દરિયાપારથી.../નિર્વિવાદ, અમદાવાદ 2

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
નિર્વિવાદ, અમદાવાદ 2

શૈશવનું શહેર. જ્યાં ઉછર્યાં, જ્યાં મોટાં થયાં, જ્યાં જીવ્યાં તે જગ્યા. જાણ્યે-અજાણ્યે એ બની જાય છે મૈત્રીનો, કૌટુંબિકતાનો, જીવનનો પર્યાય. મનના સ્તરો પર, શરીરની ઈન્દ્રિયો સુદ્ધાંમાં, એ સ્થાન કેટલું પ્રસરી ગયું છે તે સભાનપણે ઘણાં જાણતાં નથી હોતાં. એ વિષે એમણે કદિ વિચાર્યું નથી હોતું. તો એમની આગળ એ સ્થાનના સ્વાદ, એના સ્પર્શ, એની સુગંધની વાતો શું નિરર્થક બનવાની? મને બરાબર યાદ છે, જ્યારે નાનાં હતાં ને બીજી જગ્યાએ મુસાફરી માટે જતાં ત્યારે ત્યાંનું પાણી પણ ભાવતું નહીં. ખરેખર તાવ પણ આવી જતો. અમદાવાદના પાણીનો સ્વાદ જાણે શરીરના સ્વાસ્થ્ય માટે જરૂરી ના હોય! શહેરનો સ્પર્શ વહે છે એની હવામાં, એના વાત-આવરણમાં. એક જમાનો હતો જ્યારે અમદાવાદની સાંજ પર મન મુસ્તાક હતું. ત્વાચાનાં છિદ્રોમાં હજીયે એ સ્પર્શની યાદ સચવાયેલી છે. ઉનાળાનો ગમે તેટલો ગરમ દિવસ હોય, કે આખો દિવસ શહેર સળગતું રહ્યું હોય, પણ સાંજે તો ઠંડક થઈ જ જવાની. હલકો વાયરો પણ વાય. સમય ખૂબ સરસ બની જાય. શું હજી બચી રહ્યું છે શહેરની સાંજોમાં આ અત્યંત રુચિર તત્ત્વ? રાતે અમદાવાદના ઘરની અગાશીમાં સુવાનો લાભ વર્ષો સુધી મળેલો. આકાશ આભલાં કે રૂપેરી બાદલાં ભરેલી રેશમી ઓઢણી જેવું દેખાતું. ઠંડી થઈ ગયેલી પથારીમાં સુખની નિદ્રા આવી જતી. ને સવારે ઝાકળની ભીનાશ અનુભવાતી. એ જ રીતે, અમદાવાદના જીવન દરમ્યાન વરસાદનાં શ્યામ-ઘેરાં વાદળોની ઘટા પર મન હંમેશ માટે મુગ્ધ બનેલું રહ્યું. પરદેશ ગયા પછી વર્ષો સુધી- ને કદાચ હજીયે- આવાં વાદળો જોઉં ને ઝુરી ઊઠું. એવું ગાઢ અને અટલ જોડાણ થઈ ગયું છે વર્ષા-ભર્યા ગગન સાથે ઘરના સંદર્ભનું. અમદાવાદ શહેરમાં વરસાદ પડતો જોવા – એટલેકે એને રુંવે રુંવે અનુભવવા – એક વાર ખાસ જુલાઈના મહિનામાં ઘેર ગઈ હતી. એવું બન્યું કે એ વર્ષે વરસાદ ખૂબ ઓછો થયો, ને જુલાઈ દરમ્યાનના મારા દિવસોમાં તો થયો જ નહીં. મારા મનનું સ્વરૂપ ચાતકનું બન્યું હતું. કાલે પડશે, કાલે પડશે – એ આશામાં રોજ વરસાદને જોવાની, એનો અવાજ સાંભળવાની રાહ જોતી હું બેસી રહી હતી. પહેલા વરસાદની ભીની માટીની સુગંધથી કોની યાદો તર નહીં રહેતી હોય? એમ થઈ જાય કે જાણે માટી ખાવા માંડીએ. નવી માટલીનું પાણી એની સુગંધથી મનને, તરસને કેવાં સંતોષે છે. શહેરના સ્પર્શની, સુગંધની યાદો. તારાથી ભરાયેલા, અને વાદળોથી ઘેરાયેલા આકાશની યાદો. રસ્તાઓ પરના રવની, ફૂલોના રંગની યાદો. એ બધી હવે તો યાદો જ. શું શું ગુમાવ્યું છે આપણે? શું શું જતું કર્યું છે શહેરે? ને કરાવ્યું છે? ભૂલોનો એકરાર કોણ કરશે? ભૂલોને સુધારવા તૈયાર કોણ છે?

* * *

શહેરને ધ્વનિ પણ હોય છે. આમ તો, વાહનોનો ધમધમાટ અને વસ્તીનો ઘુઘવાટ જ ઓળખાય એવા ધ્વનિ થઈને રહ્યા છે. પણ હજીયે મનમાં સચવાઈને રહેલાં, ગુજતાં સંભારણાં કેટલાંક છે – જ્યારે વહેલી સવારે સન્યાસાશ્રમનો ઘંટારવ સંભળાતો, દિવસની શરૂઆતે વિખરાતું અંધારું હોય ને દૂધવાળાઓની સાયકલોની ઘંટડીઓ વાગતી, અને દિવાળીના દિવસોમાં આવતો ‘સબરસ’નો સાદ તે દિવાળીના સહજ ઉમંગની સાથે જ ખોવાયો હશે કે? શાકવાળાઓના લય અને લ્હેંકા હજી ધ્યાનથી સાંભળું છું. ખાસ્સી હોશિયારી અને કળા હોય છે એ સંદેશોમાં. પણ મિલોની વ્હીસલોથી દિવસના જે સમય-ખંડ થતા તે હવે ઈતિહાસ થઈને રહી ગયા છે. એ જ રીતે, જો નદીના ભાઠામાં સરકસ આવ્યું હોય તો પ્રાણીઓના છાકોટા અને હુંકાર મોડી રાતે દૂર સુધી સંભળાતા. ઘરની પાછળ, સાવ નજીકના પાટાઓ પરથી જતી ટ્રેનોની ખડખડ બહુ ગમતી. રાતે અને સાવ વહેલી સવારે તો એન્જિન-ડ્રાયવર જોરથી લાંબી વ્હીસલ મારે જ. કેટલાંયે જણની ઊંઘ, એ નક્કી, જાણી-જોઈને ભાંગતો હશે. મને તો મજા આવે! ‘સોમનાથ મેલ ગયો’, હું મનોમન નોંધું, ને તરત પાછી સૂઈ જાઉં. રાત-દિવસના કેટકેટલા અવાજો. દિવસે ગુજરાત કૉલૅજના ઘંટનો અવાજ, ને રાતે સોસાયટીના ચોકીદારની સાવધાન રહેવાની ચેતવણી. કાગડા, ચકલાં, કાબરોની કચકચ કશી ખોટી નહતી, પણ બાર બાર વર્ષે ફરીથી સાંભળવા મળેલો કોયલનો ટહુકો? આહા! પ્રહર પ્રહરના ધ્વનિ. યાદ છે. હજીયે યાદ છે. પણ હવે વાહનોનાં વણથંભ્યાં હૉર્ન દિવસભર બધિર કર્યા કરે છે. ઘણી મોડી રાતે ઊંઘ ઊડી જાય ત્યારે જરાક ખુશી મળે છે, કારણકે ઘડીક મળેલી શાંતિને અનુભવી શકાય છે. અમદાવાદની પોતાની બોલી છે – જે ક્યારેક ગમે, ક્યારેક ના ગમે. અમુક લઢણોથી કાન ટેવાઈ ગયા છે – જેમકે, “આયા’તા” ને “લાયા’તા” વગેરે. અમદાવાદની બોલીગત લાક્શણિકતામાં અમુક શબ્દ વિશિષ્ટ ગણાય – જેમકે “ભઇસાબ” અને “સખ્ખત” વગેરે! અલબત્ત, લેખિત ભાષા ઘણી વધારે ચોકસાઈ માગે. અને ઉચ્ચારોની પણ એક બાબત છે. એમની શુદ્ધિની, ભાષાના ગૌરવની બાબત. એક આખું શહેર પણ ઓળખાય છે એની વાણીને લીધે. તો એની સાચવણી કેમ નથી કરતું આ શહેર? જે અન્યમનસ્ક લાગે છે, તે. હું જેની સ્મૃતિઓને વફાદાર છું, તે. મારી યાદોમાં જે શણગારાયેલું છે, તે. અમદાવાદ, અમદાવાદ.