જેલ-ઑફિસની બારી/રાજકેદીની રોજનીશી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
રાજકેદીની રોજનીશી

તા. 10.5.’22:

‘મને કેદ પકડાયાં આજ ત્રણ દિવસ થયા. મારી સજામાંથી આમ 1/60 જેટલી તો હું ભોગવી ચૂક્યો, હવે તો ફક્ત 59/60 જેટલી જ મુદત બાકી રહી. એ પણ ચાલી જશે ભારે પગલે પંથ કાપતા થાકેલા કોઈ ગાડાના બળદો જેવા કંગાલ આ ઉનાળાના દિવસો એકાદ માસમાં તો અદૃશ્ય બની જશે, ચોમાસાના પૂરપાર વહેતા ને તોફાને થનગનતા અશ્વો સમા વર્ષાના દા’ડા આવશે. ત્યારે તો પછી દિવસમાં ચાર વાર સાડી-પોલકાં બદલતી નવવધૂ-શી આ નખરાળી કુદરત આજની ગ્લાનિને ઉડાડી મૂકશે એવી ઉમેદ રાખીને હું વૈશાખના સળગતા બપોર વિતાવું છું.’

રાજકેદી ભાઈ પોતાની રોજનીશી લખી રહેલ છે; પોતાના દુર્બલ હૈયાને છેતરવા માટે આવા ઢોંગ કરે છે. મનને મનાવા મથે છે કે જાણે પોતાને કેવળ આ ગરમ ગ્રીષ્મ જ અકળાવે છે. ચોખી ભાષાને એ ભૂલવા ચાહે છે. હાં, હાં, રાજકેદી ભાઈ! ચલાવો તમારી કાવ્યભરી બાની.

‘દોઢ હજાર કેદીઓના ગામડા જેવી આ જેલને એક છેડે ઊંચી અને પહોળી પરસાળવાળું, હવા-પ્રકાશે પ્રફુલ્લિત આ મકાન છે. આંગણામાં છ લીલા લીંબડાના ઘટાદાર મંડપ તળે એક નાનો -શો ફૂલબાગ છે. મોગરાનાં મોટાં મોટાં ફૂલો રોજ પ્રભાતે મોં મલકાવીને વહાલાં આત્મજનોના હસતાં દાંતની માફક અમને મંગળ શકુનો કરાવે છે. મારા કેટલાક સાથીઓ એ ફૂલ ચૂંટીને સવાર-સાંજ અમારા લેખરડા સરદાર …ને ધરે છે. પરંતુ હજુ સુધી એકેય ફૂલ તોડવાની મારી હિંમત ચાલતી નથી. મને એમાં જીવતાં જાગતાં હસી રહેલ કોઈ નાનાં નમણાં માનવમુખો, અને શેકેલી સોપારીનો બદામ મેળવેલો ચૂરો આપવા લંબાયેલા દસ ટેરવાંનો ભાસ થાય છે. ફૂલોની અંદર પ્રભુદર્શન પામનારા ભાવિકોની હાંસી કરનાર જે હું, તે આ કળીએ અને ટીશીએ, પાંદડે ને ડાળીએ મારા પ્રિયજનનું દર્શન પામી રહ્યો છું!’

નાટક કરો છો ને, રાજકેદી ભાઈ! નબળી લાગણીઓને ભાવનાના વેશ પહેરાવી રહ્યા છો ને? તમારી આ છેતરપીંડી મારાથી તો અછતી નથી. હાં, આગળ ચલાવો. વીરતાનાં કાવ્યો, પણ આમ જ લખાય છે. લખો –

‘વૈશાખ એટલે લગ્નનો માસ. મનુષ્યોએ શું પક્ષીઓનું અનુકરણ કર્યું હશે! પક્ષીઓની પણ આ ‘મેઇટીંગ સીઝન’ એટલે મિલન ઋતુ છે. સવાર પડે છે ને આ સાત ઝાડવાં ઉપર ભાતભાતનાં પંખીઓ જુગલ જોડીને રમવા ને ગાવા મચી જાય છે. તરવરિયાં, પાતળી હાંઠીનાં, પાંખો ઉપર કાળા અને બાકીને શરીરે પાકેલ કેરી જેવા પીળા રંગનાં બે પક્ષીઓ એકબીજાની પછવાડે ઊડતાં જે બોલી કરે છે. તેની મેળવણી કરતાં કરતાં મનમાં એવી યાદ જાગે છે કે જે હું આંહીં નહિ લખું. મોંમાં કોઈ વેદનાના અંગાર ભર્યા હોય તેવું લાલઘૂમ તાળવું દેખાડતું. સદાય ફાટેલી ચાંચવાળું નાનું પક્ષી બુલબુલ પૂછડાના પિચ્છની નીચે પૃષ્ઠભાગ પર પણ એવી જ રાતી ભોંય બતાવે છે. એના કંઠેય જાણે જખમ નીતરતા હોય તેવી લાલપઃ પણ કોણ જાણે કોના શાપે એ એકલું ભમે છે. અધીરિયા જીવનાં કોયલ પક્ષીઓ તો પાછલી રાતના ત્રણ-ચાર બજ્યાનાં જાગી પોતાના નફ્ફટ દાંપત્ય-પ્રેમની પિપૂડી બજાવ્યા કરે છે. કેમ જાણે એમને એકલાંને જ લગ્નના લહાવા મળ્યા હોય! પારેવાં બિચારાં શરમાળ અને સહુમાં મોટાં, એટલે ભારેખમ દીદાર રાખી ભમે છે; પણ બપોરવેળા જ્યારે બીજાં પક્ષીઓની પડાપડી ઓછી થાય છે ત્યારે મકાનની છતમાં છાનાંમાનાં લપાઈને પ્રેમગોષ્ઠીના ઘૂઘવાટા કરે છે. આ બધાં પંખીઓનાં ચાંદૂડિયાં પાડતાં વાતોડિયા કાબરાં મને સહુથી વધુ કવરાવે છે. એને તો કુદરતે જ લત લગાડી છે સહુ પક્ષીઓના ચાળા પાડવાની – એના લવારામાંથી અનેક સૂરો ઊઠે છે, પરંતુ એની આ દુત્તાઈમાં દ્વેષ વા અહં નથી. એનો વિનોદ નિર્દોષ છે. અમારા પ્રત્યેક પ્રભાતને પોતાનાં પ્રભાતિયાંથી સ્વાગત દેતાં આવાં પક્ષીઓ સાંજના છેલ્લાં અજવાળા સુધી અમારો સંગ રાખે છે અને રાત પડે ત્યારે બાજુના એક ઘટાટોપ વડલામાં સમાઈ જાય છે.

‘બેથી અઢી હજાર પક્ષીઓએ આ વડલાને પોતાનું વતન કરેલ છે, કોઈએ કહ્યું કે એ વડ પણ એક આવું જ બંદીખાનું છે ના! મેં કહ્યું કે ના, ના, એ તો નમૂનેદાર ‘સ્વરાજ’ છે સ્વરાજના સંપૂર્ણ આદર્શ એ પૂરા પાડે છે. આટઆટલી અનેક જાતિનાં ને જુદાં જુદાં વતનનાં, રીતરિવાજનાં ને ખાનપાનનાં ભેદવાળા નાનાં-મોટાં પક્ષીઓ હજારોની સંખ્યામાં ડાળીએ ડાળીએ, ભીડાભીડ છતાં પણ જરીકે કંકાસ કર્યા વિના, અદાલત-પોલીસ અથવા પરસત્તાના કોઈજાતના બંદોબસ્ત વિના રાતવાસો રહે છે, અને પ્રભાતે સહુ પોતપોતાના પેટગુજારા માટે ઉદ્યમે ચડી જાય છે. આ વિશાળ ધરતીમાં એમને એનો કણચારો મળી રહે છે. પરસ્પર ધાડ પાડવાનું કે ધૂતવાનું એમને સૂઝતું નથી. મોટા મોટા મોરલા, કાગડા કે સમળા પણ ત્યાં રહેતાં હશે ને છતાં કોઈને પોતાની સાર્વભૌમ સત્તા સ્થાપવાનો લોભ થતો નથી સાચા શ્રમજીવીઓની રીતે શ્રમ ઊઠાવી તેઓ ઉદર પોશે છે ને ફરી ભાઈભાંડુને શોભે તેવી ભીડાભીડમાં લપાઈ જાય છે. શ્રમથી રળેલી આજીવિકામાં એમને જે મીઠાશ લાગે છે તે મીઠાશ તેઓનાં પ્રભાતસંધ્યાનાં સ્તોત્રોરૂપે ગુંજારવ કરે છે. પછી એ ગુંજારવ માલિકની બંદગીના હો વા વરવહુના રીઝવણાંના હો, મને તો એમાં જીવનનો જયકાર જ સંભળાય છે, અમારી રોજની સંસ્કૃત શ્લોકોની પ્રાચીની જડ પ્રાર્થના કરતાં આ પક્ષી-કલ્લોના શ્રવણમાં મને ખરો વિરામ મળે છે. દુનિયાના લોકો જ્યારે જ્યારે આમ પક્ષીઓના જેવી શ્રમજીવી દશા ગાળતાં, ત્યારે ત્યારે તેઓને કંઠેથી પણ ગીતોના આવા જ ઉન્નત કલ્લોક ઊઠયા હતા.

‘બપોરનો પવન લોથપોથ થાકેલા કેદી જેવો પડી ગયો છે. એના હાંફતા હૈયામાંથી જે ધખતી વરાળ લગાર લગાર નીકળે છે, તેની અંદર ઝાડનાં પાંદડાં થોડાં થોડાં થરથરે છે. મુક્તિ માગવા માટે સવિનય કાનૂનભંગ કરવા નીકળેલા એ મહાસત્ત્વને, એ વાયુરાજને બ્રહ્માંડનો કોઈ જાલીમ સાર્વભૌમ ગગનના એકાન્ત-કારાવાસમાં ગૂંગળાવી રહ્યો લાગે છે. સત્યાગ્રહ-સેનાના સૈનિકો જેવાં ઝાડવાં એ આકાશી જુલમગારની તપતી સત્તામાં શેકાતાં શેકાતાં પણ સિદ્ધાંતમાં અચલ અણનમ ઊભાં છે. બંદીખાનાની દીવાલ પર બેઠેલાં કબૂતરો બફાઈ જાય તેવા ધૂપની અંદર પણ પરસ્પર ચાંચમાં ચાંચ પરોવી પ્યાર કરે છે. પ્યાર એ કરી શકે છે કેમ કે બહાર ચાહે તેવો તાપ હોવા છતાં પણ એના જીવનના ભીતરમાં આઝાદી છે. સાચી મુક્ત દશાને શું તાપ કે શું છાંયડી! અને ગુલામો ઠર્યા તેને થોડા બાગબગીચા કે વૃક્ષવીથિઓ અને ફુવારા-દીવાથીયે શું? એ કબૂતરની જોડલી તાપમાં પણ મહાલે છે. જ્યારે મારી ‘અ’ વર્ગના કેદીની આ ઊંચી ઉજાસવાળી, સુંદર શીતળ કોટડી પણ મને એકાકી કરી, મારા હલનચલન પર પહેરા મૂકીને પળેપળે અકળાવે છે.

‘ખિસકોલાં જ્યાં ને ત્યાં છાંયડો ગોતી આખું શરીર નાખી દઈ ધરતી પર પડયાં છે. કેટલાંક વળી પીપળાની પેપડીઓ ખાવા દોટાદોટ મચાવે છે. મારા બંધુકેદીઓ તો કેમ જાણે દોઢ-બે વર્ષની કોઈ છુટ્ટી મળી ગઈ હોય અને કોઈ વિદ્યાલયમાં અભ્યાસની અનુકૂલતા સાંપડી હોય તેમ પ્રાચીન હિન્દની તવારીખોથી લઈ ઈ. સ. 1922 સુધીની આયર્લેન્ડની યુદ્ધ-કથાનાં થોથાં ઉપર તડાપીટ પાડી રહ્યા છે. આપણને પણ એકાદ-બે માસમાં બ્રિટિશ સત્તા નમીને યુદ્ધવિરામની શરતો ધરવા આવશે તે વેળા આપણે મહાપુરુષો પણ કેવી રીતે મોં મરડી, નાકનું ટેરવું ફુલાવી, આંખની ઢેલડીઓ ચડાવી સામા કરારો મૂકશું તેની ભારેખમ તૈયારી આયરીશ વીર મીકેલ કોલીન્સની જીવનકથાનાં દળદાર પોથાંમાંથી ચાલી રહી છે. તે વખતે, વાતાવરણની આ બાફને ચીરતી, પવનની મૌનવેદનાના વિદારતી એક કિકિયારી પડે છે કે ‘ઇન્કલાબ ઝિન્દાબાદ!’

‘કોટડીમાંથી દોડીને અમે પરસાળમાં આવીને છીએ. કાન માંડીને સાંભળીએ છીએ, ઊપડતી આગગાડીનાં પૈડાંના ઘરઘરાટ સાથે અને એન્જિનના અંતઃકરણમાંથી ઊઠતી આહના ધખારા સાથે તાલ દેતો પચાસેક કંઠનો શોર ચાલ્યો જાય છેઃ ઇન્કલાબ ઝિન્દાબાદ! ઇન્કલાબ ઝિન્દાબાદ! ઇન્કલાબ ઝિન્દાબાદ! ધખધખાટ! ધખધખાટ! ધખધખાટ!…

‘અવાજ જાય છે. ઓ જાય, ઓ જાય, ઓ ચાલ્યો જાય, જાણે આંખો દેખે છે, અવાજ જાણે દેહ ધરે છે, આગગાડીને વાચા ઊઘડે છે, એના સંચા પણ ‘ઇન્કલાબ ઝિન્દાબાદ’નો ઘોષ ઝીલતા જાય છે. કેટલી જુદી જુદી વેદનાઓથી ભરેલી અવાજ છે! જાણે માતા પુત્રને ખોળતી બૂમો પાડે છે. પત્ની પતિને સાદ દઈ રહી છે, બાળક જનેતાને જગાડે છે. સહુનાં કલેજાંમાંથી ઊઠતી ચીસોને એકસામટી ઠાલવીને ભરેલો જાણે શીશો છે આ ‘ઇન્કલાબ ઝિન્દાબાદ’. મારે માટે એ શબ્દમાંથી અધિક સુગંધ મહેકે છે, કેમકે મારી ઓચિંતી ગિરફતારીને વખતે હૈયું ગુમાવીને રડી પડેલી પ્રિય પત્નીને એક જ પલકમાં એ ઘોષણા કરીને દિલ પાછું કબજે કરી લીધું હતું.

‘બહારની દુનિયા સાથે અમારા સંબંધની ગાંઠ બાંધનારી આ રેલગાડી અત્યારે તો રોજ રોજ જોઈ હતી તે કરતાં જુદી જ દેખાય છે. ‘થ્રોબીંગ્ઝ ઓફ થાઉઝન્ડ હાર્ટ્સ’ – હજારો દેશબાંધવોનાં કલેજાંના એકીસાથે ઊઠતા ધબકારાને વ્યક્ત કરતી આ આગગાડીઓની આવ-જા પ્રત્યે કાન કેટલી તીણી એકાગ્રતા બતાવે છે! સાંજને ટાઢે પહોરે તો સ્ટેશન પર ગાડીના ઊભા રહેવાની સાથે જ સાંધાવાળાના અવાજ અને ઉતારુઓના બોલાસ સુદ્ધાં ચોખેચોખા સંભળાય છે. સામો જવાબ આપી શકાય તેટલી બધી શાંતિ પથરાય છે. અવાજ આંખ જેવો બને છે. નથી દેખાતાં છતાં હજારો દેશજોનોનાં મુખો એ અવાજમાંથી ડોકિયાં કરે છે. આજે તા. 12મીના પ્રભાતે મને મળવા આવેલી મારી પત્ની અત્યારે સાંજના આઠ વાગ્યે આ ગાડીમાં પાછી વળી હશે. એને હું કહેતાં ચૂકી ગયો કે સ્ટેશનેથી ‘ઇન્કલાબ ઝિન્દાબાદ’નો શોર પાડજે; હું સાંભળીને તને વિદાયની સલામ કરીશ. તારો શબ્દ મારી સંધ્યાની નમાઝ બની જશે. તારા બોલમાં હું બંદગી માની લઈશ.’

આવી રસભરી રોજનીશી લખવામાં રાજકેદી ભાઈને એકાએક વિક્ષેપ પડયો. ઑફિસની સામી પરસાળમાં ઊભો ઊભો પંખાની દોરી ખેંચનારો જેમલો કેદી ધ્યાન ચૂકી ગયો. એને પંખો ખેંચતાં ખેંચતાં બીજું એક કામ કરવાનું હતું ‘બડા સા’બ’ દૂરથી આવતા દેખાય કે તરત જ સહુને જણાવી દેવાનું કે ‘સા’બ આતા હય’. એ ખબર મળતાં જ સંત્રીઓ ટટ્ટાર બનતા, કારકુનો પાનબીડાં થૂંકી નાખતા, જેલર કોટનો કોલર ભીડી દઈ બાંયોની કરચલીઓ ભાંગી નાખતો. પરંતુ જેમલા કેદીનું લક્ષ અત્યારે રાજકેદી ભાઈની સરર સરર વહેતી લેખિની ઉપર ચાલ્યું ગયું હતું. ત્રણ મહિના ક્યારે પૂરા થાય ને પોતાને એક પોસ્ટ-કાર્ડ લખવા મળે એની જેમલો વાટ જોતો હતો. રાજકેદીઓ આવું લાંબું લાંબું શું લખતા હશે, નિત્ય ઊઠીને ધીંગાં ધીંગાં પરબીડિયાં કોને પહોંચાડવા લાગ શોધતા હશે, રોજની ટપાલ વહેંચવા બેસતા કારકુનને શા માટે પોતાના કાગળની પૃચ્છા કરતા હશે, કારકુન ઠંડે કલેજે ના પાડે કે તમારો કાગળ નથી છતાં શા માટે ફરી ફરી કાગળ માગતા હશે, કારકુને કાગળ ક્યાંક ગુમાવી નાખ્યો છે અથવા કારકુન જાણીબૂઝીને કાગળ આપતો નથી અથવા કારકુન દંપતીપ્રેમની પત્રભાષા શીખવા સારુ અમારા પત્રો પોતાને ઘેર લઈ જાય છે? એવા તર્કો શા માટે કરતા હશે – આવા આવા વિચિત્ર પ્રશ્નોમાં અટવાયેલો જેમલો હશી પડયો, ધ્યાનચૂક થયો. બડાસાહેબ તો અચાનક આવી પહોંચ્યા. એટલે જેમલા પર મુકાદમની બે લપડાકો પડી. એના ધ્વનિએ રાજકેદીની રોજનીશીને સ્તબ્ધ કરી દીધી.