દરિયાપારથી.../ગુજરાત મારી મારી રે

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ગુજરાત મારી મારી રે

આપણા દેશના નકશામાં ગુજરાતનો આકાર જાણે આવકારમાં જોડેલા હાથ જેવો લાગે છે. એનો લાંબો, અટકાવ વગરનો સમુદ્ર-કિનારો સદીઓથી અન્ય પ્રજાને આવકારતો, અન્ય હકુમતોને આકર્ષતો રહ્યો છે. વળી, આ મુક્તતાએ પ્રજાને સાહસી અને સાગરખેડુ પણ બનાવી. સાગર-કાંઠા પર અનેક સુંદર જગ્યાઓ છે – ઉભરાટ, ઉદવાડા, તિથલ, અને હવામાં એક જુદી જ છાંટવાળા દીવ અને દમણ. ચોરવાડ પણ ખૂબ લોકપ્રિય છે. પણ ત્યાંનો અરબી સમુદ્ર ઉછાંછળો અને તોફાની છે. ગામની સ્ત્રીઓને મેં કાળાં કપડાં અને ઉપર લાલ ઓઢણી વીંટાળીને જતી-આવતી જોયેલી. તેથી મેં એ ઓઢણી ખરીદી, અને કાળાં કપડાં પહેરીને ઉપર ઓઢી. પછી કિનારા પરની કાળી શિલા પર હું બેઠી. આમેય આખી શિલા મોજાંના છંટકાવથી ભીની અને લપસણી થયેલી હતી. પણ પછી તો સમુદ્ર વધારે ચંચળ બનતો લાગ્યો. મોજાં વધારે ઊંચાં થયાં, વધારે જોરદાર થયાં. હું સાવ ભીની તો થઈ જ ગઈ, પણ મને લાગ્યું કે સાગર ખરેખર મને ઘસડીને લઈ જવા માગતો હતો. થોડા સ્થાનિક લોકો કિનારે ભેગા થઈ ગયેલા. એમાંના એક પુરુષે છેવટે કહ્યું, “તમે લાલ રંગ ઓઢ્યો છે તેથી પાણી તમારા તરફ આમ ખેંચાઈ આવે છે.” આવી બાબતની મને ખબર નહતી, કે લાલ રંગથી પાણી પણ આમ ખેંચાય. એ અનુભવ્યા પછી સાગરની મૈત્રીભરી છેડતી કરવાની, કે પાણીને વધારે લલચાવ્યા કરવાની હિંમત ના રહી! ચોરવાડથી થોડેક જ દૂર સોમનાથનું વિખ્યાત શિવાલય અને દરિયા-કિનારો આવે. બહારથી, એના મોટા, સૂકા, ખાલી ચોગાનમાં એ મંદિર મને બહુ સૂનું લાગે. અલબત્ત, અંદર જઈએ એટલે એ ખ્યાલ ભુલાઈ જાય. ત્યાંના કાંઠા પરનાં મોજાં લાગે તો ભૂલકાં જેવાં નાનાં નાનાં અને નિર્દોષ, પણ ત્યાંયે મઝધારમાં થઈને આવતું ખેંચાણ તો ખરું જ. ચોગાનની દીવાલ પાસે તીરના આકારનું એક પાટિયું મૂકેલું છે. એના પર લખ્યું છે ‘દક્શિણ ધ્રુવ.’ કહે છે કે એ જગ્યા અને ધ્રુવ-પ્રદેશની વચ્ચે કોઈ જ અંતરાય નથી. છે કેવળ અનંત અર્ણવ. હિમાચ્છાદિત, અલૌકિક જેવા એ પ્રદેશમાં હું ગઈ છું – અર્જેન્ટિનાના દક્શિણ કિનારેથી – તેથી એ તીર દ્વારા દર્શાવાતી દિશા તરફ તાકી રહેવાનું મને ઘણું ગમ્યું. જાણે ઍન્ટાર્કટિકાનાં અદ્ભુત દ્શ્યો ત્યાંથી દેખાવાનાં ના હોય! ઉત્તર ગુજરાતમાં આવેલું પાટણ શહેર તો કેટલું બધું વિશિષ્ટ છે. ત્યાંનાં કોતરણીવાળાં ઘરો પર પુસ્તકો લખાયાં છે. ત્યાં ઘેરા રંગો અને ચળકતા પોતવાળું ‘ગજી’નું કાપડ બને છે, જે મેં છેક ઉઝ્બેકિસ્તાન, ટર્કી, જૉર્ડન અને સિરિયા જેવા દેશોમાં પણ જોયું છે. એ બધે એ સ્ત્રીઓના રોજના પોષાક માટે વપરાય છે. હું માનું છું કે આ ગજીનું કાપડ, મોગલ સલ્તનતની સાથે ફરતું ફરતું, આપણા ગુજરાતમાં ઉઝ્બેકિસ્તાનથી આવ્યું હોવું જોઈએ. પાટણની સૌથી વધારે ખ્યાતિ કદાચ ત્યાંના પટોળા-વણાટને કારણે હશે. એ કેવળ હુન્નર નથી, પણ ઉચ્ચ કક્શાની કળા છે. આ વણાટમાં તાણા તથા વાણાને અત્યંત ચોકસાઈ અને ગણિતના નિયમો પ્રમાણે બાંધવામાં, અને રંગી લેવામાં આવે છે. તે પછી એમને શાળ પર ચઢાવાય છે. છેવટે વણાટ-કામ સરૂ થાય છે, જેમાંથી અપૂર્વ-સંુદર લાક્શણિક ડિઝાઈન છતી થતી જાય છે. આ કળા માટે છોટુભાઈને રાષ્ટ્રીય હસ્તકળાકારનો ખિતાબ મળ્યો હતો. એમને મળવાનો અને એમનું કામ જોવાનો એક લ્હાવો હતો. હવે તો એ એક જ કુટુંબના બેક સભ્યો આ કળા જાણતા હસે. એક એક પટોળું તૈયાર થતાં વર્ષ-દોઢ વર્ષ થાય છે, ને કિંમત તો પુછાય પણ નહીં. ગુજરાતમાં હિલ-સ્ટેશન કહેવાય એવું પર્વતીય સ્થળ તો સાપુતારા જ છે, પણ જેનાં શિખર પર જાત્રા માટે તથા જોવાલાયક મંદિરો હોય તેવા બીજા ઘણા પહાડો છે. જેમકે, પાવાગઢ, જેના પર ભદ્રકાળિ અને મહાકાળી વિરાજમાન છે, અને પાલીતાણા, જ્યાં નવસો વર્ષ સુધી જૈન મંદિરો બંધાતાં રહ્યાં હતાં. સંગેમરમરના બનેલા, અસંખ્ય ઘુમ્મટો અને શિખરાકારો શેત્રુંજય પર્વત પર અદ્વિતીય દૃશ્ય સર્જે છે. એવી જ રીતે, ગિરનાર. એની ટોચ પર જાત્ાધામ, એની આસપાસનાં જંગલોમાં સિંહના ડેરા, અને એની તળેટીમાં જૂનાગઢ ગામના નરસિંહ મહેતા, જેમનાં ગીતો પરોઢિયાં થઈને આખા ગુજરાતમાં રટાતાં ને ગવાતાં રહે છે. જેરૂસલેમમાં ચાલતાં યાદ આવે કે ઈશુ આ જ ગલીઓમાં ચાલ્યા હતા, ને જે રોમાંચ થાય તે જૂનાગઢમાં ફરતાં પણ થઈ આવે છે. અને ગીરના ગાઢ જંગલમાં, ખાખરાનાં સૂકાં પાન પર થઈને ચાલતી જતી એક એકલી સિંહણની સ્વ-સ્થિતતા પણ મને કશું શીખવા પ્રેરી ગઈ હતી. કચ્છ-વિસ્તાનર પણ યાદ કરી લઉં. ત્યાં પણ શું નથી? લીલું રણ, સૂકું રણ, સાગર-કાંઠો, ખારોપાટ, ઘુડખર પ્રાણીનાં ધણ, ફ્લૅમિન્ગો, પેલિકન પંખીઓની વાર્ષિક વસાહતો, જાત જાતની હસ્તકળા, અને ખમીરવંતી પ્રજા. દયાબહેન, રાણીબહેન, ગુલબેગ મિયાં, રાષ્ટ્રીય બિરુદ પામેલા ગફુરભાઈ વગેરેને ઘણી વાર મળવાનું બનેલું. જેમને ઘેર જઈએ ત્યાં ચ્હા કે છાશનો આગ્રહ થાય જ. સામે આપણે એમની તૈયાર એવી હસ્તકળા-સામગ્રી શોખથી ખરીદી લઈએ. ઘરો તો એવાં ગમે. લુડિયા ગામમાં બહારની દીવાલોને સુંદર ચીતરવાનો રિવાજ, તો નિરોણા ગામમાં અંદરની દીવાલો પર આભલાં ચોંટાડેલાં જોવા મળે. ટૂઢાવારી વાંઢ તો રેતીના રણની વચ્ચે. ત્યાંનાં ઘરોની ચોતરફ, ને ચોતરા પર ચૂનાથી સફેદ, સાદા પટ્ટા ચિતર્યા હોય. અલપઝલપ થતી કન્યાઓએ લાલ કે લીલી ચુંદડી ઓઢી હોય. બધાં ઘર અંદરથી અને બહારથી ખૂબ ચોખ્ખાં હોય. ને તોયે દિવસમાં બે વાર કચરો વળાતો દેખાય. એક વાર કચ્છના ગાંધીધામ ગઈ ત્યારે સહૃદયી મિત્રો ચિંતન અને ધૃતિ મને ઉત્તરે મીઠાના રણની વચ્ચે આવેલા ખદીર ટાપુ પર લઈ ગયાં હતાં. એના પર ધોળાવીરાના અવશેષો છે, જે મોહંે-જો-દેરોથી પણ પ્રાચીન ગણાય છે. પાંચ હજારથી પણ વધારે વર્ષ પહેલાં ધોળાવીરા ધીકતું બંદર હતું. આજે ત્યાં એક તરફ, થીજેલા બરફ જેવો દેખાતો, મીઠાનો દરિયો છે, અને બીજી તરફ પીળચટ્ટી, સૂકી જમીન છે. ને તોયે, ધોળાવીરાના પ્રાચીન બજારના રસ્તાના છેડા તરફ, ટેકરીના નીચલા ઢાળની દિશામાં જોઈએ તો ત્યાં દરિયો હોય – અથવા હશે, એવું જરૂર લાગે – હજીયે. અમદાવાદની પાસેનું એક સુંદર સ્થળ તે મોઢેરાનું સૂર્ય મંદિર. અગિયારમી સદીમાં સોલંકી રાજા ભીમદેવે એ બંધાવેલું. એના દરેકે દરેક પાષાણ પર ભરચક કોતરણી કરેલી છે. દેશના પૂર્વ કિનારે, ઓરિસ્સા રાજ્યમાં પણ કોણાર્ક સૂર્ય-મંદિર છે. એનો ગર્ભમંડપ પણ ખાલી છે. સૂર્યદેવની મૂર્તિ ત્યાં પણ નથી રહી. આ બંને મંદિરને પશ્ચાદ્ભૂમાં રાખીને રાજ્ય-સરકારો વાર્ષિક નૃત્ય-મહોત્સવ ઉજવે છે. મંદિર પ્રકાશોજ્જ્વળ બને છે, સોપાનો પર હજારો પ્રદીપ ઝગમગતા હોય છે, વાતાવરણમાં કળાનો દૈવી સ્પર્શ વર્તાય છે. સૂર્યાસ્તનું આકાશ જ્યાં કેસરી થઈ જતું હોય તેવું એક સ્થળ છે નળ સરોવર. પાતળાં ઘાસની વચ્ચે થઈ હોડી સરકતી હોય – નિઃશબ્દે, કે જેથી સારસ, ફ્લૅમિન્ગો, પેલિકન વગેરેને દખલ ના પહોંચે. થોડી ઘડી બધું સ્તબ્ધ થઈને રહે, પણ પછી, ઊડવા માંડતાં પંખીનાં ટોળાંનો કેસરી-ગુલાબી રંગ આકાશમાં સુંદર લિસોટા બની જાય. આપણે મુગ્ધ થઈ કશુંક ગણગણીએ – “વાહ, કેવું સરસ”, કે એવું કંઈક! ને અમદાવાદ? આહ, જે જીવનનો અભિન્ન અંગ હોય, જેના સુખ-દુઃખની અસર હંમેશાં મન પર પહોંચતી હોય, જેના વાંક-ગુના માટે મન જીવ બાળતું હોય, તેને માટે શું કહેવું? હું એટલું જ કહી શકું, કે અમદાવાદ મારું છે, એના બધા રસ્તા પર ચાલવાનો મને હક્ક છે, અને ત્યાંનાં ઘણાં સ્થાનોને હું સન્માની શકું છું. જેમકે. લગભગ એક ભૂલાયેલા, ધૂળિયા રસ્તાનો એક ટુકડો કે જ્યાંથી દાંડી-કૂચ શરૂ થઈ હતી. પણ ઘર તો આખૂં ને આખું વહાલું હોય છે. આપણા ગુજરાતનાં જુદાં જુદાં અનેક સ્થાન સ્મરણ દ્વારા પણ મનને હંમેશાં આનંદ આપતાં રહે છે.