તારાપણાના શહેરમાં/પી ગયો
પી ગયો
મેં ક્યારે કહ્યું કે સ્મરણ પી ગયો
ફક્ત હોઠ પરથી રટણ પી ગયો
મને શુષ્ક નજરે એ જોતા રહ્યા
ને હું ભીનું વાતાવરણ પી ગયો
વધીને તરસ જાણે તડકો બની
હું જળ સાથે પડછાયા પણ પી ગયો
મને દોટ મૂકવા શું કહેતો હશે?
આ રસ્તો, જે મારાં ચરણ પી ગયો
હો છાંટા કે છાલક કે બારેય મેહ
રહ્યું એનું જે કૈં વલણ, પી ગયો
બે ક્ષણ વચ્ચે મેં જળસમાધિ લીધી
લો, આખું સમયનું ઝરણ પી ગયો