તુલસી-ક્યારો/૬. ભાસ્કર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૬. ભાસ્કર

ચા તૈયાર કરી ભદ્રા જ્યારે કંચનગૌરીને બોલાવવા ચાલી ત્યારે એણે દિયરના બેઠકખાનામાં પ્રવેશ કરતાં સંકોચ અનુભવ્યો. પોતે ગમે તેમ તોય વિધવા હતી, જેઠાણી હતી : ઈશ્વર જાણે દેર-દેરાણી કેવીય છૂટથી ભેળાં બેઠાં હોય. ના, બૈ! ના જઈએ! એ ભોંઠા પડે, ને મારું રાંડીરાંડનું ભૂષણ શું! પણ દેર-દેરાણી જ્યાં બેઠાં હતાં તે પાછલા બેઠકખાનામાં એક ત્રીજોય અવાજ ઊઠતો હતો : અવાજ અજાણ્યો હતો, તેમાં સત્તાવાહી સ્વરો હતા. અવાજ કહેતો હતો : “મેં કદી નહોતું ધાર્યું કે તું કંચનને આ રીતે મૂંઝવીશ. નહીંતર ...” પછી શબ્દો તૂટક બન્યા. પછી પાછા સંધાયા : “હું હજુય તને કહું છું કે હું એને લઈને ચાલ્યો જઈશ.” ‘માડી રે!!! કોને લઈને!’ ભદ્રાનો શ્વાસ ઊંચો ચડ્યો. એને બીક લાગી કે કોઈક જોઈ જશે તો માનશે કે રાંડીરાંડ કોણ જાણે ક્યારુકની ઊભી ઊભી પારકી ગુપ્ત વાતો સાંભળતી હશે! ને કંચન પણ જે કહેતી હતી તે ભદ્રાએ પગ ઊંચા કરીને સાંભળ્યું : “હુંય તે તમારે જ વિશ્વાસે આંહીં ફસાઈ પડી ને? નહીંતર ...” શાની વાત? શામાં ફસાઈ પડવાની? કોના વિશ્વાસે? કોણ જાણે શીયે વાત હશે – એમ વિચારીને એ ફક્ત અંગૂઠા પર ચાલતી ચાલતી બેઠકખાનાથી દૂર ખસી ગઈ, ને છેક રસોડાને બારણે ઊભી ઊભી બોલવા લાગી : “કંચનગૌરી! ચાલજો; ચા થઈ ગઈ છે.” “શું છે? નથી જવું! કોણ બોલાવે છે?” બેઠકખાનામાં આ શબ્દો પણ પોતાના દિયરનો અવાજ નહીં પણ પેલો સત્તાવાહી અવાજ જ ઉચ્ચારતો હતો, એમ ભદ્રાને ભાસી ગયું. કંચનના ભાઈ કે બાપા છે જ નહીં. ત્યારે એને કોઈ પણ વાતમાં ‘નથી જવું’ કહેવાનો હક કાં તો મારા દિયરને હોય ને કાં તો મારા સસરાને. ત્યારે આ ત્રીજું માણસ કોણ હશે? ગામડાની રાંડીરાંડ સાંભળવે બહુ સરવી હોય છે. ભદ્રાએ કાન માંડી જ રાખ્યા હતા. કંચન જાણે કે એ સત્તાવાહી અવાજને કાલાવાલા કરી સમજાવતી હતી : “હમણાં જ જઈને ચાલી આવું. મારાં જેઠાણી આવેલ છે. એકલાં ચા પીતાં નથી. નહીં જાઉં તો પછી હજાર વાતો આ નામદારના પિતાજી પાસે પહોંચશે.” ‘આ નામદાર’ શબ્દથી સૂચવાયેલ તો પોતાના દેર જ હશે ને? ભદ્રાને તો અમદાવાદની આ ગુજરાતી ભાષા જ વિસ્મયકારી ભાસવા લાગી. “મેં ક્યારેય કશું કાન પર લીધું છે? પૂછો તમેતમારે – આ રહી કંચન.” એ સૂર તો દિયરના પરખાયા. દિયર પણ શું પેલા ત્રીજા માણસની કશી બીક રાખી રહ્યા હતા? માણસ પણ લાગે છે કોઈક જબરો! “પણ તને કોણ લાકડી લઈને મારવા આવે છે, વીરસુત, તે તું આટલો બધો નિર્દોષ બનવા પ્રયત્ન કરી રહેલ છે?” એ અવાજ પણ પેલા કોઈ સત્તાવાહીનો! તલવારની ધાર ફરતી હોય તેવો અવાજ. ભદ્રાનું હૃદય બોલ્યું : ‘સાચી વાત, માડી! દેર-દેરાણીને માથે પારકા પ્રદેશમાં કોકનો અંકુશ તો જોવે જ ના? આવો કોઈક ખખડાવનાર હોય તે જ સારું.’ આવી રીતે મન વાળતી ભદ્રા કંચનના પગની ચંપલો બેઠકખાનામાંથી ઊપડવાનો ખખડાટ થયો કે તત્કાળ પાછી રસોડામાં પેસી ગઈ. એના મનને એણે ફરી વાર ટપાર્યું : ‘ના રે બૈ! રંડવાળ્ય બૈરું કોકની વાતો સાંભળવા ઊભું રે’ એમાં કાંઈ આબરૂ? ભાળશે તો કહેશે : રાંડ કોણ જાણે ક્યારની ઊભી ઊભી સાંભળતી હશે!’ “લાવો ને, બાપુ, લાવો; હવે છૂટકો પતાવો!” એવા બોલ બોલતી કંચન મોં પર થોડો આદર, ઉલ્લાસ અને હળવાફૂલ ભાવ બતાવવા મથતી મથતી જેઠાણી પાસે આવીને ઊભી ઊભી જ ચાનો પ્યાલો મોંએ લગાડવા ગઈ. “બેસીને પીઓ ને! પેટમાં આંકડી પડે, બૈ! લો, આ પાટલો દઉં.” કંચને ડોકું હલાવીને ના કહી. “નૈં?” ભદ્રાએ મોં ઓશિયાળું કર્યું. “મોડું થશે.” “શેનું?” “હા, લ્યો, તમને કહેતાં તો હું ભૂલી ગઈ. રસોઈ તમારા એકના માટે જ કરજો. અમે બેઉ તો બહાર જમવાનાં છીએ.” “ભલે ભલે! જજો ને, બાપુ, ખુશીથી જજો – મારી ચંત્યામાત્ર કરશો મા. મારું તો આ ઘર છે. મારી સાટુ થઈને કોઈનાં રાંધ્યાં રઝળાવશો મા, બૈ!” “આહાહા!” ચાને પહેલે ઘૂંટડે કંચને ઉદ્ગાર કાઢ્યો. “કેમ, ખરાબ થઈ છે?” “અરે! આ તો બહુ સરસ! વધુ છે?” “આ મારો પવાલો ભર્યો છે ને! લઈ જાવ : મારા દેરને પાવી છે ને? પણ, અરેરે, મૂઈ હું તો! કોઈક મે’માન બેઠા છે ને? હવે શું થાય? જરીક રહો, હું નવી કરી આપું. અબસાત થઈ જશે. વાર નૈ લાગે.” “ના, એમને નહીં. મહેમાનને જ દેવી છે. એમને તો ચાલશે. કાલે બનાવી દેજો. એ તો ઘેર જ છે ને!” જેઠાણીનો કપ લઈને કંચન બેઠકખાનામાં ગઈ, ને ત્યાં પહોંચીને એણે હર્ષનો લલકાર કર્યો : “ભાસ્કરભાઈ, તમારે તો ચા પીવી જ પડશે. છો તમે પાંચ વાર પી ચૂક્યા હો; આ ચા પીધા વગર છૂટકો જ નથી.” “પીઉં રે પીઉં. હું ક્યાં ના કહું છું? તને ક્યારે ના કહી છે?” “ઘણી સરસ છે!” “દેવો હોય તો કદડોય ક્યાં નથી દેતી? પણ આ નામદારને માટે?” ભાસ્કર નામના એ સત્તાવાહી પુરુષે વીરસુત વિશે પૂછ્યું. “એને હું મારામાંથી દઉં છું.” “ના, મને તારામાંથી આપ. એને આ આખો કપ દે.” ભાસ્કરે કંચનનો કપ પકડ્યો. “પણ મારો મેં બોટેલો છે.” “માટે તો વિશેષ ચાલશે! ડાહ્યલી નહીં તો!” શું તાલ મચેલ છે, પોતાની ચા ઉપર કેવી ટીકા થાય છે તે જાણવા ઉત્સુક વિધવા ભદ્રા અંગૂઠાભર બહાર નીકળી. ત્રીજી વાર એ પોતાના હૈયાને ટપારી ચૂકી હતી; એટલે હવે તો સાંભળવાનું સાંભળી લઈ પછી મનને ઠપકો દઈ દેવો એ જ એને ગમી ગયું હતું. એણે કાનોકાન સાંભળ્યું કે કંચનની બોટેલી ચાની કશી સૂગ ન રાખનાર એ અવાજ પેલા એ-ના એ જ માનવીનો હતો. ‘બાઈ માણસનું – અરે મૂઈ, પોતાની નહીં ને પારકી બાઈ માણસનું – બોટેલું તે કોઈ પીતું હશે! પોતાની સ્ત્રીનું બોટેલ તો કોઈક કોઈકને મીઠું લાગતુંય હોય. આ મારા પંડના (પતિ) જ નો’તા એવા શોખીન? મારા મોંમાંથી મારું ચાવેલું પાન પરભારું પોતાના મોંમાં જ લેતા’તા ખરા ને! એ તો ઠીક, છાનાંછપનાં અમે ગમે તે કરતાં : ત્રીજાની નજરે થોડું ચડાવતાં!’ એ મીઠી સાંભરણનાં જૂનાં દ્વાર ઊઘડું ઊઘડું થઈ રહ્યાં; અંદરથી જાણે કોઈક જોર કરી ધકેલી રહેલ છે. ભદ્રાએ પોતાનું તમામ જોર તેની સામે વાપરી એ સુહાગી સંસારની સ્મૃતિઓ પર બારણાં બંધ કરી દીધાં. બંધ કરવાનું તાળું માત્ર એ-નું એ જૂનું જ હતું : ‘ના રે, બૈ! રંડવાળ્યથી તે કંઈ એવું એવું યાદ કરાતું હશે!’ “કેવી લાગે છે, ભાસ્કરભાઈ?” બેઠકખાનામાં કંચન પૂછતી હતી. “લાગે છે તો સારી!” એ સત્તાધારી પુરુષ કહેતો હતો : “પણ...” “પણ શું?” “હું મૂંઝવણ અનુભવી રહ્યો છું કે ચા સારી લાગે છે તે ખરેખર જ સારી તૈયાર થઈ છે તેથી, કે તારી એઠી થઈ છે તેથી?” ભદ્રાના સરવા કાન પર આ વાક્ય તો ઝિલાયું, પણ એ બોલતી વેળા બોલનારના હાવભાવ આ ઉદ્ગાર બાબતમાં વધુ મહત્ત્વના હતા. એ હાવભાવ કશા જ હાવભાવથી રહિત હતા. ભાસ્કરભાઈ નામના એ સત્તાધારી પુરુષે આ વાક્ય બોલતી વખતે ચાના પ્યાલા ઉપર જ પોતાની દૃષ્ટિ સ્થિર રાખી હતી. કંચનની આંખો ભાસ્કરના બોલતા મોં સામે તેમ જ બોલી લીધા પછીના મોં સામે બે મિનિટ સુધી ચોંટી રહી. ભાસ્કરે એની સામે પોતાની દૃષ્ટિ ઊંચકી જ નહીં. એણે તો વધુ કશું જ લક્ષ કંચન તરફ આપ્યા વગર વીરસુતની સાથે જ વાતનો ત્રાગ સાંધી દીધો : “તારાથી માંદા પડાય જ કેમ? તારું શરીર તંદુરસ્ત રાખવાની જવાબદારી ફક્ત તારી પોતાની જાત પ્રત્યે જ નથી, કંચન પ્રત્યે એ જવાબદારી મુખ્ય છે. એ મારી પાસે આવીને રડે છે. તું બીમાર પડે છે એટલે એની પ્રગતિ પર છીણી જ મુકાઈ જાય છે કે બીજું કંઈ? તારી સાથે એ પણ ઘરની કેદી ને એ પણ મનથી માંદી. રો રો જ કર્યા કરે. ન ખાય કે ન રાંધે. મને જ્યારે ખબર પડે ત્યારે હું થાળી પહોંચાડું.” “ને એને પૂછો તો ખરા –” કંચન બોલી ઊઠી : “એની ઊલટી કેવી ગંધાય છે! પાસે ઊભુંય રહી શકાય છે?” બોલતે બોલતે એ ગદ્ગદ થઈ હતી : “જેને ઉપાડવી પડે એને કેવું થતું હશે?” “તું ઉપાડે છે?” “ત્યારે કોણ ઉપાડે? કામવાળી બાઈ તો એક વાર ઉપાડવી પડી એટલે પગાર પણ લેવા ન રોકાઈ. ‘કામ જાય ચૂલામાં –’ એમ બીજી જોડે કહી મોકલાવ્યું.” “એ તો જુલમ!” ભાસ્કર ઊંડા વિચારમાં પડી ગયો. “મેં બીજી કામવાળી બોલાવી આપી.” વીરસુતે વચ્ચે ફક્ત આટલું જ સ્પષ્ટીકરણ કર્યું : “પછી શો જુલમ?” “કામવાળી ન હોય તેને હું જુલમ નથી કહેતો, વીરસુત! તું સમજી શકતો નથી એમ તો હું ન માનું, પણ મને એમ જ થયા કરે છે કે તું સમજવા માગતો નથી. મારા મત પ્રમાણે જુલમ તો તારી ઊલટી કંચનને ઉપાડવી પડે તે છે.” “તો પછી કોણ ...” વીરસુત થોથરાયો. ભાસ્કરની નજર એને વીંધી રહી. “આ તારો સંસ્કાર કે?” આટલું બોલ્યા પછી ભાસ્કરનાં ભવાં નીચાં ઢળી ગયાં. બીજાઓ ઉશ્કેરાય ત્યારે ભવાં ચઢાવે છે : ભાસ્કરનો ઉશ્કેરાટ ભવાં નીચે ઢાળતો. “તું તારા મનથી શું ખરેખર એમ માને છે કે કંચન ચાકરડીથી પણ બેદ ગુલામડી છે?” “પણ હું ક્યાં એમ કહું છું?” “તારી ઊલટી કંચને ચાટી જવી જોઈએ એટલું તું નથી કહેતો તે જ ઘણું છે.” એમ બોલીને ભાસ્કર ખડખડાટ હસ્યો. આવું સખ્ત હાસ્ય એ કોઈક જ વાર, જ્યારે ઘણો મોટો માનસિક આઘાત લાગે ત્યારે જ, કરતો. “ત્યારે શું કરવું?” એટલો નાનો પ્રશ્ન પૂછતાંય વીરસૂતને બે વાર ખાંસી આવી. “ભલો થઈને હવે એ પ્રશ્ન જ છોડ ને, ભાઈ! તું મારી વાત નહીં જ સમજે!” પોતે આ કોયડાનો ઉકેલ નથી આપી શકતો માટે વીરસુતને આમ ચૂપ કરવાની આવડત ભાસ્કર અજમાવતો – એમ તો કોઈક બહુ વિચક્ષણ માણસ હોય તો જ કહી શકે; સામાન્યોને તો ભાસ્કરની મનોવેદનાનું જ આ મંથન ભાસે. “ના, હું કાંઈ એમ નથી કહેતી કે મારે ઊલટી ઉપાડવી પડે છે તેનું મને દુ:ખ છે.” તરત કંચન ભાસ્કરની વહાર કરવા દોડી આવતી લાગી : “હું તો એમની જ માંદા પડવાની બેપરવાઈની વાત કરતી હતી. તમે નાહક આ ‘પૉઇન્ટ’ કાઢ્યો, ભાસ્કરભાઈ; કેમકે એમને તો મારા જ પર ઓછું આવશે. મારું ભાગ્ય જ આવું છે. મને યશ જ નથી – કોઈ દિવસ નથી!” “પણ મેં ક્યારે ...” વીરસુતે ફરી વાર એ વાક્ય કાઢ્યું કે તરત ભાસ્કર બોલી ઊઠ્યો : “બ...સ! જોયું ના! તું સાદી એવી વાતમાં પણ કેટલો છેડાઈ પડે છે! પેલી સીધું કહેવા લાગી, તો તે પણ તને વાંકું જ પડે છે.” વળી ફરી વાર ભાસ્કરનું વ્યંગભર્યું હાસ્ય ખખડ્યું, ને એણે ટોપી હાથમાં લેતે લેતે કહ્યું : “ઠીક, ચાલશું ત્યારે. માફ કરજે, ભાઈ, કંઈ વધુઘટુ કહેવાયું હોય તો!” “પણ હું ક્યાં કહું છું ...” વીરસુત લગભગ ચીસ પાડી ઊઠ્યો. “જો, જો, જો – જોયું ને? હા – હા – હા – હા!” કરતો ભાસ્કર ઘર બહાર નીકળતો નીકળતો, ઊભા થવા જતા વીરસુતને કહી ગયો : “તારે લેવાય તેટલો આરામ જ લેવો. વિવેક-શિષ્ટાચારનો ક્યાં આ સંબંધ છે? પોતે એવી ઝાઝી જંજાળો રાખીએ જ નહીં. પડે બધો શિષ્ટાચાર સાબરમતીમાં! તેમ છતાંય એ બધું સંભાળનારી તો આ છે ને!” “એમ કહીને વિદાય દેવા મારે આવવું એમ માગી લો છો ને?” કંચન હસીને એની પાછળ પાછળ ચાલી ગઈ. વીરસુત બેસી રહ્યો.