દરિયાપારથી.../આત્મકથાનકનાં કારણ
જેમ ઘણાંને લખવાનું, કે લેખક થવાનું મન હોય, પણ શું લખવું, કયા વિષય પર લખવું, એનો ખ્યાલ ના હોય, તેવા લોકો માટે એક વિષય – (અમેરિકામાં) પુખ્ત વયના લોકો માટે સાંજે સાંજે વર્ગો આપતી સંસ્થાઓમાં – ખાસ્સો લોકપ્રિય બનેલો જણાય છે. એ વિષય તે આત્મકથાનક. પોતાના બાળપણની, પોતાના જીવનની વાતો લખવી તે. “ઓહો, એમાં શું?” એવું બધાંને થવાનું, ને એટલે જ આવા કોર્સ લેનારાં ઘણાં જણ હોય છે. પણ જાત વિષે લખવું ય સહેલું નથી. ખાસ કરીને, બીજાંને વાંચવામાં રસ પડે તેવી શૈલીમાં, અને સર્જનાત્મક રીતે પોતાનાં જાત અને જીવન વિષે લખવું કાંઈ બધાં કરી ના શકે. આથી જ, આવા કોર્સ અધૂરેથી છોડી દેનારાં પણ ઘણાં જણ હોય છે. પંચાવન-સાઠ વર્ષ પહેલાં અમેરિકામાં આવી વસેલા, મૂળ પંજાબના વેદ મહેતાએ આ પ્રકારનું લખાણ લખીને, અમેરિકાના સામયિકમાં છપાવીને, ઘણું નામ મેળવેલું. એમના બાળપણની વાતો એટલે પંજાબનાં ગામડાં, સાધારણ જીવન, નાનકડંા ઘર, માટીના ચૂલા, છાશનું વલોણું વગેરે વિષેની વાતો; અને બાબુજી, અમ્મીજી, ચાચીજી, ચાચાજી વગેરેના ઉલ્લેખો. જ્યારે હજી અમેરિકામાં ભારતીય લોકો ગણ્યા-ગાંઠ્યા જ હતા, તેવા સમયે અહીંની અમેરિકન પ્રજા માટે વેદ મહેતાએ એક અજીબોગરીબ અને અચંબો પમાડતું ચિત્ર ખડું કરેલું. એમના એ વિષયમાં, કે એમની શૈલીમાં, આપણને કશું આકર્ષક કે સંમોહક ના પણ લાગે. એનું એક કારણ એ કે વેદ મહેતાનું ભારત તે આપણાં બધાંનું ભારત છે, અને સ્વાભાવિક રીતે જ આપણને લાગવાનું કે એમણે ક્યાં કશું નવું કહ્યું છે? બીજું કારણ એ કે કદાચ આપણે ત્યાં આ રીતે અંગત જીવનની રોજિંદી વાતો લખવાની, અને એવાં પુસ્તકો વાંચવાની પ્રથા બહુ પ્રચલિત નથી. અલબત્ત, ઐતિહાસિક સંદર્ભે હોઈ શકે છે, પણ નિજી સંદર્ભે એ નહીંવત્ હશે. એમ કહેવાય છે કે પશ્ચિમમાં આત્મકથાના પ્રકારની શરૂઆત થઈ ફ્રાન્સના ઝૉન્ઝાક રૂસો નામના વિચારકે ૧૮મી સદીમાં લખેલા “કન્ફેશન્સ” નામના પુસ્તકથી. પોતાની કામુકતા, સ્વપીડનની રીતિ, અને બીજી અંગત માન્યતાઓ વિષે આમ જાહેર કરીને રૂસોએ તરખાટ મચાવી દીધો હતો. આ રીતે પ્રકાશનના ક્શેત્રમાં પ્રવેશ થયો હતો નિજી જીવનનું પ્રગટીકરણ કરતા સ્મરણાત્મક લેખનના પ્રકારનો. બસોથી વધારે વર્ષ પછી આજે આ પ્રકાર અમેરિકામાં ઘણો ફૂલ્તો-ફાલ્યો દેખાય છે. સાથે જ, એવું પણ છતું થતું જણાય છે કે આ પ્રકટીકરણમાં વધારે ભાર જીવનના કુત્સિત અંશ પર અપાઈ રહ્યો છે. સુખની, અને સારી સારી વાતો જાણે કોઈ વાંચવાનું જ ના હોય. ને એ સાચું પણ હશે કે સનસનાટી પમાડે તેવી બિના લોકોનું ધ્યાન વધારે જ ખેંચવાની. ઉપરાંત, પશ્ચિમી પ્રજાનાં જીવનમાં, આપણે જેને વિચિત્ર કે વિકૃત કહી શકીએ એવી બાબતો જાણે અત્યધિક પ્રમાણમાં હોય તેવું લાગે છે : મા-બાપ જ નહીં, પણ દાદા-દાદીના સમયથી તૂટતાં આવેલાં લગ્નો, એકલવાયાં શૈશવ, એકલી મા અથવા ેકલા બાપના હાથે બાળકનો ઉછેર, દારૂ અને માદક તત્ત્વોની ટેવો, પત્ની પર મારઝૂડ, બાળક પર અત્યાચાર, ઈચ્છાપૂર્વકના વર્તનની સામાજિક શક્યતા તેમજ છૂટ, ઇત્યાદિ. તો એ પણ સાચું છે કે આવાં જીવનની ક્શોભ અને શરમજનક બાબતોનું પ્રકટીકરણ કરવાની રુક્શતા, કે ધૃષ્ટતા, કે નિર્લજ્જતા, કે ગુસ્તાખી આ લોકોમાં છે. સિક્કાની બીજી બાજુ પ્રમાણે આ વૃત્તિને સાહસ ને સ્પષ્ટવાદિતા જ નહીં, પણ સચ્ચાઈ ને પ્રમાણિકતા પણ કહી શકાય. ભૌતોકવાદમાં ખૂંપેલા આધુનિક સમાજોના સિક્કાની તો વળી ત્રીજી પણ બાજુ છે, ને તે છે ધન-લાભ અને ખ્યાતિ-પ્રાપ્તિ. કેટલી જટિલ હોય છે એક સાધારણ દેખાતી વાત પણ. અમેરિકામાં આ પ્રકાર સળગતી આગની જેમ એવો પ્રસર્યો છે કે ફક્ત જાણીતી – સિનેમા, મનોરંજન, ખેલકૂદ જેવાં ક્શેત્રોમાંની – વ્યક્તિઓ જ નહીં, પણ સાવ અજાણી ને સામાન્ય વ્યક્તિઓ પણ પોતાનાં દુઃખી, વિકૃત, આઘાતજનક જીવનોની અસામાન્ય વાતો લખતી, જાહેર કરતી, છપાવતી થઈ ગઈ છે. એક સમયે જે ફિક્શનનાં પુસ્તકોમાં વાંચવા મળતું તે હવે સત્ય-કથા થઈને આત્મચરિત (અથવા અન્ય-ચરિત)નાં પુસ્તકોમાં જોવા મળે છે. આ આત્મકથા-પ્રકારમાં લખનારાંનું કહેવું એમ હોય છે કે આથી એમનાં મનનો ભાર ઊતરે છે. એટલું જ નહીં, પોતાનું જીવન એક સાચા અને સહ્ય પરિપ્રેક્શ્યમાં પોતાને જ જાણે પહેલવહેલી વાર દેખાય છે. રસ અને સહાનુભૂતિ ધરાવતાં વાચકો દ્વારા મૈત્રીમાં હોય તેવી ઉષ્મા પણ મળતી હોય છે. મૅરિ કાર (Karr) નઅમની લેખિકાની જીવની પરની ચોપડી બહુ જ સફળ થઈ. જાહેર વાંચન અને શ્રોતાગણ સાથે લેખિકાને ખૂબ એકતાનો અનુભવ થતો. અને વાંચન પૂરું થયા પછી જાતજાતના લોકો – બૅન્કર, પ્રોફેસર, લેબરર, કાળા, ધોળા, ભણેલા, અભણ – લેખિકાને કહેવા આવતા કે એમનાં જીવન તો ઘણાં વધારે દુષ્કર હતાં, ને છતાં એ લોકો જીવવાનો, પ્રેમ અને આનંદ જેવાં સંવેદન અનુભવવાનો, પ્રયત્ન કર્યા કરતા હતા. દરેક જણના અંગત ઇતિહાસમાં આઘાતના ડાઘા હોય છે, તે જાણીને કોઈ પણ વ્યક્તિ કૈંક આસાયેશ અને સાંત્વના પામી શકે છે. આત્મકથાનક કેવળ જીવની સાંત્વના માટે જ નથી લખાતાં, પણ એનો ઉદ્દેશ આત્મ-પરીક્શણનો પણ હોય છે. કામુક અત્યાચાર અને પછી લાગેલા કામ-વાસનાના વ્યસન જેવી અત્યંત અંગત બાબતો વિષે લખવાની પ્રક્રિયા ક્યારેક મનને ભયભીત પણ કરે, છતાં લખનાર અંતે જોઈ ને સમજી પણ શકે છે કે કેટલું શરમજનક જીવન હતું, અને ઘણી વાર આવી વ્યક્તિ પોતાની જાતને સુધારવા માટે સહાય-સંસ્થામાં જોડાતી પણ હોય છે. એક લેખિકા પોતાના જીવનની કરુણ-કથા લખવા બેઠાં તો સાતસો પાનાં થયાં! પછી જેમ જેમ પ્રતને એ સુધારતાં ગયાં તેમ તેમ પાનાંની સંખ્યા ઘટીને અડધી થઈ ગઈ, ને લેખનનો સૂર બદલાઈને વિનોદપ્રદ બન્યો. જેને માટે ધિક્કાર અને ફરિયાદ હતાં, તે પોતાના જ કુટુંબ માટે, અંતે લેખિકામાં સ્નેહ-ભાવ પ્રગટ્યો! આ સમાજમાં મોટો જે એક રોગ છે તે શાશ્વત વિષાદ અને હતોત્સાહ છે. અનેક યત્ન પછી એમાંથી બહાર નીકળી શકનારાંમાંનાં કેટલાંક આત્મ-ચરિત લખવામાં ઉદ્યત થાય છે. ટ્રેસી થૉમ્સન નામનાં એક ખબરપત્રી ‘ડિપ્રેશન’ને “એક જંગલી જાનવર” કહે છે. એની સામેના પોતાના સંઘર્ષ વિષે એ ગંભીરતાપૂર્વક લખે છે. છેલ્લે એ લેખન-પ્રક્રિયાના પરિણામ અંગે એમનું કહેવું છે, “આ બધું લખવાથી ભલે આખી જિંદગીમાં ફેર ના પડ્યો, પણ રોજિંદું જીવન જરૂર સહેલું બન્યું.” સાધારણ લોકોનાં નિજી જીવનનાં વિગતવાર અને અસરકારક ચિત્રણો તો છપાતાં રહેવાનાં, પણ જ્યારે એ વિચાર ને બુદ્ધિપૂર્વક, તથા શૈલીની પ્રશસ્ય ચમત્કૃતિ સાથે, લખાયાં હોય ત્યારે એ પુસ્તકો ફક્ત ચરિત્રણ નહીં રહેતાં યાદગાર સાહિત્ય-સર્જન બની રહેવાનાં. આવું ઉદાત્ત ઉદાહરણ જોવા મળે છે અમેરિકાના મહા-કવિ વૉલ્ટ વ્હિટમૅને ૧૮૫૫માં લખેલા “સૉન્ગ ઑફ માયસૅલ્ફ” નામના વિખ્યાત મહા-કાવ્યમાં. પહેલી જ પંક્તિ “ હું મારી જાતને ઉત્સવ-પ્રતિષ્ઠ કરું છું”માંનો ‘હું’ આખા રાષ્ટ્રના પ્રાણના ગૌરવને પ્રતિસ્થાપિત કરે છે. વ્હિટમૅનનો અભિગમ હર્ષોત્ફુલ્લ છે : “હું સંતુષ્ટ છું....હું જોઉં, નાચું, ગાઉં છું.” એમના આ મહા-કાવ્યમાંનું આત્મ-કથાનક ‘કેવળ અંગત’ને વિસ્તારીને સર્વવ્યાપી એક ઉત્કૃષ્ટ સ્તર પર મૂકે છે. જેમાં સમગ્ર જીવંતતા ઉચ્ચ આદરનું સ્થાન પામતી હોય તેવી કૃતિ જ ખરેખર નિજી વિજય પામી છે, એમ કહી શકાય.