તુલસી-ક્યારો/૩૪. અણનમ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૩૪. અણનમ

ચાલી નીકળેલા ભાસ્કરનું છેલ્લું સફેદ ટપકું અદૃશ્ય થયું તે પછી પણ વીરસુત બંગલાના ચોગાનમાં ઊભો હતો. એના દિલમાંથી સુખનું ચકલું ઊડી જઈને બહાર નીકળી ગયું હતું. ભાસ્કર જે કહી ગયો તે વાત એને ખોટી કે બનાવટી નહોતી લાગી. સાચી લાગી માટે જ એના મનમાં સંતાપ ઊપડ્યો. ભાસ્કર આવો સારો માણસ બની ગયો તે એનાથી સહન ન થયું. ભાસ્કર દુષ્ટ અને ખલ રહ્યો હોત તો એ રાજી થાત. ને ભાસ્કરમાં આ સુજનતા પ્રગટાવવાનું નિમિત્ત કોણ બન્યું હતું? ભદ્રાભાભી? ભદ્રાની પવિત્રતા વિશે આટલું અભિમાન કરવાનો હક્ક ભાસ્કરને ક્યાંથી મળ્યો? ભાસ્કર કહી ગયો કે પોતે અહીં આવતો હતો. ક્યારે? કેટલી વાર? કેવો પરિચય બાંધ્યો હશે? ભદ્રાના સ્ત્રીત્વનો ગર્વ કરવાની જાહેર હિંમત એ ત્રાહિત – એ દુર્જન – કરી જ કેમ શકે? વીરસુતના મનમાં ઈર્ષ્યાએ વાસો કરી લીધો. પોતાના સંસારસુખ પર ફરી વાર દુશ્મનના હાથનો પંજો પડ્યો છે, પોતાના નવા બંધાયેલા માળામાં ફરી વાર જૂનો સાપ પ્રવેશી ગયો છે, એવો દિલ-ડંખ અનુભવતો એ ઘરમાં પેઠો. એ જાણતો હતો કે પોતાનો ને ભદ્રાનો સંબંધ બહારની દુનિયામાં ચકચારનો વિષય થઈ પડ્યો હતો. પોતે એ પણ સમજતો હતો કે પોતે જે માટીનો બનેલો હતો તે માટી નબળી હતી. ભદ્રાએ જો સહેજ પણ નબળાઈ બતાવી હોત, અને સિવિલ મૅરેજનાં બંધનોથી પોતે ન બંધાઈ બેઠો હોત, તો પોતે ભદ્રા સાથે લગ્ન પણ કરી બેસત તેવી એની અંતરની કામનાને એ નહોતો ઓળખતો તેમ કાંઈ થોડું હતું! પોતાની કમજોરી શંકાને પાત્ર બની હતી તેનો તેને અફસોસ નહોતો. પણ પોતાને ગર્વ ફક્ત એક જ હતો કે ભદ્રાની શક્તિ અપરાજિત હતી. એવી અજિત નારીની અણઝંખવાયેલી નિર્મળતા પર લોકો સંદેહ લાવતા ત્યારે એને આનંદ થતો; કેમકે એ દુનિયાની તુચ્છતા, પામરતા, ક્ષુદ્રતાની ખદબદતી ખાઈ વચ્ચે એક અણડૂબ કાળમીંઢ ખડક પર ઊભા હોવાનો પોતાના અંતરમાં આનંદ હતો. આ ગુપ્ત આનંદ અને છાનો ગર્વ જ એની એકમાત્ર જીવનસંપત્તિ રહી હતી. એ સંપત્તિમાં આજે કોઈ ચોર પડ્યો હોય, ને ખડક ખળભળ્યો હોય, એમ એને લાગ્યું. એ કરતાં તો વધુ એને એ વાત લાગી કે જે ખડક પર પોતે એકલો ઊભો હતો ત્યાં બીજો પણ એક માણસ ચડી ગયો ને ડૂબતો બચી ગયો. કપડાં બદલાવી અને હાથપગ-મોં ધોઈ વીરસુત પાછલી પરસાળમાં જઈ હિંડોળે બેઠો બેઠો આ વેદનામાં બળબળતો હતો ત્યારે એ રસોડાની બાજુએ વારે વારે કાન સ્થિર કરતો હતો. રસોડામાં સ્ટવ ચાલતો હતો તેના અવાજ ઉપર ભદ્રાના બોલ સાફ અને સ્પષ્ટ છપાતા હતા. સ્ટવના ધમધમાટ પાસે બોલતી એ યમુના અને ભદ્રા બંને નિ:સંકોચ હતી; કારણ કે પોતાનું બોલ્યું ત્રીજું કોઈ નથી સાંભળી શકતું એવી સ્ટવ પાસે બેઠેલાં લોકોની ભ્રમણા હોય છે. એથી ઊલટું, સ્ટવ પાસે બોલાતા શબ્દો ઘરની બીજી જગ્યાઓમાં ચોખ્ખાફૂલ સંભળાતા હોય છે. ભાભીના મન પર ભાસ્કરની વાતોએ કેવી અસર પહોંચાડી છે તે જાણવા વીરસુત થનગની ઊઠ્યો. પણ ભદ્રાએ યમુના પાસે કરેલી વાતોમાં એ વિશે શબ્દ પણ ન પડ્યો. ભદ્રા યમુના જોડે રોજની ખુશમિજાજી રાખીને તડાકા મારતી હતી. વચ્ચે વચ્ચે એનું હસવું કોઈ એકાકી ઊડી જતી ફૂલચકલીના ફરફરાટ જેવું રૂપ ધરી રહ્યું. ભાભીને ક્ષોભ નહીં થયો હોય? હું એને ને ભાસ્કરને માટે કોણ જાણે શુંયે ધારી બેઠો હોઈશ એવો ભય નહીં લાગ્યો હોય? મને શંકામુક્ત કરવા કેમ હજી આવ્યાં નહીં હોય? શાકદાળમાં મીઠું વધુ-ઓછું થયું હોય તોય દયામણું મોં કરીને ખુલાસો આપવા ઊભી રહેનાર ભાભી આ બનાવ પરત્વે કાં બેતમા? વિચારે વિચારે વીરસુતના પગ હેઠળથી પૃથ્વી સરતી ગઈ. હિંડોળાનાં કડાં હવામાં જડેલાં ભાસ્યાં. ભદ્રા આવી – કૉફી અને શાકપૂરીની થાળી લઈને. એને દેખી વીરસુત સ્વસ્થ બન્યો. ભદ્રા વાત કાઢે તો તેને શો જવાબ દેવો તે પોતે મનમાં ગોઠવવા લાગ્યો. મનને પોતે ભલામણ કરતો હતો : ભાભી પ્રત્યે ઉદાર અને અશંકિત બનજે. ગમે તેમ પણ હજુ એ બાપડાંની ઉમ્મર કેટલીક? ભાસ્કર સરીખા પાજી લોકો એને ભોળવવા પહોંચી જાય એમાં નવાઈ શી? પણ ભદ્રાની તે રાતની અકડાઈ અણનમ જ રહી. રોજના ક્રમ પ્રમાણે એણે મેજ લાવીને હિંડોળા પાસે મૂક્યું, ઉપર પાથરણું બિછાવી થાળી મૂકી. પાણીનો લોટો-પવાલું પણ રોજિંદા મુરાદાબાદી બનાવટનાં જ, પોતે જે મૂકતી તે જ, મૂક્યાં. ને દિયરના શાકમાં લીંબુની ફાડ પણ પોતે જ નિચોવી. પછી પોતે ઓરડાના બારણા પાસે આસનિયું પાથરીને રોજની અદાથી વીરસુતની સામે બેઠી બેઠી દેર માટે પાનપટ્ટી બનાવતી રહી. બેઠે બેઠે એણે ચોખાની કમોદ મંગાવવાથી માંડીને ‘તમે કાલે વીશ કેરી ખાધી હતી ને આજે પંદર ખાવ છો એમ કેમ ચાલે!’ ત્યાં સુધીની વાતો કરી. પણ કંચનના કે ભાસ્કરના બની ગયેલા પ્રસંગો વિશે એણે ધરાર હોઠ સીવી રાખ્યા. તૈયાર કરી રાખેલી પાનપટ્ટી અને ચૂરો કરી રાખેલી સોપારી એણે ખાઈ રહેલા દેરને હંમેશની અદાથી રૂપાની રકાબીમાં પીરસી દીધાં. હાથ લૂછેલો નૅપ્કિન ઠેકાણે મૂક્યો, માટલીમાં પાણી નવું ભરેલું છે કે કેમ તે પણ તપાસી લીધું ને પોતે થાળી-લોટો ઉપાડીને પાછી જવા લાગી ત્યાં સુધી પણ વીરસુતે આશા છોડી નહોતી. પણ ભોજાઈ ચાલતાં થયાં ત્યારે એની ધીરજ ન રહી શકી. એણે ધીરે ધીરે વિષયની પ્રસ્તાવના કે પૂર્વતૈયારી પણ કરવાનો વખત વિચાર્યા વગર સીધું કહ્યું : “પેલો ભાસ્કરિયો જોયો ના, ભાભી! તમનેય સંડો...” એ વધુ બોલી શકે તે પહેલાં તો ભદ્રા માથાનો ઘૂમટો નજીક ખેંચતી પાછી ફરીને બોલી : “હોય, ભૈ! કેવા કેવા દખિયા, કેવાય હૈયાના દાઊ્યા આ સંસારમાં પડ્યા છે, ભૈ! એ તો અકળાય, ભૈ! સૌને વિસમવા ઠેકાણાં ક્યાંથી મળે, ભૈ! હોય એ તો.” બસ, એમ બોલીને એ જ્યારે ઊભી થઈ રહી ત્યારે એની દૃષ્ટિ એણે પરસાળ બહાર સીધી દેખાતી ક્ષિતિજ પર ઠેરવી. અંધારી બીજનો ચંદ્રમા ઊગતો હતો. ખુલ્લી પરસાળ નવા ચંદ્ર-તેજે છલકાતી હતી. એ અજવાળાની ઝલકમાં ભદ્રા વિધવા છતાં ગોરી સમી સુંદર ભાસી. એની આંખોના નિર્મળ ડોળા ઉપર પરસાળ બહારના ચોકનો મોટો વીજળી-દીવો જાણે કે કિરણો પાથરતો હતો. દેરે ઉચ્ચારેલા વિષયને ચાતરી છટકી જવાનો જાણે કે ઇરાદો જ નહોતો. એવો ઇરાદો કલ્પનાર દેરની શંકાને જાણે પોતે વરતી ગઈ હતી. હજુય કોઈ પ્રશ્ન પૂછવો હોય તો પૂછી લ્યો – એવું જાણે પોતે સૂચવતી હતી. વીરસુત હિંડોળા પર સ્થિર થઈ ગયો. એણે ભદ્રાની સામે જોઈ રાખ્યું. પણ ભદ્રાએ ચંદ્રનું દર્શન કરતે કરતે જમણી જ ગમથી પોતાનો રસ્તો લઈ લીધો. વીરસુતની રાત્રીભરની નીંદરને ઉતરડી નાખતી એ વેદના ચાલુ રહી. ભાસ્કર દખિયો, હૈયાનો દાઝેલ ને વિસામા વગરનો માણસ છે – એ ભદ્રાએ શા પરથી જાણ્યું! કેવડોક પરિચય? મૂરખાને માલમ નહોતું કે પાણીકળો જેમ ધરતી પર કાન માંડીને કહી આપે છે કે ઊંડા તળમાં અખૂટ જળપ્રવાહ કયે ઠેકાણે વહ્યો જાય છે, તેમ નારી ફક્ત સાનથી સમજી જાય છે કે પુરુષના જીવનમાં વસમાણ (વિષમતા) કેટલેક ઊંડાણે પડી છે. ભદ્રા જ્યારે ધારે ત્યારે વિચારોની તમામ પેટીઓ બંધ કરીને ઘોરી શકતી હતી. ને વિચારોની કોઈ એકાદ પેટી ઉઘાડીને એકાદ પ્રહર પડી પડી જાગવા ધારે ત્યારે જાગી પણ શકતી. એ એકાદ પહોરનું જાગરણ તે રાત્રીએ એને ભાસ્કરવાળા બનાવે કરાવ્યું. દેરની ને પોતાની વચ્ચેનો સંબંધ લોકોની – અર્થાત્ નવરા, ઉજળિયાત બંગલાવાસીઓની – જીભ પર ચડેલો છે તે તો ભદ્રા જાણતી હતી. પણ એ લોકાપવાદ એને નહોતો નડતો. ટેલિફોન કરવા એ પાડોશી શેઠને બંગલે જતી ત્યારે એની અદબ કેવી જળવાતી! એનો સહવાસ સૌ કેટલો બધો ઇચ્છતાં! તેમ સસરાજીની એકની માન્યતા નિર્મળ હતી ત્યાં સુધી અન્ય કોટિ લોકોની એને શી પડી હતી! ફક્ત દેર ચેરાતો હતો તે દુ:ખની વાત હતી. પણ ઈર્ષ્યાનું આકર્ષણ જ કંચનને કોઈક દિન દેરના ઘેર પાછી લઈ આવશે એવી એની આશા હતી. એ આશાએ, ને દેરની પોતા પ્રત્યેની અદબભરી મમતાએ, ભદ્રાને ઓર રંગભરી બનાવી દીધી હતી. આજે એને જીવનની આ બધી સાર્થકતામાં એક અજબ ઉમેરો દેખાયો : એક લબાડ ને નફ્ફટ મનાતા માણસે પોતાના જેવી અજાણી નારીના સુનામ પર જિંદગી ઘોળી કરી છે. અદ્ભુત કથા! એક ગ્રામ્ય રંડવાળ્યના જીવનમાં કેવો એ રોમાંચકારી ઇતિહાસ! વૈધવ્યને – બામણીના વૈધવ્યને – માથે કાંઈ જેવીતેવી વિભૂતિ ચડી! માડી રે! હું શું ખરેખર એટલી બધી ઊજળી છું? માડી રે! નહીં બોલું, નહીં બોલું. ઈશ્વર જેની લાજ રાખે છે તેની જ રહે છે. હે નારાયણ! મારે ઝેરનાં પારખાં નથી જોવાં. મારું પાપ કોઈ દી નો કાઢજો, હે તુલસી મા! ભૈની બાપડાની પાસે જતાં કેટલી કેટલી વાર મારા પ્રાણના ફફડાટનો પાર નથી રહેતો! એવી મારી, ખાસડે માર્યા જેવી જાત સાટુ કોઈનું લોહી રેડાય, ને કોઈ વળી કેદમાં જાય! ઓ મા! મને તો આ અંધારે હસવું આવે છે, મૂઈ! અને ભેળાભેળ રડવુંય આવે છે! ગોદડાને ચોમેરથી દબાવીને સૂઈ જા, મૂઈ! ઝટ ઝટ સૂઈ જા! ઘડી પછી એનાં નસકોરાંના પાવા બજતા હતા.