દરિયાપારથી.../એકલક્શી પ્રયાણ-પિપાસા (૨)
ઇતિહાસની તવારિખો જોઈએ તો કદાચ ચૌદમી સદી આગવી લાગે : જ્યૉફ્રી ચૉસર નામના અંગ્રેજ લેખકે અભૂતપૂર્વ પ્રવાસ-કથા “ધ કૅન્ટરબૅરિ ટૅલ્સ” લખી, મૉન્ગૉલ યોદ્ધા તિમુરલંઘેઈરાનથી રશિયા સુધી ચડાઈ કરી કરીને વિશાળ રાજ્ય સ્થાપ્યું, તથા કોલમ્બસ અને વાસ્કો દ ગામા જેવા સાગરખેડુઓને હજી સો-દોઢસો વર્ષોની વાર હતી ત્યારે, ઉત્તર આફ્રીકાના એક પ્રદેશમાં ઇબ્ન બતુતા જેવા એક આદ્ય-પ્રવાસી પાક્યા. હા, એમ તો માર્કો પોલો આ બધાંથી પહેલાં, તેરમી સદીમાં થઈ ગયા. એ ખરું, પણ ઇબ્ન બતુતા માર્કો પોલો કરતાં ઘણું વધારે ફરી વળેલા. ત્રીસ ત્રીસ વર્ષના લગભગ અવિરત ભ્રમણમાં ઇબ્ન બતુતાના પગ નીચેથી પંચોતેર હજાર માઈલો પસાર થઈ ગયેલા. એ અજીબોગરીબ રાહગીરીની વિગતો એમણે લખેલા પ્રવાસ-ગ્રંથમાં મળે છે. એ કાળે ખલાસી, વેપારી, સૈનિક, સાધુ જેવી વ્યક્તિઓ લાંબાં અંતર જરૂર કાપતી રહેતી હતી, પણ એ લોકોનું પ્રયોજન દુન્યવી રહેતું. બતુતાને તો નહોતા પૈસા કમાવા, કે નહોતું યુદ્ધ કરવું, કે નહોતો ઉપદેશ આપવો. એમને તો, બસ, ભ્રમણ-મસ્ત જ થવું હતું. એકવીસ વર્ષની ઉંમરે આ અબુ અબ્દલ્લા ઇબ્ન બતુતા ઘેરથી નીકળી પડ્યા ત્યારે એમની પાસે ક્યાં જવું છે?ની યોજના, કે શા માટે જવું છે?નાં સ્પષ્ટ કારણો હતાં નહીં. પણ મોરોક્કો દેશના તાન્જિયેર બંદરે ૧૩૦૪માં જન્મેલા બતુતા નાનપણથી બંદર પર નાંગરતાં વહાણોને જોતા આવેલા, અને એ રીતે, દૂરના પ્રદેશોની જાણ પામેલા. વળી, ઈસ્લામનો એ સુવર્ણકાળ હતો, અને હજ કરવા જવાનો રિવાજ ત્યારે પણ હતો. બતુતાએ પણ પોતાના વાલિદ (પિતા)ને એ જ કારણ આપ્યું, જોકે મક્કા કઈ રીતે પહોંચવું, તેનો કોઈ ખ્યાલ એમને હતો નહીં. યુવાન બતુતા તાન્જિયરથી તો આંખમાં આંસુ અને દિલમાં કૈંક ઉદાસી સાથે એકલા નીકળી પડ્યા, પણ ફૅઝ શહેરમાં પહોંચતાં બીજાં યાત્રીઓનો સંગાથ એમને મળી ગયો. ભૂમિ પર પ્રયાણ કરતાં કરતાં, લગભગ ત્રણ મહિને એ બધાં ભૂમધ્ય સમુદ્રને કિનારે ટ્યુનિસ શહેરમાં પહોંચ્યાં. બતુતા ત્યાં બે મહિના એક મદરસામાં નહીં જેવા ખર્ચે રહી ગયા. ત્યાર પછી, મક્કા જવા નીકળેલા કાફલામાં એ નિયામક તરીકે જોડાયા. એમનાં વિવેકી સ્વભાવ, સંસ્કારી વર્તન અને વિનોદ-વૃત્તિને લીધે એ સહેલાઈથી પ્રિય થઈ પડતા, તથા હંમેશાં મૈત્રી, મિજબાની, ભેટ-સોગાદો અને આમદાનીની પદવીઓ પામતા રહેતા. કૅરો, ઍલૅક્ઝાન્ડ્રિયા, દમાસ્કસ, બગદાદ વગેરે સ્થાને સમય પસાર કરતાં એ છેક સોળ મહિને મક્કા પહોંચ્યા. અને આ તો ફક્ત શરૂઆત જ હતી. ફરીથી જ્યારે મક્કા ગયા ત્યારે સળંગ ત્રણ વર્ષ એ ત્યાં જ રહ્યા, ઈસ્લામનો અભ્યાસ કર્યો, અને “ધર્મ-મીમાંસક”ની પદવી પામ્યા. પછીનાં એકવીસ વર્ષ એ સતત ગતિમાન રહ્યા. ઈરાક, પર્શિયા, ઈથિયોપિયા, પૂર્વ આફ્રીકા, પશ્ચિમ આફ્રીકા, રશિયા, એશિયા માઈનર; વળી હિન્દુકુશ, ખૈબરઘાટ, ઈન્ડસ પર થઈને ઈન્ડિયા, શ્રીલંકા, ચીન, માલદીવ, ઈન્ડોનેશિયા – આમથી તેમ ને તેમથી આમ થતાં થતાં બતુતા ક્યાં ના ક્યાં ગયા. ટૂંકે રસ્તે ક્યાંય પહોંચવું એમને જાણે ગમતું જ નહીં. હંમેશાં એ લાંબો, ને કઠિન પથ લેતા. વળી, ઠેર ઠેર એ રોકાતા જતા – એટલું જ નહીં, એ ઘર પણ માંડતા જતા. આઠેક વાર એ પરણ્યા, વારંવાર છૂટાછેડા લીધા, બાળબચ્ચાં પણ થયાં; ને પછી થોડા વખતમાં મન ચંચળ થઈ ઊઠતું હશે, કે ધરાઈ જતું હશે, જેથી એ જગ્યા છોડીને બીજે કશે જવા એ નીકળી પડતા. બધે જ અમલદારો અને સૂબેદારોને એ પ્રસન્ન કરતા રહેતા. વાક્-ચાતુર્ય એવું હતું કે વાંકમાં પડતા તોયે છટકી જઈ શકતા. દા.ત. દિલ્હીના સુલતાને એમને બાર હજાર દિનારના પગાર પર કાજીની નોકરી આપેલી. છતાં જ્યારે પંચાવન હજારનું દેવું થઈ ગયું ત્યારે સુલતાનની પ્રશસ્તિમાં એમણે એક એવી કાવ્યકૃતિ લખી કે ખુશ થઈને માલિકે દેવું માફ કરી દીધું! એ કશાની ખાસ ચિંતા કરતા નહીં. બધું યજમાન પર, અને અલ્લાહ પર છોડી દેતા. બતુતાએ તકલીફો પણ અનેક, તેમજ અકલ્પ્ય જેવી પણ, વેઠી હતી. જેમકે, મેલેરિયાનો ભોગ બનીને એ લગભગ મૃત્યુ પામેલા, ચાંચિયાઓ દ્વારા દરિયામાં ફેંકાયેલા, હિન્દુ લુટારાઓના હાથનો સખત માર ખાધેલો, વહાણ ભાંગી પડતાં એક પત્ની અને બાળકને ગુમાવી બેઠેલા, વગેરે. ઉપરાંત, પોતાનાં માતા-પિતાને એ ફરી ક્યારેય મળી ના શક્યા. ત્રણ દાયકા પછી આખરે બતુતા જયારે તાન્જિયેર બંદરે પાછા ગયા ત્યારે ત્યાં પોતાનું કહેવાય એવું કોઈ રહ્યું નહોંતું. આવી તીવ્ર અને એકલક્શી ભ્રમણ-પિપાસા વહન કરતાં કરતાં જીવન વિતાવવું સહેલું નથી. આવી ગુણવત્તા બધાં મુસાફરો ધરાવી પણ ના શકે. ઇબ્ન બતુતાના મૃત્યુના છસો વીસેક વર્ષો પછી, જીવ-વિગ્નાનના સંશોધકો – ઈઝરાયેલ અને અમેરિકામાં – એ તારણ પર આવ્યા છે કે નવીનતાનો મોહ, અને સાહસની વૃત્તિનાં બીજ, ખરેખર, શરીરની અંદરના કોઈ ઘટકમાં રોપાયેલાં હોય છે. માણસના વ્યક્તિત્વ અને વર્તનનું કારણ દર્શાવતું આવું ઘટક ( જિન) આ પહેલી જ વાર શોધાયું. એમાં પણ પાછું એ ‘જિન’ ઓછી કે વધારે ઉત્કટતા ધરાવતું હોય, ને એ પ્રમાણે વ્યક્તિ પ્રવાસમાં સાધારણ ને બિનજોખમી આનંદ ઇચ્છતી અથવા અત્યંત સાહસી અનુભવો ઇચ્છતી વ્યક્તિ બને. અલબત્ત, આ નિદાનને સંપૂર્ણપણે સમજવાની પ્રક્રિયા લાંબો સમય ચાલતી રહેવાની. સામાન્ય રીતે એવું બનતું હોય છે, કે બાળપણથી જ કુતૂહલની, ઉત્સુકતાની, નિર્ભયતાની સહજ, નિર્દોષ વૃત્તિઓને રૂંધવામાં આવતી હોય છે. વ્યક્તિના નિર્બંધ વિકાસ પર બાળપણથી જ કાપ મૂકાતો હોય છે. કારણકે સમાજને રસ એમાં હોય છે કે એનાં બધાં સદસ્યોનાં વર્તન તથા વિચાર સામૂહિક રીતિમાં અને ગતિમાં જ સંયત રહે. કશું જુદું બનવા ઇચ્છનાર દરેક વ્યક્તિને એકલી પાડી દેવામાં આવતી હોય છે. અનોખી સિદ્ધિઓ મેળવી લીધા પછી પણ એ વ્યક્તિને સમાજ તરફથી આધાર મળતો નથી. ઇબ્ન બતુતા પોતે, આવા અભૂતપૂર્વ પ્રવાસો કર્યા પછી અને અતિ-વિસ્મયકારી સાહસોમાં-થી પાર ઊતર્યા પછી – છેવટે તોંતેર વર્ષની ઉંમરે, ભુલાયેલી અવસ્થામાં, ઘરમાં ને ઘરમાં મૃત્યુ પામ્યા. સદ્ભાગ્યે, મોરોક્કોના સુલતાને લહિયા દ્વારા બતુતાની અદ્ભુત પ્રવાસ-ગાથા લખાવી લીધેલી. પણ ના તો એ પુસ્તક ત્યારે ઘણાં જણે વાંચ્યું, કે ના તો એ પોતે અત્યારે ઘણા વિખ્યાત રહ્યા છે. આખી પૃથ્વી ઉપર પરિભ્રમણ કરવાની એમની મહેચ્છા હતી. એ બાબતમાં એમણે બીજી કોઈ પણ વ્યક્તિથી વધારે સિદ્ધિ મેળવી, એમ વિચારીને એમણે પોતે, અંતે, મનમાં ને મનમાં સંતોષ માન્યા કર્યો.