જેલ-ઑફિસની બારી/પરિચય
જેલ ઑફિસની બારી (1934) : આ ચરિત્રકથા બે રીતે વિશિષ્ટ અને રસપ્રદ છે : એક તો એ કે, એમાં જેલની સજા પામેલા ગુનેગારો અને એમનાં સ્વજનોનાં જીવનનું હૃદયસ્પર્શી આલેખન છે, અને બીજું એ કે, આ કથાનકોનું કથન જેલની બારી દ્વારા કરાવ્યું છે. કેમકે આ બારી જ આ મનુષ્યોના જીવન-વ્યવહાર અને વેદનાની સાક્ષી છે! એ રીતે આ બારી પણ એક જીવંત ચરિત્ર છે.
તો એ બારીની કથા સાંભળવા પુસ્તકમાં પ્રવેશીએ…
ઝવેરચંદ કાલિદાસ મેઘાણી (1897-1947) ‘રાષ્ટ્રીય કવિ’ નું બહુમાન પામેલા, લોકકંઠના કવિ અને લોકસાહિત્યના આપણા પાયાના અને અગ્રણી સંપાદક સંશોધક. મેઘાણી ઉત્તમ નવલકથાકાર, વાર્તાકાર, ચરિત્રલેખક, અનુવાદક, વિવેચક અને પત્રકાર હતા – એવી એમની બહુક્ષેત્રીય પ્રતિભા હતી.
જૂનાગઢમાંથી અંગ્રેજી-સંસ્કૃત સાથે બી.એ. થઈને કલકત્તા મેનેજરની નોકરી કરી પણ વતન અને લોકસાહિત્યના આકર્ષણે પાછા આવ્યા, ‘સૌરાષ્ટ્’ સાપ્તાહિકમા જોડાયા, સાથે જ લોકસાહિત્યનું સંપાદન શરૂ કર્યું. એ પછી એમની સાહિત્ય-સર્જન અને પત્રકારત્વમાં સતત સાધના ચાલતી રહી. ‘યુગવંદના’ કાવ્યસંગ્રહ, ‘સોરઠ તારાં વહેતાં પાણી’ નવલકથા, ‘વહુ અને ધોડો’ જેવી ઉત્તમ વાર્તાઓને સમાવતા સંગ્રહો, ‘સૌરાષ્ટ્રની રસધાર’ જેવાં લોકસાહિત્ય સંપાદનો એમનું મહત્ત્વનું પ્રદાન છે.
(સર્જક અને કૃતિ પરિચય : રમણ સોની)