ચૂંદડી ભાગ 2/નિવેદન

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


નિવેદન
ભાગ 2

લગ્ન-ગીતોનો આ બીજો સંગ્રહ છે. એમાં મને સહાય દેનારાં બહેનો-ભાઈઓનો અત્રે પ્રગટ ઋણસ્વીકાર કરું છું. ચારણી ગીતો એની સાચી મીઠી હલકે ગાઈ સંભળાવનારાં ચલાળાવાળાં પ્રેમલ બહેન ગં. સ્વ. મણિબહેન છે તથા ચમારડી ગામના ચારણબંધુ શિવદાનજીભાઈ છે; કાઠી ગીતો પોતાને કંઠેથી કાઢી આપનાર હડાળા દરબારશ્રી વાજસૂર વાળાના કુટુંબનાં માતા-બહેનો છે અને લખી મોકલનારા મારા કાઠી-મિત્ર હાથીભાઈ વાંક છે; રજપૂત ગીતો તથા મિશ્ર ગીતો પૈકી કેટલાંક લાક્ષણિક ગીતો સંપૂર્ણ વિવેકથી વીણી વીણી મને શ્રમપૂર્વક સંઘરાવનારા તે ગણિત અને જ્યોતિષના પ્રખર અભ્યાસી છતાં લોકવિદ્યાના ચતુર રસજ્ઞ ભાઈશ્રી જગજીવન બધેકાજી ભાવનગરવાળા છે. પારસી ગીતો છેક નવસારીથી મેળવી આપનાર વિદ્યાર્થિની બહેન શિરીનબહેન છે. ‘ખાંયણાં’ માટે સૂરતવાળા સ્નેહી ઈશ્વરલાલ વીમાવાળાનો ઋણી છું. આટલી ઝીણવટથી ઋણ કબૂલવામાં હું આ સહાયકોના સૌજન્યની સાદી નોંધ લેવા ઉપરાંત કશું જ અધિક કરતો નથી. વારંવારની આ નામોની ટીપ આપવા પાછળ માત્ર શિષ્ટાચાર નથી, પણ ગીતો કેટલી મુશ્કેલીથી સાંપડે છે તેનો ઇતિહાસ સૂચવતો થોડો ધ્વનિ છે. એ મુશ્કેલીઓનો ઇતિહાસ તો ઘણો લાંબો છે. અને આ સંગ્રહોનાં સંપાદનોમાં જેટલે અંશે વિવેકની ચાળણી ઝીણી રખાય છે, તેટલે અંશે વિટંબણાઓ વધે એ દેખીતું જ છે. અક્કેક ગીતના પણ સાચા પાઠ ચાળવા પહેલાં ઘણા કૂચાનો ઢગલો ખડકવો પડે છે, એટલે જ અક્કેક ગીત આપનાર ભાઈ અથવા બહેનને પણ હું અવગણી શકતો નથી. અવગણું તો ખોટી રીતે જશ ખાટી જવાનો અપરાધી બનું. આ સંગ્રહ માહેલાં મારવાડી ગીતો (કે જે ખરી રીતે તો ગુર્જર ગીતો જ છે) રાત્રિએ રાત્રિએ ગાઈને શાંતિપૂર્વક મને એ ભાષાનો પરિચિત થવા દેનારી એ ભાવનગરવાસી મારવાડી મજૂરણ બહેનોનો પાડ કેમ ભૂલું? તેઓની ગાવાની હલક વિલક્ષણ હોવાથી આપણે ભ્રમમાં રહીએ છીએ કે તેઓનાં ગીતોમાં તો કેવળ સ્વર-શબ્દના ગોટાળા જ છે. થોડા શ્રમપૂર્વકના સમાગમ પછી એ ગીતોનું સૌંદર્ય પ્રગટ થતાં આપણે કરેલો ઉપહાસ આપણને પોતાને જ ડંખે છે. રંક શ્રમજીવીઓની કને, એના અંતરના ઊંડાણમાં એની જન્મભોમમાંથી ભેળી આણેલી કેવી સુખકર અને સંસ્કારવંત ગાથાઓ ભરેલી હોય છે! દિવસભર મૂડીદારોના રેંકડા ખેંચીને રાત્રિએ ઘેર આવી એ પેટગુજારા ખાતર દેશવટો વેઠનારાં સ્ત્રીપુરુષો આ ગીતો ગાતાં પોતાના વતનની માટી, વતનનાં ઝાડ, પાન, આકાશ, ઋતુઓ અને સંસ્કારો સાથે કેવો જીવંત સ્પર્શ ને કેવા પ્રેમની પુલક અનુભવી કાઢે છે, તેનું આપણને પૂરું ભાન નથી. નાની મારવાડનાં ખેતરોમાં ઊભાં રહી ઝરમર વરસતી વાદળીઓનાં અમૃત ઝીલતાં ઝીલતાં આ બહેનોએ જે ઋતુગીતો ગાયાં છે, તે પણ તેઓએ મને સંઘરાવ્યાં છે. એ ગીતો ગાતાં ગાતાં તેઓનાં હૈયાંમાં ઊભરી આવતી સ્વભોમ-સ્મૃતિઓનો હું થોડે અંશે સાક્ષી છું. એ સ્મૃતિની વેદના કેટલી મધુર, કેટલી કરુણ ને કેટલી વિચારપ્રેરક છે! આજનો જનસમાજ એ શ્રમજીવીઓના કલાસાહિત્યની અંદરથી કેવળ મનોરંજન જ પીશે કે સમાજનિર્માણની ચેતવણી આપતો કોઈ અવાજ ઉકેલશે? લગ્ન-ગીતોના સંઘરાનો આટલેથી છેડો આવતો નથી. આમાં આપેલા તે તો કેવળ નમૂના જ છે અને નમૂના તરીકે પણ અધૂરા છે. બાબરિયા મેર, મહિયા, વાઘેર આદિ ઘણી જાતિઓમાં તેમજ કચ્છ પ્રદેશનાં વિશિષ્ટ સંસ્કાર આલેખતાં ગીતો હજુ અણઅડક્યાં પડ્યાં છે. વાચક આ સંગ્રહ પરથી જોઈ શકશે કે આ બધી વિશિષ્ટતાઓ, થોડીઘણી પુનરુક્તિ સહન કરીને પણ, સંઘરવાલાયક જ છે. ઉપરાંત ગુજરાતી ભાષાના સીમાડા કેટલા પહોળા ને કેટલા નવરંગી છે, તે દેખાડવાનું અભિમાન પણ છોડી શકાતું નથી, એટલે ત્રીજો સંગ્રહ દેવો રહે છે. બેશક, સૌરાષ્ટ્ર બહારના ગુજરાતના સંગ્રહો તો ત્યાંનાં જ ઉત્સાહી ભાઈબહેનો કરે એ માગી લઉં છું. તુલનાત્મક અભ્યાસની દૃષ્ટિ તો યથાશક્તિ કામ કર્યે જ જતી હોઈને અન્ય પ્રાંતોનાં ગીતોની તપાસ ચાલુ રાખવી પડે છે. ‘પંજાબી ગીતો’માંથી આંહીં કરેલું દોહન એ વાતનું સાક્ષી છે. ‘લગ્નગીતોનાં પાઠાન્તરો’ શીર્ષકવાળો મારો ‘કૌમુદી’માં પ્રગટ થયેલો લેખ આંહીં ‘લોકગીતોની પ્રવાહિતા’ એ નામે આપેલા લેખમાં દાખલ કરી દીધો છે. રાણપુર : 15-4-1929 સંપાદક