દરિયાપારથી.../આજથી અસંખ્ય વર્ષો પહેલાં

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
આજથી અસંખ્ય વર્ષો પહેલાં

ન્યૂયૉર્ક શહેરની વચ્ચે એક અસાધારણ કળા-કેન્દ્ર છે. એમાંનાં વિભિન્ન સભાગૃહોમાં આખું વર્ષ પાશ્ચાત્ય શાસ્ત્રીય સંગીત અને નૃત્ય, ઑપૅરા, નાટક, સિનેમા (અલબત્ત, કળાત્મક) વગેરેનાં અનુષ્ઠાન ચાલતાં જ રહે છે. આ દરેક કળા-પ્રકારની પાછી ‘સિઝન’ હોય! ત્યારે જાણે તે તે પ્રકારનો ઉત્સવ ઊજવાય. ઉનાળા દરમ્યાન, કેટલાંક અઠવાડિયાં માટે, એક ભવનમાં યોજાતો સંગીતોત્સવ વિશેષ રીતે લોકપ્રિય બનેલો છે. “મહા-મુક્તિદાતા” તરીકે ઓળખાતા, અમેરિકાના સોળમા પ્રમુખ (૧૮૬૧થી ૧૮૬૫) અબ્રાહમ લિન્કનના નામ પરથી આ કળા-કેન્દ્ર “લિન્કન સેન્ટર”નું નામકરણ પામેલું છે. લીલા ઘાસ અને વૃક્શોથી શોભતો બાગ, ખુલ્લો મંચ, ગોળાકાર ફુવારો, મોટો લંબચોરસ હૉજ, અને ઘણી મોકળી જગ્યાની આસપાસ કળા-અનુષ્ટાનો માટે એક ભવન-સંપુટ થયેલો છે. લગભગ એ દરેક ભવનનું નામ ઉદાર દાતાઓનાં નામ પરથી પડ્યું છે. હું ન્યૂયૉર્કમાં શરૂઆતના વર્ષથી જ લિન્કન સેન્ટર પર જવા માંડેલી, ભવનોનાં નામ-લક્શણોની નોંધ લેતી થઈ હતી, અને વિવિધ કાર્યક્રમોમાં જઈ જઈને અનેકવિધ કળા-પ્રકારોથી પરિચિત બનતી ગયેલી. મોટા મોટા ઑર્કેસ્ટ્રા સાથેનું શાસ્ત્રીય પાશ્ચાત્ય સંગીત જ્યાં રજૂ થતું તે “ફિલહાર્મોનિક હૉલ” કહેવાતો. એક દિવસ છાપામાં જોયું કે એક રાત માટે, આ પ્રકારના જે અનુષ્ઠાનની ટિકિટ મારી પાસે હતી તેની રજૂઆત “એવરી ફિશર હૉલ”માં થવાની હતી; ફિલહાર્મોનિક હૉલમાં નહીં. એ વળી કયો હૉલ, ટિકિટ ખરીદવામાં મારી ભૂલ થઈ હતી કે શું? – મને જરા ચિંતા થઈ. પછી તો લિન્કન સેન્ટરના નંબર પર ફોન કર્યો, ને ત્યારે જાણવા મળ્યું કે હૉલ તો સાચો જ હતો, પણ લાખો ડૉલરનું દાન કરનારના નામ પરથી એનું નવું નામ પડ્યું હતું! આ વાતને પણ હવે તો વર્ષો થઈ ગયાં, ને એટલાંમાં એનું નામ વળી, બીજા મહા-દાનવીરના નામે, બદલાઈ ગયું છે! જે સંગીત-વૃંદ ત્યાં નિયમિત કાર્યક્રમ રજૂ કરતું તેના સંચાલક (‘કન્ડક્ટર’) તરીકે ‘આપણા’ ઝુબિન મહેતા લગભગ બાર વર્ષ રહ્યા. એક ભારતીય આવી વિશ્વ-વિખ્યાત પદવી પર હોય, તેમજ પાશ્ચાત્ય સંગીત-પ્રેમીઓમાં સ્નેહ અને પ્રશંસાને પાત્ર બન્યા હોય, તે પણ આપણે માટે ઘણા આનંદ અને ગર્વની બાબત બને. ઝુબિન મહેતા એમની સંચાલન-શૈલી માટે વખણાતા હતા, અને ક્લાસિકલ સંગીત-કૃતિઓની પસંદગી માટે ક્યારેક વખોડાતા પણ હતા. દા.ત. ઇઝરાયેલના તેલઅવીવ ફિલહાર્મોનિક ઑર્કેસ્ટ્રા દ્વારા એ ગુસ્તાવ માહ્લર (૧૮૬૦-૧૯૧૧) નામના સંગીતકારની એવી કૃતિ વગાડાવવા માગતા હતા, જે ઍડૉલ્ફ હિટલરને ખૂબ પસંદ હતી. જે વ્યક્તિએ લાખો યહૂદીઓની ક્રૂર કતલ કરાવડાવેલી, તેની સાથે સંકળાયેલી કોઈ પણ બાબત યહૂદી પ્રજા, પોતાના જ દેશમાં, સહન કરી જ કઈ રીતે શકે? હું એ વખતે ઇઝરાયેલના પહેલા પ્રવાસે હતી, અને કાર્યક્રમની જાહેરાત તેલઅવીવ શહેરમાં જોઈ હતી. પછીથી જાણ્યું હતું કે સભાગૃહ પર મોટો ઉહાપોહ થયેલો, એ રાતે કાર્યક્રમ રદ કરવો પડેલો, અને બીજી કોઈ રાતે એ કૃતિ સિવાયની અન્ય કૃતિઓ રજૂ કરવામાં આવેલી! ન્યૂયૉર્કમાં ઉનાળા દરમ્યાન બેએક મહિના ‘મોસ્ટલિ મોત્ઝાર્ટ’ નામનો ઉત્સવ રજૂ થાય છે. આરંભે તો ટિકિટ ખૂબ ઓછી કિંમતની રાખવામાં આવતી. ઉદ્દેશ એ હતો કે કાર્યક્રમ સાધારણ લોકોને પોસાય, અને ક્લાસિકલ પાશ્ચાત્ય સંગીત સમાજના લોકગણમાં પ્રિય બને. એ વખતે એવરી ફિશર હૉલમાંથી બધી ખુરશીઓ કાઢી નાખવામાં આવે, જાજમો પથરાય, બધાં નીચે બેસીને સંગીત સાંભળે. આ બધું બહુ વર્ષો ટક્યું નહીં. ટિકિટો-ના ભાવ ઘણા વધ્યા, ખુરશીઓ પાછી મૂકાઈ ગઈ, ઉત્સવ જન-સાધારણને માટે રહ્યો નહીં. ત્યારે તો સમાચાર એવા હતા કે પછીના ઉનાળે આ ઉત્સવ યોજાશે નહીં. પણ આને પણ વર્ષો વીતી ગયાં. આજે લગભગ પચાસ વર્ષથી આ “મોસ્ટલિ મોત્ઝાર્ટ” કહેવાતો ઉત્સવ લિન્કન સેન્ટરમાં યોજાતો રહે છે. આ ઉત્સવમાં વધુ ભાગે મોત્ઝાર્ટ (Mozart)ની જ કૃતિઓ રજૂ થાય છે. એમનું આખું નામ વુલ્ફગાન્ગ આમાદિયસ મોત્ઝાર્ટ (૧૭૫૬-૧૭૯૧). કેટલું ટૂંકું જીવન, પણ એમણે ઘણું સર્જન કર્યું. એમનું સંગીત અત્યંત કર્ણપ્રિય છે, હૃદયસ્પર્શી છે. એમાં ભરપૂર સ્વર-માધુર્ય અને ભાવ-તીવ્રતા છે. ભાગ્યે જ કોઈ એવું હશે જેમને મોત્ઝાર્ટનું રચેલું સંગીત સાંભળવું ના ગમતું હોય. એમનો જન્મ ઑસ્ટ્રિયા દેશના સાલ્ઝબર્ગ શહેરમાં થયેલો. સંગીત-કૃતિઓ રચવામાં, તેમજ વાયોલિન અને પિયાનો જેવાં વાજિંત્રો વગાડવામાં એમની મેધા પ્રચંડ હતી. એની ખાત્રી એમણે નાની ઉંમરથી જ કરાવી આપેલી. ૨૫-૨૬ વર્ષની ઉંમરે એ મુખ્ય નગર વિએનામાં રહેવા ગયા. ત્યારે વિએના સંગીતનું મોટું ધામ હતું, અને રાજા જોસેફ દ્વિતીય સંગીતપ્રેમી હતા. એ પોતે પણ ગાતા, તારવાદ્ય અને પિયાનો વગાડતા, ને તેથી પણ વધારે, ઉદારભાવે સંગીતકારોને પોષતા, તથા નવી કૃતિઓ રચવા પ્રોત્સાહિત કરતા. મોત્ઝાર્ટ એ દરબારમાં દાખલ થતાંની સાથે એમના અસાધારણ કૌશલ્યને કારણે ઘણા નોંધપાત્ર બન્યા. વિએનાના રાજ્ય-દરબારમાં રોજે રોજ જલસા થતા. “વૉલ્ટ્ઝ” નૃત્યનો તો પ્રજાને એવો ગાંડો શોખ હતો કે રાતે દસથી શરૂ કરીને સવારે સાત વાગ્યા સુધી લોકો આ સુંદર લયબદ્ધ નૃત્ય કર્યા જ કરતા. મોત્ઝાર્ટને થાકનું જાણે ભાન જ નહતું. આખી રાત જાગ્યા પછી પણ, ને ભીડ ને ઘોંઘાટની વચ્ચે પણ એ નવી કૃતિ રચી શકતા. અને હજી વધારે આશ્ચર્ય એ કે ઝીણી ઝીણી બધી વિગતો સાથે આખી કૃતિ એમને યાદ પણ રહી જતી. એમનું જીવન અનન્ય સર્જન-પ્રક્રિયાથી સભર હતું. વ્યક્તિની સ્મૃતિ જ જ્યારે અઢીસોથી પણ વધારે વર્ષો સુધી તાજી રહી છે, ત્યારે એમનું દૈવી સંગીત તો સદાને માટે અવિસ્મરણીય જ રહેવાનું. ને આવા વિશેષોત્સવો યોજીને સહાયરૂપ બનતાં રહે છે લિન્કન સેન્ટર જેવાં અપૂર્વ કળાકેન્દ્રો.