ચૂંદડી ભાગ 1/55.આવે આવે રે વાસુદેવનો નંદ (તોરણે આવતાં)
Jump to navigation
Jump to search
55.
કોને જોઈ રહી? કોણ આવે છે એ? એની આંખોમાં આ અજવાળાં શાનાં છવાયાં? સુભગા! તારી જીવન-પૂર્ણિમાનો ચંદ્રમા આવે છે :
આવે આવે રે વાસુદેવનો નંદ પૂનમ કેરો ચંદ દીવા કેરી જ્યોત વીવા’ કેરી વરધ કે વર આવ્યે અંજવાળાં રે!
તું મોકલ વેવાઈ વાટકડો, તારે તોરણ આવે છે લાડકડો. — આવે આવે રે.
તું મોકલ વેવાઈ સોપારી, તારે તોરણે આવે છે વેપારી. — આવે આવે રે.
તું મોકલ વેવાઈ હાથીડા, બેસી આવે વરરાજાના સાથીડા. — આવે આવે રે.
તું મોકલ વેવાઈ પાલખડી, બેસી આવે વરરાજાની મા લખમી. — આવે આવે રે.
તું મોકલ વેવાઈ વેલડિયું, બેસી આવે વરરાજાની બેનડિયું
આવે આવે રે વાસુદેવનો નંદ પૂનમ કેરો ચંદ દીવા કેરી જ્યોત વીવા’ કેરી વરધ કે વર આવ્યે અંજવાળાં રે!