જનાન્તિકે/તેત્રીસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


તેત્રીસ

સુરેશ જોષી

ક્રોમિયમ પ્લેટેડ સૌજન્યનો ચળકાટ નથી સહેવાતો. એવા સજ્જનોના શબ્દે શબ્દે એન્ટિસેપ્ટિક ડિસઈન્ફેક્ટન્ટની ગંધ આવે છે. એમની અસ્ત્રીબંધ કકરી સુઘડતા હૉસ્પિટલના ઑપરેશન થિયેટરની યાદ આપે છે. હમણાં જ ચમકતા ચીપિયા અને તીક્ષ્ણ ધારવાળી નસ્તર મૂકનારી છરી દેખા દેશે એવી ભીતિથી હૃદય ફફડી ઊઠે છે. એમના સ્મિતમાં ઇથરની શીતળતા હોય છે. એવા ‘સજ્જન’ની સમક્ષ ખડા થવાનું આવે છે ત્યારે મને તો માથે મોત ભમતું લાગે છે. એમના મોભાનું વજન એઓ આપણી પાસે મજૂરની જેમ ઉપડાવે છે. એમની કીર્તિને આપણે ખાંધ આપવી પડે છે; ને તે ય આપણો ચહેરો સાવ ભૂંસી નાખીને! એવા સજ્જનોનો દીર્ઘ સહવાસ જેમના નસીબમાં લખાયો હોય છે તે અંતેવાસીઓનું શું થતું હશે! ખરેખર, મનુષ્યના જેવું મનુષ્યભક્ષી પ્રાણી બીજું ભાગ્યે જ હશે! બહાર બેઠેલા ચપરાસીના હાથમાં આપણું નામ લખીને ચબરખી અંદર મોકલાવીએ, આપણી આગળ આપણા નામની ચબરખી ચાલે, પછી થોડી ક્ષણો કે કલાક સુધીની અકળાવી મૂકનારી પ્રતીક્ષા, પછી અંદરથી આવતો ‘બઝર’નો તુમાખીખોર કર્કશ અવાજ, પછી આપણો પ્રવેશ, અસબાબના કોટકિલ્લા વચ્ચેથી તીક્ષ્ણ દૃષ્ટિએ તમને માપી લેતી બે આંખો, દવાની શીશીમાં ખડકેલી એકસરખા આકારની ટીકડી જેવા એમના મુખમાંથી ગબડતા શબ્દો, ધીમે ધીમે બહાર નીકળતા નહોર, લબકારા મારતી જીભ – તમે બહાર નીકળો ત્યારે એમની દાઢ વચ્ચે પૂરેપૂરા ચવાઈને જ નીકળો. એમના સુદર્શન ચક્રે તમારો પીછો પકડયો જ હોય. એમના આ કૃષ્ણકૃત્યનો મહિમાભાર શેષનાગને ક્યારેક ચળાવશે ને?