જાળિયું/આઢ (।વિ। : સપ્ટે. -ડિસે. 1993)

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
આઢ

‘તે હેં લખમીમા, તમારે ચ્યાં રોજ બાંમણ જમાડવા સે? કાલા ફોંલીન્ સું લેવા અંગોઠા તોડતાં હશ્યો...’ કોઈ બોલ્યું ને લખમીમા ઊકળી ઊઠયાં, મણ એકની ચોપડાવી ને બોલ્યાં, ‘તેરમીની! ખબડદાડ જો હવે કો દિ’ જીભડો બારો કાઢ્યો સે તો અડદાળો કાઢી નાખીસ!’ ને આખો આઢ હસી પડ્યો. લખમીમા ગામ આખાને ગાળો દઈ શકે. કોઈ એમનો ધોખો ન કરે. સામેથી હસવાનું થાય. લાજ કાઢેલી એક વહુ બોલી, ‘ડોશીને ચ્યાં હખ સે...’ લખમીમાએ સાંભળ્યું ન સાંભળ્યું કર્યું ને એક છોકરાને પકડયો ને કહ્યું કે – ‘જા, ભગાને બોલાવ્ય, આજ તો બે મણ ઠેલી મેલું…!’ છોકરાએ ખિસ્સાં પકડીને ચડ્ડી ઊંચી કરી પછી બુશકોટની બાંયથી નાક લૂછ્યું ને કહે, ‘ભગાભૈજી તો કાંપમાં જ્યાં સે, મોરારભૈ હશ્યે...’ ‘હા, ઈને મોકલ્ય...’ એક બાઈ બોલી, ‘ડોશીને તો જીવતે જગતિયું કરવાનું સે. કાલાં નો ફોલે તો પસેં લાડવા ચીમ કરીન્ ખવારશે?’ ‘મારો વા’લો એટલું દૃશ્ય તો જગતિયુંય કરીશ, મારે ચ્યાં તમારી ઘોડ્યે હાર્યે લઈ જાવું સે…’ એમ કહી એમણે હવામાં બાથ ભરવા જેવું કર્યું. લખમીમાં પહેલું આણું વાળીને સાસરે ગયાં ને મહિના દિવસમાં તો પિયર પાછાં આવ્યાં. હજી સુધી કોઈને ખબર પડી નથી કે પાછાં કેમ આવ્યાં. ન મોસાળમાં કોઈ, ન કોઈ કાકા-દાદાનું. એકલી દીકરી. મા-બાપ જાય પછી આ બધું આમેય એમનું હતું, પણ સાસરે ન ગયાં તે ન જ ગયાં. ડોસા-ડોસી ગયાનેય વરસો વીતી ગયાં. લખમીમાએ મૂઆં સુધીનું એમનું બધું જ કર્યું. પોતે એકલાં રહે તોય ગામ એમનું ઓશિયાળું! બધાં એમને રાખેય ખૂબ, પણ એમની જીભ કુહાડાની! સાંજે-માંદે તો લખમીમા વિના કોઈનો આરો નહીં. કેટલીય વહુ-દીકરીઓનાં છોકરાં એમને હાથે જન્મ્યાં ને મોટાં થયાં. ભલભલા ડૉક્ટરની કારી ન ફાવે ત્યાં લખમીમા એક ઓસડ પાય ને હાથ ફેરવે કે તરત છુટકારો! ડોશીવૈદાંમાં એમને કોઈ ન પહોંચે. થોડી વારે ભગવાન પટેલનો દીકરો મોરાર આવ્યો. કાલાનું કોળિયું ભરીને લખમીમાને પૂછ્યું, ‘ચ્યેટલાં કરું?’ ‘આજ તો બે મણ કાઢ્ય...’ ‘બે મણ?’ મોરાર આશ્ચર્યથી જોઈ રહ્યો. ‘હા, હા. તું તારે કાઢ્યને, મારે ફોલવાં સે ને…’ લખમીમાને બે મણ કાલાં નહીં, પણ સીધા બે રૂપિયા જ દેખાયા. એમનું મોઢું મરકી રહ્યું. બધી દાઢો પડી ગઈ હતી એટલે બેય ગાલ ઊંડા ઊતરી ગયેલા, પણ આગળના દાંતને લીધે મોઢું કંઈક ઠીક લાગતું. લખમીમાએ કાંટા ઉપર નજર કરીને મોરાર બોલ્યો, ‘નંઈ વધારે નાખું, કાંટો શીદ જોયા કરો સો?’ ‘મારા રોયા! થઈર્યાં કે નંઈ ઈમ જોવું સું!’ મોરારે મણિકાની દોરી ને કાંટો ભેગાં કરીને કેળિયું ઉતારી લીધું. ‘ચ્યાં નાખું મા?’ એટલું પૂછે એ પહેલાં લખમીમા બોલી ઊઠ્યાં, ‘હીરજીની વઉ પાંહે નાંખ્ય, વખારના બાયણામોઢે…’ મોરારને બિલાડી આડી ઊતરી હોય એવી ફાળ પડી. કાલાંનો ઢગલો થયો. મોરારે હીરજીની વહુ સામે જોયું ને એણે અધૂકડી લાજ ઊંચી કરીને આંખનો ઉલાળો કર્યો. લખમીમાં તો કાલાં જોઈ રહ્યાં હતાં. મોરારે કેળિયું ખંખેરીને દડી ગયેલાં કાલાં પગથી ઢગલા ભેગાં કર્યાં, એક કાલું લઈને હીરજીની વહુ સામે તાક્યું ને પછી ઢગલામાં નાખી એની સામે જોતો-જોતો જતો રહ્યો. જતાં જતાં એનો પગ હીરજીની વહુના પગના અંગૂઠાને અડાડતો ગયો. હીરજીની વહુના હાથ થંભી ગયા ને લાંબો કરેલો પગ આપમેળે હલવા લાગ્યો. લખમીમાને આજ બરાબરનો ઉકેલ ચડ્યો હતો. ઝડપ દઈને કાલું લે. એક પાંખડું ખેંચે, રૂ ખેંચાય ને તરત બે આંગળી ચીપિયાની જેમ પહોળી થાય. ક્યારે રૂ નીકળી જાય એ એની ખબર ન પડે ને ઠાલાંનો ઢગલો થતો જાય. હીરજીની વહુ ત્રણ પાંખડાંનાં કાલાં ફોલી નાખે, ચાર પાંખડાંના ઢોલિયાને જુદા તારવે. લખમીમાનું ધ્યાન એ તરફ ગયું. ‘અલી વઉ, આ કાલાં ચ્યમ નોખાં કાઢસ્? નથ્ય ફોલવાં?’ ‘મા, ઈ ઢોલિયા સે, શેલ્લે કાઢીસ્...’ ‘અરે વાલામૂઈ! શેલ્લે ન્ પેલ્લે... હાંજ હુધીમાં હડશેલી મેલ્ય અટ્લે હઉં...’ હીરજીની વહુ ચૂપ રહી. ઠાલિયાંનો કટકટાટ, ક્યાંક ઝીણી ગુસપુસ અને છોકરાંઓની દોડાદોડીથી આઢ ઊભરાઈ રહ્યો. વચ્ચે વચ્ચે કપાસના નાના-નાના ઢગલા આકાશમાં ધોળાં વાદળો ચડી આવે એમ ફેલાવા લાગતા, પણ આ છોકરાંઓ કપાસ ભેગો થવા દે તો ને? થોડી થોડી વારે બાથમાં સમાય એટલો લઈને દોડે વખારમાં. એમ ને એમ આખી બાથ લઈને ઝંપલાવે. અડધા ઉપરની વખાર ભરાઈ ગઈ હોય એટલે છોકરાંઓ એમાંથી બહાર નીકળે જ નહીં. બસ, કપાસ ખૂંદે રાખે, થાકે એટલે આવીને પાણી પીએ, કોઈ વળી ખાવા માગે, પણ વળી પાછાં વખારમાં...’ ઊંચી ઊંચી ચાર દીવાલો ને ઉપર ખુલ્લું આકાશ. એક ખૂણામાં નહીં નહીં તોય બસો-અઢીસો મણ કાલાંનો અંબાર. દીવાલના છેલ્લા પથ્થર સુધી કાલાં પહોંચેલાં. કાલાંનાં પાંખડાંનો રંગ આછો કથ્થાઈ, વચ્ચે વચ્ચે દેખાતું દૂધ જેવું રૂ. જાણે એકસાથે લાખો-કરોડો ચકલીઓ ભેગી થઈ હોય એવું લાગે, માત્ર ઢગલાને જ જુઓ તો એમ લાગે કે હમણાં બધી એકસાથે ઊડી કે ઊડશે! ચકલીઓ જેવું જ ચીંચીં આ બૈરાઓ કર્યાં કરે…ઢગલાની બરાબર સામેના ખૂણે કપાસિયાંનો નાનો પણ નક્કર એવો ઢગ. આ બાજુ વખારનું બારણું ને બધાં ફોલણિયાં. વચ્ચોવચ ત્રણ વાંસની ઘોડીમાં લટકાવેલો જબ્બર કાંટો. બે છેડા અને આંકડિયા વાદળી, વચ્ચેનો આખો ગજ અને કાંટા સહિત આંકડાનો ભાગ કેશરિયો લાલ! બાજુમાં જ પડેલાં મણિકાં ને કેળિયાં. ત્રીજા ખૂણામાં બાંધેલી ઘોડીનો હણહણાટ અવારનવાર સંભળાયા કરે. કોઈ ઊભું થાય, કોઈ બેસે, કોઈ વળી કપાસ નાંખવા જતું હોય, તો કોઈ ખાતું-પીતું હોય…આખો આઢ સતત ગતિશીલ. સાંજ પછી બધું ખાલી થઈ જાય ને સરકસના તંબુ જેવો રહે માત્ર આઢ. આઢની ડેલી બહાર બધા ડોસાઓ ને જુવાનિયાઓ બેય બાજુના ઊંચા ઓટલે ચડીને કાલાં ફોલે. અલકમલકની વાતો કરે. કાલાં પૂરાં થાય એટલે મોટા સૂંડલામાં ભરીને કપાસ મોકલાવે. સૂંડલો લાવનારો જણ ફરી પાછો કાલાં ભરતો જાય. પુરુષોને આઢમાં લગભગ પ્રવેશ નહીં. એક તો વહુઆરુને લાજ કાઢવી પડે એ અને બીજું બીડીનું કારણ. પુરુષોને બીડી પીધા વિના ચાલે નહીં એટલે એ બહાર બેઠા-બેઠા કાલાં ફોલે રાખે ને બીડીઓ પીધા કરે…ઘણી વાર તો વહુઓ બોલેય ખરી, ‘ભાભા બારા બેઠા બેઠા સું વહટી કરે સે? બઉ વાર લાગે સે બૉન! કલાકેય એક હુંડલાનો પાર નથ્ય લાવતા!’ એમ કહીને પડખે બેઠેલી કોઈ સ્ત્રી પાસે હોંકારો ભણાવે. વખારનું બારણું લખમીમાના ઢગલા પાસે જ એટલે વારેઘડીએ થતી અવરજવરથી એ બહુ ગુસ્સે થાય, ક્યારેય તો બોલેય ખરાં, ‘રાંડુંયું જણી જણીન્ આઢમાં નોં લાવતી હો તો… રોયાંવ નિહાળ્યેય નથ્ય જાતાં...’ એમ બોલતાં એમણે ઠાલિયું ફેંક્યું. અચાનક એક છોકરાની લાત વાગી ને લખમીમાની ભંભલી ફૂટી ગઈ. ખળખળ કરતું બધું પાણી નીકળી ગયું. લખમીમાએ ઊભા થઈને પોતે બેઠેલાં એ કોથળો ઉપાડી લીધો ને ઘા કર્યો કાલાં ઉપર. પછી ગાળ કાઢી, ‘અલી સવલી! આ તારા બાપને બાંધી રાખ્ય, મારી ભંભલી ફોડી નાંખી…’ બે-ચાર છોકરીઓ હી…હી…હી… કરતી હસી પડી. લખમીમા વધુ ગુસ્સે થયાં, એ કંઈ બોલે એ પહેલાં સવિતાએ સંભળાવ્યું : ‘મરો અટ્લે હઉં! ડોશી ભાળતાં નથી ને શું બોકાહાં દો સો...ઈ ચ્યાં મારો સે તે પાધરો બાપ કરો સો...તીકુભૈજીનો રમલો સે...આ ડોશી હાત ભવમાંય ગતે જાય તો હાહુના હમ...!’ ‘તીકુડાનો સે? ઈ જલમ્યો તાંણનો કજાત સે... મોહાળના એક-બે વાહા તો આવે જે ને…’ ત્રિકમની વહુએ લખમીમાને તો કંઈ કીધું નહીં. ઊભી થઈ ને રમેશને વાળથી પકડ્યો. વાંસામાં બે-ચાર ધબ્બા લગાવી દીધા. રમેશે જબ્બર મોટો ભેંકડો તાણ્યો. નાકમાંથી ને મોઢામાંથી લેંટ-લાળ નીકળી ગઈ. બીજો એક ધબ્બો પડે એ પહેલાં લખમીમાએ ઊભાં થઈને વહુનો હાથ ઝાલી લીધો, વળી પાછો ગાળોનો વરસાદ... લખમીમાએ પોતાના ઢગલા બાજુ જવાને બદલે ઓઘડ કુંભારની દીકરી બેઠી હતી એ તરફ ડગલાં માંડ્યાં, જઈને એની ભાણીને કહે, ‘દીકરી! જા ને બટા, મારો બાપો કરું...અબસાત જા ન્ એક ભંભલી લઈન્ ભરતી આવ્ય. જો જે વાવ્યનું પાણી ને બે ગંયણ્ણે ગળીન્ લાવજે!’ ‘લે, મા હું અત્તારે ચ્યમ કરીન્ જઉં? જોતાં નથી આટલાં કાલાં પડ્યાં સે ઈ...કુણ મારો ભા ફોલવા આવ્વાનો સે?’ ‘જા ને બટા, હું તરશી મરી જઈસ...લે આ દહકું!’ ‘તે આંય ચ્યાં પાણીનો ટૂટો સે...હાંજ પાડી દો ને, કાલ્ય લેતી આવીસ... ‘જા ન્ બટા! તરસ્યાંના નિહાંકા નો લઈ! હું ચ્યાં કોઈના ઘરનું પાણી પીઉં સું?’ ભાણીએ દસ પૈસા સામે નજર કરી એટલે લખમીમાએ એના હાથમાં પૈસા મૂકી દીધા. બધાં બૈરાં-છોકરાંઓનો કકળાટ વધવા માંડ્યો. કાલાંટાણી પછી જેનાં આણાં થવાનાં છે એવી બે-ત્રણ પરણેલી છોકરીઓ ટીખળે ચડી હતી. એ બધી એમ માનતી હતી, જાણે આખા આઢમાં કોઈ છે જ નહીં. સતત હાહા…હીહી ને ખિખિયાટા! લખમીમાએ મોટા અવાજે કીધું, ‘હવે જે બોલે ઈ મૂંગા હૂંઠિયાની વઉ!’ અને બધાં ખખડી પડ્યાં. ક્યાંય સુધી હસવાનું ચાલ્યું. ઘણી વાર સુધી બધાંએ મૂંગાં મૂગાં કાલાં ફોલે રાખ્યાં. અચાનક બહારથી સરૈયાનો અવાજ આવ્યો, ‘એ...બોયું... બંગડિયું…બુટ્ટી…કાન વીંધાવવા...’ આઢમાં આટલાં બધાં બૈરાંઓને જોઈને એ અંદર આવ્યો. બધાં ઘેરી વળ્યાં. કાન પડયો કોઈનો અવાજ સંભળાય નહીં એટલો ગોકીરો થયો.. બંગડીવાળોય ઘડીભર મૂંઝાઈ ગયો. કોઈ કહે, ‘આનાં નાક-કાન વીંધી દો, તો કોઈ પૂછે, ‘આ બુટિયાંના ચ્યેટલા પૈસા?’ તો કોઈ વળી હાથમાં બંગડી ચડાવવા જાય ને એક-બે તડાક્ દઈને તૂટી જાય! એટલી વારમાં જે છોકરીને પકડી લાવ્યાં હોય એ ભાગી જાય. ‘કીડી સટક્યો ભરે એટલુંય નો થાય’ કહેતી એની મા એની પાછળ દોડે. એક-બે હરખપદુડીઓને બંગડીઓ લેવામાં જેટલો નહીં એટલો જોવામાં રસ. બંગડીવાળો નીચે બેઠેલો. બધી સ્ત્રીઓ એના પર ઝળુંબવા લાગી. સરૈયો ગુસ્સે થઈ ગયો. પછી માંડ માંડ બધું થાળે પડ્યું. એક છોકરાએ રોવાનું શરૂ કર્યું, ‘મારેય કાન વીંધાવવા સે...’ એક માત્ર હીરજીની વહુ એવી હતી જેણે એ તરફ નજરેય કરી નહોતી. બાકી બધાંએ કંઈ ને કંઈ લીધું. લખમીમાએ હીરજીની વહુને પૂછ્યું, ‘વઉ તારે કંઈ નથ્ય લેવું? જો તો ખરી...’ ‘ના...મા. મારે સું કરવું સે?’ ‘ચ્યમ ઈમ બોલસ્?’ હીરજી બાર વરહનો બેઠો સે ને અટાણે તો પેર્યાં-ઓઢ્યાંના દિ’સે..ઈની મગદૂર સે કે ના પાડે…હું બેઠી સું ને તું તારે…’ એમ બોલતાં એમણે કેડમાં ભરાવેલો સાડલાનો છેડો કાઢ્યો ને ગાંઠ છોડવા લાગ્યાં. હીરજીની વહુએ લખમીમાનો હાથ પકડી લીધો. ‘મને મરતી ભાળો....’ ‘અરરર...વાલામૂઈ...હીણું શીદ બોલસ? લખમીમા ગળગળાં થઈ ગયાં. એક તો કાલાં ફોલવાનો અવાજ ને ઉપરથી આટલાં બધાં બૈરાંઓનું કાઉં...કાઉં... પૂરા વાતાવરણ પર કલબલાટ છવાઈ રહ્યો. ચમનની વહુ રંભા ઊભી થઈને એણે લગભગ હડી કાઢી ડેલા તરફ. બે-ચાર બૈરાંઓ ‘સું થ્યું? સું થ્યું?’ કરતાં પૂછવા લાગ્યાં. રંભાએ મોઢા આડે હાથ દઈ દીધો. એ દોડીને હોઓક્ કરતી ખાળના મોઢે બેસી પડી. લખમીમાએ બધાંને આઘાં ખસેડીને રંભાના વાંસામાં હાથ ફેરવ્યો, પછી ધીમે રહીને બોલ્યાં, ‘તીજા-ચોથા હુધી આવું રે ઈમાં આમ નિમાણી સું થઈ જઈ? એલાં કો’ક આને પાણી પાવ...’ એમ કહીને ધીમે ધીમે ચાલતાં પોતાના ઢગલા પાસે આવ્યાં. હીરજીની વહુ સામે જોઈને કહે, ‘હું તો પગલાં માથેથી જ વરતી જઉં, ચ્યેટલા મૈના ને ચ્યેટલા દિ’!’ ‘કુણ રંભાકાચી બેજીવ હોંતાં સે?’ હીરજીની વહુના શબ્દો જાણે નીકળ્યા જ નહીં ને ધરબાઈ ગયા. લખમીમાએ હીરજીની વહુનું લેવાઈ ગયેલું મોં જોયું ને તરત બોલ્યાં, ‘બાયુ’ની જાતને વળી ઈની શી નવઈ? આજ ઈનો તો કાલ્ય તારો વારો...’ હીરજીની વહુ નીચું જોઈ ગઈ. આંસુનાં તોરણ ઝળકી ઊઠ્યાં. લખમીમા ક્યાંય સુધી મૂંગાં મૂંગાં ઠાલિયાં નાખતાં રહ્યાં, પણ એમને વહેમ પડી ગયો. ‘ક્યો ન ક્યો કાંક સે ઈ નક્કી!’ થોડી વાર રહીને બોલ્યાં, ‘ફકર ન કર્ય. પેટ સોર્યા વના જે હોય ઈ કઈ દે મને. વાતને હાતમે પતાળ દાબી દઈસ...’ વહુએ આંસુ લૂછ્યાં, પછી ડૂમો ખંખેરતાં બોલી, ‘મા, હું તો લમણે મેણું લખાવીન જ આવી સું...’ એ વળી પછી ઢીલી પડી ગઈ. લખમીમાએ એના દેહ ઉપર એક નજર કરી. હાથમાં અડધું ફોલેલું કાલું ને રૂ રહી ગયાં ને બોલ્યાં, ‘પણ તારા પંડ્યમાં તો કંઈ ઊણું નથ્ય લાગતું…તો પસેં?’ ‘………’ ‘બોલ તું તાર...વશવા મેલીન્ બોલ! લખમીમાના પેટમાં નંઉ મૈના ર્યો હોય ઈં નેય ખબર નો પડે કે પેટમાં સું સે...’ લખમીમાએ એની સામેથી નજર ફેરવી લીધી ને ઠાલિયાનો ઘા કર્યો. પછી ઉમેર્યું ‘હીરજી થોડોક અધવધરો સે ઈ તો હુંય જાણું સું પણ પાણીપોસો તો નંઈ હોય!’ પાણીપોસા તો નંઈ પણ ઈમને એક કટેવ સે...એકલા પડે તંઈ મારા લૂગડ! અંગે અડાડે સે…!’ હીરજીની વહુએ ઢીંચણ વચ્ચે માથું છુપાવી દીધું. પછી ઊંચું જોઈને કહે, ‘મા…મારી લાજ રાખજ્યો ને કોઈને પેટ દેશો નૈં...નત્ પસેં મારે કૂવો બૂરવો પડશે...બૈજી બઉ આકરાંપાણીએ....’ એટલામાં મોરાર આવી ચડ્યો. આવતાંવેંત એણે ફોલણિયાંઓ ઉપર રાડ નાંખી, ‘ચારે કોર્ય કપાહ વેર્યો સે... બધો ભેગો કરીન્ જાવા દો વખારમાં...એ આંય જોવો કપાહઠાલિયાં ભેળાં થઈ જ્યાં સે...નોંખું પાડી દો હંધું!’ એમ કહીને એણે એક છોકરાને બુશકોટ ઝાલીને ઊભો કર્યો. સવિતાએ હસતાં હસતાં કીધું. ‘મોરારભૈ ઈને કંઈ નો કે’શો...ભાણિયો સે...’ પછી બોલી, ‘આ જગધાંવને નથ્ય પોગાતું, ધોડાધોડી કરીન્ ગોતું કરી વાળે સે…’ ‘તે હંધાયને બાંધી રાખતાં હો તો…’ બોલતો મોરાર લખમીમા તરફ ગયો એટલે પાછળથી કોઈ ધીમે અવાજે બોલ્યું, ‘ભગાભૈજીએ તમને બાંધી મેલ્યા’તા? તે સોકરાંવને બાંધવાનું ક્યો સો!’ મોરારે લખમીમાને પૂછ્યું, ‘મા, તમે તો ભારે ગોંગડાં કાઢ્યાં સે ને કંઈ! આટલાં બધાં?’ લખમીમાએ કહ્યું, ‘પીટ્યા! મારા ઘરેથી નથ્ય લાવી, ઓણ સાલ્ય કાલાં જ એવાં થ્યાં લાગે સે…’ મોરાર વખારમાં કેટલોક કપાસ થયો છે એ જોવા ગયો. જતાં જતાં એણે હીરજીની વહુ સામે જોયું. વહુએ જાણે કશું જ જોયું નથી એમ બેઠી રહી એટલે એણે પૂછ્યું, ‘આમ અવળું ફરીન્ ચ્યમ બેઠાં સો ભા...ભી?’ હીરજીની વહુને બદલે લખમીમાએ જવાબ આપ્યો, ‘ભાળતો નથ્ય, આંય તારો કાકો તડકો આવે સે ઈ…’ વખારમાંથી બહાર આવતાં મોરાર બોલ્યો, ‘તે કાલાં ફોલવાં હોય તો તડકોય ખાવો પડે…’ વળી એણે હીરજીની વહુ સામે જોયું. આ વખતે હીરજીની વહુએ ઊંચું જોયું ને તરત નીચું જોઈ કાલાં ફોલવા લાગી. મોરાર ગયો એટલે લખમીમા કહે, ‘આ અકરમી ચ્યમ તારી હાંમે વગદ્યાં કરે સે?’ ‘મને સું ખબર્ય?’ હીરજીની વહુએ સાડલો સરખો કર્યો. ક્યાંકથી ધડબડાટી સંભળાઈ ગભરાટ ફેલાઈ ગયો. છોકરાંવાળીઓએ છોકરાંને બાથમાં લઈ લીધાં. ભગવાન પટેલની ભેંશ ધણમાંથી આવે ત્યારે રોજ આવું થાય. તરત મોરાર લાકડી લઈને આવ્યો. ભેંશે કાલાંમાં મોઢું નાખ્યું. ‘હો…હો…હીઈઈઈ…’ કરતાં એણે ભેંશને કોણીની એક ઢીંક મારી ને ભેંશ સીધી જ ગમાણ બાજુ...મોરારે સિફતથી એની ડોકમાં સાંકળ પરોવી દીધી. હાશ થઈ. લખમીમા બોલ્યાં, ‘આ ડોબું બઉ કજાત સે ચાર્યેકોર મોઢું નાખેસે...’ ‘મા, પાધરું કો’ને જે કે’વું હોય ઈ…ગમાણ્યમાં ખડ ભેળી ધૂડ્યેય હોય તો પસેં ખડનો સું સવાદરે?’ હીરજીની વહુ બોલી ને લખમીમા વિચારે ચડી ગયાં. બધાં કાલાં ફોલવામાં મગ્ન થયાં... ફરી પાછો કટકટાટ. એક નાનકડી છોકરી ઊભી થઈ. એનું મોઢું શિયાંવિયાં થતું હતું. અચાનક મોઢા પરની રેખાઓ બદલાવા માંડી. બેય હાથ કૂલા ઉપર ગોઠવાઈ ગયા. ‘એ. મારે હંગણ કરવા…’ એટલું બોલતાંમાં તો એ ડેલીની બહાર શેરીમાં જઈને બેસી પડી. આઢમાં આવેલું એકેય માણસ બાકી ન રહ્યું. બધાં ખડખડાટ હસી પડ્યાં... છોકરીની મા શરમાઈ ગઈ. ‘મૂઓ વસ્તાર અટ્લે હઉં… લોઈ પી જ્યાં… આ તીજી વાર જઈ... આંય આઢમાંય હખ નંઈ…’ કહેતી ઊભી થઈ ને ખૂણામાં પડેલું ડબલું લઈ ડંકીએથી પાણી ભર્યું ને શેરીમાં ગઈ. લખમીમાથી ન રહેવાયું, ‘અરે મારી બઈ! પેલાં વચાર કરવો તો ને? પાસાં તમારે તો જણીન્ તરત મોટાં કરવાં હોય અટ્લે બેય કોરથીન્ ખવારો...’ એમનું વાક્ય હીરજીની વહુએ પૂરું થવા ન દીધું. ‘મા, જરાક તો થોરો રાખો. સોકરા કુને કે?’ વળી પાછાં મોરારનાં પગલાં થયાં. ત્યાં રમતાં છોકરાંઓને કહે, ‘જાવ અલ્યા, કપાહ ખૂંદો…’ ને બધાં છોકરાં એકસાથે જઈને વખારમાં પડ્યાં. આ વખતે મોરારે બરોબર નજર નોંધીને હીરજીની વહુને કહ્યું, ‘આ ફેર ચ્યેટલા, પૂરા પાંન્શેનાં કાલાં થાસ્યે?’ ‘હશ્યાબ તો તમે રાખો સો…’ હીરજીની વહુએ માથે ઓઢેલો સાડલો મોંમાં દબાવ્યો. મોરારે એક આંખ ઝીણી કરતાં કહ્યું, ‘આ ફેર ખટકો રાખશ્યો તો પૂરું...’ હીરજીની વહુના મોઢામાંથી દબાવેલો છેડો નીકળી ગયો. થૂંકને કારણે એટલો ભાગ ભીનો દેખાતો હતો. લખમીમાએ અચાનક ઊભાં થતાં કહ્યું, ‘વઉ, મારે દિશાએ જાવું જોશ્યે...લે હાલ્ય, તુંય હથવારો કર્ય…’ હીરજીની વહુને ના કહેવાનો વારો જ ન આવ્યો ને લખમીમાએ ડબલું ભર્યું. પેલી છોકરીની મા મોટેથી હસી પડી ને બોલી, ‘ડોશી તમનેય આ સોડીની ઘોડ્યે કળશ્યો થઈ જ્યો કે સું?’ ‘તારા દાંત પાડે હનમાન! કળશ્યો તો કંઈ નથી, પણ હમણેકું જરાક બાદી જેવું સે તે થ્યું કે જાતી આવું તો પેટમાં કાંક્ય...’ ‘તે મા, આવા તડકામાં આ વઉને શીદ ભેળી લઈ જાવ સો? કુણ તમને ફાડી ખાવનું સે?’ ત્રિકમની વહુ બોલી, ‘આ ડોશીય ગંધીલાં સે... ઈમનેય આ સોડીની વાંહો-વાહ્ય...’ બેમાંથી એકેયે કંઈ સાંભળ્યું ન હોય એમ બહાર નીકળ્યાં. શેરીમાં આવતાં જ લખમીમા બોલ્યાં, ‘વઉ, ચીની કોર્ય જાશું? હંધુંય ઉઘાડું બાર સે...’ ‘ભગાભૈજીના શેતર કોર્ય જાંઈ…યાં એક-બે આકડા સે...’ રસ્તે જતાં લખમીમાએ આગળ પાછળ જોઈ લીધું પછી વહુને પૂછ્યું, ‘આ મોરલાનાં લખ્ખણ કંઈ હારાં નથ્ય લાગતાં. તારી વાંહેમોર્ય હમચી લે સે...’ પછી સહેજ મોટા અવાજે બોલ્યાં, ‘જોજે ઠેશ્ય આવે નંઈ!’ એમ કહી કેડી ઉપર જમીનમાં દટાયેલો પથ્થર ચીંધ્યો... ‘કંઈ નંઈ થાય, સું કામ સંત્યા કરો સો...’ બંને થોડું આગળ ચાલ્યાં ને એક ખૂંટ પાસે ઊભાં રહ્યાં. લખમીમા કહે, ‘સંત્યા તો થાય જ ને... દિવાળીબાને ગંધ આવશ્યે તો તારો ઘડી-લાડવો નક્કી...ઈના જેવી હાહુ...’ ‘પણ મા…’ ‘ચ્યારુની મા...મા...સું કરસ્! ભસી મર્યને હટ જેવું હોય એવું...પેટમાં રાખે ઈને સરમાળિયાની આણ્ય સે... આંયથી વાત ચ્યાંય નંઈ જાય...’ એમ કહી એમણે પોતાના ગળા ઉપર હાથ મૂક્યો. હીરજીની વહુને થોડી હિંમત આવી…ઊભી ઊભી દાંતેથી નખ તોડવા માંડી, પછી માંડ માંડ જરાક બોલી ‘મા, પણ તમ્યે કોઈને…’ ‘હું જાણી જઈ સું...ઈનાં પગલાં માથેથી જ મને ખબર્ય પડી જઈ’તી…તું તો કટમનું નાક વઢાવ્વા બેઠી…’ ‘મા, હવે મેણાં સાહન નથ્ય થાતાં…ને ઈમનું મેં કીધું ઈમ સે…’ ‘પણ, પસેં જમ ઘર ભાળી જાહે…ઈનો વચાર...’ ‘મા, તમ્યે તો હંધું જાણો સો. હું સક્કીની બળેલી. પિરિયાંમાંય કોઈ આડો હાથ દેનારું સે નંઈ... જન્મારો આંય જ કાઢવાનો... ઘણીય ધા’ણ રાખું સું પણ...’ ‘તો પાધરુ કે’તી ચ્યમ નથ્ય કે જીવ મળી જ્યો સે...’ ‘મા…’ લખમીમાએ કંઈક વિચાર કરીને હીરજીની વહુને માથે હાથ મૂક્યો. પછી બોલ્યાં, ‘તેં મને મા કીધી સ્ તો મા જ જાણજે. હાલ્ય આઢમાં...’ આઢ આવ્યો ત્યાં સુધી કોઈ કંઈ બોલ્યું નહીં. બેય આવીને પોતપોતાના ઢગલા પાસે બેઠાં. હીરજીની વહુનું મોઢું પડી ગયું હતું. લખમીમાએ કાલાં ફોલવામાં ઝપાટો કરવા માંડ્યો, ને હીરજીની વહુને કીધું કે ‘તું તારે ધાણ્યે ધાણ્યે ફોલ્ય, હાંજ પાડી દે!’ કોઈના ખેતરમાંથી કાલાંનાં ગાડાં આવેલાં તે મોરાર જોખી-જોખીને આઢમાં નખાવતો હતો. ત્રણ વાંસની ઘોડી ઉપર લટકાવેલા ચાર હાથ લાંબા કાંટા નીચે ઊભેલો મોરાર ધારણ ગણતો હતો. ‘પાંચ ધારણ પાંચ...પાંચ ધારણ પાંચ… પાંચ ને એક આ છો...છો ધારણ છો...છો ધારણ છો…છો ને એક…’ કાલાં ઠલવાયે જતાં હતાં. હીરજીની વહુને લાગ્યું કે એ પોતાનાં લગ્ન થયાંનાં વરસો ગણી રહ્યો છે... લખમીમાની ઝડપ જોઈને ત્રિકમની વહુ બોલી, ‘ડોશી દિશાએ જીયાવ્યાં અટ્લે કટકટિયો સડ્યો. તાંણે ડોશી વેલાં ટળ્યાં હોત તો ચ્યારનોય પાર નો આવી જ્યો હોત!’ ‘તારી સોડી વેલી ટળી હોત તો હુંય વેલી જાત...’ બધાંને વળી હસવું આવ્યું. લખમીમા તો ઊંધું ઘાલીને કાલાં ફોલવા લાગ્યાં. સાંજના સાડા પાંચ-છ સુધીમાં તો બધાં ફોલણિયાં કાલાં ફોલીને જતાં રહ્યાં. પાછળ રહ્યાં બે, લખમીમા ને હીરજીની વહુ. ગાડાંવાળા ગાડાં લઈને ઘર ભેગા થયા. હીરજીની વહુના ઢોલિયા હજી બાકી હતા. ત્રિકમની વહુ જતાં જતાં કહે, ‘મા, તમારાં કાલાં તો પતી જ્યાં...લો, તાંણે હંગાથ કરીયેં!’ લખમીમા કહે, ‘તું તારે જા..આજ સોડીનેય હજાપો નથ્ય...ને આ વઉ એકલી પડી જાય. હું ઈનાં આટલ્યાં કાલાં કઢવીન્ આવું સું...ને મારાં ગોંગડાંય હજી તો પડ્યાં સે..તું તાર્ જા...’ લખમીમાના અવાજમાં થોડી મક્કમતા આવી ગઈ. ત્રિકમની વહુ ગઈ એટલે લખમીમા ઊભાં થયાં. હીરજીની વહુને કહે, ‘તું જા વખારમાં હું આંય જમ જેવી બેઠી સું, સકલુંય નો ફરકે...!’ હીરજીની વહુ એક પળ તો ઊભી ન થઈ. એટલે લખમીમાએ હાંકોટા જેવું કર્યું. એ ઊભી થઈને વખારમાં ગઈ. મોરાર ખૂણામાં બેઠો બેઠો હિસાબ કરતો હતો. લખમીમા એની પાસે ગયાં એટલે એણે ઊંચે જોયું ને બોલ્યો, ‘મા, પતી જ્યું હંધું? હજી મારે હશ્યાબ કરવાનો બાકી સે…પૈસા કાલ્ય ભેળાં લઈ લેજો!’ લખમીમા હાથ લાંબો કરીને કહે, ‘પૈસાનું કુણ ભોજ્યો ભૈ પૂસેસે...હું તો ઈમ કઉં સું કે વખારમાં મીંદડી જઈ હોય એવું લાગે સે...જા, જો તો ખરો…ચ્યારુનો મંઈ હંચાર થાય સે...જા હટ, નકર બધોં કપાહ્ ભરી મેલશે...’ અત્યારે આઢમાં લખમીમા સિવાય કોઈ નહોતું. ક્યાંય કટકટાટ નહીં કે નહીં દોડાદોડી. બધું જ સૂનું. લખમીમા પાછાં આવ્યાં ત્યારે આવો જ સૂનકાર ઘેરી વળેલો. અચાનક પવનની લહેરખી આવી. ઝીણી ઝીણી પાંદડીઓ હવામાં ગોળ ગોળ ઊડીને વખારના બારણા બાજુ ગઈ. કાંટાના એક આંકડિયામાં ભરવેલાં મણિકાં જમીન ઉપર પડ્યાં હતાં. એની સાથે બાંધેલું દોરડું તંગ અને કાંટાનો બીજો છેડો ઊંચી થયેલી આંગળીની જેમ આકાશ ભણી જોઈ રહેલો. ઉપર તરફનો આંકડિયો હવામાં ઝૂલતો હતો. લખમીમા સામે પડેલા ઢગલા જેવડી એકલતા વેંઢારતાં બધી ઋતુઓમાં આમ એકલાં ઝૂઝેલાં...એમણે ગોંગડું હાથમાં લીધું ને પાછું મૂકી દીધું. પહેલાં ઢોલિયા પૂરાં કરી લઉં કે ગોંગડાં? એ દ્વિધામાં હતાં. થોડી વાર રહીને બેય હાથ લાંબા કરીને ગોંગડાં નજીક ખેંચ્યાં. એક પછી એક... પડળો આપમેળે ખૂલતાં ગયાં ને ગોંગડાં પૂરાં થયાં. લખમીમાને હાશ થઈ. પછી લીધા ઢૌલિયા. એક પાંખડું. બીજું પાંખડું... એક સાથે બે...લખમીમાને કટકટિયો ચડ્યો... વખારમાંથી હીરજીની વહુ બહાર આવી ત્યારે લખમીમાએ છેલ્લો ઢોલિયો બાકી હતો એય પૂરો કર્યો ને ઠાલિયું ફેંક્યું ઢગલામાં…