તારતમ્ય
પ્રસિદ્ધ ગુજરાતી વિવેચક અનંતરાય મ. રાવળનો વિવેચનસંગ્રહ. પ્રકાશનવર્ષ 1971. આ સંગ્રહને દિલ્હીની કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1974નો પુરસ્કાર પણ મળ્યો છે. આ સંગ્રહમાં ત્રણ અભ્યાસલેખો, પ્રવેશકો અને અન્ય નાનામોટા લેખો પણ છે. ગુજરાતી સાહિત્ય પરિષદના વિવેચનવિભાગના પ્રમુખપદેથી અપાયેલું વ્યાખ્યાન ‘નિત્યનૂતન સારસ્વત યજ્ઞ’ પણ અહીં ગ્રંથસ્થ કરેલું છે. તેમાં સાહિત્યસ્વરૂપોનો ભારતીય તથા પાશ્ચાત્ય સંદર્ભમાં વિચાર રજૂ કરવા સાથે પૂર્વ પશ્ચિમની મીમાંસાના સંદર્ભો અને ગુજરાતી સાહિત્યના વિકાસનું અવલોકન પણ સમાવી લેવામાં આવ્યાં છે. અન્ય અભ્યાસપૂર્ણ લેખોમાં ‘ઠાકોરની કાવ્યભાવના’માં ઠાકોરના કવિતાવિચારની તપાસ તથા ‘મડિયાનો હાસ્યસ્ફોટ’માં હાસ્યની ચર્ચા કરેલી છે.
મુખ્યત્વે ગુણદર્શન કરાવતા પ્રવેશકરૂપ લેખોમાં પન્નાલાલની ‘પડઘા અને પડછાયા’, દિગીશ મહેતાની ‘આપણો ઘડીક સંગ’, ‘પિનાકિન દવેની ‘અનુબંધ’ જેવી નવલકથાઓ વિશેના લેખો યાદ કરવા યોગ્ય છે. ગાંધીજીનું ‘હિંદ સ્વરાજ’, ફૂલચંદ શાહનું નાટક ‘વિશ્વધર્મ’ અને ‘નંદશંકર દે. મહેતા સ્મૃતિગ્રંથ’ના પ્રવેશકો પણ ધ્યાનપાત્ર છે.
— મણિલાલ હ. પટેલ
('ગુજરાતી વિશ્વકોશ'માંથી સાભાર)