જેલ-ઑફિસની બારી/લાશ મિલ જાયગા!

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
લાશ મિલ જાયગા!

‘ત્યારે તો, સા’બ, સવારે એનું મડદું…’

‘હાં હાં બુઢ્ઢી, કલ ફજરમેં તુમારા બેટાકી લાશ લેનેકો આના.’

‘સવારે કેટલા બજે, સા’બ?’

‘નવ બજે – હાં, બસ, દેખો ને, સાડે સાત બજે ફાંસી દે દેંગે, આઘા ઘંટા લટકને દેંગે, પીછે જલદી સા’બ લોગ ઉસકો દેખ લેંગે, પીછે નવ બજે બરાબર લાશ દરવાજા પર આ જાયગી.’

‘ત્યારે તો, સા’બ, ખાટલો નવ બજે લાવું ને? માથે કાંઈ ઓઢાડવાનું લાવું?’

‘હાં, લાના.’

હીરજી કેદીની મા તથા જેલર વચ્ચે તે દિવસ સાંજે આટલી વાત થઈ ગઈ. ડોશી દરેક વાતની ચોકસી કરતી કરતી આંખો લૂછતી હતી. હીરજી વળતા પ્રભાતે ચડવાનો હતો. જેલર ડોશીને એવી આસાનીથી બધું સમજાવ્યું કે જાણે હીરજી વળતા પ્રભાતે પરણવા જવા માટે બહાર નીકળવા દેવાના હોય ને! ડોશીની ડોક ઉપરનું આખું માથું સંચાવાળી ઢીંગલીના માથાની પેઠે, પ્રત્યેક વાતના જવાબમાં ડગૂ ડગૂ ધૂણતું હતું.

લાશ સોંપવાની આટલી ચીવટભરી વિધિ મને બહુ બહુ ગમે છે. એ વાત કરવાથી ફાંસીએ જનારનાં સગાંવહાલાં ભારે સાંત્વન પામી જાય છે. જેલવાળાને પણ કશી ગમગીની રહેતી નથી. આવી વાત હું અહીં જ્યારે સાંભળું છું ત્યારે ત્યારે મને લગનવિધિ કરનારો આપણો ગોર યાદ આવે છે. પરણનાર પુરુષને ક્યારે તોરણે લઈ જવામાં આવશે, ક્યારે ચોરીએ ચડાવી લેવાશે, ક્યારે સપ્તપદીનાં મંત્રો ભણાઈ જશે, એ જ મુદ્દા ચર્ચાતા હોવાનો મને આ દરેક ફાંસીને સમયે ભાસ થાય છે. ફાંસી દઈને પછી લાશ દરવાજે સોંપવી એ એક સાદું, રોજિંદું વહીવટી કામ બની જાય છે. આ રીતે મૃત્યુ જેવો એક ગંભીર મનાતો પ્રસંગ કેટલી સરલ રીતે આપણા જીવનની અંદર વણાઈ જાય છે! મોતની ફિલસૂફી ગાનારા કવિઓ કે તત્ત્વવેત્તાઓ શીદને નાહક આવા પ્રાણ કાઢી નાખવાના નજીવા અવસરને નિગૂઢ, ગંભીર તથા કરુણ ચીતરતાં હશે! અમારો ગોરો જેલ-હાકેમ તો બોલી ઊઠે છે કે ‘આફ્ટર એવરી સચ એક્ઝીક્યુશન, આઈ એન્જોય અ હાર્ટી મીલ.’ (આવા પ્રત્યેક ફાંસીદાનને પતાવ્યા પછી હું નિરાંતે પેટ ભરીને જમું છું.)’

હીરજીને ફાંસી દેવાયા પછી કડાકૂટ કરતાં કરતાં, કાગળિયા અને તુમારોની વિધિ પતાવતાં પતાવતાં વળતે દિવસે ગોરા હાકેમને હંમેશા કરતાં જમવાનું ઘણું મોડું થયું. ઘેર મહેમાનો જમવા નોતર્યા હતા તે પણ બાપળા મેજ પર રાહ જોઈ બેસી રહ્યા. છતાં એણે ખામોશી રાખી લાશ સોંપવાનું કામ ચીવટથી પતાવ્યું ને જાણે એક દેડકુંય મર્યું નથી એવી શાંતિ જેલમાં બધે પ્રસરી રહી.

ફાંસીખાનામાંથી મૅજિસ્ટ્રેટસાહેબ કામ પતાવી ઑફિસમાં આવ્યા ત્યારે એમણે પણ કાગળો પર સહી કરતાં કરતાં એ જ મતલબનું કહ્યું ‘બહુ શાંતિથી પતી ગયું. બેશક, અમેરિકાની ‘ઈલેક્ટ્રિક ચેર’ જેટલું તો સરલ નથી, છતાં આ આપણું ફાંસીયંત્ર ફ્રાન્સની જૂની ‘ગિલોટીન’ કરતાં તો ઘણું વધુ સુખકર છે. બે મિનિટમાં તો નિકાલ થઈ જાય છે. બસ ફક્ત, બે જ મિનિટની ધીરજ જો કેદી ધરી રાખે ને, તો એને મરવું એક બચ્ચાના ખેલ જેવી વાત બની જાય. કશી પીડા નહિ, છાંટો લોહી સુધ્ધાં રેડવાનું નહિ, ઘોંઘાટ કે ધક્કામુક્કી નહિ. ડારો કે ધમકી નહિ. બૂમબરાડા નહિ, આંખના ડોળા પણ ફાટયા રહેવાનું નહિ – બે મિનિટમાં તો સદાની શાંતિ!’

એવું કહીને મૅજિસ્ટ્રેટસાહેબે સહી ટપકાવી દીધી અને અમારા હાકેમ જોડે હાથ મિલાવી હસતા હસતા એ નગર તરફ મોટર હંકારી ગયા; કહેતા ગયા કે ‘સાંજે ક્લબમાં મળીશું. આજ તો પાર્ટી છે ને! સાહેબજી!’

‘બસ, બે જ મિનિટમાં તો સદાની શાંતિ’: આ શબ્દો મારા હૃદયમાં અંકાઈ ગયા. આવી ફક્ત બે જ મિનિટની સબૂરી આ ફાંસી ખાનારા કેમ નહિ બતાવતા હોય! એમાં તેઓનું શું જવાનું હતું? બે મિનિટમાં નાહક લાંબા વિચારો તેઓ શીદ કરતા હશે? આગલી સાંજે સગાંવહાલાંને મળતા તેડાવવાં એ પણ કેવી નાદાની! કેટલી છોકરમત! બે મિનિટ ઈશ્વર ઉપર ધ્યાન ઠેરવતા હોય! પોતાનાં પાપની ક્ષમા માગતો હોય!… … કેટલું સરલ!

હીરજીની ડોશી મળવા આવી ને સાથે હીરજીની ત્રણ વરસની દીકરીને પણ લેતી આવી. હીરજીએ એને ખોળામાં લીધી. જુવાન હીરજી બે મહિનામાં તો બુઢ્ઢો બની ગયો હતો. ખોળે બેઠેલી છોકરી બાપના મોં સામે તાકી તાકીને જોવા લાગી. એને ઓળખાણ પડતી નહોતી. બાપના ખોળોમાંથી નાસી છૂટવાનું એને મન થતું હતું.

બાપ દીકરીને પૂછે છે, ‘વાલકી! તારે બાપ છે?’

વાલકી કહે, ‘હેવે.’

‘ક્યાં છે?’

‘ગામ ગયા છે.’

‘કિયે ગામ?’

‘ભગવાનને ગામ.’

‘તું એને સંભારે છે?’

‘હોવે. બાના ખોરામાં બેશીને અમે રોજ સાંજે કહીએ છીએઃ ભગવાન, ઓ ભગવાન; બાપાને ત્યાં દખી કરીશ ના. પેટ ભરીને ખાવા દેજે. એને ભૂખ બહુ લાગે છે, હો ભગવાન!’

આટલું બોલતી વાલકી રડી પડી.

‘વાલકી, હું પોતે જ તારો બાપો છું.’

‘નહિ, તું નો’ય મારો બાપો.’

‘કેમ નો’ય?’

‘એ તો રૂપારો હતો. મારા જેવો હતો. એ તો ગીતો ગાતો મારી કને. તું ક્યાં ગાય છે?’

‘હું કોણ છું?’

‘હું શું જાણું?’

હીરજીની આંખમાંથી દડ દડ પાણી ગળ્યાં. દુનિયામાં વહાલામાં વહાલી જે એની વાલકી, તેના જ હૈયામાંથી હીરજી ભૂંસાઈ ગયો. એને ‘બાપો’ એવા ટૂંકા બે જ અક્ષરના બોલે બોલાવનારું છેલ્લી વેળાએ પણ કોઈ ન રહ્યું. એને એક જ દિલાસાની જરૂર હતી, કે વાલકી એને હંમેશા યાદ કરશે. પણ વાલકીએ ય આજે એને વિસાર્યો હતો.

એણે દીકરીને ‘વાલકી! મારી વાલકી!’ કહીને હૈયા સરસી ચાંપી. વાલકીને બીક લાગી. તો યે વાલકીને એણે છેલ્લી ચૂમી ભરી. એનાં આંસુ વાલકીના ગાલ પર પડયાં.

‘મેલી દે મને. તારી દાઢી વાગે છે.’ કહી વાલકી એના ખોળામાંથી ઊતરી ગઈ. ખિજાઈને વાલકે ગાલ ઉપરથી બાપનાં ખારાં આંસુ લૂછી નાખ્યાં. એ દાદામાની કને ચાલી ગઈ. ફરી વાર એણે બાપની સામે જોયું નહિ. સહુએ, દાદીમાએ પણ કહ્યું કે વાલકી એ જ તારો બાપો છે. તો પણ વાલકીએ માન્યું નહિ. બાપનાં આંસુ એના મોંમાં ઊતર્યાં, તે બહુ ખારાં લાગ્યાં.

બાપો કહેઃ ‘હવે લઈ જાવ વાલકીને.’

ડોશી અને વાલકી ગયાં. હીરજીએ જેલવાળાને કહ્યંૅ: ‘બસ, હવે હું તૈયાર જ છું. જીવતો સળગાવવો હોય તો પણ હું તૈયાર છું.’

સહુએ એની પછી થાબડી, ‘રંગ છે તને હીરજી!’

‘હીરજી તો છાતીવાળો જુવાન છે.’

‘અને ભાઈ હીરજી, એકવાર તો હરેકને મરવું જ છે ને?’

આ શાબાશી અને આ દિલાસા હીરજીના દિલમાં કટાયેલા ખંજર જેવાં ભોંકાયાં.

એના હોઠ સુધી શબ્દો આવી ગયાઃ ‘એમ જ છે તો તમારામાંથી એક જણ આવી જાઓને મારે બદલે! સફાઈ શીદ કરો છો?’ પણ હિરજીની જીભ ચાલી શકી નહીં. આ ધન્યવાદ દેનાર પ્રત્યેકને ફાંસીએ લટકાવી દેવાને લાગણી એના હૃદયમાં ફેણ પછાડતી હતી. ત્યાં તો હીરજીના કાન મારી તરફ મંડાયા, એનો કાકો ને એની ડોશી જેલરસા’બની જોડે કંઈક વાતો કરતાં હતાં. જેલર કહેતા હતો કે ‘હાં હાં, લાશ તુમકો ફજરમેં મિલ જાયગા હો! ગભરાના મત, હમારે લાશને શું કરવા છે?’

‘સારું, સા’બ!’ હીરજીની ડોશી હાથ જોડીને ઊભી હતી, તેણે ખળખળતે આંસુએ આભાર માન્યોઃ ‘તમારું સારું થાજો, સા’બ! મારે તો એકનો એક હીરજી – મારું તો ઉજ્જડ થઈ ગયું. તમે માવતર છો, બાપા! ખબર રાખજો.’

‘વારુ વારુ, ડોશી! કાંઈ ફિકર નહિ.’ જેલર એના મોટા મોટા ચોપડામાં સહીઓ કરતો કરતો કહેતો હતો.

‘અને, હૈં સા’બ!’ ડોશી જેલરને કંઈક પૂછવા લાગતી હતી.

‘બોલો, ક્યા હૈ?’ જેલરને રોજકામમાં મોડું થતું હતું. શિયાળાનો દિવસ જલદી જલદી આથમતો હતો.

‘ઇને સવારમાં કંઈ ચા-બા દેશો? હું પોગાડું?’

‘કાયદો નથી, ડોશી!’

‘તયીં હાઉં! તયીં તમે બાપડા શું કરો? આ તો મને ઈમ થ્યું કે મારા હીરજીને ચા બહુ બાવતો. એમાંય ખાસ કરીને મારા હાથનો કરેલ ચા તો હીરજી તાંસળી ભરીને પી જાય. વહુના હાથનો ચા ઈને માઠો ભાવે. હું છું તે માંઈ મશાલો નાખીને પરથમ ઉકાળું, પછેં પાછુંદૂધ નાખી ફેર પાકવા દઉં, ને પછેં ચા નાખું, એટલે રૂપાળો…’

જેલરે પીળી પાઘડીવાળા મુકાદમને કહ્યું કે ‘બારી બંધ કરો.’

મારા ઉપર બારણાં બિડાયાં. ડોશીને એમ થયું કે ચાના વર્ણનમાં કશીક ભૂલ આવી; અથવા કદાચ જેલરને આવી જાતની ચાની બનાવટ ગમતી નથી હોય; અથવા એને બીજું કંઈક કામ હશે.

મારા બંધ બારણાં સામે ડોશીએ હાથ જોડયા. જેલર સાંભળશે એમ સમજી એણે કહ્યંૅ, ‘એ સા’બ, બોલ્યું ચાલ્યું માફ કરજો. તમે તો માવતર છો, બાપા!’

થોડીક વાર બુઢ્ઢી હાથ જોડીને મારી સામે ઊભી જ થઈ રહી. મારી એને બૂમ પાડીને કહેવું હતું કે ડોશી, હીરજીને ગમતી ચાનું વર્ણન કરને હજી!

પણ મારી જીભ ક્યાં?

કાલ સવારે હીરજીનો આત્મા પણ પૂછશે, ‘મારી લાશ ક્યાં?’

હીરજીને બે વાતનો આનંદ હતો. એક તો ડોશી સાઠ-પાંસઠ વરસની છે ને એનું તો હૈયું જ ભાંગી પડશે, એટલે એની આવરદા પૂરી થતાં થોડા દિવસ જ લાગશે. એ એક તો પત્યું. બીજી રહી એની વહુ. એ પડી છે માંદગીની પથારીએ. એ પણ ફાંસીની વાત સાંભળીને કાં ઊકલી જશે ને કાં થઈ જશે ગાંડી. ગાંડાંનેય એક વાતનું તો સુખ ને, કે પછી લાગણી જ ન રહે, સાનભાન ન રહે. પછી ભલે ને દુઃખ વરસ્યા જ કરતું! ગાંડપણ તો વરસતા વરસાદમાં પહેરેલા ‘રેઈન-કોટ’ જેવું રક્ષાકારી સાધન છે.

માત્ર હીરજીને વિચાર થાય છે એની ત્રણ વરસની નમણી, નાચતી ગેલતી, નિર્દોષ વાલકીનો. એનું શું થશે? એનો શો અપરાધ? એને મૅજિસ્ટ્રેટસાહેબે સા માટે નિરાધાર થઈ જવાની સજા કરી?

અરે હીરજીડા! ઓ કાયર! હું કહું છું કે તું આ વિચારે કાં ચડયો? તું આજની રાત ભગવાનની ભક્તિમાં જીવ પરોવી લે ને! સવારે તો તારે પછી ફક્ત બે જ મિનિટો વિતાવવી છે ને? બાકી તો આ કામ કેટલું સહેલું ને સરલ છે! તારે કશું જ સંભારવાનું નહિ રહે, હીરજી! કાનટોપી પહેરાવી એટલી જ વાર.

કાનટોપી! કાળી કાનટોપીની કલ્પના આવી હીરજીને, હીરજીની જીભ ઉપર ભગવાનનું નામ ગોઠવાઈ ગયું. હીરજી ખિજાઈ ઊઠયો.

મને સજા તો ફક્ત ફાંસીની કરવામાં આવી છે. પણ આમ દિવસરાતની માનસિક યંત્રણાઓ મને શા માટે આપો છો? તમે મારા શરીરને સારુ બે મિનિટની સરલ ક્રિયા ઊભી કરી, પણ મારો જીવ, મારો આત્મા, મારાં ત્રણ સ્વજનો – એને તમે કયા ગુના બદલ સજા કરી છે!

ઓ ન્યાયાધીશસા’બ! તમે ફરીને તપાસ કરો. કંઈક તમારી ભૂલ થઈ જણાય છે. તમે ભૂલ્યા છો. ફરીને તપાસ કરો!

હીરજી ચીસો પાડે છે, પણ સ્વપ્નામાં એની ચીસો એ પોતે જ સાંભળે છે.