ચૈતર ચમકે ચાંદની/અજાત શિશુનો સત્યાગ્રહ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
અજાત શિશુનો સત્યાગ્રહ

‘અજાત શિશુની પ્રાર્થના’ (અ પ્રેયર ઑફ ઍન અનબોર્ન ચાઇલ્ડ) નામની અંગ્રેજી કવિ લુઈ મેકનિસની એક કવિતામાં માતાના ગર્ભમાં રહેલું બાળક જન્મ લીધા પૂર્વે કેટલીક શરતો મૂકે છે અને એ શરતો સ્વીકારાય તો જ અવતરવા તૈયાર છે – એવો મુખ્ય ભાવ છે. માણસજાતે પોતે પોતાની આ ધરતીના એવા હાલહવાલ કર્યા છે કે ભાવિ પેઢીને નિરામય જીવન જીવવાનું દોહ્યલું થઈ પડે એમ છે.

ગયે અઠવાડિયે રાતે એક ફ્રેંચ ફિલ્મ જોઈ, દૂરદર્શન પર. બરાબર આવી જ જાતનો ભાવ તેમાં અદ્ભુત રીતે ફિલ્માયિત થયો છે. દિલ્હીમાં હમણાં ૨૪મો આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ ચાલે છે. તેની પ્રસાદી રૂપે થોડાક દિવસોથી રોજ રોજ રાતે એક કલાત્મક વિશિષ્ટ પ્રકારની ફિલ્મ જોવાનો આનંદ મળે છે. ફિલ્મો જુદી જુદી વિદેશી ભાષાઓમાં હોય છે, પણ અંગ્રેજી ઉપશીર્ષકોની મદદ મળતી હોવાથી માણવામાં ખાસ વાંધો આવતો નથી. એ રીતે એક જાપાની ફિલ્મ ‘ધ ઓટમ મૂન’ જોઈ, ચીની ફિલ્મ ‘ફાઇવ ગર્લ્સ ઑન એ રોપ’ જોઈ. એક જર્મન અને સ્કૅન્ડિનેવિયન ફિલ્મ છેક સુધી જોવાની ધીરજ ન રહી, એમ પણ બન્યું. હજી કેટલીક રાતો મીઠા ઉજાગરાનો ઉત્સવ રહેશે એમ લાગે છે.

પેલી ફ્રેંચ ફિલ્મનું અંગ્રેજી થશે ‘ઑન અર્થ ઍઝ ઇન હેવન’ (સિર લા તેર કોમ ઓન સિએલ–ફ્રેંચ). જેવું સ્વર્ગમાં એવું ધરતી પર – એવો અર્થ. દિગ્દર્શકનું નામ છે મારિઓં હાંસલ. કદાચ નામમાં ઉચ્ચારદોષ હોય તો તેમની ક્ષમાયાચના. પણ જે વિચાર એમણે આ ફિલ્મમાં આકૃત કર્યો છે એ માટે તો હૃદયનાં અભિનંદન જ આપીએ.

દૂરદર્શન પર ફિલ્મ જોયા પછી બીજે દિવસે એની ચર્ચા મિત્ર ચંદ્રકાંત ટોપીવાળા સાથે કરતાં તેમણે કહ્યું કે મેં તો આખી ફિલ્મની કૅસેટ કરી લીધી છે, એટલે તો પછી સાંજે ફરી એ ફિલ્મ જોઈ અમે સાથે અને વળી ચર્ચા. શ્રીમતી શાલિની ટોપીવાળા પણ એમાં જોડાયાં. સર્વ રીતે અમને આ ફિલ્મ, ખાસ તો આજની આ ધરતી પરના પ્રાણપ્રશ્ન સમતુલા અને પર્યાવરણ સંદર્ભે, ખૂબ જ સમયસરની લાગી. એટલે થયું એની વાત કરું. ઘણા મિત્રોએ દૂરદર્શનમાં જોઈ જ હશે. પરંતુ પ્રેમ અને કળાચર્ચામાં પુનરુક્તિદોષ કોણ જુએ છે?

ફિલ્મના આરંભમાં એક દૃશ્ય પશ્ચાત્‌ભૂ તરીકે જાણે કે બતાવ્યું છે. એ દૃશ્યમાં એક ઊંચી ઇમારતની લિફ્ટમાં એક યુવતી અને એક યુવાન બહારથી ઝડપથી આવી લિફ્ટથી ઉપર જઈ રહ્યાં છે. બે જણ જ છે અને ત્યાં પણ એકાએક વચ્ચે લિફ્ટ કોઈક ટૅક્નિકલ ફોલ્ટને કારણે અટકી જાય છે. એ દૃશ્યનો અર્થ તો પછી ખૂલે છે માત્ર પરવર્તી ઘટના સંદર્ભે–એ ઘટના ફિલ્મની મુખ્ય ઘટના છે.

આ યુવતી છે મારિયા, એ અપરિણીત છે. મારિયા પત્રકાર છે અને એક ટી.વી. સમાચાર એજન્સીમાં કામ કરતી હોય છે. એક દિવસ એ ઑફિસમાં ધડાકો કરે છે – ‘મને છોકરું થવાનું છે.’ સહકર્મચારીઓ નવાઈ પામે છે. છોકરાનો બાપ કોણ છે – એ રહસ્ય એ ખોલવા માગતી નથી, પણ છોકરાને જન્મ આપવા માગે છે. મિત્રો એને પૂછે છે કે પછી તારી નોકરીનું શું થશે – એ કહે છે કે ગમે તે થાય, પણ બાળક તો જોઈએ.

ઘેર આવે છે ત્યારે મારિયા ચોથા માળના પોતાના ફ્લૅટના કૉરિડૉરમાં એક ચાર-પાંચ વર્ષના છોકરાને ફૂટબૉલથી રમતો જુએ છે. બન્ને વચ્ચે વાતચીત થાય છે. છોકરાનું નામ છે જેરેમી. મારિયા જેરેમીને કહે છે કે મેં તો તને જોયો નથી, પણ જેરેમી કહે છે કે મેં તમને જોયાં છે – ટીવી પર. છોકરાનાં માબાપ કોઈ ઘેર નથી અને એનું ઘર બંધ છે એટલે મારિયા જેરેમીને પોતાના ઘરમાં આવીને રમવાનું કહે છે. આ શિશુ જેરેમી આ ફિલ્મનું બીજું મુખ્ય ચરિત્ર છે. એનો અભિનય આપણને સત્યજિતના ‘પથેર પાંચાલી’ના અપુની યાદ આપે. (એ શિશુ કલાકારનું નામ છે સેમ્યુઅલ મુસેં, અને હા નાયિકા મારિયાનો પાઠ કરે છે તે નટીનું નામ છે કાર્મેન મોરા.) મારિયાના ઘરમાં કૂંડામાં છોડ છે. જેરેમી કહે છે – તરસ્યા લાગે છે. ‘પાણી પા.’ મારિયા કહે છે. જેરેમી પાણી સીંચે છે.

દરમ્યાન એક વિચિત્ર ઘટના બને છે. એક સ્ત્રી – ગર્ભવતી સ્ત્રી જોડે એ વાત કરે છે. એ સ્ત્રી કહે છે કે એના પેટમાં રહેલું બાળક એની સાથે વાતો કરે છે અને એ ભયંકર વાતો (horrible things) કહે છે. એક સ્ત્રી કહે છે એનું બાળક પેટમાં લાત મારે છે. મારિયા પોતાના પેટ પર હાથ ફેરવતી વિચારે છે.

સમગ્ર ફિલ્મમાં ગર્ભવતી સ્ત્રીઓના પેટનો સંદર્ભ કે દૃશ્ય અનેક વાર આવે છે, પણ ક્યાંય સ્થૂલતા નથી, એક ઇષ્ટ પ્રભાવ તરફ લઈ જતી કળાદૃષ્ટિ જોવા મળે. નગરના યુનિવર્સિટી વિસ્તારમાં બૉંબધડાકો થતાં પત્રકાર મારિયા કૅમેરામૅન સાથે ત્યાં દોડી જાય છે. તોફાની ટોળાં – હિંસાત્મક દૃશ્ય વચ્ચે એ પોતાનું કામ કરી ઘેર આવે છે. પોતાના બાળકનો વિચાર કરતાં, ત્યાં પાછો નાના જેરેમીને એકલો બેઠેલો જુએ છે. એને પોતાના ઘરમાં લઈ આવે છે. લેસન કરવા બેસાડે છે, પોતાનું કામ પણ કરે છે. ત્યાં એકાએક મારિયા પોતાના પેટ પર હાથ ફેરવે છે. જેરેમી પૂછે છે – શું થયું? ‘એણે મને લાત મારી.’ જેરેમી પૂછે છે – ‘એ ન આવવા માગે તો? એના પિતા ક્યાં છે?’ મારિયા કહે છે ‘એના પિતાને એની ખબર નથી. એ રાતે મારિયા સપનાં જુએ છે – સાંકળે બંધાયેલા તડપતાં શિશુઓનાં સપનાં. એ વ્યગ્ર બની જાય છે. જેરેમી આવે છે અને મારિયાને કહે છે – મારાં મા-બાપને મારી પડી નથી, મને ચાહતાં નથી. મારે તો તમારી પાસે રહેવું છે. મને નાના હોવું ગમતું નથી. મને અહીં ગમે છે. હું અહીં રહું?’ મારિયા કહે છે – ‘એ કેવી રીતે બને?’ જેરેમી રિસાઈ જાય છે – કહે છે – ‘તમે પણ બીજાં જેવાં જ છો.’

મારિયાને પેટમાં રહેલા બાળકનો જાણે અવાજ સંભળાય છે. કહે છે મારે જનમવું નથી. ધરતી પર જનમવા જેવું છે શું? મારિયા ગભરામણ અનુભવે છે, સપનાં જુએ છે, અને ડૉક્ટર પાસે જાય છે. કહે છે – મારું બાળક જનમ લેવા માગતું નથી.

ડૉક્ટરને નવાઈ લાગે છે. સમય થઈ ગયો છે. ડૉક્ટર કહે છે કે એને જન્માવવું પડશે. દરમ્યાન આખા નગરમાં ને બધે બાળકો જનમ લેતાં બંધ થઈ ગયાં છે. પરાણે જન્માવતાં મરણશરણ થાય છે એક નડતર (blockage) આવી ગયું છે. મારિયાનો એક પુરુષમિત્ર છે.

તે મારિયાના બાળકનો ‘ગૉડ ફાધર’ બનવા તૈયાર છે. મારિયાને તે ચાહે છે, પણ મારિયાનું સમગ્ર ધ્યાન હવે પોતાના ઉદરસ્થ શિશુ માટે છે. પેલો કહે છે – ‘આજ રાતે આવું’. મારિયા કહે છે, ‘ના.’

પેટ પર હાથ દબાવી મારિયા પોતાના અજાત શિશુ જોડે વાતો કરે છે –

‘મને સાંભળે છે?’

‘મારે તને જોવો છે.’

‘મારે તને હાથમાં તેડવો છે.’

‘તું જલદી આવીશ ને?’

જવાબ મળે છે – ‘ના.’

એટલામાં જેરેમી આવીને પૂછે છે – ‘શું કહે છે?’ મારિયા કહે છે કે તે જન્મવા તૈયાર નથી. આ દુનિયામાં જીવવા તૈયાર નથી, તે આપણી જેમ જીવવા તૈયાર નથી.

ફરી ડૉક્ટરને ત્યાં જાય છે અને કહે છે કે ‘મારું બાળક જન્મવા રાજી નથી.’ ડૉક્ટર કહે છે કે તમને ભ્રમણા થાય છે. તમારી બીકને લીધે એવું લાગે છે. તમે એકલાં રહો છો ને? તમે એને ઇચ્છતાં નથી. મારિયા કહે છે કે એવું હોત તો ક્યારનોય મેં ગર્ભપાત કરાવ્યો હોત.

ટીવી પર એક ચર્ચા ગોઠવાઈ છે. બાળકો કેમ જન્મતાં નથી અથવા મૃત જન્મે છે. ડૉક્ટર છે, જીવશાસ્ત્રી છે, ગર્ભવતી મારિયા છે. દરેક જણ કારણ આપે છે, ત્યાં મારિયા કહે છે – ‘બાળકો આવવા તૈયાર નથી. આ ધરતી પર માણસજાતે પોતાના સ્વપ્નો ખોઈ નાખ્યાં છે. જીવનનો અર્થ લોકો ભૂલી ગયા છે. આ માત્ર મારો વિચાર નથી વાસ્તવ છે. ૭૦૭ બાળકો આ રીતે પરાણે જન્માવતાં મૃત્યુ પામ્યાં છે.’

ટીવી રિપોર્ટથી બધે શોરબકોર મચી જાય છે. કોઈ એની વાત માનવા તૈયાર નથી. મારિયા ઘરે આવે છે. રડે છે. ઉદરસ્થ શિશુને કહે છે – ‘શું કરું? હું દિલગીર છું.’ ત્યાં જેરેમી આવીને કહે છે, ‘મેં તમને ટીવી પર જોયાં. તમારી વાત સાચી છે. હું તમારી પાસે રહું?’ મારિયા કહે છે – ‘હા રહે.’ જેરેમી મારિયાના પેટ પર હાથ ફેરવે છે. મારિયા પૂછે છે – ‘શું કહે છે એ?’

‘નહિ આવે.’

મારિયા કહે છે – બધાં અજાત શિશુઓએ સાથે નિર્ણય લીધો છે. જેરેમી કહે છે – એ જો નહિ આવે તો બધું પૂરું થઈ જશે. બધાનો અંત આવી જાય એવું નથી ઇચ્છતો, પણ એ આવે એમ નથી ઇચ્છતો.’

મારિયા જેરેમીને પોતાની સાથે સુવાડે છે. ઊંઘમાં મારિયાને ગર્ભસ્થ શિશુ દેખાય છે. આ બધાં દૃશ્યોમાં ફોટોગ્રાફીની અદ્ભુત કરામત છે. બીજે દિવસે મારિયા મૂંઝવણ અનુભવતી ડૉક્ટરને ત્યાં પ્રસૂતિગૃહે જાય છે. ડૉક્ટર કહે છે કે ‘એને જન્માવવો પડશે.’ મારિયા બળપૂર્વક જન્માવવાની ના કહે છે એટલે ડૉક્ટર કહે છે કે ‘તમારી ટીવી પરની વાતે બધી ગર્ભવતી સ્ત્રીઓને ગભરાવી મૂકી છે.’ (પશ્ચાત્ સંગીતમાં આ વખતે સાઇરન બજતી હોય છે.) છેવટે મારિયા પ્રસૂતિ કરાવવા તૈયાર થઈ લેબરરૂમમાં જાય છે, પણ એકદમ ભાગી નીકળે છે – કોઈ મને બળપૂર્વક મારા શિશુને નહિ જન્માવે. ઘેર દોડી આવે છે. જરૂરી વસ્તુઓ લઈ ફ્લેટ બંધ કરી એ કોઈ નિર્ણય સાથે બહાર જવા તૈયાર થાય છે, ત્યાં જેરેમી મળે છે. ‘તમે જાઓ છો?’ એ મારિયાના પેટે મોં મૂકી કશુંક બોલે છે. મારિયા પૂછે છે – ‘શું કહ્યું?’ ‘એ રહસ્ય છે.’ જેરેમી બોલ્યો.

મારિયા જિનેટિક એન્જિનિયરિંગના પ્રખર વૈજ્ઞાનિક પાસે જઈ પોતાને થતા અનુભવોની વાત કહે છે અને પૂછે છે કે ‘બાળકો જનમ ન લે અથવા મૃત જ જન્મે એવું શક્ય છે ખરું?’ વિજ્ઞાની કહે છે કે ‘માણસ પોતાની હદથી જ્યારે આગળ વધી રહ્યો છે. એવું બને.’

‘મારે શું કરવું?’ –મારિયા.

‘તારા શિશુને સાંભળ.’

મારિયા ચાલતી ચાલતી ખેતરાઉ માર્ગે આવે છે. બધું વેરાન છે, ઉજ્જડ છે. સુક્કી વેરાન ધરતી. મરુભૂમિ જાણે ખાવા ધાય છે. મારિયા ઉદરસ્થ શિશુને કહે છે –કદાચ તારી વાત સાચી છે. પછી કહે છે.

‘ના. ના. જો દુનિયા પર અગ્નિ છે, સાગર છે, આકાશ છે. વ્યક્તિ આખી જિંદગી થાક્યા વિના તે બધું નિહાળી શકે છે.’

બાળક કહે છે – ‘મને તારે વિષે થોડું કહે.’ મારિયા કહે છે – ‘હું એક મોટા શહેરમાં જન્મી હતી. ઘરને એક બારી હતી, એ એક ગલીમાં પડતી. હું આકાશને જોઈ શકતી નહોતી. રાત્રે શેરીમાં દીવા સળગતા. હું કલ્પના કરતી, એક દીવો એક એક તારો છે.’

બાળક – ‘તેં શા માટે મને થવા દીધો?’

મારિયા – ‘મારે બાળક જોઈતું હતું. સાંભળ’ (પછી એ પરીકથા કહેતી હોય તેમ વાત માંડે છે) ‘એક વખત એક સ્ત્રી હતી. એનું નામ મારિયા. મારિયાને છોકરાં બહુ ગમતાં, પણ પોતાને છોકરું થાય તેનો સમય એની પાસે નહોતો, અને એમ વરસો વીતતાં ગયાં, પછી એક દિવસ નિયતિએ ભાગ ભજવ્યો…’

અહીં ફ્લૅશબૅકમાં એક દૃશ્ય આવે છે. જેમાં મારિયા એક પુરુષ સાથે એક રાતે સહશયન કરે છે (લિફ્ટના દૃશ્ય પછીની વાત હશે?). મારિયા આગળ કહે છે –‘પછી મને ખબર પડી કે પેટમાં તું છે. હું તને રાખવા માગું છું. બાળક વિના રહેવું અશક્ય લાગે છે. ‘

બાળક કહે છે – ‘એટલે કે હું એક અકસ્માત છું!’

મારિયા – અકસ્માત, પણ જેની હું આશા સેવતી હતી તેવો અકસ્માત. મને એનો પસ્તાવો નથી. શું તું મારા પર ગુસ્સે છે?

બાળક–‘મને ખબર નથી.’

મારિયા–‘તને સમુદ્રના ગલ (સફેદ પંખી)ના અવાજ સંભળાય છે? અને પવનના સૂસવાટા?’

બાળક–‘મને ગમે છે.’

મારિયા – ‘મને પણ, તું જ્યારે મારી સાથે વાત કરે છે, મને ગમે છે. આપણે આ દુનિયાને બચાવવી હશે તો હારીખાઈએ તે નહિ ચાલે. લઢવું પડશે, સંઘર્ષ કરવો પડશે. અત્યારે અને અહીં જ. મારી પાસે દલીલ નથી. કોઈ સમજાવી નહિ શકે, પણ મારી શ્રદ્ધા, આપણી જાતમાં જે શ્રદ્ધા છે, એનો નાશ નહિ થઈ શકે. ભવિષ્ય આપણા હાથમાં છે, અને છેલ્લી વાત – હું તને ચાહું છું. તારા વિનાના જીવતરનો કોઈ અર્થ નથી હવે. તું જો જન્મ લેવા તૈયાર ન હોય તો, મને પણ તારે રસ્તે જવા દે–મને પણ…’

અને મારિયા એકલી નીકળી પડે છે. ખડકાળ દરિયાકિનારા પર પહોંચી એક ખડકને આધારે બેસી પડે છે, એનો પેટમાં રહેલા બાળક સાથેનો સંવાદ ચાલુ જ છે. કહે છે – ‘હવે હું થાકી છું. મારી શક્તિ અળપાઈ ગઈ છે, હવે તો તારે જ નક્કી કરવાનું છે, જલદી કર.’

‘હું તને ચાહું છું. – હું તને નહિ છોડી શકું.’

ત્યાં શિશુનો અવાજ સંભળાય છે. – ‘હું બધું ભૂલી જાઉં છું.’

અને આખો સ્ક્રીન ભરીને જનમ લેતા શિશુનો માસૂમ ચહેરો દેખાય છે. અદ્ભુત ફોટોગ્રાફી, શિશુજનમની ક્રિયા અને દૃશ્ય સાથે સાગર-સંગીત અને જળ – ખડકના રંગોનું અદ્ભુત સામંજસ્ય. દિગ્દર્શનની કળાની ચરમસીમા.

ફરી જેરેમી અને મારિયા વચ્ચેની વાતચીતનું છેલ્લું દૃશ્ય આવે છે. જેરેમી પૂછે છે, ‘હવે તમારી સાથે વાત કરે છે? સાંભળો ત્યારે –એવી કિંવદન્તી છે કે અજાત શિશુ સઘળું જાણે છે. એ જન્મે છે ત્યારે દેવદૂત એના હોઠે આંગળી મૂકે છે અને બાળક બધું ભૂલી જાય છે.’

મારિયા જેરેમીને પૂછે છે – ‘પણ તેં મને કહ્યું નહિ– તેં એને શું રહસ્ય કહેલું?’

‘ઓ સ્યો કી લીંતેં પુર દે મે.’ (ફ્રેંચ).

(આ ઉદ્ગારનું અંગ્રેજી ઉપશીર્ષક નહોતું. પછી તો ફ્રેંચ ડિક્શનરી જોઈ અર્થ બેસાડ્યો –) ‘આવતી કાલ માટે સંઘર્ષ કરવાનો છે.’ બરાબર છે. અજાત શિશુને જેરેમીએ જે કહ્યું હતું, તે માત્ર મારિયાના એ શિશુ માટે નહિ, જન્મ લેતા પ્રત્યેક શિશુને માટે છે કે માણસજાતે દુનિયાને જે સર્વનાશને આરે લાવીને મૂકી છે, તેમાંથી બચાવવા સંઘર્ષ કરવાનો છે. આપણી ભાષામાં કહીએ તો ન દૈન્યં, ન પલાયનમ્. પણ એટલી કદાચ સ્થૂળ વાત આ ફિલ્મ નથી કરતી.

આ તો પ્રેમની સાચી વાત છે. મા અને બાળકના પ્રેમની વાત. આખી ફિલ્મમાં મા અને બાળક વચ્ચે અનુરાગ વધતો બતાવ્યો છે. ઉદરસ્થ શિશુ શરૂમાં જાણે ઉદાસીન–ઇનડિફર્ન્ટ–છે, પણ માની એના પ્રત્યેની મમતા શિશુના હૃદયપરિવર્તનનું કારણ બને છે, ‘આઈ લવ યુ’ મારિયાના એ શબ્દો તીવ્ર અનુભૂતિથી, લોહીની સગાઈની વેદનાથી બોલાય છે અને શિશુ અવતરે છે.

ફિલ્મ કેટલું બધું કહી જાય છે? – એમ કહી એનો બોધ કહેવા નહિ જાઉં. જેરેમીનો પાઠ ભજવતા બાળકલાકાર સેમ્યુઅલ મુસેં અને મારિયાનો પાઠ ભજવતાં કાર્મેન મોરાંના અભિનયની અદ્ભુત સાહજિકતા એટલી તો પ્રભાવક છે કે ક્યાંય અભિનય લાગતો નથી. ફોટોગ્રાફીનું સંયોજન પણ આશ્ચર્યકારક.

આ ફિલ્મ જોવી તે એક અનુભવ છે. આપણે એક અભિમન્યુને માતા સુભદ્રાના પેટમાં રહી મામા શ્રીકૃષ્ણ સાથે સંવાદ કરતો, ચક્રવ્યૂહની વિદ્યા શીખતો જાણ્યો હતો. તે પછી ફ્રેંચ ફિલ્મની નાયિકા મારિયાના શિશુને.

મારિયા એ જ તો મેરી – ઈશુ ખ્રિસ્તની મા. ફિલ્મનું શીર્ષક અને આ નામનો આ બિબ્લિકલ સંદર્ભ ફિલ્મના અર્થઘટનની નવી દિશાઓ ખોલી શકે.

૩૧-૧-૯૩