જનાન્તિકે/એકતાલીસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


એકતાલીસ

સુરેશ જોષી

મૂશળધાર વરસાદ પડે છે. એ જોતાં બૉદ્લેરની પેલી પંક્તિ મનમાં ઝબકી જાય છે :

         When the long lines          of rain          Are like the bars of a          vast prison

‘Prison’ જોડે ‘vast’ વિશેષણ મૂકવાથી આખી વાત કેવી ભયંકર બની જાય છે! એ વિશાળ કારાગારમાંથી મુક્ત કરવાનું વસુદેવકૃત્ય કોણ કરશે? આ પંક્તિ યાદ આવતાં જ મન બૉદ્લેરની કાવ્યસૃષ્ટિની આબોહવામાં ચાલ્યું જાય છે. વિશાળ આકાશ પોતે જ ભારે વજનના ઢાંકણની જેમ સૃષ્ટિને ઢાંકી દે છે. એ ઢાંકણ વસાઈ ગયા પછી નાસી છૂટવાનો માર્ગ જ ક્યાં રહ્યો? આકાશ જ અવકાશ આપે, પણ એ જ જો ઢાંકણ બનીને આપણને પૂરી દે તો અકાવશ ક્યાં રહ્યો? અલંકારશાસ્ત્રમાં જે હીનોપમા ગણાય તે કાવ્યમાં હમેશા હીન બની રહે એવું નથી. અહીં હીનોપમાનું સામર્થ્ય જોઈ શકાશે. અસંખ્ય ઉપાધિઓના ભાર નીચે કચડાઈને કણસતા જીવ ઉપર આ ઢાંકણ વસાઈ જાય છે. એ આખી ક્ષિતિજને ઢાંકી દે છે ને એને પરિણામે જે દિવસ આપણે નસીબે રહે છે તે રાતથી ય વધુ ગ્લાનિભર્યો હોય છે. આ પછી બૉદ્લેર જે જે કાંઈ વિશાળ પરિમાણ ધરાવે છે તેને સંકોચતો જાય છે. આથી આપણા પ્રાણ પણ ભીંસાઈ સંકોચાઈને રૂંધાવા માંડે છે, પણ આકાશ જ જ્યાં ઢાંકણની જે વસાઈ ગયું હોય ત્યાં નાસી છૂટવાનો રસ્તો જ ક્યાંથી રહે? પરિમાણના આ સંકોચથી જે ભયાનક નિષ્પન્ન થાય છે તેનો સ્વાદ આ કવિતામાં છે. ધરતી આખી ભેજવાળી અંધારી કોટડીના જેવી બની જાય છે ને એની અંદર આશા ભીરુ ચામાચીડિયાની જેમ લૂણો લાગેલી છત સાથે માથું પટક્યા કરે છે, આવે વખતે આપણા મગજની અંદર જુગુપ્સાજનક કરોળિયાનું ટોળું ચૂપચાપ જાળ બાંધ્યા કરતું હોય એવું લાગે છે. ત્યાં એકાએક પ્રાત:કાળની પ્રાર્થનાનો ઘંટારવ ક્યાંકથી સંભળાય છે. પણ આ વાતાવરણમાં એનો આખો સંકેત ફરી જાય છે. એનો નાદ જાણે રોષથી છલાંગ ભરીને આકાશ સામે ઘૂરકી રહે છે. નિરાશ્રિત ભૂતપ્રેતની જેમ હતાશ બનીને એ કણસ્યા કરે છે. એવી પળે ચિત્તના નેપથ્યમાંથી કશાં ઢોલત્રાંસાં વગાડયા વિના કાંઈ કેટલા ય જનાજા મૂંગા મૂંગા એકધારા પસાર થતા હોય એવું લાગે છે. હારી ગયેલી આશા ક્રંદન કરે છે ને આપણી ઝૂકેલી ખોપરી પર આપખુદ ભીતિ પોતે એના વિજયની કાળી પતાકા ફરકાવી દે છે. આવા દિવસે એ કાળી પતાકા સિવાય બીજું કશું ક્યાંક ફરકતું દેખાતું નથી. જયદેવની મેઘમેદુર સૃષ્ટિથી આ સૃષ્ટિ સાવ જુદી છે.