તપસ્વી અને તરંગિણી/અનુવાદકનું નિવેદન

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


અનુવાદકનું નિવેદન

‘તપસ્વી અને તરંગિણી’ પ્રસિદ્ધ બંગાળી સાહિત્યકાર બુદ્ધદેવ બસુ (૧૯૦૮–૧૯૭૫)ના બંગાળી નાટક ‘તપસ્વી અને તરંગિણી’નો અનુવાદ છે. આ અનુવાદ પ્રકટ કરવાની અનુમતિ આપવા માટે શ્રીમતી પ્રતિભા બસુનો આભાર માનું છું. બંગાળીમાં આ નાટક ૧૯૬૬માં પ્રકટ થયું હતું. તેને ૧૯૬૭ના વર્ષનો સાહિત્ય અકાદેમીનો પુરસ્કાર મળ્યો હતો. કવિતા, વાર્તા, નવલકથા, નિબંધ, વિવેચન, નાટક વગેરે સાહિત્યના બધા પ્રકારો પર બુદ્ધદેવ બસુએ એકસરખી દક્ષતાથી હાથ અજમાવ્યો છે, પણ મુખ્યત્વે તે કવિ છે. નાટકના સ્વરૂપ પર તો છેક ઉત્તરવયે ગંભીરતાથી લક્ષ્ય આપ્યું. તેમાં સૌ પ્રથમ ‘તપસ્વી અને તરંગિણી.’ સાહિત્યિક ગુણવત્તાની સાથે સારી એવી અભિનયક્ષમતા આ નાટકમાં પડેલી છે. ૧૯૮૧ના ડિસેમ્બરમાં થોડાક દિવસ શ્રી નગીનદાસ પારેખ સાથે શાંતિનિકેતનમાં હતો, ત્યારે કલકત્તામાં ‘થિયેટ્રન પ્રયોજના’ તરફથી શ્રી સલિલ બંદ્યોપાધ્યાયના નિર્દેશનમાં આ નાટકનો રંગમંચીય પ્રયોગ થયો હતો. મિત્ર સુબીર રાયચૌધુરી તથા શ્રી સલિલ બંદ્યોપાધ્યાયનો ખાસ આગ્રહ હતો કે આ પ્રયોગમાં શ્રી નગીનદાસ પારેખે તથા મારે હાજર રહેવું. નાટકમાં તરંગિણીની ભૂમિકા કરવાનાં હતાં શ્રીમતી અરુંધતી બંદ્યોપાધ્યાય. આયતલોચના આ અભિનેત્રીને ૧૯૭૯માં કલકત્તામાં સુબીરદાના કક્ષમાં મળવાનું પણ થયેલું. એટલે શાંતિનિકેતનમાં હોવા છતાં નાટક જોવા કલકત્તા જવા મન અશાન્ત થઈ ગયું હતું. પણ જવાયું નહીં. એ ભજવાતું જોયું હોત તો એનો લાભ કદાચ આ અનુવાદને ક્યાંક ને ક્યાંક મળત. આ નાટકની ભાષા એકદમ કાવ્યધર્મી છે. મૂળ નાટકકારને અન્યાય ન થાય અને ગુજરાતી અનુવાદ પણ સુવાચ્ચ બની રહે એટલા માટે મેં શ્રી નગીનદાસ પારેખને, મૂળ કૃતિ સામે રાખી આ અનુવાદ સાંભળી જવાની વિનંતી કરી. તેમણે મારી વિનંતી માન્ય રાખી અત્યંત મનોયોગપૂર્વક અનુવાદ સાંભળી સુધારા સૂચવ્યા. તેમનો ખૂબ આભારી છું. જાદવપુર યુનિવર્સિટી, કલકત્તાના તુલનાત્મક સાહિત્ય વિભાગના મિત્રો–સર્વશ્રી સુબીર રાયચૌધુરી, અમિયદેવ અને શુદ્ધશીલ બસુ ઉપરાંત સલિલ બંદ્યોપાધ્યાય, અનિલા દલાલ અને વિનોદ અધ્વર્યુ આ નાટક સાથે કોઈ ને કોઈ સંબંધભાવનાથી જોડાયેલા છે. આ સૌ મિત્રોનું આ પ્રસંગે કૃતજ્ઞતાથી સ્મરણ કરું છું. સુંદર સુઘડ મુદ્રણ માટે ચંદ્રિકા પ્રિન્ટરીનો આભાર માનું છું. –અને આશા રાખું છું કે આ નાટકનું સાહિત્યમર્મજ્ઞો અને નાટ્યપ્રેમીઓ દ્વારા સ્વાગત થશે.

ડિસેમ્બર ૧૯૮૨, અમદાવાદ - ભોળાભાઈ પટેલ