જનાન્તિકે/ઓગણીસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ઓગણીસ

સુરેશ જોષી

બધાં માત્ર સૂઈ ગયાં નથી, ઊંઘી ગયાં છે. તોત્સુકાની ઢીંગલીઓ અને હું માત્ર ઉઘાડી આંખે પડ્યાં છીએ. ઢીંગલીઓ કદાચ સપનાં જોતી હશે. ઢીંગલીઓની દુનિયામાં બાળલગ્ન જ વધારે પ્રચલિત હોય એમ લાગે છે. અથવા એમની દુનિયામાં વય જેવું જ કશું નથી કે પછી એક જ વય છે, ને તે એમની જોડે રમનારની વય! એમની દુનિયામાંથી બહિષ્કૃત થયાનું આટલું દુ:ખ આ પહેલાં નો’તું થયું. પણ દરેક સૃષ્ટિમાં પ્રવેશવાને વિશિષ્ટ અધિકાર જોઈએ. ઢીંગલીની સૃષ્ટિમાં શી રીતે પ્રવેશી શકાય? પારિજાતની કેસરી દાંડીમાં થઈને સૂરજચન્દ્ર જોડેલા રથમાં બેસીને જવાય? ટીપે ટીપે ટપકતાં પાણીની સીડીએ ચઢીને જવાય? કહે છે કે વહેલી સવારે પવન જે મંત્ર ખીલતી કળીના કાનમાં ફૂંકી જાય છે તે જો સાંભળી લઈએ, ગુલાબના હાસ્યમાં એકદંડિયા મહેલમાં રહેતી અણમાનીતી રાણીનું આંસુ ઘૂંટીને, ઊડતા ઘોડા પર સવાર થઈને આવતા રાજકુમારની રાહ જોતી રાજકુંવરીના ઉષ્ણ ઉચ્છ્વાસની આંચ આગળ એને ધરીએ ને પછી ઝાકળની દાબડીમાં એને મૂકી દઈને સૂરજ આથમતા સાથે પેલો મંત્ર બોલીને દાબડીને ખોલી દઈએ તો એ સૃષ્ટિમાં પહોંચી જવાય. પણ એ તે હવે શી રીતે બનવાનું હતું? આથી ઘરમાં એકાએક પૈસા ખૂટી જાય ત્યારે પૈસા સંતાડવાની બધી જગ્યા એક વાર ફરી ફંફોળી જોઈએ તેમ બાળપણમાં વધેલી ઊંઘ જ્યાં ત્યાં સંતાડી રાખી હતી ત્યાં ત્યાં એને શોધવા મંડી પડું છું. બાળપણમાં ઘણી બધી ઊંધ વધતી. મોટેરાંઓ થાકના પોટલાં લાદીને સૂતાં હોય, એ બધાં પોટલાં ઉતારતાં એમને તો ખાસ્સી વાર લાગે; પણ શિશુ તો હળવા ફૂલ જેવું. પંખીના પહેલા ટહુકારની લહર અડતાં એ ઉડવા માંડે. ખોબેખોબા ઊંઘ બાકી રહેવા દઈને એ જાગી પડે. આજે વિચારું છું; ક્યાં ગઈ એ ઊંઘ? સોનગઢના કિલ્લાની એ અષ્ટકોણ વાવની બખોલમાં, જેની છાયામાં થઈને રોજ નિશાળે જતા તે વડદાદાની જટામાં, વાડામાંના આંધળા કૂવાની આંખોમાં એને સંતાડી રાખી હતી. આજે એને કોણ પાછી લાવી આપે?