દરિયાપારથી.../ફરી ત્યાં જઈ શકાય છે

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ફરી ત્યાં જઈ શકાય છે

ભાગ્યે જ કોઈ એવું હશે જેમને પોતાના જન્મની, કે જ્યાં ઘણાં વર્ષો ગાળ્યાં હોય તે જગ્યાને ફરી એક વાર જોવાનું મન ના થાય. “મૂળ”ના સ્થાને જવું ભારતીયોને માટે બહુ અઘરું નથી હોતું, કારણકે ગામ ત્યાંનું ત્યાં હોય છે, ઘણાંનાં ઘર પણ હોય છે, ને પરિચિતતાની નિશાનીઓ ઠેર ઠેર જોવા મળતી હોય છે. ભારતીયો તો બાપ-દાદાના જમાનાની વાતો અને વિગતો પણ જાણતાં હોય. પશ્ચિમની પ્રજા પાસે આવું કશું હોતું નથી. ઇતિહાસ જોઈએ તો દેખાશે કે પશ્ચિમના લાખો લોકોનાં જીવન બે વિશ્વયુદ્ધ દરમ્યાન રફેદફે થઈ ગયાં. ફક્ત દેશ જ નહી, વારસાગત ઘર-બાર પણ એ લોકો ગુમાવી બેઠા. પછીની પેઢીઓ માટે “મૂળ”ના સ્થાનનો કોઈ આધાર રહ્યો નહીં. અમેરિકા જેવો દેશ તો હિજરત કરીને, જીવ બચાવીને, ભાગી છૂટીને આવેલા યુરોપી લોકો વડે સૌ પ્રથમ વસવા માંડ્યો. પછી આફ્રિકા, ચીન, મેક્સિકો જેવા દેશોમાંથી ગુલામી માટે લવાયેલા લોકો એની પ્રજાનો ભાગ બન્યા. છેલ્લાં ચાલીસ-પચાસ વર્ષમાં અમેરિકાની ધન-સંપત્તિ તેમજ ત્યાંની ગ્નાન-સંપદાથી આકર્ષાઈને ત્યાં જનારાંની સંખ્યા વધતી ગઈ છે. આજના અમેરિકાની પ્રજાનો ઘણો ભાગ પોતપોતાના મૂળ સ્થાનનો દીવો મનમાં પ્રગટેલો રાખે છે. કેટલાંક એ સ્થાનને ફરી જોવા કે ફરી ત્યાં ેહએવા પાછાં જઈ શકે છે, ને કેટલાંકને માટે એ શક્ય નથી જ બનતું. જે બધાં યુદ્ધો, કોમી ક્રૂરતા, ને સરમુખત્યારોના ઘાતકીપણા વગેરેનો ભોગ બન્યા હશે, તેવાં અભાગીઓને પોતાને ‘ઘેર’ પાછાં જવાની શક્યતા હોતી જ નથી. આ નવી સદીના અમેરિકામાં પ્રજાજનો દ્વારા એક જુદા પ્રકારનું સ્થાનાંતર થઈ રહ્યું છે. અઢારમી સદીથી અમેરિકામાં શહેરોની રચના થવા લાગી, અને શહેરો આર્થિક, ઔદ્યોગિક, સાંસ્કૃતિક વગેરે બધી રીતે અગત્યનાં કેન્દ્ર બન્યાં. શહેરોની વસ્તી ઘણી ફૂલી-ફાલી. વીસમી સદીના મધ્યકાળીથી વસવાટના વિકેન્દ્રીકરણની પ્રક્રિયા શરૂ થઈ, અને અત્યાર સુધીમાં તો દેશનો ચહેરો તેમજ માનસ બદલાઈ ગયાં છે. ૧૯૬૦ના અરસામાં અમેરિકાની ગૃહસ્થીની આકૃતિ લગભગ સરખા ત્રણ હિસ્સામાં વહેંચાયેલી હતી – ગ્રામીણ, શહેરી, અને ઉપાંચલ, એટલેકે સબર્બ. આ એક નવો શબ્દ બન્યો, પ્રચલિત થયો, અને આજે આ‘સબર્બન લાઈફ’ દેશમાં અત્યંત અગત્યની જીવન-શૈલી બનેલી છે. શહેરની અને સબર્બની જીવન-રીતિ ક્યારેક ભળે છે, વધુ ભાગે ભિન્ન રહે છે. અસંખ્ય લોકો વર્ષો સુધી શહેરમાં જતા પણ નથી. પશ્ચિમના દેશોના મોટા ભાગના લોકો વારસાગત મૂળ સ્થાન તો નથી જ પામ્યા હોતા, પણ ટ્યક્તિગત મૂળ સ્થાન કહેવાય એવું પણ એમને મળ્યું હોતું નથી. ક્યારેક આપણે એમની દયા ખાઈએ, કે કેવા વંશ-વેલા વગરના અને વડીલોથી વંચિત છે, તો કોઈ વાર એમ થાય કે નસીબવાળા છે કે ઘર-ઘર કરીને ઝૂરવું નથી પડતું. આ સાથે જ, જે લોકો પોતાની ઈચ્છાથી કે પરાણે પોતાનો દેશ છોડીને અમેરિકામાં વસવા આવ્યા હોય તે બધા – જે દેશે એમને અપનાવ્યા, જીવાડ્યા, પોષ્યા, સાચવ્યા તે – અમેરિકા દેશને હવે સાચું ઘર સમજીને પૂર્ણતયા ચાહી શકતા નથી, આ ઉદાર રાષ્ટ્રના હિતને વફાદાર થઈ શકતા નથી. અમેરિકા આવીને વસેલા અનેકાનેક લોકો -ભણેલાગણેલા અને બુદ્ધિમાન હોય તો પણ – પોતાને બંને તરફથી ‘વિદેશી’ માનતા હોય છે. “જ્યાંથી નીકળી ગયા ત્યાંથી પારકા, અને જ્યાં વસ્યા ત્યાં બહારના” – કંઈક આવી માન્યતા હોય છે એમના મનમાં. આવો અભિગમ આ દેશ પ્રત્યે તેમજ પોતાની જાત પ્રત્યે અન્યાયકર્તા ગણાય. મનને જો સ્વસ્થ અને સુદૃઢ કરી શકાય તો લાગશે કે જીવન કશું ‘પારકું કે પોતાનું’ અથવા ‘વારસાદત્ત અને વંચિતતા’માં વિભાજિત હોય તે જરૂરી નથી. “ઘર” ખરેખર એવું એક સ્થાન છે જેને ઘણી સહેલાઈથી ચાહી શકાય છે, જે આપણું-એમનું-દરેકનું ને કોઈનું પણ હોઈ શકે છે. એ મૂળના સ્થાનથી ભિન્ન હોઈ શકે છે, ને તેથી ઘણું ઓછું જટિલ પણ હોઈ શકે છે. “મૂળ”-નો જો આઘાર હોય છે, તો “ઘર”ની હુંફ હોય છે. સ્પેનિશ ભાષામાં એક બહુ સરસ ઉક્તિ છે : “ મિ કાસા એસ સુ કાસા”- એટલેકે મારું ઘર તે તમારું ઘર છે. હું દુનિયામાં ફરતાં ફરતાં રટણ કરતી હોઉં છું – તમારું ઘર તે મારું ઘર છે, એટલેકે મને બધે ઘર જેવું લાગતું હોય છે. એ વ્યક્તિને દેશો અને દિશાની અવધિ અવરોધક બનતી નથી, કે જેને બધે ઘર જેવું લાગે છે, ક્યાંય પારકા જેવું લાગતું નથી. પછી વારસાની અને વંચિતતાની સરહદો અટકાવતી નથી. ફરીથી, ને ફરી ફરી, “ઘેર” જવાની ઈચ્છા શક્ય બનતી રહે છે, ને ફરી ઘેર જરૂર જઈ શકાય છે.