જાળિયું/આંતરબાહ્ય વાસ્તવ પર કવિનો કૅમેરા....

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


આંતરબાહ્ય વાસ્તવ પર કવિનો કૅમેરા....

‘જાળિયું’ સંગ્રહની પ્રત્યેક વાર્તા આ રૂપે કે તે રીતે રસપ્રદ છે. ‘જાળિયેથી જય શ્રીકૃષ્ણ’ કહી અળગા રહેવાની તક નહિ આપે!

જાતીય સંબંધની જટિલતા, શારીરિક આકર્ષણની તીવ્રતા અને જુગુપ્સાનાં વિશિષ્ટ પરિમાણને સામગ્રી તરીકે સ્વીકારી બે-છોછ વાર્તાઆકાર આપવામાં લેખકે જોખમ ખેડીને પણ કળામર્મ જાળવ્યો છે. આ માટે પ્રતીક રચનાનો સભાન સ્તરે વિનિયોગ, લેખકના સામર્થ્ય તેમજ સીમાનો અંદાજ આપશે. વસ્તુની હળવી રજૂઆત પણ કરુણની દિશા નિર્દેશે અથવા અસ્તિત્વની વિષમતા કે વક્રતાને ઉદ્ભાસિત કરે છે. ‘જાળિયું’, ‘સોનું’, ‘જળો’, ‘પરુ’, ‘ધ્વજભંગ’, ‘નિયતિ’, ‘આઢ’ આનાં સ્મરણીય ઉદાહરણો છે.

તો ‘સાહેબ’ લેખકની નૈતિક નિસ્બત, ‘અપૈયો’ પરંપરાગત વેરવૃત્તિને એના તળપદ વાસ્તવમાં મૂર્ત કરવાનો ઉપક્રમ અને ‘કમળપૂજા’ મૂલ્યાગ્રહને અરુચિકર સમાધાન સુધી લાવનારા મંથનને પ્રદર્શિત કરે છે.

આંતરબાહ્ય વાસ્તવ પર યથાર્થ કૅમેરા એન્ગલમાં એક કવિની શૈલીથી મઢી, ‘જાળિયું’, ‘આઢ’, ‘નિયતિ’ જેવી વાર્તાકૃતિઓ આપવા માટે શ્રી હર્ષદ ત્રિવેદીને હાર્દિક અભિનંદનો.

–રાધેશ્યામ શર્મા

“કેટલીક વાર્તાઓ આસ્વાદ્ય હોય છે, કેટલીક શ્રદ્ધેય પણ હોય છે. આકાર-નિર્મિતિ હોય એટલે વાર્તા આસ્વાદ્ય તો બની ચૂકી પણ એ શ્રદ્ધેય ત્યારે બને કે જ્યારે વાર્તાના વણાટ (-ટેક્સચર) ભેગું માનવજીવનનું કોઈક રહસ્ય વણાઈ ગયું હોય. કલા અને જીવન – બંનેની સત્તાઓનું સંમિલન આસ્વાદ્ય તેમજ શ્રદ્ધેય હોય છે.”

(વાર્તાવિશેષ, પૃ. 18)
–રઘુવીર ચૌધરી