તુલસી-ક્યારો/૫. દેરાણી
બે-ત્રણ વખત દાદા અનસુને લઈને એક-બે રાત બહારગામ પણ જઈ આવ્યા. અનસૂયા દાદા સાથે અને દેવ સાથે એકરસ થઈ ગઈ, ત્યારે દાદાએ ભદ્રાવહુને બોલાવી કહ્યું : “મને તો આ ઇંતડી જેવી વળગી છે; મારું તો લોહી પી જાય છે!” “તો અમારું કેટલું પીતી હશે!” “તો હવે મારું જ ભલે પીએ; ને તમે અમદાવાદ એકલાં આંટો મારી આવો, દીકરા!” અનસુને છોડીને અમદાવાદ જતાં ભદ્રાને ઝાઝી વ્યાકુળતા પડી નહીં. અને દેવુએ જઈ અમદાવાદની ટિકિટ કઢાવી આપી. દાદા અનસુને લઈને નાચ કરતા કરતા ઘેરે રહ્યા. “તુંયે હાલ ને, દેવ!” ભદ્રાબાએ દેવુની સામે જે દૃષ્ટિ કરી તેમાં એક મા સિવાય બીજું કોઈ ન સમજી શકે તેવો બાળકની એકલતા અનુભવતો ભાવ હતો. “ત્યાં આવીને શું કરું?” દેવુ પ્લૅટફૉર્મ પર જોડાની એડી દબાવીને લસરકો લઈ બીજી બાજુ ફરી ગયો. “કાં, તારાં બા જોડે જરી જરી જીવ તો મેળવતો થા!” દેવુ વળી પાછો ફૂદડી ફરીને મોં સ્ટેશન બાજુ કરી ગયો, ને બોલ્યો : “એ તેડાવે તો ને?” “માવતરના તેડાની તે વાટ જોવાય? સામેથી જઈને ખોળામાં પડીએ ને!” “એક વાર ગયેલો, પણ ...” “પણ શું?” “એમને... ગમતું નો’તું.” “એમને એટલે કોને?” “મારા બાપુને.” હવે તો દેવ બૂટની એડી ઉપર ફૂદડી ફરતો હતો તે નકામું હતું : જવાબો જ એના રૂંધાતા કંઠની જાણ દેતા હતા. “મને જવા દે; હું એમને કહીને તેડાવવાનો તાર જ કરાવીશ – કરાવ્યે જ રહું! જાણછ, ગાંડા? એમ તો એકબીજાના જીવ જુદા પડી જાય!” ગાડીની વ્હીસલ વાગી. ભદ્રાબાએ ભલામણ કીધી : “અનસુને સાચવજે, ભૈલા! એ... એના પગમાં સાંકળાં છે તે ક્યાંય એકલી રઝળવા જવા દેતો નહીં. ને બા-ફોઈનાં લૂગડાંને રસોઈ કરતાં કરતાં ક્યાંય ઝાળ ન લાગે તેની સરત રાખજે, હો ભૈલા! ને દાદાજીની પૂજાનો પૂજાપો રોજ તૈયાર કરવાનું ના ભૂલીશ, હો ભૈલા! ને મોટા મામા ને બા-ફોઈ લડે નહીં તે જોજે, હો ભૈલા!” ગાડી યાર્ડની બહાર નીકળી ગઈ ત્યાં સુધી રાડો પાડીપાડીને ભલામણો કર્યે જતું ભદ્રાબાનું મોં બીજા ઉતારુઓને તેમ જ પ્લૅટફૉર્મ પરનાં માણસોને પણ જોવા જેવું લાગ્યું. મુંડન કરાવેલી એ મુખાકૃતિ એના હજુય ન કરમાયેલા યૌવનની ચાડી ખાતી હતી. નાની અનસુ આખી વાટે યાદ આવતી હતી. પોતે જ પોતાના દિલને ઠપકો દેતી આવતી હતી; ને એટલેથી દિલ દબાતું નહોતું તેથી સાથેની સ્ત્રીઓ જોડે પણ મોટે સાદે વાતો કરી કરી મનને શરમાવતી હતી : “સાચું કે’જો, બા! છોકરીને ફૂલ પેઠે સાચવનાર સસરો ઘેર બેઠો હોય પછી વળી મનને વળગણ શાની? છોકરી છોકરી કરી ક્યાં લગી મરી રે’વું? એવો અભાગિયો જીવ તે શા ખપનો! દૈવ જાણે, ઓચિંતાં ક્યાંક જમનું તેડું આવે તો બહુ હેળવેલી છોકરીને કેવી વપત્ય પડે?” અમદાવાદ સ્ટેશને સાંજના ચાર વાગ્યે જ્યારે ગાડી પહોંચી ત્યારે એણે તો માનેલું કે હર વખતની માફક પ્રોફેસર દિયરના ઘરનો હિસાબ-કિતાબ રાખનારો ને માલથાલ લઈ આવનારો મહેતો જ તેડવા આવેલો હશે. તેને બદલે તો પ્લૅટફૉર્મ પરથી એક વાદળી રંગની સોનેરી કોરવાળી સાડી પહેરેલી, અને તે ઉપર ચડાવેલા સ્વેટરનાં ખિસ્સાંમાં હાથ નાખી ઊભેલી, એક સ્ત્રીએ હાથ ઊંચો કર્યો. ભદ્રાએ એને થોડી મહેનતે જ ઓળખી : આ તો દેરાણી કંચનગૌરી જ છે ને શું! હૈયામાં ઉમળકો આવ્યો. આખા દિવસનું તલખેલું હૈયું પોતાની દેરાણીની ખુદની હાજરી જોઈ પ્રફુલ્લિત બન્યું. પોતે જલદી જલદી નીચે ઊતરીને નાની ટ્રંક પણ ખેંચી લીધી. “તમે રહેવા દો : આ મજૂર છે ને!” કંચનગૌરીએ કહ્યું. “ના રે ના, શો ભાર છે? હું ક્યાં દૂબળી પડી જાઉં છું!” “ચાલો ત્યારે.” કંચનગૌરી આગળ ચાલી. એનાં ચંપલ સ્ટેશનના પ્લૅટફૉર્મના પથ્થરો સાથે ચટાકા કર્યે જતાં હતાં. એના હાથ બંને ગજવાંમાં હતા. માથેથી સરીને ખભે પડેલી મથરાવટીની સોનેરી કોર સ્વેટરના કૉલર પર સરસ લાગતી હતી. પાછળ પાછળ ચાલી આવતી ભદ્રા અજાયબીનો લહાવ લેતી હતી : કંચનગૌરી તો જબરાં થઈ ગયાં લાગે છે ને શું! કેવાં ઠરેલાં ડગલાં ભરતાં હીંડ્યાં જાય છે! આ જુવાન છોકરાઓ તો જો! – કંચનગૌરીને ‘સાહેબજી સાહેબજી!’ કરતા ઊભા છે. ‘કોને લેવા?’ એમ પૂછે છે, ને હું કેવી ભોંઠી પડું છું! સારું છે કે કંચનગૌરી ફક્ત ટૂંકો જ જવાબ આપે છે – ‘મહેમાનને.’ “હલ્લો! ગુડ આફ્ટરનૂન!” કરતી એક પારસી સ્ત્રી આવીને દેરાણીના હાથમાં હાથ મિલાવે છે. અને – માડી રે! – એની જોડેનો પારસી ધણી પણ દેરાણીના હાથને હાથમાં દબાવી ધુણાવે છે. પરસ્પર કેવાં અંગ્રેજીમાં વાતો કરે છે! કંચનગૌરીને અંગ્રેજી પણ આવડી ગયું. દેરાણી મારી... જબરી થઈ ગઈ જણાય છે. અરેરે, ઈશ્વર! એક જ ખોટ ને! એકેય સુવાવડ આવે નઈ ને! આવા ભાવો ભાવતી ભદ્રા જ્યારે કંચનગૌરીની પાછળ પાછળ સ્ટેશનની બહાર નીકળી ત્યારે તેણે જોયું કે શૉફર એક બેબી-કાર હાંકીને પગથિયાં નજીક લઈ આવ્યો. શૉફર ઊતરી ગયો. હાંકવાની જગ્યાએ કંચનગૌરી ગોઠવાઈ ગયાં, ને તેમણે હાથમાં ‘વ્હીલ’ (મોટર હાંકવાનું ચક્ર) લીધું. શૉફર પાસે પાછલું બારણું ઉઘડાવી જેઠાણીને અંદર બેસારી લીધાં, ને શૉફર આગલી બેઠક પર કંચનની બાજુમાં સંકોડાયા વગર બેસી ગયો, ત્યારે કંચનગૌરીએ મોટર હંકારી. ભદ્રાને માટે તો આ આશ્ચર્યની ટોચ હતી. પોતાની દેરાણી જેટલી પાવરધી થઈ ગઈ તેથી એને, કોણ જાણે કેમ પણ, ઈર્ષ્યા કે દ્વેષ ઊપજવાને બદલે પોરસ અને વિસ્મય જન્મ્યાં : ‘આઠ-દસ મહિનામાં આટલું બધું શી રીતે શીખી લીધું હશે? આવડત-હોશિયારી હોયા વિના આટલું બધું થઈ શકે જ નહીં ને? – ન જ થઈ શકે. હું ગમે તેટલી મરીમથું તોય મને રાંડીમૂંડીને મોટર હાંકતાં કે દીએ આવડે!’ આ બધો ભદ્રાનો માનસિક વાર્તાલાપ હતો. ગામની બજાર ચીરીને મોટર રમાડતી જતી કંચન એને વધુ ને વધુ અજબ લાગતી હતી. બંગલામાં આવીને તરત જ ભદ્રાએ પોતાની ટ્રંક રસોડાની પાસેના એક ઓરડામાં મૂકી દીધી. ને પોતે કંઈક શરમિંદું કૃત્ય કરતી હોય તેવી ઉતાવળથી એણે ટાઢે પાણીએ નાહી લીધું. નાહી-કરીને એ રસોડામાં પેઠી. એણે રાંધવાનું શરૂ કરી દીધું. કંચનગૌરીએ આવીને એક આંટો માર્યો. એણે પૂછ્યું : “તમે ઉતાવળ શા માટે કરો છો! તમારે માટે ચા બનાવીને પીધી કે નહીં?” “હવે અત્યારે કાંઈ નહીં, બાપુ! સાંજ પડી ગઈ છે.” “ના, એમ ન ચાલે; પહેલી ચા લો.” “તમે મારી જોડે પીઓ તો બે કપ બનાવું : લો – છે કબૂલ?” આખા દિવસની ભૂખી ભદ્રાને ચા પીવાની તલબ તો ઘણી સારી પેઠે લાગેલી; પણ એ ઘરની અંદર ચોર તરીકે કે નોકર તરીકે ચા પીવા નહોતી ઇચ્છતી. “પણ એવો આગ્રહ શું કરાવો છો?” કંચનના આ શબ્દોમાં સહેજ કંટાળો હતો. આગ્રહને એ દંભી અથવા બનાવટી બિનજરૂરિયાત માનતી હશે? આગ્રહ કરીને, ખેંચતાણ કરીકરીને ખવરાવવું-પિવરાવવું, આકર્ષણ વધારવું, ઉપકાર કરવો ને ઉપકાર લેવો – એમાં ભદ્રાનું મન મજા માનતું. એણે કહ્યું : “લે બાઈ, આગ્રહ ન કરું તો મને એકલીને ચા કેમ ભાવે?” “મને લપછપ નથી ગમતી, ભાભીજી!” “બસ, હવે તો મને ‘ભાભીજી’ કહી દીધાં ને! એટલે તો મારા હાથની ચા પીવી જ પડશે. એકાદ રકાબી જ પીજો ને! હું ક્યાં થોડા-ઝાઝાની વાત કરું છું! લો, તમેતમારે બહાર મારા દેર પાસે બેસો. હું તમને તૈયાર કરીને બોલાવીશ.” ભારી કાળજીથી એણે ચા તૈયાર કરી. એના હૃદયમાં એક જ વાર બોલાયેલા ‘ભાભીજી’ શબ્દે આશા અને હિંમત રેડ્યાં.