ડોશીમાની વાતો/8. સોનાની પૂતળી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
8. સોનાની પૂતળી


એક હતી રાજકુમારી. એનું નામ હીરા. બહુ રૂપાળી. પોતાના રૂપનો એને બહુ જ અહંકાર. કોઈની વાત સાંભળે નહીં, મનમાં આવે તેમ કરે અને રાત–દિવસ શણગાર સજ્યા કરે.

એને સાત સખી હતી. એક સખી અંબોડો બાંધી આપે, બીજી સખી હાથપગ ચીતરી આપે, ત્રીજી સખી શણગાર સજી આપે, ચોથી સખી અરીસો ધરીને ઊભી રહે, પાંચમી પંખો ઢાળે, છઠ્ઠી વાજું વગાડે ને સાતમી નાચ કરે. સાતેય જણી મળીને હીરાને મોઢે હીરાના વખાણ જ કર્યા કરે. પહેલી સખી કહે : “આહા, કુંવરીબા તો જાણે કંચનની પૂતળી”. બીજી બોલે કે : “વાહ, એનો રંગ તો જાણે ચોખ્ખા સોના સરખો”. ત્રીજી ટાપસી પૂરે કે : “આહા! બાનું નાક જાણે બંસી!” ચોથી ચડાવી મારે કે : “અરે, બાની આંગળી તો અસલ જાણે ચંપાની કળી!” અને પાંચમી બોલે કે : “બહેન! તમારી આંખો તો બરાબર હીરાના જ કટકા!” આવું આવું સાંભળીને કુંવરીબા તો મદમાં ને મદમાં ફુલાયા કરે. એનો મદ તો એટલો બધો ચડ્યો કે પછી પરીઓથી સહેવાયું નહીં. પરીઓને મનમાં થયું કે આને કંઈક શિખામણ દેવી જોઈએ. સોનાના અરીસા સામે ઊભી ઊભી રાજકુંવરી પોતાનું મોઢું જોતી હતી. ત્યાં તો અચાનક અરીસામાં કોઈનું મોઢું દેખાયું. પાછી ફરીને કુંવરી જુએ ત્યાં તો એક પરી ઊભેલી. પરી બોલી : “હીરા, તું રૂપાળી છો, પણ એટલો મદ રાખ નહીં. એથી તારું સારું નથી થવાનું.” રાજકુંવરી કહે : “મારું રૂપ તારાથી દેખી શકાતું નથી, એટલે જ મારી સાથે વઢવાડ કરવા આવી લાગે છે, ખરું ને?” પરી કહે : “ના, જેને આટલો બધો અહંકાર હોય, તેનું સારું થાય જ નહીં માટે હું તો તને ચેતવવા આવી છું, બહેન!” આટલું બોલીને પરી ચાલી ગઈ. પછી તો હીરાનો મદ ક્યાંય માય નહીં. એના મનમાં એમ થયું કે હું એટલી બધી રૂપાળી કે પરીઓ પણ મારી અદેખાઈ કરે! હીરાની પાસે ઘેરો વળીને સાત સખીઓ બેસે ને એનાં ખોટેખોટાં વખાણ કરે! એક જણી કહે : “કુંવરીબાના હોઠ તો અસલ પરવાળા જેવા જ!” બીજી બોલે : “બાના દાંત તો જાણે અસલ મોતી!” બધી વાતો સાંભળીને હીરા તો હસ્યા જ કરે. એકાએક એક સખી બોલી : “અરે આ શું! બાના દાંત સાચોસાચ મોતી જેવા કેમ લાગે છે?” વાત ખરી હતી. રાજકુંવરીના રાતા મોઢાની અંદર એકે ય દાંત ન મળે. દાંતને બદલે ગોળ ગોળ મોતીની બે હાર ચળક ચળક થાય છે. સખીઓ સમજી ગઈ કે આ કામ પેલી પરીનું હશે. એને મનમાં ફાળ પડી, પણ રાજકુમારીને મોઢે કોઈ બોલ્યું નહીં. હીરા તો મનમાં બહુ રાજી થઈ. એણે વિચાર્યું કે ‘ખાવા-પીવામાં લગાર અડચણ તો આવશે, પણ એની કાંઈ ફિકર નહીં, મોતીના દાંત તો નસીબદારને જ મળે’. એક દિવસ સવારે હીરા પથારીમાંથી ઊઠતી નથી. એની સાત સખીઓ ઉઠાડે છે. પણ હીરા તો પડખું ફેરવીને કહે કે, “ઓહો, હેરાન કરો મા બાપુ, અત્યારમાં ઊઠીને શું કરવું છે?” સખીઓ કહે : “તમને અત્યાર લાગે છે, પણ જુઓ તો ખરાં, કેટલું ટાણું થઈ ગયું છે?” હીરા કહે : “કાં, હજી તો અંધારું છે!” સખીઓને લાગ્યું કે હીરા ઊંઘમાં ને ઊંઘમાં આમ બોલે છે. એટલે એને ઢંઢોળીને કહ્યું : “આમ જુઓ તો, તડકા કેટલા બધા ચડી ગયા છે!” ત્યાર પછી હીરાના પેટમાં ફાળ પડી. એ તો આંખો ઉઘાડીને જોતી હતી, પણ અજવાળું દેખાતું જ નહોતું. બે હાથે આંખ ચોળી ફરીથી જોયું, તો ય અંધારું ઘોર! હાય, હાય, એ આંધળી બની ગઈ હતી! રાજાના મહેલમાં તો પોકાર થઈ ગયો. વૈદ્યને બોલાવવા માણસો દોડ્યા. વૈદ્ય આવીને જુએ ત્યાં તો આંખો એવી ને એવી જ. ઊલટી વધુ ચકચક થતી હતી. કેમ જાણે આંખો સળગી ઊઠી હોય ને! વૈદ્યે આંખો ઉપર ધીરે ધીરે ફૂંક મારી, પણ હીરાની આંખ જેમ હતી તેમ જ રહી. બિડાઈ ન ગઈ. પછી વૈદ્યે આંખમાં આંગળી નાખી તો યે આંખો હલીચલી નહીં. પછી અંદર છરી ઘોંચી, પણ આંખ ઉપર છરીનો ડાઘ પણ પડ્યો નહીં. આંખોને બદલે હીરાના બે કટકા બની ગયા છે! આંખો ગઈ, એટલે પહેલાં તો રાજકુંવરીને બહુ જ વસમું લાગ્યું. પણ સાત સખીઓ કહેવા લાગી કે, “એમાં શું થઈ ગયું? તમે ભાળશો નહીં તો અમે તમારું બધું કામ કરી દેશું. પણ તમારી આંખો કેવી રૂપાળી બની ગઈ છે! કેવી ચળકે છે! એની શી વાત કરવી, બા?” રાજકુંવરી બહુ રાજી થઈ. એને તો રૂપાળા થવું હતું! બીજી કાંઈ વાત નહીં. વળી એક દિવસ સવારે ઊઠીને હીરા બોલવા જાય, પણ બોલાયું નહીં. ફરી વાર વૈદ્ય આવ્યા. ખૂબ તપાસીને વૈદ્ય બોલ્યા કે, “કુંવરીબાની જીભ અને હોઠ બધાંય પરવાળાંનાં બની ગયાં છે.” મૂંગા થવું એ તો ખરેખર બહુ જ વસમું, પણ સાત સખીઓ હીરાને કહે : “ઓહો બા! રાતા રાતા પરવાળાના હોઠની અંદર મોતીના દાણા જેવા દાંત કેવા શોભીતા લાગે છે! તમારા જેવી સુંદરી હવે તો આખા જગતમાં ન મળે.’ ધીરે ધીરે રેશમ જેવા કાળા એના વાળ પણ સાચેસાચ રેશમના જ થઈ ગયા, ને એની આંગળીઓ પણ ચંપાની કળીઓ બની ગઈ. પછી પરીઓએ વિચાર્યું કે ચાલો, ફરી વાર હીરાની પાસે જઈએ. હવે કદાચ એનો મદ ઊતરી ગયો હશે. સોનાના આસન ઉપર હીરા બેઠી છે. સાત સખીઓ એને વીંટળાઈ વળી છે. એ વખતે પરીએ આવીને હીરાને પૂછ્યું : “હીરા! હવે તને કાંઈ અક્કલ આવી કે? તારો ગર્વ ઊતર્યો કે? બોલ, મને જવાબ દેવો હશે તો તારાથી બોલી શકાશે.” ક્રોધમાં હીરાનું મોઢું રાતુંચોળ થઈ ગયું. રાડ પાડીને હીરા બોલી : “હું કદી યે તારી પાસે હાર કબૂલ કરવાની નથી. મારા મહેલમાંથી હમણાં જ ચાલી જા!” પરી કહે : “ઓહો હજી યે આટલો મદ? ઠીક, તને બધાં ય કંચનની પૂતળી કહીને બોલાવે છે તો હવે સાચેસાચ તું કંચનની પૂતળી બની જા!” ત્યાં તો જોતજોતામાં રાજકુંવરીનો રંગ સોના જેવો થઈ ગયો ને આખું શરીર ચળક ચળક થવા માંડ્યું. ધીરે ધીરે એના હાથપગ પણ કઠણ બની ગયા. હીરા સોનાની પૂતળી બની ગઈ. રાજમહેલમાં, એક સૌથી સુંદર ઓરડાની અંદર એ સોનાની પૂતળી બેસાડી રાખી. એને જોઈને બધાંયને બીક લાગતી. પછી એ દેશમાં માણસો અભિમાન કરતાં જ મટી ગયાં.