ચૂંદડી ભાગ 1/32.માલણ, વીણે જાવંતરીનાં ફૂલ રે (વરઘોડા વખતે)
Jump to navigation
Jump to search
32
માલણ વીણે જાવંતરીના ફૂલ રે
માળીડો ગૂંથે વીંઝણો રે.
માલણ પૂછે માળીડાને વાત રે
ક્યાં ભેટે જાશે વીંઝણો રે!
આપણા શે’માં કિયો ભાઈ દેશોત રે
ક્યાં ભેટે જાશે વીંઝણો રે.
ત્યાં ભેટે જાશે વીંઝણો રે
ઠાકોર પોઢ્યા પિત્તળીએ પલંગ રે.
વહુ… બા ઢોળે વીંઝણો રે.
સૂતા જાગો નણદલબાના વીર રે
માલણ ઊભી તપ ધરે રે.
માલણને આપો સોળે શણગાર રે
માલણ જાશે મલપતી રે.
મંગલ પ્રભાતનો એવો મહામૂલો વીંઝણો તો સાચે જ જે કોઈ મોટો દાતાર હોય, એને જ ભાગે જાય. બીજાં બધાં ટળવળતાં રહે. ફૂલની મહેનતનાં મોટાં મૂલ લઈને માલણ મલપતી ચાલે ચાલી ગઈ. તુલસીને ક્યારે દાતણ થયાં, પામરીએ મોં લુછાયાં ને રામનાં નામ લેવાયાં : પ્રભાતની મંગલ દશા એ રીતે પથરાઈ રહી.