ઝંડાધારી — મહર્ષિ દયાનંદ/પુરૂષવર
જીવનના દરેકે દરેક ક્ષેત્રમાં દયાનંદ સાચા વીરનર હતા. દયાનંદના જીવન દરમ્યાન જેમણે એમને જોયા એ સૌને એક યોદ્ધા રૂપે જ દેખાયા. અને તેમના મૃત્યુ બાદ તેમના જીવનનો અભ્યાસ કરનારાઓને પણ મહર્ષિ સત્યના એક અચળ મહારથી સ્વરૂપે જ દેખાય છે. સત્યનું ખડ્ગ ધારી જીન્દગીભર ઝઝૂમનાર યોદ્ધાનું કઠોર જીવન છતાં મહર્ષિજીના આખા યે જીવનમાં બસ ભવ્યતા જ ઝળહળી રહી છે. નિર્મળ ચારિત્ર્ય, આરોગ્યની અને બ્રહ્મચર્યની પ્રભાથી પ્રકાશતું મુખારવિન્દ, એક કૌપીનભર, અહર્નિશ ઉઘાડા રહેતા શરીરનો બુદ્ધિ જેટલોજ પ્રખર વિકાસ, પ્રતાપી લલાટ, તીક્ષ્ણ નયનદ્વય, વિશાળ ભુજાઓ, દેહની પુરા પાંચ હાથની પહાડી ઉંચાઈ અને એક હાથમાં એથી યે ઉંચો દંડ: એ પ્રતિભાશાળી વ્યક્તિત્વ નીરખી પ્રેક્ષકોનું મસ્તક મહર્ષિજીના ચરણમાં ઢળી પડતું. મહર્ષિજીને નીરખી મહાભારતના ભીષ્મ અને રામાયણના વજ્રકાય મારૂતી સ્મરણે ચડતા. આદિત્ય બ્રહ્મચારી દયાનંદનો એવા દુર્ઘર્ષ અને દુર્દમનીય દેહ ભાળીને મેડમ બ્લેવેટ્સ્કી અને કેશવચંદ્ર સેન જેવા પણ તેજમાં અંજાઈ ગયેલા. મહર્ષિજીના બ્રહ્મચર્યના વર્ચસે જ એમને દોડતી જતી બે ઘોડાવાળી જોધાણનાથની ગાડીને પાછલું પૈડું પકડીને ઉભી રાખવાની અને ઝેર પચાવી જવાની તાકાત અર્પેલી. મહર્ષિજીએ બુદ્ધિનો અને આત્માનો પ્રખર વિકાસ સાધવાની સાથોસાથ શરીરનો પણ એટલો જ વિકાસ સાધેલો. બુદ્ધિના યજ્ઞમાં એમણે શરીરનો બલિ આપી દીધો નહીં, એટલે જ એમની વિવાદશક્તિ અપૂર્વ હતી અને તેમની સ્મરણશક્તિ અતિ તીવ્ર હતી. પૂરતી કાળજીથી ખિલાવેલા એ અમાનુષી સામાર્થ્યને પ્રતાપે જ મહર્ષિજીના કંઠમાં, વર્ષોના યુદ્ધને અંતે વિજ્યની વરમાળ પડી. અને મહર્ષિજીના વિજ્યમાં સહાય પૂરનારા એમના જીવનના બીજા વિશિષ્ટ ગુણો યે જાણે કોઈ પાસાદાર મણિરત્નની જૂદી જૂદી પ્રકાશવંતી બાજુઓના જેવા જ પ્રકાશી રહે છે. મહર્ષિજીએ જીવનની છેલ્લી ઘડી સુધી મગજમાંથી એ ખ્યાલને ખસવા ન દીધો કે એણે વૈભવ અને વિલાસ સામે, દંભ અને દુરાચાર સામે, અધર્મ અને અનીતિ સામે, મહન્તગીરીઓ અને ગુરૂપદ સામે બળવો માંડ્યો છે. અને એટલે જ એણે એક લંગોટી ઉપર જ આખી જીન્દગી વીતાવી. શ્રીમઠના મહન્ત મહન્તગીરીની અને ઉદયપુર-નરેશની રાજગુરૂ બનવાની વિનવણીઓને લાત મારી અને તેના પોતાના આર્યસમાજના પ્રમુખ થવાની આર્યસમાજીઓની આગ્રહી માગણીઓને આખર સુધી અવગણી. મહર્ષિ મરણ સુધી સામાન્ય સભાસદ રહ્યા. મહર્ષિજીની એ નીઃસ્પૃહ મનોદશાએ એમની ઉદાર પ્રવૃત્તિઓને કેવી બલિષ્ટ બનાવી દીધી છે? મહર્ષિએ કદી કીર્તિને માટે કે સત્તાને માટે યે પરવાહ નથી કરી, સત્યને જેવું જોયું તેવું જ બોધનારા અને આચરનારા એ જીવનાન્ત સુધી અવધૂત જ રહ્યા. એના સત્યપ્રેમને કોઈ સામ્રાજ્યસત્તા ડગાવી શકી નહીં. કોઈ સંયોગો નમાવી શક્યા નહીં. એટલે જ બરેલીમાં ખડખડાટ હાસ્ય કરીને એ સત્યવીર બોલેલા કે ‘ત્રિલોકનું રાજ્ય મારે ચરણે ધરો તો યે હું સત્યનો સાથ નહીં છોડું. ત્રિલોક કરતાં સત્ય મને વધારે પ્રિય છે.'
મહર્ષિજીને સત્ય પ્રત્યે જેટલો પ્રેમભાવ હતો એટલો જ પ્રબળ તેમને અસત્ય અને દંભ પ્રત્યેનો તિરસ્કાર હતો. આર્યધર્મને નામે આર્યાવર્તમાં વ્યાપેલા અસત્ય અને દંભ એમનાથી ન જોઈ શકાયા. એટલે જ તેમણે સત્ય પ્રકાશને માટે, વેદધર્મના પુનઃસ્થાપનને માટે ભેખ લીધો. અને પછી તે મહર્ષિજીનો જ્વલંત આશાવાદ, એમનો અથાક ઉત્સાહ, એમનું અજેય ઈચ્છાબળ, એમની અડગ હિમ્મત, એમનું વિરલ ચારિત્ર્ય — એ સામર્થ્ય — ભંડોળના પ્રતાપે મહર્ષિજીએ ૐ ના જયનાદથી ભારતવર્ષ ગજાવી મૂક્યો. આજે યે જેના જયનાદથી ભારતવર્ષનાં ગામ ગામડાં અને નગરો ગાજી રહ્યાં છે. એ મહર્ષિજીની હાકલથી આખી હિન્દુકોમ જાગી ઊઠી છે. મહર્ષિજીનો એ ૐ નાદ અનેક વસ્તુઓનો સુચક છે. મહર્ષિજીના ૐ નાદ એટલે વેદધર્મની પુનઃસ્થાપના અને એ વેદધર્મને નામે અનેક સામાજિક સુધારણાઓનો સદ્બોધ. મહર્ષિજીની એક માન્યતા હતી કે જે વસ્તુ બુદ્ધિને ગ્રાહ્ય ન હોય એ વસ્તુ કદીયે શાસ્ત્રીય ન હોય, અને એમના કાળમાં, આજની જેમ એવી અનેક વસ્તુઓ, અનેક રૂઢિઓ અને રિવાજો ધર્મને નામે ચલણી બની ગયેલા કે જેને બુદ્ધિ કદીયે સ્વીકારી શકે નહીં. એટલે મહર્ષિજીને વેદધર્મના પુનઃપ્રસારને માટે પ્રથમ સામાજિક સુધારણાનું કાર્ય હાથ ધરવું પડ્યું. એમને મન વેદપ્રચાર અને સમાજસુધારણા બન્ને સરખા મહત્ત્વની વસ્તુઓ બની રહી. એ બન્ને મહર્ષિજીના મહાકાર્યનાં અનિવાર્ય અંગ બની ગયાં, મહર્ષિજીએ હિન્દુ જાતિમાં કોમ, જ્ઞાતિઓ અને વાડાઓના કોઈ પાર વિનાના ભેદ જોયા અને વેદશાસ્ત્રમાં વર્ણવેલા ચતુવર્ણોનો બોધ દીધો. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને ક્ષુદ્રઃ એમ આદમીના કર્માનુસાર — જન્માનુસાર નહીં ચાર વર્ણમાં હિન્દુસમાજની પુનઃ રચનાનો બોધ દીધો. પછી, મહર્ષિજીએ, હિન્દુકોમનું શરીરબળ હણી રહેલા બાળલગ્નના રિવાજ ઉપર પ્રહાર કર્યો. તેમણે આદેશ દીધો કે “વેદશાસ્ત્ર મુજબ લગ્ન વખતે કન્યાની કમમાં કમ ૧૬ વર્ષની વય અને પુરૂષની એાછામાં એાછી ૨૫ વર્ષની ઉમર હોવી જોઈએ, એથી એાછી ઉમ્મરે લગ્ન થાય એ શાસ્ત્ર વિરૂદ્ધ છે. જાતિનો હ્રાસ અટકાવવા સબળ સંતતિ જોઈએ; અને સબળ સંતતિ જન્માવવા પુખ્ત ઉમ્મરનાં સ્ત્રીપુરૂષોએ ગૃહસ્થાશ્રમ માંડવા જોઈએ. કાચી વયનાં પતિપત્નીના સંભોગથી નીપજેલાં બાળકોને-એ બાળલગ્નના દૈત્યોને જ આર્યાવર્તની આજની અવદશા આભારી છે. મહર્ષિજીના એ આદેશ મુજબ એમનાં અનુયાયી લાખો આર્યસમાજીઓમાંથી આજે બાળલગ્નનો કુરિવાજ બંધ થયો છે. મહર્ષિજીએ હિન્દુ સ્ત્રીની દુર્દશા જોઈ સ્ત્રીઓને આચાર વિચારની યોગ્ય સ્વતંત્રતા આપવાની હિમાયત કરી. તેમણે પરદેશગમન સામે ધર્મને નામે ચાલતા પ્રતિબંધનો ઈન્કાર કર્યો અને પુરાતન ઇતિહાસમાંથી દૃષ્ટાંત આપી સિદ્ધ કરી આપ્યું કે પ્રાચીન કાળમાં પરદેશગમનની પરેપૂરી છુટ હતી. એ સવાલ ઉપર મહર્ષિજીએ ઇતિહાસની દૃષ્ટિએ સુંદર વિચારો રજૂ કર્યા છે. એ માંહેનો એક ફકરો આ નીચે ઉતારી લઈએ; “આર્યાવર્તના આર્યો આંતરરાષ્ટ્રીય સવાલો ચર્ચવા અને વેપાર ખેડવા જરૂર વિદેશને પ્રવાસે નીકળતા. આજે આપણે માનીએ છીએ કે વિદેશગમનથી પવિત્રતા અને ધર્મનો લોપ થાય છે. તે માન્યતા અજ્ઞાનજન્ય છે. પરદેશોના પ્રવાસથી માણસનાં બુદ્ધિ અને ચાતુર્ય ખીલે છે, અને બીજા દેશની પ્રજાઓ પાસેથી ઘણું ઘણું નવું જાણવાનુ મળે છે. બીજાઓ પાસેથી સદ્ગુણો શીખવામાં પાપ હોઈ શકે જ નહિ. જે દેશ પરદેશગમન સામે પ્રતિબંધ મૂકે અને એમ દેશના વેપારવાણિજ્યની પ્રગતિ અટકાવે છે, તે દેશનો અધઃપાત થાય છે, તે દેશના માણસોના લલાટમાં દીનતા અને દરિદ્રતા લખાયલી રહે છે. આપણી સ્વાધીનતા, સમૃદ્ધિ અને સુખી દશાના વિનાશ માટે આવા આવા ગાંડા વહેમો જ જવાબદાર છે.” મહર્ષિજીએ હિન્દુ સમાજના જુવાન વર્ગનો શારીરિક, માનસિક અને નૈતિક અધઃપાત જોયો અને એના નિવારણ અર્થે બ્રહ્મચર્યનો આદર્શ બોધ્યો. મહર્ષિજીના એ બોધના પરિપાક સમા આર્યસમાજનાં શિક્ષણ-વિદ્યાલયોમાંથી અનેક બળશાળી બ્રહ્મચારીણી પાકી રહ્યા છે. મહર્ષિજીએ સૈાથી છેલ્લી છતાં યે સૈાથી વિશેષ મહત્ત્વની વાત દલિતોદ્ધારની હાથ ધરી. તેમણે અંગ્રેજી ભાષાના જ્ઞાન વિના કે મેઝિની, ગેરીબાલ્ડીના સ્વાતંત્ર્યના સિદ્ધાન્તો સાંભળ્યા વિના, કે ફ્રેંચ વિપ્લવની કથા વાંચ્યા વિના, હિન્દુ સમાજને માટે સ્વાધીનતા, સર્વબંધુતા અને સમાનતાની ઘોષણા કરી. તેમણે હિન્દુ સમાજમાં ચાલી આવતી અંત્યજ — અસ્પર્શ્યતાનો સખ્ત વિરોધ કર્યો, શુદ્રોને, સ્ત્રીઓને અને અંત્યજોને સમાન ગણવાની હિમાયત કરી. મહર્ષિજીની આર્યદૃષ્ટિએ શિક્ષણપ્રચારની અને આદર્શ શિક્ષણ-પ્રણાલી સ્થાપવાની જરૂરત પણ જોઈ લીધી. આજે દેશમાં રાષ્ટ્રીય શિક્ષણના જે પ્રયેાગો મંડાઈ રહ્યા છે. તેની પાછળ ઉભેલા આદર્શો તે દયાનંદજીએ દશકાઓ પહેલાં ઉચ્ચારેલા, ત્યારે શિક્ષણના અણખેડાયેલા ક્ષેત્રમાં દયાનંદજી એકલા તેમનું હળ લઈ પ્રાથમિક ખેડકાર્યા કરતા. તેમના એ પરિશ્રમને પરિણામે તેમણે ગુરુકુલ-શિક્ષણનો આદર્શ શોધ્યો. સર્વત્યાગી શિક્ષકો, બ્રહ્મચારી વિદ્યાર્થીઓ, ગામના કલુષિત વાતાતરણથી દૂર અરણ્યમાં ઉભેલા શિક્ષણ-આશ્રમની પુરાતન શિક્ષણપ્રથા તેમણે સજીવન કરી. એ ગુરૂકુલમાં મહર્ષિજીના આદેશ મુજબ, વિદ્યાર્થીઓના ઉધોગ-શિક્ષણ ઉપર ખૂબ ભાર મૂકાયો, એ માટે સર્વવ્યાપક શિક્ષણની સર્વોપરિ જરૂરત પણ જાહેર કરી, અને બાળક-બાળકીઓ બન્નેના ફરજીયાત શિક્ષણનો પ્રાચીન આદર્શ નવે સ્વરૂપે રજૂ કર્યો. એ રીતે, મહર્ષિજીએ ધર્મ, સમાજ અને શિક્ષણ જાતિના અસ્તિત્વને માટે મહત્ત્વના ત્રણે પ્રશ્નોના સમર્થ ઉકેલ રજૂ કર્યા અને આચરણીય સુધારાઓ યોજ્યા. મહર્ષિજીનું એ ત્રિવિધ સુધાર-કાર્ય તેમને સાચા રાષ્ટ્રવિધાયક તરીકેના પરમ પૂજનીય સ્થાને સ્થાપી રહ્યું છે. મહર્ષિજીની રાષ્ટ્રવીર તરીકેની સેવાઓની કદર હજી ભારતવર્ષ નથી કરી શક્યો. મહર્ષિજીના જીવનની મતસ્થાપક તરીકેની ભડકાવનારી છબી આલેખનારાએ ઊભા કરેલા કાળા એાળાઓ નીચે સાચો દયાનંદ, રાષ્ટ્રનો વિધાયક દયાનંદ, દેશભક્ત દયાનંદ દટાઈ ગયો છે એવું નિર્મળ નયનને સહેજે દેખાય છે. આવતી કાલે દયાનંદજીના સુધાર- કાર્યનાં મીઠાં ફળ પાકી રહેશે અને આજના વેરાન ભારતવર્ષમાં નન્દનવન ખડું થશે, ત્યારે આવતી કાલની નવી પ્રજા એ પુરૂષવરને કૃતજ્ઞતાપૂર્વક જરૂર સંભારશે અને એ મહત્તર દયાનંદને પ્રાતઃસ્મરણીય રાષ્ટ્રસૃષ્ટા તરિકે પૂજશે. મહર્ષિ દયાનંદે તેમના જીવન-કાળમાં કેવું જબ્બર ઉદ્ધારકાર્ય સાધ્યું છે અને તેમના મૃત્યુ પછી પણ એ કાર્ય કેટલું ફુલ્યુંફાલ્યું છે તેનો ખ્યાલ સરખોયે આવતાં આપણાં હૃદય એહશાનની લાગણીથી છલોછલ ભરાઈ જશે. મહર્ષિજીએ સ્થાપેલા આર્યસમાજનીસં સ્થાએાની સંખ્યા આજે ૧૫૧૦ થઈ છે. એ સંસ્થાઓ હિન્દુસ્તાનની ચોદિશના પ્રાન્તપ્રાન્તમાં અને હિન્દુસ્તાન બહાર આફ્રિકા, અમેરિકા અને ફીઝીમાં ફેલાયેલી છે, આર્ય સમાજને ચોપડે નોંધાયેલી એ સમાજના સભાસદોની સંખ્યા ૬,૪૮,૦૦૦ ની છે. આર્ય સમાજનું ખરૂં દળ તો એ ચોપડે ચઢેલા સભાસદો કરતાં દશગણું વધારે કહેવાય. મહર્ષિજીના બોધ મુજબ જીવનમાં સુધારણા ઉતારનારા મહર્ષિજીના અનુયાયીઓ અર્ધો કરોડ હિન્દુઓ છે. આર્યસમાજ તરફથી વાર્ષિક દોઢ કરોડ રૂપિયાને ખર્ચે પ કોલેજ, ૬૨ હાઈસ્કૂલ, ૧પ૦ મિડલસ્કૂલ, ૧૬૨ પ્રાથમિક શાળાઓ, ૧૪ર રાત્રિ શિક્ષણશાળા તેમજ ૨૮ ગુરૂકુલ, ૩૦૦ સંસ્કૃત પાઠશાળા, ૩ કન્યા ગુરૂકુલ, ૧ કન્યા મહાવિઘાલય, ૨ કન્યા વિદ્યાલય (હાઈસ્કૂલ) અને ૨૬૨ કન્યાશાળાઓ ચાલી રહી છે. એ લગભગ ૧૨૦૦ સરસ્વતી-મંદિરો આર્યસમાજીઓના દાન ઉપર જ નભે છે, એ માહેના કેટલાંયે શિક્ષણાલયોને આજે તેમની પોતાની માલિકીની લાખોની મિલકત છે. દુનિયાની સપાટી ઉપર એક પણ એવો સમાજ કે પંથ હસ્તી નથી ધરાવતો કે જેના તરફથી ૧૨૦૦ શિક્ષણાલયો, સરકારની કશીયે સહાય લીધા વિના શિક્ષણપ્રચારનું પ્રચંડ કાર્ય કરતાં હોય. આ ઉપરાંત, આર્યસમાજ તરફથી ૪૮ અનાથાલયો, ૪૦ વિધવાશ્રમો અને ૧૪ ઔષધાલયો ચાલી રહ્યાં છે. આર્યસમાજનાં સૌથી વિશાળ પુસ્તકાલયો લાહોરની દયાનંદ એંગ્લોવેદિક કોલેજમાં, કાંગડી ગુરૂકુલમાં અને વંદ્રાવન શ્રેપ-મહાવિદ્યાલયમાં ઊભાં છે. ભારતવર્ષના શ્રેષ્ઠ પુસ્તકાલયોની હોડ કરી શકે એવાં તે સમૃદ્ધ છે. વેદધર્મના પ્રચાર અર્થે, હિન્દુત્વને જાગ્રત્ કરવાના ઉદ્દેશથી, આર્યસમાજ તરફથી, હિન્દી, ઉર્દૂ, અંગ્રેજી, ગુજરાતી, તેલુગુ વગેરે ભાષાઓમાં દૈનિક, સાપ્તાહિક, પાક્ષિક અને માસિક મળીને આજે કુલ ૪૦ સામયિકો પ્રગટ થાય છે. કેટલાક વર્ષથી એક આર્ય-સ્વરાજ્યસભા સ્થાપવામાં આવી છે. તેના તરફથી પંજાબમાં પતિતોદ્ધારનું કાર્ય વેગથી વધી રહ્યું છે. સંયુક્ત પ્રાન્તમાં આર્યસમાજીઓના ઉપયોગને અર્થે એક કૂપરેટીવ બેન્ક ચાર વર્ષથી લખનૌમાં સરસ રીતે ચાલી રહી છે. આટલી વિધવિધ સંસ્થાઓ આપવા ઉપરાંત દયાનંદજીએ — એમના આર્ય સમાજે અનેક સમર્થ દેશભક્તો આપ્યા છે. લાલા લજપતરાય, લાલા હંસરાજ, લાલા હરદયાળ, સ્વામી શ્રદ્ધાનંદ, ગુરૂદત્ત લેખરામ, રાજા મહેન્દ્રપપાત, રામભૂજદત્ત ચૈાધરી, પ્રો. રામદેવ, ભાઈ પરમાન્દ, સ્વામી સત્યદેવ વગેરે અનેક રાજકીય નેતાઓ એ આર્યસમાજની ભારતવર્ષને ચરણે બક્ષીસ છે. આવું કાર્ય સાધનારો, આટલો પ્રેરક સંદેશ આપનારો, આવડો જબ્બર અનુયાયી સંઘ મેળવનારો, રાષ્ટ્રઉદ્ધારની આવી પ્રચંડ શક્તિ સર્જનારો કોઈ પુરૂષ ભારતની તવારીખમાં બીજે નથી દેખાતો. દયાનંદ અજોડ છે. એ પુરૂષવરના ચરણમાં કોટિ કોટિ પ્રણિપાત હો!