ચૂંદડી ભાગ 1/71.ચૉરીમાં ચરકલડી રે બોલે (ચોરી વખતે)
Jump to navigation
Jump to search
71
લગ્ન-રાત્રિના ઝાકમઝોળ ઉલ્લાસ વીતી જતાં હવે તો કન્યાને પોતાની આવતીકાલની વિદાયના ભણકારા લાગવા માંડ્યા છે. ગીતોનો આખો પ્રવાહ મીઠી કરુણતામાં ઢળે છે. પિતા પાસેથી વસ્ત્રાભૂષણની પહેરામણી માગતી પુત્રી ગમગીન સ્વરે ગાતી કલ્પાય છે :
ચૉરીમાં ચરકલડી રે બોલે
દાદાજી અરથ ઉકેલો!
અમારા દાદાને હાથી ને ઘોડા
તે બાને સાસરે દેજો!
સંપત હોય તો દેજો, દાદા મોરા
હાથ જોડી ઊભા રે’જો!
હાથ જોડી ઊભા રે’જો, દાદા મોરા
જીભરીએ જશ લેજો!
ચૉરીમાં ચરકલડી રે બોલે
દાદાજી, અરથ ઉકેલો!
અમારા વીરાને નવલી રે ગાયો
તે બાને સાસરે દેજો!
સંપત હોય તો દેજો, વીરા મોરા
હાથ જોડી ઊભા રે’જો!
હાથ જોડી ઊભા રે’જો, વીરા મોરા
જીભડીએ જશ લેજો!
[એ જ પ્રમાણે ‘અમારી માતાને ઘેર નવલી વેલડીઓ’ મૂકી ગીત આગળ ચાલે છે.]