તથાપિ/ડુમ્મસ: સમુદ્રદર્શન

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ડુમ્મસ: સમુદ્રદર્શન

સુરેશ જોષી

સવારે ઊઠું છું ત્યારે
સાત સાગરનાં ઊંડાણથી આંખો આંજીને ઊઠું છું.
એથી જ તો હાથમાં હાથ રાખીને બેઠેલું સ્વજન
દ્વાપર કે ત્રેતાયુગ જેટલું દૂર લાગે છે.
પાસેથી બોલાતો શબ્દ
કાળની ગુફામાંથી ગોરમ્ભાઈને આવે છે.
મારી આજુબાજુની ચતુસ્સીમા પાંગરીને આકાશ બને છે.
મારો પડછાયો સુધ્ધાં આગલા ભવનો લાગે છે.
ગોખલામાંના દેવ પર સત્યયુગની કાન્તિ જોઉં છું.
દર્પણમાં મારું પ્રતિબિમ્બ
કોઈ અનાગત સમયના સંકેત જેવું લાગે છે.
શરીરનાં બંધન શિથિલ થઈ જાય છે.
હું ખનિજમાંથી ઉદ્ભિજમાં,
જળચરમાંથી સ્થળચરમાં,
કીટમાંથી પંખીમાં,
સહેલાઈથી અવરજવર કરી શકું છું.
એકાદ દુ:ખતો દાંત
કે આંખમાં પડેલી એકાદ કણી
ઇતિહાસના આદિકાળના રાજવંશના
નિકન્દનનું કારણ બની રહે છે.
નિરાકાર ઈશ્વર બનીને
વ્યાપ્તિમાંથી લુપ્તિમાં ચાલી જવા હું ડગલું ભરું છું
ને ત્યાં –
કશુંક ઠેબે ચઢે છે,
જોઉં છું તો હું જ,
કલિયુગનો નગણ્ય હું!
જે ઘરને કારાગાર બનાવીને જીવ્યો છે,
જે પ્રાણપણે લોકશાહીનાં મસોતાંથી પોતાનો ચહેરો ભૂસવાને મથ્યો છે;
જેણે આતતાયીના પડછાયા નીચે સલામતી શોધી છે;
જેણે આખી જિન્દગી પોતાની સામે જ
ઘૂરક્યા કરવાનું વીરત્વ દાખવ્યું છે;
જે પોતાનું મૂળ શોધતો શોધતો
પશુની બોડ સુધી પહોંચી ગયો છે;
જે ગુપચુપ એકડાની પછીનાં
અનેક શૂન્ય ભેગો શૂન્ય થઈને લપાઈ ગયો છે;
જે –
શું કહું?
નિષ્ઠુર સૂર્યે મારી આંખમાંના સાત સાગરનાં ઊંડાણને શોષી લીધું છે!
હું મોતિયાનાં પડળ ચઢેલી આંખે
મારો ય આછો ઝાંખો માત્ર આભાસ જોઈને
ફરી પાછો મને મારી પ્રતીતિ કરાવવાના
ઉદ્યમમાં મચ્યો રહું છું.

અરે, છે તો નાની સરખી ડાળ,
ડાળ પણ નહીં, માત્ર મારી ભીંત પર પડતો એનો પડછાયો.
એ ભીંત પર ડોલે છે
ને મારું મન એના સમ્મોહનને વશ થઈ જાય છે.
મને ઉર્વશીનાં કનકગૌર ચરણનો નૃત્યલય દેખાય છે,
મને કોઈકનો ‘આવ, આવ’નો સંકેત કરીને બોલાવતો હાથ દેખાય છે,
મને એ ડાળની આજુબાજુ અડાબીડ વન ઊગેલું દેખાય છે.
એ ડોલતી શાખા મને પવન જોડે
આંબાપીપળી રમવા તેડે છે.
એ ડોલતી ડાળ જાણે જાદુઈ લાકડી!
મારા વણઉચ્ચાર્યા મનોરથોને સાંભળી લઈને
એ બોલ્યા કરે છે: ‘તથાસ્તુ, તથાસ્તુ, તથાસ્તુ.’

સાગર,
તું મને નષ્ટ કર.
મને ગર્ભમાંના મૃત શિશુની જેમ તારામાં લઈ લે.
પછી મારે અવતરવાનું જ ન રહે!
મને તારા પેટાળમાંનો વડવાનળ બનાવી દે –
જે પોતે પોતાને બાળ્યા કરે.
તારાં ફીણની ફણાથી મને ડંખી લે
જેના ઝેરમાંથી મને કોઈ ફરી ઉગારી ન શકે.
તારા પ્રલયને છુટ્ટા મૂકી દે
જેથી હું શીર્ણવિશીર્ણ થઈ જઈ શકું.
હું તારી અંદર સૂર્યથી અસ્પૃષ્ટ
આદિમ કાદવ બનીને મારામાં જ ઊંડે ઊંડે ખૂંપતો જઈશ.
ઈશ્વરનો શ્વાસ સુધ્ધાં જ્યાં પહોંચતો નહીં હોય
ત્યાં ઊંડે ઊંડે મને સંગોપી દે.
સૃષ્ટિના આદિકાળમાં સંતાડી રાખેલા
અન્ધકારમાં મને અન્ધકાર કરીને નિ:શેષ કરી નાખ.
મને પવન થવા લલચાવીશ નહીં,
મને વનસ્પતિ થવા લલચાવીશ નહીં.
તું પણ મને કાંઠે ફેંકી દઈ નહીં શકે
એવું વજન મને આપ.
સાગર,
તું મને નષ્ટ કરી દે.

મળવા તો ગયો હતો સમુદ્રને
પણ મળી ગયો પવન!
આંબાની પીઠ પર બેસીને, ઝૂલે ઝૂલીને
એણે આંબાને ખૂંધા કરી નાખ્યા છે.
કોણ જાણે કયા યુગની બારાખડીના પાઠ
એ મારી આગળ કરી જાય છે.
ભાંગેલા કૂવાની બખોલમાંના શિશુપીપળાના
એ રહી રહીને કાન આમળ્યા કરે છે.
બપોર વેળાએ બોરસલી નીચેના હીંચકા પર
એ એકલો બેસીને ઝૂલે છે.
મધરાતે કોણ જાણે શી ય વાત કરીને
એ બધી બારીઓને ખડખડ હસાવે છે
રાતે ઊંઘના આવરણને ખેંચી લઈને એ ભાગી જાય છે.
સમુદ્રની ભરતીને મારામાં ઠાલવી દઈને
મારી ત્વચાનાં સાતે ય પડને અબરખ જેવાં કરી દે છે.
આકાશ અને સાગરને એકાકાર કરી દેવાનાં બણગાં
એ આખી રાત મારા કાનમાં ફૂંક્યા કરે છે.
વર્ષો પહેલાંના એક દિવસને અહીં ઉડાવી લાવી
મારી આંખમાં એ આંસુની ઝાંય વાળી દે છે.

અન્ધકારના અસ્તરવાળો કાળો ડિબાંગ પવન
એક અજાણ્યે રસ્તે મને ભગાડી ગયો,
દાણચોરના હોડકાના ભંડકિયામાં મને ધરબી દીધો.
તેજાનાની તીવ્ર વાસથી હું જાગી ઊઠ્યો,
જોઉં છું તો ચારે બાજુ કૂવાથમ્ભનું જંગલ;
પવનમાં કમ્પતી કેળ જેવા શઢ કમ્પે;
સૂરજ પાણીમાં આંગળી બોળીને
શઢ પર લખ્યા કરે;
દૂર માછલીઓએ ફેલાવેલી જાળ –
પોલ ક્લીના ચિત્રની જાણે રેખાઓ!
ક્યાંક પાસેથી જ આવતી કોઈકના
કેશરાશિની ઉત્તપ્ત ગન્ધ!
જોઉં છું તો બોદલેરની પ્રિયતમા.
શઢની જેમ જ ફરકે છે એના કેશ.
પણ કવિ ક્યાં?
એ તો કેશરાશિના સમુદ્રના અતલ ઊંડાણમાં!
પણે ક્ષયગ્રસ્ત કોબિર્યેરનું ભાંગલું હોડકું.
આટલામાં જ ક્યાંક હશે રેંબો.
આફ્રિકાની તટરેખાને હાથનું છજું કરીને જોતો હશે.
થોડી જ વારમાં જાળ ઉપર ખેંચતા
મોટી માછલી જેવો ચન્દ્ર સપાટી પર આવ્યો,
ભંડકિયામાંનું ટમટમિયું હોલવાઈ ગયું,
રહ્યો કેવળ અન્ધકારના અસ્તરવાળો પવન.

સમુદ્ર હવે ચાલી ગયો છે દૂર દૂર,
ક્ષિતિજને છેડે માત્ર દેખાય છે એનો ધૂંધળો આભાસ.
હવે યાળ ઉછાળીને એ અહીં ત્રાડ નાખતો નથી,
કેવળ પવન સમુદ્રે મૂકેલા રિક્ત અવકાશમાં કણસ્યા કરે છે.
રાતે એનો વિલાપ મને ઉન્નિદ્ર બનાવી મૂકે છે.
હું અકારણ વેદનાથી વિહ્વળ થઈ જાઉં છું.
મારી આંખો હજી રાતે દીવાદાંડીની પ્રદક્ષિણા ફર્યા કરે છે.
ગઈ સદીના કોઈ વૃદ્ધ પ્રપિતામહનો ખોંખારો
બાજુની અવાવરુ ઓરડીમાંથી સંભળાય છે.
ઝરૂખામાં નવપરિણીતોની ગુંજગોષ્ઠિ ચાલી રહી છે.
કોઈ રૂમઝૂમ રૂમઝૂમ દાદર ઊતરે છે;
છેક મારા કાનને સ્પર્શી જાય છે
કોઈનો પ્રગાઢ ઉષ્ણ નિ:શ્વાસ.
મારા હોઠ પર કોઈકના ગઈ સદીના શબ્દો છે.
હું એ બોલવાની હિમ્મત કરતો નથી.
ક્યાંકથી આછું દબાયેલું હીબકું સંભળાય છે,
તરત જ કોઈ નારીનું મુક્ત હાસ્ય રણકી ઊઠે છે.
આ પ્રેતલોકમાં પ્રેત જેવો, પડછાયા જેવો
હું પડી રહું છું.
દીવાદાંડીનો ડોળો મારા પડછાયાઓનો ચોકીપહેરો ભરે છે.

બારણું અર્ધું ખોલીને,
અંદર પ્રવેશવાનો માર્ગ રોકીને,
ઊભી છે એ.
આંખમાં કરડાકી છે,
વસ્ત્રો અસ્તવ્યસ્ત, કેશ વિંખાયેલા.
આજે જોઉં છું તો રહી છે કેવળ બારસાખ,
જ્યાં એ મુખ જોયું હતું ત્યાં છે પંખીનો માળો.
તે દિવસે અહીં જે વેદનાને પાછળ મૂકી ગયો હતો
તેને હું ઓળખવા આવ્યો છું.
અમે ઉચ્ચારેલા બેચાર શબ્દ
કરોળિયાના જાળામાં ઝિલાઈ રહ્યા છે.
પગને ઠોકર વાગી અને કશુંક રણકતું દડી ગયું.
અહીં એક સાથે બધા ખાલી ઓરડામાંથી પડઘાઓ ગાજી ઊઠ્યા.

મેં જોયું તો એ પડઘાઓમાંથી જ
આકાર ધારણ કરી રહી હતી એક નારી.
એને મુખ નથી, એ છે નર્યો ઉચ્છ્વાસ.
એ મારા શ્વાસ સાથે પ્રવેશે છે મારામાં.
મારી અવાવરુ કાયામાં પણ કોઈ આળસ
મરડીને બેઠું થાય છે.
પછી આખી રાત હું એ બેનો સંવાદ
સાંભળ્યા કરું છું.

તાવથી ધગધગતા શરીરે વીંટેલા
ગરમ ધાબળા જેવી હવાને ઉશેટીને
હું અહીં દોડી આવ્યો છું.
શીળી છાયાઓના ઉપવનમાં
સમુદ્રના લયથી આખી રાત ગાતાં
બે સરુઓ આંગણામાં હતાં,
તે હવે નથી.
બપોર વેળાએ જે જાંબુડાની
કાળી છાયા નીચે બેસીને
એનું આતિથ્ય માણતા
તે જાંબુડો હવે નથી.
કૂવા પર કોશનો કિચૂડાટ નથી,
રાક્ષસની છાતી જેમ હાંફ્યા કરતો પમ્પ છે.
તો ય હજી ગ્રીષ્મનો રસ ટીપે ટીપે
ફાલસામાં ઝિલાયો છે.
કૂવાને થાળે હજી એવું જ છાયાઓનું ધણ બેઠું છે.
કાગડાઓ ઠીંગુ આંબાઓ વચ્ચેથી ઊડતાં ઊડતાં
કાચબાઓને સતાવે છે.
સક્કરખોર સાહેલીની મીઠાશ ચાખે છે.
કાળિયોકોશી ઘાસ બળે છે ત્યાં નિરીક્ષકની
અદાથી ઊભો રહે છે.
બગીખાનું ખાલી છે.
ઘોડાના પગથી રેતી કચડાવાનો અવાજ સંભળાતો નથી.
માણસો છે પણ મૂંગા મૂંગા.
એક રખડેલ કૂતરો વાડીનો માલિક થઈને ફરે છે,
સાંજવેળાએ આલુલાયિતકેશા કોણ અન્યમનસ્ક નારી
ઝરૂખામાં ઊભી હોય છે?

સમુદ્ર અને અન્ધકાર જ્યાં અભિન્નભાવે ભળે છે
તે નીરન્ધ્રતાના પોતને મારે સ્પર્શવું છે.
પણ હવે તો ભૂમિ એના તૃણાંકુર સાથે
સમુદ્રે ખાલી કરેલી જગ્યાએ ઠસી પડી છે.
સમુદ્રની કોઈ નામહીન લતાનાં ફૂલ ત્યાં હસી રહ્યાં છે.
સમુદ્રનાં મોજાંની આંગળીએ કોઈ લાકડાના ટુકડાને
શિલ્પમાં ફેરવી નાખ્યો છે.
પણ હવે તો નર્યો કાદવ.
એમાં તડકામાં તગતગતા કાદવ જેવી કાયાવાળા માછીમાર,
ભરતીની રાહ જોઈને કાદવમાં પ્હોરો ખાતી હોડીઓ,
નાનાં શિશુઓનો રૂમાલ ખેંચીને દોડી જતો પવન –
પણ મને અન્ધકારથી છવાયેલા સમુદ્રની માયા છે.
એમાં જે દૂરતા છે તેનું પરિમાણ મને ગમે છે.
કોઈકની આંખમાં મેં જે દૂરતા જોઈ છે
તેને હું આ દૂરતા વડે જ સમજી શકું છું
દૂર ચાલી ગયેલો સમુદ્ર પાછળ જે રિક્તતા મૂકી જાય છે
તેને અનુભવીને હું મારા હાથમાંથી સરી પડેલા
હાથની રિક્તતાને જીરવી શકું છું.
આથી જ તો હું સમુદ્રને સાથે રાખીને જ જીવું છું.

‘તો આવજો ત્યારે’
હું આટલું બોલું છું ને આખું ઘર એનો પડઘો પાડે છે.
એનાં આન્દોલનોથી વીંટળાયેલો હું ચાલી નીકળું છું.
બપોરનો સમય છે,
કૂવામાં છાયા ઊંડે ઊતરી ગઈ છે,
તાડ ઊભું ઊભું ઝોકાં ખાય છે,
સમુદ્રની ભરતી આવવી શરૂ થઈ છે,
પવન મોટાં મોટાં પગલાં ભરતો,
બારણાં ઠેલતો, આવી ચઢે છે.
એ મારાં વસ્ત્ર ઝાલીને મને પાછો ઠેલે છે.
થોડી રેતી મારી આંખમાં આંસુ લાવી દે છે.
વાડીનો માલિક કૂતરો મને ઠેઠ દરવાજા સુધી વળાવવા આવે છે.
એકાએક કશી ભીનાશ મને સ્પર્શી જાય છે –
એ પેલા દૂર ચાલી ગયેલા સમુદ્રનો સીકર?
એ ગત જન્મના કોઈકનો અશ્રુસન્દેશ?
હું ઘડીભર થમ્ભી જાઉં છું.
ત્યાં સહેલાણીઓનું એક ટોળું ઘોંઘાટ કરતું પસાર થાય છે.
આ દિવસો દરમિયાન અહીંના વાતાવરણમાંથી
ધ્વનિત થયેલા બેચાર શબ્દોને સાચવતો હું ચાલી નીકળ્યો છું.

એતદ્, નવેમ્બર, 1977