ચૂંદડી ભાગ 1/49.પાડગલે પગ દઈ ચડો રે વરરાજા (જાન ઊઘલતાં)
પરંતુ એમ તો કુંવર શી રીતે ઘોડે ચડી શકે? હજુ એના શિર પર કંઈ કંઈ ઋણો રહ્યાં છે. સંસારનાં એ સૂક્ષ્મ કરજ ચૂકવ્યા વગર માનવજીવનની સફળતા કોઈ ન મેળવી શકે. એક પછી એક લેણદાર આવીને એનો છેડો ઝાલી રાખે છે.
પાડગલે રે પગ દઈ ચડો રે વરરાજા!
ગોત્રજ છેડો સાહી રહ્યાં.
મેલો મેલો રે ગોત્રજ છેડા અમારા,
તમારા કર અમે આપશું.
જેણે નાનાં થકી મોટાં રે કીધાં,
તેના તે કર કેમ ભૂલશું!
પાડગલે પગ દઈ ચડો રે વરરાજા!
માતાજી છેડો સાહી રહ્યાં.
મેલો મેલો રે માતા છેડા અમારા,
તમારા કર અમે આપશું.
જેણે તે નવ માસ ભાર વેંડાર્યો,
તેનાં તે ગુણ કેમ ભૂલશું!
પાડગલે પગ દઈ ચડો રે વરરાજા!
ફૈયર છેડો સાહી રહ્યાં.
મેલો મેલો રે ફૈયર છેડા અમારા,
તમારા કર અમે આપશું.
જેણે નાને થકી નામ પમાડ્યાં,
તેનાં તે ગુણ કેમ ભૂલશું!
પાડગલે પગ દઈ ચડો રે વરરાજા!
બેનડ છેડો સાહી રહ્યાં.
મેલો મેલો રે બેનડ છેડા અમારા,
તમારા કર અમે આપશું.
જેણે નાના રે પણમાં લાડ લડાવ્યાં,
તેનો તે ગુણ કેમ ભૂલશું!
એ રીતે સહુ કુટુંબીજનોનાં ઋણ સ્વીકારી, આભારભીને અંતરે પુત્ર પરણવા ચાલે, તો એને મદ ન ચડે, ખુમારી ન આવે, પારકી જણીના મોહમાં અંજાઈ જઈને અન્ય કુટુંબઋણો વીસરી ન જાય, એવા ઉચ્ચ સંકેતમાંથી જ આ ગીત સ્ફુરેલું હશે.