ચૂંદડી ભાગ 1/20.ડુંગર કોરીને નીસર્યો ભમરો (માંડવા સમયે)

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


20


તેડાંનું એક વધુ ગીત ગવાય છે :

ડુંગર કોરીને નીસર્યો ભમરો
જાજે રે ભમરા નોતરે
ગામ ન જાણું બેની નામ ન જાણું
કિયાં બા રાયાં ઘેર નોતરે.
ગામ… ને… નામ છે
…બા રાયાં… ઘેર નોતરે
ઊઠોને બેની તમે પહેરો પટોળાં
તમારે મૈયર પગરણ આદર્યાં.
ઘોડવેલે બેસી બેની…બા આવે
ખોળે તે બાવલ બેટડો.
હાથમાં ઝારી… વહુ ઊભાં રિયાં
…વહુ નાખે બાને બેસણાં.
બેસો બેસોને મારી પરદેશણ નણદી
બેસીને વાત કરો ગોઠડી.
બેસીશ બેસીશ મારા વીરાની જોડ્યે
બેસીને વાત કરીશ ગોઠડી.
ઘરની ધણિયાણી તમે રાંધો ને ચીંધો
માડીની જાઈ જમવા બેસશે.
ઘરની ધણિયાણી તમે ચીર સાડી પે’રો
માડીની જાઈ પટોળાં પે’રશે.
ઘરની ધણિયાણી તમે ઓરડામાં મા’લો
માડીની જાઈ માંડવ મા’લશે.
વીવલિયા ખૂંદી બેની ઘેર પધારે
માડીનો જાયો તે વળામણે.
દીઠાં દીઠાં રે બેની…નાં ઝાડવાં
અમને તે દેજો બેની શીખડી.
વાધજો વાધજો રે વીરા વડની વડવાઈઓ
પરવરજો પૂતર કેરે પારણે!
માડીના જાયા તને દઉં રે આશિષો
સાતે પુત્રે ચાલ્યે મલપતો.

ભાભીનો તો બહેન વિનોદ જ કરતી જાય છે —

વેવાણની જાઈ તુંને દઉં રે આશિષો
સાતે શોક્ય ચાલ્યે મલપતી

મોખરે ‘અગન ગગન પગ માંડતી’ ને પડઘી ગજવતી વીરની ઘોડી : ને પાછળ મશરૂના માફાવાળી મલપતી આવતી વેલમાં બેનના ખોળામાં બાવલ-બેટડો સૂતો છે : વીરના હાથમાં ઢળકતો નેજો છે ને બેનની વેલડીના માફા ઉપર સોનાનાં ઈંડાં ઝળકારા મારે છે. સંધ્યા સમયની અથવા તો પ્રભાતની પીળી ચંપાવરણી ધૂળ એ માફાને, અને એ મશરૂના નેજાને ચોંટતી આવે છે. ધરતી ધમધમે છે. એ રીતે બેનીબાની સવારી એ મંગળ ગીતોથી ગાજતા મહિયર આંગણામાં આવી ઊભી રહી. ત્યાં તો મોટા ભાઈની વહુઓ ઝારીમાંથી નણંદને જળ પાય છે અને ચાકળા ઢાળે છે. બબ્બે ભોજાઈઓ તો બાની તહેનાતમાં ઊભી થઈ રહી છે. વિનવે છે કે ‘બેસો’, પણ બહેનને તો વીરાની સાથે બેસીને વાતો કરવાની આતુરતા છે. ભાઈએ પણ બહેનને ઉત્સવની અંદર દમામભર્યાં આસનો સોંપી દીધાં, બહેન તો બિચારી પરદેશણ : મોંઘેરું મહેમાન : એ કળોયણનું દિલ રખેને લગારે કોચવા, એની ચિંતા રહે છે. અને વળી બહેન તો પરણતા વીરાના લલાટ પર સિતારા ચોડી કંકુની પીળ્ય કાઢી, રસીલા શણગાર કરશે. એનું ગળું તો માંડવો ગજાવશે. બહેનો આવી, અન્ય સગાં પણ આવી ઊતર્યાં. અને હવે પીઠીનો આદર થયો. વરરાજા જરા શ્યામવરણા છે ખરા ને, એટલે એની ચામડીને ઉજાસ ચડાવવા, એના ઝીણામાં ઝીણા મેલ પણ ઉતારી નાખવા, અને એના દેહને સુગંધિત બનાવવા એને આખે અંગે પીઠી ચોળવામાં આવે છે. માતાએ મગ ભેળતી વખતે જ ગાયું કે,