દરિયાપારથી.../ચીનમાં રામાયણનો પ્રચાર

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ચીનમાં રામાયણનો પ્રચાર

એક સમયે, ન્યૂયોર્કની વિખ્યાત કોલમ્બિયા યુનિવર્સિટીના દક્શિણ એશિયા માટેના વિભાગ દ્વારા દર અઠવાડિયે એ પ્રદેશમાંના દેશોને લગતા જુદા જુદા વિષયો પર વ્યાખ્યાન યોજાતાં. દરેક વખતે હું જઈ ના શકું, કારણકે શહેરના બીજા કોઈ વિસ્તારમાં એવી જ સરસ કોઈ પ્રવૃત્તિ કરતી હોઉં. પણ એક વાર “ચીનમાં રામાયણ” જેવો વિષય જોયો ત્યારે એક મ્યુઝિયમમાં જવાની હતી તેને બદલે એ વ્યાખ્યાન સાંભળવા ગઈ. બેજિન્ગ યુનિવર્સિટીના ઓરિયેન્ટલ સ્ટડિઝના વિભાગમાંથી આવેલા એક પ્રોફેસર જિન વક્તવ્ય આપવાના હતા. ચીનમાં રામાયણ – એટલે શું હશે?ડ તેનો ખ્યાલ આવતો નહતો. વિષય નવાઈ પમાડતો હતો. પછી જ્યારે જાણ્યું કે એ પ્રોફેસર બેજિન્ગમાં હિન્દી ભણાવતા હતા, ત્યારે આશ્ચર્ય અને આદરનો પાર ના રહ્યો. ચીનમાં હિન્દી ભણાવાય છે? તે પણ એક ચીની પ્રોફેસર દ્વારા? આવો તો વિચાર પણ કદિ આવ્યો નહતો. ચીનના એક પ્રવાસ દરમ્યાન બેજિન્ગ યુનિવર્સિટીના કૅમ્પસ પર તો હું ગઈ પણ હતી. ખૂબ જ મોટી જગ્યા છે, અને બાગ જેવો સરસ પરિસર છે. ખૂબ વૃક્શો, વચમાં એક તળાવ, આસપાસ બેસવા માટે બેઠકો, લાક્શણિક ચીની પૅગોડા, જુદા જુદા વિભાગોનાં છૂટાછવાયાં મકાનો, અને એક તરફ હૉસ્ટેલોનાં મોટાં મોટાં, ત્રણ માળનાં બિલ્ડિન્ગો. મને બહુ ગમી ગયેલી એ જગ્યા. ત્યારે જો ખબર હોત કે હિન્દી ભણાવાય છે, તો એ વિભાગમાં પણ જઈ આવી હોત. એ પ્રોફેસર હિન્દી ઉપરાંત ઉર્દુ પણ ભણાવતા હતા. બંગાળી શીખવાડવાનો પ્રયત્ન યુનિવર્સિટીએ કરેલો, પણ નિષ્ફળ ગયેલો. રવીન્દ્રનાથની કૃતિઓનો અનુવાદ ચીનમાં સૌ પ્રથમ ૧૯૨૪માં થયેલો, અને રવીન્દ્રનાથ ત્યાં લોકપ્રિય પણ છે, છતાં બંગાળી ભાષા શીખવા માટે બહુ રસ લેનારાં નીકળતાં નથી હોતાં. છતાં, સંસ્કૃત અને પ્રાકૃત સુદ્ધાં શીખનારાં હોય છે ત્યાં. લગભગ અદ્ભુત લાગે તેવી આ વાત. એ પ્રોફેસરને સાંભળતાંની સાથે મને લાગ્યું કે એ અંગ્રેજી બોલી શકતા હતા તેનાથી વધારે સારું હિન્દી બોલી શકતા હતા. પછી તો એમણે પોતે પણ આ જ કબૂલાત કરી. હિન્દી લખે પણ એવું જ સરસ. બરાબર ‘ખડી હિન્દી’ના હોય એવા એમના અક્શર હતા. વર્ષો પહેલાં એમણે હિન્દીનો અભ્યાસ શરૂ કર્યો હતો. ને પછી તો એમણે હિન્દીમાં ઘણું કામ કર્યું : ચીની વિદ્યાર્થીઓને હિન્દી શીખવાડવા માટે ચાર ભાગમાં પાઠ્ય-પુસ્તક તૈયાર કર્યાં, હિન્દી-ચીની શબ્દકોષ લખ્યો, તેમજ દળદાર હિન્દી-ચીની મુહાવરા કોષ બનાવ્યો, જેને પૂરો કરવા પાછળ એમણે વીસ વર્ષ મહેનત કરી હતી. આ ઉપરાંત, પ્રો. જિને તુલસીકૃત ‘રામચરિતમાનસ’નો અનુવાદ કર્યો છે. એ કહે, “વર્ષો પહેલાં ચીની ભાષામાં કાલિદાસનો અનુવાદ થયો, તે પછી રવીન્દ્રનાથ, ને પ્રેમચંદનો થયો. પણ વચમાં અન્ય અનુવઅદ સંદર્ભે શૂન્યતા હતી. મેં એ શૂન્યતાને ભરી છે. એ નાના હતા ત્યારે એમણે એક ચીની નવલકથા વાંચેલી, જેમાં ભારતના પ્રવાસની વાત હતી. આ પુસ્તકની અસર એમના પર ખૂબ પડેલી, ને ત્યારથી એમને ભારતનું અને ભારતીય સાહિત્યનું કામણ લાગવા માંડેલું . તુલસિકૃત ‘રામચરિતમાનસ’નો અનુવાદ એમણે ચીની ભાષામાં કાવ્ય-સ્વરૂપે કર્યો છે, જેમાં એમને પાંચ વર્ષ લાગ્યાં હતાં. તુલસીદાસના શબ્દોની કાવ્યમયતા અને ભાવઘનતાને એ પૂરતો ન્યાય કરવા માગતા હતા. હસતાં હસતાં શુદ્ધ હિન્દીમાં એ કહે, “લોઢાના ચણા ચાવવા જેવું એ કામ હતું.” (જેમણે મુહાવરાનુ પુસ્તક લખ્યું હોય તે પોતે તો આવા કેટલાયે વાક્ય-પ્રયોગો જાણતા હોય.) આખું વ્યાખ્યાન એ લેખિત રૂપમાં તૈયાર કરીને લાવેલા, ને અંગ્રેજીમાં હતું. મને થાય કે હિન્દીમાં બોલ્યા હોત તો કેવું સારું થાત. કેટલાક ચીની અભ્ાસીઓ માને છે કે ૧૯૮૦ના દાયકા પહેલાં ચીનમાં રામાયણ અંગે કશી જાણકારી હતી નહીં, કારણકે એના ચીની અનુવાદો એ પછી થયા. પ્રો. જિન આ મતને ખોટો પુરવાર કરવા માગતા હતા. એમણે જણાવ્યું, કે ત્રીજી સદીમાં ‘વુ’ રાજવંશ દરમ્યાન એક બૌદ્ધ ભિખ્ખુએ ઘણાં સંસ્કૃત ધર્મ-પુસ્તકો ચીન દેશની મુખ્ય ભાષા ‘હાન’માં અનુદિત કર્યાં હતાં. એમાંના “ષટ્પારમિતા સૂત્ર” નામના પુસ્તકમાં આખી વાર્તા રામાયણ પરથી છે, પણ કેટલાંક નામો અને એનું સ્વરૂપ બદલાયેલાં છે, અને બૌદ્ધ ધર્મનું આરોપણ જોવા મળે છે. દા.ત. રામની જગ્યાએ બુદ્ધ, અને સીતા. લક્શ્મણ, દશરથ વગેરેને બદલે બોધિસત્ત્વો આવી ગયેલા છે. એ પછી, પાંચમી સદીમાં અનુવાદ પામેલા “રત્નસૂત્ર”માં રામ, લક્શ્મણ, ભરત, શત્રુઘ્ન અને દશરથ આટે છે, પણ સીતા કે રાવણનાં નામ પણ નથી. વાર્તામાં એટલું જ છે કે રામને વનવાસ મળ્યો, ત્યાંથી એ પાછા આવ્યા, અને એમનો રાજ્યાભિષેક થયો. સાતમી સદીમાં એક ભિખ્ખુ ભારત પહોંચેલા, ને ત્યાં સત્તર વર્ષ ગાળેલાં. એમણે લખ્યું કે, રામાયણમાં બાર હજાર શ્લોકો છે, અને એમાં બે મુખ્ય કથા છે : રાવણ દ્વારા સીતાનું અપહરણ થયેલું તે, અને રામ સીતાને પાછાં લઈ આવ્યા તે. આ પણ અડધી જ વાર્તા. જો રત્નસૂત્ર અને આને જોડીએ તો રામાયણની પૂરી કથા મળી આવે. સોળથી ઓગણીસમી સદીઓ દરમ્યાન ચીન, તિબેટ, મૉન્ગોલિયા વગેરે પ્રદેશોમાં મળતાં આવેલાં પુસ્તકો વિષે પણ પ્રો. જિને ખૂબ રસપ્રદ અને વિસ્મયકારી વિગતો કહેલી. છેવટે એ વીસમી સદી પર આવ્યા. એક મુખ્ય પુસ્તક ચીનમાં ૧૯૬૪માં બહાર પડ્યું -” સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ.” એમાં સ્વાભાવિક રીતે જ રામાયણ પર એક પ્રકરણ છે. ૧૯૮૦ સુધીમાં તો રામાયણ પર ઘણા લેખો અને નિબંધો ચીની છાપાં તથા સામયિકોમાં આવતા થયેલા. એક વિદ્વાને વાલ્મિકી-રામાયણનો ચીની અનુવાદ સાત ભાગમાં ૧૯૮૦થી ૧૯૮૪ દરમ્યાન પ્રગટ કર્યો. ૧૯૮૮માં પ્રો. જિને રામચરિતમાનસ પ્રકાશિત કર્યું. એની અઢી હજાર નકલો બે મહિનાની અંદર વેચાઈ ગઈ હતી. ચીનમાં હજી પણ રામાયણ માટે ખૂબ રસ તથા ધ્યાનપૂર્વક અભ્યાસ થતો રહે છે, અનુવાદો ઉપરાંત મૌલિક શોધ-નિબંધો લખાતા રહે છે, ચર્ચા-વર્તુળો ચાલે છે, પરિસંવાદ થાય છે, આંતર્રાષ્ટ્રીય રામાયણ સંમેલન યોજાય છે. શ્રોતાગણમાંથી કોઈએ મહાભારત વિષે પૂછૃયું, તો એમણે કહ્યું કે ચીનમાં કદાચ એ બહુ પ્રચલિત નથી, કારણકે એ ખૂબ લાંબું મહાકાવ્ય છે, એનું કથાવસ્તુ ઘણું જટિલ છે, ને એનું ભાષાંતર અતિકઠિન છે. એમાંની કેટલીક કથાઓ અનુવાદ પામી છે – જેમકે, ભગવદ્ગીતા. એક વાર સંપૂર્ણ મહાભારતના અનુવાદની યોજના થઈ હતી, સંસ્કૃતના પાંચ ચીની વિદ્વાનો હાજર પણ હતા, પરંતુ અગ્રવ્યક્તિનું અકાળે અવસાન થતાં એ પડી ભાંગી. પ્રો. જિન કહે, “ ચીનમાં એમ મનાય છે કે એક જગ્યાએ લેખિત રીતે એવું જણાવ્યું છે, કે આખા મહાભારતનો અનુવાદ કરનાર, કે કરવા ઈચ્છનાર, વ્યક્તિ અકાળે મૃત્યુ પામશે.” આપણાં મહાકાવ્યો શાપ પણ આપી શકે છે, ને તે પણ તદ્દન અન્યભાષી વિદ્વાનોને!