમરજાદ.

ધરતીમાં બળ સરજ્યાં બે જણાં,
એક સસરો બીજો બાપ : વધાવો રે આવિયો.
બાપે તે લાડ લડાવિયો,
સસરાએ આપી લાજ : વધાવો રે આવિયો.

એવું સૃજન-મહિમાનું સ્તોત્ર : લગ્નની પછવાડે ઊભેલી આભ–ધરતીની મંગલ જનન-ભાવના, અને પૃથ્વીને પોષવા તથા ઘૂમવાનો નિયંતાનો નિરધાર. વર–કન્યાના જીવન-મિલનની ઓથમાં આવા રૂડા સંકેતો ભર્યા છે. માનવ-દંપતીનું સ્થાન આભ–ધરતીની જોડાજોડ મુકાયેલું દીસે છે.