દરિયાપારથી.../વર્ડ્સવર્થના સ્મરણમાં

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
વર્ડ્સવર્થના સ્મરણમાં

બહુ વર્ષો પહેલાં, સૌથી પહેલી વાર ઇંગ્લૅંડ જતી હતી ત્યારે વિમાન એ ભૂમિ પર ઊતર્યું પણ નહતું અને ભાવવિભોર થઈને હું મનમાં ને મનમાં રટતી હતી – “આહ, ટુ બી ઇન ઇંગ્લૅંડ”. વિલિયમ વર્ડ્સવર્થના લખેલા એ શબ્દો. પછી તો ઘણી વાર હું ઇંગ્લૅંડ ગઈ, તોયે આજે પણ, એ જ શબ્દો એવા જ ભાવ સાથે ગણગણું છું. પ્રકૃતિ-પ્રેમી અને સાહિત્ય-પ્રેમી કોઈ પણ વ્યક્તિ ઇંગ્લૅંડ જતાં, કે ઇંગ્લૅંડને યાદ પણ કરતાં, આ શબ્દો રટે તો તેમાં નવાઈ નથી. ઇંગ્લૅંડનો ભૂમિ-પટ એટલો હરિયાળો અને રળિયામણો છે કે એ દુનિયાભરમાં વખણાય છે. વળી, એના ખૂણે ખૂણેથી, સદીઓથી, ઉત્તમ સાહિત્ય સર્જાતું આવ્યું છે. ઇંગ્લૅંડનાં કેટલાયે વિભાગો અને શહેરો સાથે અગણ્ય સર્જકોનાં નામ જોડાઈ ગયેલાં છે. જો લંડનના મોહપાશમાંથી છટકી શકાય તો આવાં સાહિત્ય-સ્થાનો જોવા જવાનો સમય મળે. અંગ્રેજી સાહિત્યની વિખ્યાત કૃતિઓમાં વણાઈ ગયેલાં સ્થાનો, જેવાંકે ચૉસરનું કૅન્ટરબરિ, ઑસ્કર વાઇલ્ડનું ચૅલ્સિ, થૉમસ હાર્ડીનું ડૉર્સેટ, આગાથા ક્રિસ્ટીનું ડેવન, જેન ઑસ્ટિનનું બાથ વગેરે. આ જ રીતે, સર્વશ્રેષ્ઠ રોમાન્ટિક અંગ્રેજ કવિ વિલિયમ વર્ડ્સવર્થનું દક્શિણ કમ્બ્રિયા. એ વિભાગ પ્રચલિત રીતે “લેક ડિસ્ટ્રિક્ટ” તરીકે ઓળખાય છે. તળાવોથી યુક્ત એ પરિસર સદીઓથી પ્રવાસીઓમાં પ્રિય બનેલો છે, અને રોમાન્ટિક યુગના કવિઓ માટે એ હંમેશાં પ્રેરણાદાયક રહેલો છે. કવિ વિલિયમ વર્ડ્સવર્થ (૧૭૭૦ -૧૮૫૦) એમના જીવનનાં પહેલાં વીસ અને છેલ્લાં પચાસ વર્ષ દક્શિણ કમ્બ્રિયાનાં ગામોમાં રહ્યા, અને આસપાસના નૈસર્ગિક નિખારથી આજન્મ પ્રભાવિત રહ્યા. ત્યાંનાં સરોવર, પહાડો, વન, ફૂલપાન, લીલા ઢોળાવો પર ચરતાં ઘેટાં, અને વહેતા પવનનાં વર્ણન એમના આત્મકથાનક ‘પ્રિલ્યુડ’ ઉપરાંત અનેક કાવ્યોમાં વારંવાર સ્થાન પામતાં રહ્યાં છે. અત્યારે તો હજારો પ્રવાસીઓ આ “વર્ડ્સવર્થ-પ્રદેશ”ને જોવા આવે છે, પણ એ હયાત હતા ત્યારે પણ અનેક લોકો એમની ખ્યાતિથી ખેંચાઈને એમને મળવા આવતા રહેતા. એ પ્રદેશને જોવા હું લંડનથી નીકળીને, ટ્રેન દ્વારા, કાર્લાઇલ નામના ગામે ગઈ. કમ્બ્રિયા વિભાગનો, ઉત્તર તરફનો, સ્કૉટલૅન્ડની સીમા પરનો આ છેડો. ચોતરફ લીલોતરી, ઊંચી-નીચી ધરતી, સાંકડા રસ્તા. ઇંગ્લૅંડમાં ઈતિહાસ તો સર્વત્ર છે, પણ તોયે કાર્લાઇલમાં તો પ્રાચીનતાનાં પ્રમાણ છે. ઈ.સ. ૧૨૨માં (બીજી સદી) રોમન મહાસમ્રાટ હેડિયનની આગ્ના પ્રમાણે એંસી માઈલ લાંબી એક દીવાલ બાંધવાની શરૂઆત થઈ હતી. એ પહાડી પ્રદેશમાં ઠેર ઠેર આ ઊંચા કોટનાં ચિહ્ન આજે પણ જોવા મળે છે. ત્યારે તો નિયમિત અંતરે એના પર બાર સૈનિક રહી શકે તેવા સુરક્શા-કિલ્લા, નિરીક્શણ-મિનાર, લશ્કરને માટે રહેવાની જગ્યાઓ વગેરે બનાવાયાં હતાં. આમાંનું ઘણું બધું ભગ્ન થઈ ગયું, પણ બ્રિટિશ સરકારે શક્ય હતું ત્યાં સમારકામ કરાવ્યાં, ને એ દીવાલના ખંડિયેરોને રાષ્ટ્રીય સ્મારક જાહેર કર્યાં. સિક્કા, માટી અને ધાતુનાં વાસણોના ટુકડા, હાડકાં વગેરે જે બધું મળી આવ્યું તે નજીકનાં ગામોનાં સંગ્રહાલયોમાં પ્રદર્શિત થયેલું છે. આધુનિક સ્થાનો જરૂર ગમી જતાં હોય છે, પણ આવું પ્રાચીન કશું જોઈએ ત્યારે તે અવનવું, આશ્ચર્યજનક તેમજ આકર્ષક લાગે છે. એ ઐતિહાસિક દીવાલના પથ્થરોને મેં બે હથેળી ચાંપી ચાંપીને વારંવાર સ્પર્શ્યા કર્યા, અને સમ્રાટ હેડિયનના સમય-કાળને કલ્પ્યા કર્યો. બીજી તરફ, કાર્લાઈલ શહેરમાં, એના પુરાતન કિલ્લા-મહેલની સામે, નવું જ કળાલય ખુલ્યું છે, જેનું સત્તાવાર ઉદ્ઘાટન બ્રિટનનાં રાણીએ ચાર દિવસ પહેલાં જ કરેલું. આ કમ્બ્રિયા વિભાગમાં જવાનો મારો મુખ્ય ઉદ્દેશ તો કવિ-સમ્રાટ વર્ડ્સવર્થને સ્મરવાનો હતો. હું તો જાહેર વાહનોમાં ફરનારી પ્રવાસી. કાર્લાઈલથી કેસિકની બસ લીધી, ને ત્યાંથી તરત વિન્ડરમિયર (Windermere) જવાની બસ લીધી. નિર્બંધ પ્રકૃતિ, કમ્બ્રિયાનો વિખ્યાત ટેકરિયાળો પ્રદેશ, ગ્રામ્ય-સહજ દૃશ્યો. ઊતરતા, ચઢતા અને વળતા જતા રસ્તાઓ પર સંગ્ના આવે તો તે ગાય-વળોટની, ઘેટાં-વળોટની હોય! નજીકના ઢોળાવો લીલા હતા, પાષાણી ભેખડો સૂકી હતી, ને દૂરનાં શિખરો પર બરફના લિસોટા હતા. મને વિન્ડરમિયર નામ ગમી ગયેલું, ને પછી ગામ પણ. હજી પ્રવાસની ઋતુ શરૂ નહતી થઈ, તેથી ભીડ નહતી. એક અંગ્રેજ સ્ત્રીના ઘરમાં ભાડાનો રૂમ મળી ગયો. ઘરમાં એ ને હું. મારી પાસે ચાવી, જવા ને આવવાની છૂટ. ઘર જેવું જ લાગ્યું, ને બહુ ગમ્યું ત્યાં. વિન્ડરમિયર તળાવ સાડા દસ માઈલ લાંબું છે, ને દેશનું મોટામાં મોટું ગણાય છે. જ્યાં ને ત્યાં રંગરંગી ટ્યુલિપ ફૂલોનો દર્પ, ગીચ વૃક્શો, કે લીલાંછમ મેદાન. વચમાં વળી વિક્ટોરિયન શૈલીનાં સુશોભિત મકાન. કલાકો સુધી હું નૌકામાં ફરી, અને કિનારે ચાલતી રહી. મનના ભાવ સ્થળને અનુરૂપ હતા – શાંત, સૌમ્ય, આનંદિત. જે દિવસે વર્ડ્સવર્થને અર્ઘ્ય આપવા નીકળી તે ખુશનુમા હતો. ઇંગ્લૅંડમાં તો સારી ઋતુ મળે તે પણ ભાગ્ય ગણાય. બસમાંથી ઊતરીને અડધા માઈલનો ઢાળ ચઢતાં “રાયડલ માઉન્ટ” કહેવાતું નિવાસસ્થાન આવે. કવિ ત્યાં ૧૮૧૩થી ૧૮૫૦ સુધી વસેલા. એ જમાનામાં એ પોતે તો ભાડું આપીને રહેલા, પણ હવે એ ઘર એમની ચોથી-પાંચમી પેઢીનાં સંતાનોની માલિકી હેઠળ છે. એ કુટુંબીઓ ત્યાં થોડા દિવસ રહેવા પણ જતાં હોય છે, પણ ૧૯૭૦થી એ મકાન અને ઉદ્યાન દર્શનાર્થે ખુલ્લાં મુકાવામાં આવ્યાં છે, અને “ઐતિહાસિક આવાસ” કહેવાય છે. ઘર ખૂબ મોટું, હવા-ઉજાસથી ભરપુર, અને સુંદર છે. એ જમાનામાં બારીઓ પર વેરો લેવાતો, તેથી કુટુંબો બારીઓ બંધ કરીને એમને છુપાવી દેતાં. કવિના આ ઘરમાં પણ એક વધારાની બારી, સમારકામ દરમ્યાન, વર્ષો પછી મળી આવેલી. કવિની કેટલીયે વસ્તુઓ, તસ્વીરો અને પુસ્તકો દરેક રૂમમાં છે. ઘરના નકશા અંગેની બધી વિગતો આપતા કાગળ, વિવિધ દેશોના પ્રવાસીઓ વાંચી શકે તે માટે, વીસથી વધારે ભાષામાં લખીને ત્યાં મૂકાયા છે. એમાં આપણી હિન્દી, બંગાળી, તામિલ, સિંધી જેવી ભાષાઓ પણ સામેલ હતી. જેને જે ભાષા ફાવે તેનો કાગળ હાથમાં લઈને પ્રવાસીઓ રૂમોમાં ફરતા જાય, અને માહિતી મેળવતા જાય. સાડા ચાર એકરનો ઉદ્યાન આસપાસના ઢોળાવો પર ફેલાયેલો છે. એની રચના કવિએ જાતે કલ્પી હતી, ને આજે પણ એ જ કલ્પન અને ડિઝાઇન પ્રમાણે એને સાચવવામાં આવે છે. વર્ડ્સવર્થે એક વાર કહેલું, કે “હું જો કવિ ના થયો હોત તો કળાત્મક ઉદ્યાન-રચયિતા થયો હોત!” એવો હતો એમનો પ્રકૃતિ-પ્રેમ. ’પ્રિલ્યુડ’માં એ કહે છે, “અહો, નિસર્ગની સન્નિધિઓ – આકાશમાં હોય તે, પૃથ્વી પર હોય તે પણ. અહો, પર્વતનાં દર્શન! અને અહો, સૌંદર્યમય સ્થાનોની ચેતના!” ઉદ્યાનમાં ઉપર અને નીચે જતી પગથીઓ છે, ઢોળાવના જુદા જુદા સ્તરો પર બેઠકો મૂકેલી છે. બધેથી વિન્ડરમિયર સરોવસ દેખાતું રહે છે. મકાનની અંદરના એમના બેઠક-ખંડમાંથી પણ. ઉપરાંત, સામેના પર્વતોની હારમાળા, જેના પર શિયાળા દરમ્યાન બરફ છવાતો હશે. ક્યાંક હતાં વૃક્શો, તો ક્યાંક રંગ રંગનાં ફૂલો. કેટકેટલી જાતનાં પંખી હશે? દરેકનો ટહુકો જુદો હતો. આ ઉદ્યાનમાંથી જવાનું મન નહતું થતું. ઘરની પાછળથી એક પથ જતો હતો – ખેતરોમાં થઈને, ઢોળાવો આંબીને. છેક દૂર, “ડવ કૉટૅજ” સુધી એ પથ પહોંચતો હતો. એમ તો આગળના મુખ્ય માર્ગ પર ચાલીને, કે બસ અથવા પોતાના વાહનમાં પણ ત્યાં પહોંચાય. પણ એવું શું કામ કરવાનું? એટલેકે કુદરતમાં થઈને જવાનો અનુભવ આ કમ્બ્રિયામાં અતિ-વિશિષ્ટ છે. આમ તો અડધો કલાક થાય તે પથ પર ચાલતાં મેં દોઢ-બે કલાક કર્યા. ક્યાં કશે કોઈ બોલાવતું હતું મને, કે રાહ જોતું હતું મારી? ક્યાં હતી કોઈ ઉતાવળ મારે? આ માટે જ તો હું આવી હતી અહીં. હતો તો પહાડી, પથ્થરિયો મારગ. ઢોળાવ પડતાં ખેતરિયાંમાં થઈને જાય. પારકાંનાં ખેતરો, પણ આમ કોઈ પણ ચાલી જઈ શકે. ફક્ત બે ખેતર વચ્ચે આવતા ઝાંપા ખોલતાં અને સરખા બંધ કરતાં જવાનું. થૉમસ હાર્ડી ( ૧૮૩૦-૧૯૩૨)ની નવલકથામાં આવું કરતાં પાત્રો વિષે વાંચેલું ત્યારથી કમ્બ્રિયાનાં ખેતરિયાં વળોટવાનાં, ઝાંપા ઉઘાડ-બંધ કરવાનાં કલ્પન મનમાં વસી ગયેલાં. આજે મનને બહુ તૃપ્તિ મળતી હતી. વર્ડ્સવર્થે જોયાં હશે તે દૃશ્યો હવે હું જોઈ રહી હતી. દોઢસો વર્ષે આવ્યો હતો મારો વારો! મુખ્ય માર્ગ અને વાહનોથી દૂર અહીં કશું જ બદલાયું નહતું. આ વૃક્શ, પહાડ, ને નીચે ડોકાતું સરોવર – બધું એમ ને એમ જ હતું, ચિરસ્થાયી હતું. ઘણાં ઝાડને નવી કૂંપળ આવી હતીં. ફરી એક વસંત અહીં બેઠી હતી. ખેતરોની નીચી પાળીઓના પથ્થરોને હાથ લગાડતી, ઝાંપા ઉઘાડ-બંધ કરતી, પથ્થરિયા કેડી પર ચઢતી, મનમાં ગણગણતી, બે કાવ્યો લખતી, હું ચાલતી ગઈ, ક્યાંક બેસતી ગઈ. બીજું કોઈ જ નહતું એ પથ પર. હતાં ક્યાંક ક્યાંક સંતોષથી બેઠેલાં ઘેટાં. મને થાય, કે જાણે આ પથ પૂરો ના થાય, આ પ્રયાણનો અંત ના આવે. પહાડો પર ને ખેતરોમાં થઈને અડધું ગોળ ફરીને હું બીજી બાજુ આવી હતી. પેલી ઊંચી ભેખડ આ તરફથી હવે જોઈ શકું છું. પણ બીજી કેટલીયે ભેખડો છે મારી આસપાસ. શું હશે એમની પેલી તરફ? “ડવ કૉટૅજ”માં કવિ આઠ વર્ષ રહ્યા. એ તો સાદી, ઘણી ઓછી સુવિધાવાળી, ખૂબ નાની જગ્યા છે. અન્ય સર્જક મિત્રો સાથે અહીં એમણે આનંદથી સમય ગાળ્યો. અહીંના નાનકડા ઉદ્યાનમાંથી પણ ગ્રાસમિયર તળાવનાં અને પહાડોનાં દર્શન તો ખરાં જ. એ જમાનામાં તો આ કૉટૅજ અને તળાવની વચ્ચે કાંઈ જ નહતું. હવે તો બીજાં ઘણાં બાંધકામ થઈ ગયાં છે. ગ્રાસમિયર ગામમાંના સેઇન્ટ ઑસ્વાલ્ડ ચર્ચની પાછળ કવિ તથા કુટુંબીઓ દફન થયેલાં છે. ત્યાં પણ કવિને પ્રણામ કરી આવવાના હોય. વિન્ડરમિયર ગામને એક છેડે આઠસોએક ફીટ ઊંચી એક જગ્યા છે. ત્યાંથી સર્વ દિશા મોકળી લાગે છે. જંગલના અંધારા જેવા, ખરેલાં પાંદડાંથી છવાયેલા, વધારે કઠિન બનતા જતા રસ્તે ચઢતાં જાઓ તેમ તેમ, વધારે ને વધારે દૂર સુધીની દૃશ્યાવલિ નજર સમક્શ ખુલતી જાય. વિન્ડરમિયર સરોવરની આખી લંબાઈ, કેટલીયે હોડીઓ, લીલાં મેદાન, વન જેવી ઝાડી, ગામનાં મકાન, ખેતરો, એમની પાળીઓ, છુપાયેલા રસ્તા કે જેમનો ખ્યાલ કોઈ વાહન જાય ત્યારે જ આવે, વગેરે ગોળ ફરતે દેખાતાં જાય. સંપૂર્ણ રીતે રમ્ય, ગ્રામ્ય અને ઉપશમક સ્થાન. ખેતરોમાં થઈને જતાં જે છેલ્લો ઝાંપો આવ્યો, તેની પાસેના પથ્થર પર કવિના આ શબ્દો કોતરેલા હતા – “તેં મને આંખો આપી આ અદ્ભુત દૃશ્યો જોવા. હવે મને હૃદય આપ સઘળે તને જોવા.”