છંદોલય ૧૯૪૯/સંસ્મૃતિ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
સંસ્મૃતિ

આવ હે મુક્તિદિન!
આજ તું જોઈ લે ભગ્ન અમ સ્વપ્નબીન!
આવ હે મુક્તિદિન!
જોઈ લે બીનના તાર સૌ છિન્ન છે,
સપ્ત સ્વરનો ધ્વનિ આજ તો સુપ્ત છે,
જીવનસંગીતની કલ્પના એય તે લુપ્ત છે;
જોઈ લે મૌનનો ભાર પણ કેટલો ભિન્ન છે!
આવ હે મુક્તિદિન!
આજ તું જોઈ લે ભગ્ન અમ સ્વપ્નબીન!

આવ હે મુક્તિદિન!
આજ આક્રંદમાંયે અરે, ‘આવ!’ કહીએ તને,
‘લાવ હે લાવ આનંદની આછીયે ઝંકૃતિ,
ક્ષણિક તો ક્ષણિક પણ લાવ!’ કહીએ તને!
એ જ ક્ષણ કૈંક કોલાહલોને જગાવી જતી
નયનની સન્મુખે મૂર્ત થૈ જાગતી સંસ્મૃતિ;
હૃદયના વ્રણ મહીં લવણ કેવું લગાવી જતી,
ને દૃગોના દીવાને બુઝાવી જતી,
જોઈ લે તારું હૈયુંય તે કેટલું એ ધ્રુજાવી જતી!
આજ શી સંસ્મૃતિ! સંસ્મૃતિ! સંસ્મૃતિ...
ત્યાં કશી તાહરી ક્ષણિક પણ ઝંકૃતિ?

રાષ્ટ્રની સૌ સીમા છો રહી સરકતી,
હૃદયમાં તો અચલ એ જ નકશો રહ્યો,
એમ વિચ્છેદના ક્રૂર વિદ્રોહને એહથી જાય શેણે સહ્યો?
શક્ય ના છૂરીથી જલ કદી છેદવું,
ને છતાં જલ થકીયે વધુ સ્નિગ્ધ
જે સ્હેજમાં દ્રવી દ્રવી જાય એ હૃદયને
એવી તે કઈ છૂરીથી હશે શક્ય આ ભેદવું?
અલગ બે રંગની ભિન્નતા દાખવી
નજરમાં તોય જુદાઈનું ઘર બનાવી લીધું,
સરકતી સીમની છિન્નતા દાખવી
હૃદયનો એથી પલટાઈ નકશો ગયો
એમ વિદ્રોહમાંયે અહો, મુગ્ધ મન શું મનાવી લીધું!
શી અહો, કેવી આહ્લાદિની ભ્રાંતિ છે!
શી અહો, રાજ્યની ઉદય-ઉત્ક્રાંતિ છે!
છો ભલે હૃદય જલતું રહો,
કિન્તુ આ મન હવે છેક છલતું રહો!
કેવી રે આત્મની વંચના,
ને લલાટેય અપમાનની અર્ચના!

આજ શી સંસ્મૃતિ! સંસ્મૃતિ! સંસ્મૃતિ...
ત્યાં કશી તાહરી ક્ષણિક પણ ઝંકૃતિ?
એમ જ્યાં રાષ્ટ્રના ઐક્યનો અગ્નિસંસ્કાર પૂરો થતો
ત્યાં જ એની ચિતામાંથી
હે મુક્તિદિન, તુજને જન્મતો જોઈને,
આંસુ ન્હોતું છતાં નયનને લ્હોઈને,
મત્ત ઉન્માદમાં કોટિ કંઠે કશું ગાન ગાઈ લીધું!
સૂર એનો અહો! શો મધુરો હતો!
પવનની લહર લહરે વહી એનું સંગીત
સૌ ખંડખંડે અહો, એક ક્ષણમાં જ છાઈ દીધું!
ને અરે, એ જ ક્ષણ કો અજાણે ખૂણેથી
વિષાદે ભર્યો જાગતો તીવ્ર જે સ્વરધ્વનિ:
‘નજીક નોઆખલી, તીર સાબર તણાં તો ઘણાં દૂર છે!’
વિજયના ગાનમાં એ ગયો રે ડૂબી,
ક્યાંય સુણાય ના એટલો મંદ કેવો ગયો એ બની!
શૂન્ય થૈને શમી વાણી રે,
મૌનના ગર્ભમાં કેવું શરમાઈને પાછી ચાલી ગઈ
જન્મી ના જન્મી ત્યાં!
એની એ વેદના કોઈએ ક્યાંય ના જાણી રે,
શલ્ય શી નીરવતા એ હૃદયને હશે શીય સાલી ગઈ!
આજ શી સંસ્મૃતિ! સંસ્મૃતિ! સંસ્મૃતિ...
ત્યાં કશી તાહરી ક્ષણિક પણ ઝંકૃતિ?

પંચ એ સિંધુના પ્રાંતમાં
ભીષણ ને તોય ભીરુ કશો જંગ ખેલી લીધો!
ને ગુરુ વીર ગોવિંદનો
એક શેત્રંજની સોગઠીએ કહ્યો વીર મામુદને
કેમ વીરત્વ ને ત્યાગનો મંત્ર એ દૂર મેલી દીધો?
જો કદી ધર્મના યુદ્ધમાં ચડવું’તું,
તો પછી ત્યાગ ને વીરતાના શહૂરથી ભલા! લડવું’તું,
નેક ખુદાઈના નૂરથી તો ભલા! લડવું’તું!
જેહના નામના માત્ર ઉચ્ચારમાં
આવતી કાલ ઇતિહાસની જીભ પર શી ધ્રુજારી હશે!
એવી રે અંતહીન હારમાં
લાખ વણજાર આ માનવોની કહો, ક્યાં જશે?
જીવતા મૃત્યુને જે વર્યું એવું જીવન કહો, ક્યાં ગુજારી જશે?
આવી વણજાર તો એક બસ જોઈ છે
રે અમાસે નિબિડ રાતના તારલાઓ તણી,
કિન્તુ આ કારવાંને નથી એમનો તાલ કે એમનું તેજ,
આ પૃથ્વીના માનવે એમના મુખની ચમકને ખોઈ છે!
લાખ વણજાર આ તપ્ત રણરેત શી
ઘોર વંટોળમાં અહીંતહીં વહી જતી,
વાયુના વેગને મૌનથી સહી જતી!
પાંચ પાંડવ છતાંયે હતી જેની પાંચાલીને મન ભીતિ,
લાખ પાંચાલીની આજ તો એથીયે હીન છે
દેહની દીન રે નગ્નતાની સ્થિતિ;
જૌહરે પદ્મિની અગ્નિને અર્પતી પ્રાણની આહુતિ
ત્યાહરે માણતી વિક્રમી પુરુષના મધુર સંસ્મરણને,
આજ પુરુષાર્થનું તેજ જોયા વિના
લાખ પદ્મિનીઓ સોંપતી નિજ તણા પ્રાણ જૈ મરણને
કે પછી શોધતી દાનવોનાય તે શરણને!
આજ શી સંસ્મૃતિ! સંસ્મૃતિ! સંસ્મૃતિ...
ત્યાં કશી તાહરી ક્ષણિક પણ ઝંકૃતિ?

‘અગર આ પૃથ્વી પર ક્યાંય જો સ્વર્ગ છે,
તો અહીં...’
ના, નહીં!
રૂપના તીર્થ પર પૂજનના ગીતની અંજલિ
આજ તો દૂર રહી!
પૃથ્વી પર વિરલ આ સ્વર્ગના નંદને
કલિ કલિ
શી કથા કહી રહી ક્રન્દને ક્રન્દને!
આજ તો પાંદડે પાંદડે, પુષ્પઢગલે,
અરે અગ્નિપગલે
કશી વિષમયી વારુણી વર્ષતી!
જોઈને મૃત્યુના લોચને લાલિમા હર્ષતી!
આજ શી સંસ્મૃતિ! સંસ્મૃતિ! સંસ્મૃતિ...
ત્યાં કશી તાહરી ક્ષણિક પણ ઝંકૃતિ?

વૈરના અગ્નિએ માત્ર ત્રણ અક્ષરે
રક્તરંગીન એ પ્રેમના હૃદયપત્રે લખી,
સત્યના વક્ષસ્થલ પરે
ને અહિંસા તણા મર્મમાંયે લખી
જે કથા...
રે વૃથા!
વેદનાને નહીં આજ વાણી જડે,
શબ્દને શૂન્યતા શી નડે!
મૃત્યુ પણ મૌન ધારી ગયું જે ક્ષણે
એ ક્ષણોને વૃથા વાણી તે શું વણે?
મૃત્યુને, મૌનને મીંઢ આવું અરે,
માનવીએ કદી ના લહ્યું!
આજ પણ એનું એ મૌન રે આ રહ્યું  :
‘. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .’
આજ શી સંસ્મૃતિ! સંસ્મૃતિ! સંસ્મૃતિ...
ત્યાં કશી તાહરી ક્ષણિક પણ ઝંકૃતિ?

રાષ્ટ્રની કાયના સકલ અંગાંગનું વિષ
જઈ જઠરમાં એકઠું થઈ રહ્યું,
આઘું અળગું બની બેઠું જે આળું હૈયું
હજુ એહની વેદનાને નથી ધ્યાનમાં લઈ રહ્યું!
આજ ધૂંધવાય પણ કાલ જ્વાલા રૂપે પ્રગટશે
એવી એની અગન છે તે છતાંયે હજુ કેમ બૂઝે નહીં?
વિષતણું વમન કીધા વિના
જઠરનું ચાંદું જો આપમેળે જ રૂઝે નહીં
તો પછી દર્દની કો દવા રે હજુ કેમ સૂઝે નહીં?
આજ શી સંસ્મૃતિ! સંસ્મૃતિ! સંસ્મૃતિ...
ત્યાં કશી તાહરી ક્ષણિક પણ ઝંકૃતિ?

ભૂખના નિત્ય નિવાસ શાં
ભગ્નખંડેર શાં કેટલાં દેહમંદિર ઉદ્ધાર માંગી રહ્યાં,
ને છતાં એકલાં દેવનાં મંદિરો
શીદને આજ બસ જીર્ણ લાગી રહ્યાં?
કેટલાં અંગની આબરૂ વસ્ત્રની સંગ વીંટાઈને
ક્યાંય રે વહી ગઈ!
અંગ પર એકલી નગ્નતા રહી ગઈ!
ભિક્ષુના પાત્રમાં એકના એક એ વસ્ત્રનું દાન દેનાર
શ્રાવસ્તીની સીમની દીન એ નારીની
નગ્નતાની નથી એમને ધન્યતા;
એમની દીનતાની દશા એથી છે અન્યથા!
આજ શી સંસ્મૃતિ! સંસ્મૃતિ! સંસ્મૃતિ...
ત્યાં કશી તાહરી ક્ષણિક પણ ઝંકૃતિ?

ગ્રીષ્મના પ્રખર મધ્યાહ્નમાં
શુષ્ક સરવર મહીં
સકલ જલ આજ જલતું જતું;
કમલદલથી નહીં
કિન્તુ એ કર્દમે આજ ફલતું જતું,
સ્થલસ્થલે શી અહીં રિક્તતા!
મીનને મૃત્યુના મુખથી જે બચાવી શકે,
જીવનનું જરીય આશ્રય રચાવી શકે,
એટલીયે નથી જ્યાં રહી સિક્તતા;
ત્યાં અરે, શ્વેત બગની કશી શ્યામ છાયા ઢળી!
ને અરે, જેમ મધ્યાહ્ન ધપતો જતો
તેમ એ અલ્પ જલરાશિયે અધિક તપતો જતો,
ને અરે, જેમ મધ્યાહ્ન ધપતો જતો
તેમ એ શ્વેત બગ મૃત્યુનો મંત્ર પણ અધિક જપતો જતો;
શ્વેત એ દેહની શુભ્રતામાં વધુ શુભ્રતા ર્હૈ મળી
તેમ એ શ્યામ છાયામહીં
વધુ વધુ શ્યામ શોભાય તે ર્હૈ ભળી!
આજ શી સંસ્મૃતિ! સંસ્મૃતિ! સંસ્મૃતિ...
ત્યાં કશી તાહરી ક્ષણિક પણ ઝંકૃતિ?

આજ કો પાગલે શી સુરા પી લીધી!
મંદ ને મદિર કો વાયુએ એહના અંગને
આછું આછું અડી અસર ઉન્માદની શી કીધી!
હૃષ્ટ એ હાથમાં કેટલું જોર છે!
– કેમ કે હાથમાં રાજસત્તા તણા દોર છે.
ને છતાં કેટલાં શિથિલ છે એ ચરણ!
– કેમ કે મત્ત સુરા તણું એહને છે શરણ.
રક્તરંગી નયન જે નશામાં ડૂલી જાય છે,
વિશ્વ અજવાળતો વિપુલ આકાશનો તારલો
ને અતિ લઘુક ઘરનો દીવો બેયના ભેદને એ ભૂલી જાય છે!
આજ શી સંસ્મૃતિ! સંસ્મૃતિ! સંસ્મૃતિ...
ત્યાં કશી તાહરી ક્ષણિક પણ ઝંકૃતિ?

અગ્નિની રુદ્ર જ્વાલા મહીં
જીવનની શીતલતા હર ઘડી ખોઈને
જલ સમા આજ લગ તો અમે જલી રહ્યા,
ને હવે આજ અંધારની ચાર ભીંતો મહીં
ધૂમ્રલેખા સમાં
શાંતિનાં એકબે અલ્પ ગીતો મહીં
કોઈ રંગીન તે સ્વપ્નને જોઈને
શૂન્યમાં વિલીન રે થૈ જવા થોડુંયે હલી રહ્યા!
આજ આ રહીસહી આછી ભીનાશને
સ્પર્શીને સૌમ્ય કો તેજ ના ખેલતું,
ક્યાંયથી એક પણ કિરણ ના રેલતું!
જેથી રે કલ્પનાગગનમાં રંગનું કો ધનુ સોહી ર્હે!
આજ કો કંસના ઘોર કારાગૃહે
રાજલક્ષ્મી ભલે જન્મી તો, રૂંધતી છો શિલા;
હોય જો ભાવિના બોલ એ ભાખતી  :
‘કાલ એ કંસના મૃત્યુની પ્રગટશે કૃષ્ણ કેરી લીલા!’
આજ શી સંસ્મૃતિ! સંસ્મૃતિ! સંસ્મૃતિ...
ત્યાં કશી તાહરી ક્ષણિક પણ ઝંકૃતિ?

મુક્તિના સ્વપ્નને જોઈને
રાષ્ટ્રના યજ્ઞમાં વિલીન રે થૈ ગયા જે બલિ,
આજ એ સ્વપ્નને આમ વિલીન તે થૈ જતું જોઈને
ખાંભી નીચે હશે જેમની મુઠ્ઠીભર માટીયે ગૈ હલી;
એમના રક્તની સાક્ષીએ શપથ લઈને અમે,
એમની એ શહાદતની દુહાઈ દઈને અમે
આજ હે મુક્તિદિન, તારી સન્મુખ આ વચન ઉચ્ચારશું  :
‘એક દિન સપ્ત સ્વરમાં અમે પ્રગટશું તાહરી ઝંકૃતિ,
વિશ્વમાંગલ્યની મોરશું નૂતન કો સંસ્કૃતિ!’
આજ તો જોઈ લે ભગ્ન અમ સ્વપ્નબીન,
આવ હે મુક્તિદિન!

૧૫ ઑગસ્ટ ૧૯૪૮