દરિયાપારથી.../વૈવિધ્યનું નગર, વિસ્મયનું નગર

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
વૈવિધ્યનું નગર, વિસ્મયનું નગર

શોખની વસ્તુઓ, અનન્ય કળાકૃતિઓ, અમૂલ્ય રત્નો ને આભૂષણો માટે મોં માગ્યા પૈસા ખરચનારાં, તેમજ એ બધાંનો વ્યવસ્થિત સંગ્રહ કરનારાં દુનિયામાં સદીઓથી રહ્યાં છે. સાથે જ, આવી ‘એન્ટીક’ અને અપૂર્વ ચીજો શોધી આપે, મેળવી આપે, વેચી આપે તેવાં લિલામ-ગૃહ પણ સદીઓ પહેલાંથી સ્થાપિત થતાં આવ્યાં છે. એવું એક લિલામગૃહ (Auction House) સાચે જ પોણા ત્રણસો વર્ષ પહેલાં લંડનમાં શરૂ થયેલું. પછી ૧૯૫૫માં એ ન્યૂયૉર્ક શહેરમાં ખૂલ્યું. આજે આખી દુનિયાના ચાલીસથી વધારે દેશોમાં આ “સોધેબિ” નામના લિલામ-ગૃહની ઑફીસો છે. અમેરિકા, કૅનૅડા, ઇંગ્લૅંડ, આયરલૅન્ડ, આર્જેન્ટિના, બ્રાઝીલ, ઇઝરાયેલ, ચીન, જાપાન, કોરિયા, સિંગાપોર, હોંગકોંગ, ઑસ્ટ્રેલિયા, સ્વિડન, ફ્રાન્સ, જર્મની, આઇસલૅન્ડ, ઇટાલી વગેરેમાં થઈને એકસોથી વધારે સોધેબિ-કેન્દ્ર થયેલાં છે. કેટલાંક વર્ષ પહેલાં પણ ભારતમાં પણ બે કેન્દ્ર ખોલેલાં. અમેરિકામાં તો એમની પચીસેક ઑફીસો છે. અગત્યની, અસામાન્ય ચીજોની ખરીદી કોઈ પણ કેન્દ્ર કરી શકે, પણ વેચાણનાં થાણાં ચૌદેક છે – ન્યૂયૉર્ક, લંડન, ઍમ્સ્ટરડૅમ, મિલાન, મૅલબર્ન, ઝ્યુરિક વગેરે જેવાં શહેરોમાં. સોધેબિની નજર શેના પર રહેતી હોય છે, તે પણ જાણવા જેવું છે : ટપાલની ટિકિટો, સિક્કા, ઘડિયાળો, ચંદ્રકો, પુસ્તકો, હસ્તપ્રતો, તસ્વીરો, ચિત્રો, જાજમો, આભૂષણો ઇત્યાદિ, અને, એન્ટીક ઑટોમોબિલ પણ. પસંદગી તો જ થાય જો કોઈ પણ વસ્તુ અસાધારણ હોય. અસંખ્ય નિષ્ણાતો આ કામ માટે નિમાયેલા હોય છે. અને લિલામનો સાદો અર્થ જો હરાજી થતો હોય, તો એ જાણવું જોઈએ કે સોધેબિમાં ( તેમજ એવાં અન્ય લિલામ-ગૃહોમાં) થતી વેચાણની પ્રક્રિયા ખરીદનારાં દ્વારા નિઃશબ્દે, એક ખાસ કાર્ડ હલાવીને કરેલા ઇંગિતથી થતી હોય છે. ખરીદવામાં રસ ધરાવનારાં જો હાજર રહેવા ના માગતાં હોય, અથવા પરદેશમાં રહેતાં હોય, તો ખાસ એજન્ટો, લિલામ દરમ્યાન, ટેલિફોન દ્વારા એમને મદદ કરતાં રહે છે. ન્યૂયૉર્કમાં સોધેબિનું લિલામ-ગૃહ ખૂબ સરસ જગ્યાએ છે. બહારથી ખબર પણ ના પડે કે મકાનની અંદર આવું કેન્દ્ર હશે. અંદર મોટા પાંચ ખંડ છે, જેમાં એક સાથે એકથી વધારે લિલામ પણ ચાલી શકે. અઠવાડિયે બે-ત્રણ કે વધારે વિશેષ વેચાણ ગોઠવાયાં હોય. ખરીદવામાં રસ હોય તેઓ તો જાય જ, પણ ફક્ત કળાત્મક ચીજો જોવામાં રસ હોય તેવાં પણ થોડાં જણ જાય. મોટા ભાગનાં લિલામ જાહેર જનતા માટે ખુલ્લાં હોય. કેટલાંક વર્ષો પહેલાં, સોધેબિ તરફથી, એના લાંબા ઇતિહાસમાં પહેલી વાર, સમકાલીન ભારતીય ચિત્રોનું લિલામ થવાનું હતું. એક શ્રીમંત અમેરિકન ૧૯૬૬માં દિલ્હીની નૅશનલ આર્ટ ગૅલૅરીમાં વિખ્યાત ભારતીય ચિત્રકાર મકબૂલ ફિદા હુસેન (એમ.એફ.હુસેન)નું કરેલું ‘ઝમીન’ કહેવાતું મહા-ચિત્ર જોઈને એટલા મંત્રમુગ્ધ થઈ ગયા હતા, કે ત્યાર પછી ભારતીય ચિત્રોને એ ખૂબ ધ્યાનથી જોવા અને ખરીદવા માંડ્યા. એમ કરતાં એમના સંગ્રહમાં ત્રણ હજારથી પણ વધારે સમકાલીન ભારતીય ચિત્રો થઈ ગયાં. આ માટે એક ખાસ કળાગૃહ એ બંધાવવા માગતા હતા, ને એ માટે ફંડ ઊભું કરવા એમણે પોતાના સંગ્રહમાંથી ૨૧૬ ચિત્રો સોધેબિને લિલામ કરવા આપ્યા હતા. કુલ આડત્રીસ જેટલા ભારતીય ચિત્રકારોની એ બધી કૃતિઓ હતી. એ બધાં જ નામ જાણીતાં છે, જેમકે – જામિની રાય, એમ.એફ.હુસેન, બિરેન દે, રઝા, સંતોષ, રામકુમાર, પટવર્ધન, મનજિત બાવા, ભૂપેન ખખ્ખર, વિનોદ દવે વગેરે. ઉપરાંત, સાતેક જેટલાં સ્ત્રી-ચિત્રકારોનો પણ આ યાદીમાં સમાવેશ થયેલો હતો, જેમકે – અર્પિતા સિંઘ, નલિની માલાની, જયશ્રી ચક્રવર્તી, વસુન્ધરા તિવારી વગેરે. આખી પ્રક્રિયા અઢી કલાક ચાલી. પચીસેક ચિત્રો જ ના વેચાયાં. એમ.એફ.નાં તો ચાલીસ જેટલાં ચિત્રો વેચાયાં. એ બધાં માટે તો ખરેખર જાણે પડાપડી જ થઈ હતી. પૈસા પણ એમનાં ચિત્રોને સૌથી વધારે મળ્યા, ને તે આંકડા તો લાખોમાં હતા. તોયે, આંતર્રાષ્ટ્રીય માર્કેટ પ્રમાણે તો ઘણાં “સસ્તાં” જ કહેવાય! એમાં ‘મધર ટૅરૅસા’ નામના ચિત્રને તો, અલબત્ત, સંદર્ભને કારણે પણ ઘણો વધારે ભાવ મળ્યો. છેલ્લે ત્રણ ખરીદનારાંમાં એને માટે ખેંચતાણ થતી રહી. હિન્દુજા અને મુરજાની જેવા ધનિક ઇન્ડિયનો સાથે એજન્ટોએ ટેલિફોન દ્વારા સતત સંપર્ક રાખ્યો હતો. એ મોંઘામાં મોંઘી કળાકૃતિ કોણે ખરીદી તે જાહેર ના થયું. આવાં લિલામથી જ ‘માર્કેટ’ ઊભું થાય, અને સમકાલીન ભારતીય ચિત્ર-કળાનો પ્રચાર થાય, તેમજ એ અંગે જાણકારી વધે – એવો એક સાર્વજનિક મત હતો. સોધેબિએ એક ઐતિહાસિક પહેલું પગલું લીધું, એથી હાજર રહેલાં ( મારા જેવાં) ભારતીયો બહુ ખુશ હતાં. ભારતીય વિષય હતો એટલે વળી શહેરમાં રહેતાં થોડાં ભારતીયો એ કળા-પ્રસંગમાં સામેલ થયેલાં; અન્યદેશીય લિલામ-પ્રસંગોમાં ભાગ્યે જ દેખાય. ન્યૂયૉર્ક શહેરમાં કળા-દર્શન તો સતત ચાલુ રહેતું હોય છે. જેમકે, એના ‘ફિફ્થ એવન્યૂ’ નામના એક સુંદર મારગ ઉપર “મ્યુઝિયમ માઇલ” કહેવાતા એક-દોઢ માઇલ જેટલા લંબાણમાં સળંગ બારેક મ્યુઝિયમ આવેલાં છે. એ દરેકમાં લાખોની સંખ્યામાં કળાકૃતિઓ પ્રદર્શિત થયેલી હોય છે, જેમના થકી વિશ્વની પ્રાચીન-અર્વાચીન સંસ્કૃતિઓ, તથા ઉત્કૃષ્ટ કળા-સામગ્રીઓથી પરિચિત થઈ શકાય છે. બધાંયે કળાગૃહોના માતામહ જેવા કહી શકાય તેવા ઈમેટ્રોપોલિટન મ્યુઝિયમ ઑફ આર્ટ”માં અમેરિકન ને યુરોપી કળા તો ખરી જ, પણ ઇજિપ્શિયન, ચીની, જાપાની વગેરે દેશોના અદ્વિતીય સંચય છે. આ ઉપરાંત, એમાં ભારતીય તેમજ ઇસ્લામિક કળાકૃતિઓનો અનન્ય અને અસાધારણ સંપુટ છે. પાછું એ બધું પ્રદર્શિત થયું છે પણ અસાધારણ કળાત્મકતાથી. ઇસ્લામિક કળા-ખંડમાં જાઓ તો એ શૈલીનાં સ્તંભ અને કમાન કરાયેલાં અને નાના ફુવારા મૂકેલા જોવા મળશે, અને એક તો આખો સંગીતની મહેફીલ માટેનો ખંડ રજૂ થયો છે. એ જોવા ઊભાં રહીએ ને ખરેખર જાણે સંગીતના સૂરો સંભળાય. અન્યત્ર, બારીક કોતરણી કરેલો લાકડાંનો મંડપ જોઈ શકાય છે. ગુજરાતના પાટણમાંથી લાવીને અહીં તાદૃશ રૂપે એ ઊભો કરાયો છે. પ્રાચીન શિલ્પોમાં એક યશોદા માતા અને બાળકૃષ્ણનું તો અદ્ભુત જ કહેવાય તેવું છે. મ્યુઝિયમ માઇલ પરના દરેક કળાગૃહની અંદર તો પોતપોતાની રીતે વૈવિધ્ય છે, વિશિષ્ટતા છે જ, પણ એમની બહાર પણ વાતાવરણ કળાપ્રદ જ હોય છે. વર્ષમાં એક સાંજે તો ખાસ. જૂનની શરૂઆતના દિવસોમાં, હજી અહીં ઉનાળો માંડ શરૂ થયો હોય ત્યારે, એક સાંજે આ માર્ગને વાહનો માટે બંધ કરી દેવામાં આવે છે, સાત-આઠ મ્યુઝિયમ વિના-મૂલ્યે પ્રવેશ આપે છે. કળા જોવા જવા માટે લાઇનો થઈ જાય ખરી, પણ મોંઘી પ્રવેશ-ફી તો ટાળી શકાય. એ સિવાય, સરસ સાંજે ટહેલવાનો આનંદ પણ ઓછો નથી હોતો. વળી, દરેક મ્યુઝિયમની બહાર, અથવા એના મકાનની અંદર, જુદું જુદું સંગીત ચાલતું હોય – જેમકે, જ્યુઇશ, કે વૅસ્ટર્ન ક્લાસિકલ, કે હિસ્પાનિક- લૅટિન. એનાં લય ને તાલ તો એવાં હોય કે ઘણા લોકો લાક્શણિક નૃત્ય કરવા માંડે. તો ક્યાંક ફુગ્ગા વેચાતા હોય, થોડું ખાવાનું મળતું હોય, રસ્તાની વચ્ચોવચ બાળકો રંગીન ચૉક લઈને મનફાવે તેવાં ચિત્ર દોરતાં હોય. બહાર નીકળી આવેલા, સહજ આનંદ અનુભવતા લોકોથી જાણે વાતાવરણ સામૂહિક, સામાજિક ઉત્સવનું બની ગયેલું હોય છે. આ શહેરમાં થતી પ્રવૃત્તિઓમાં એક ટકા જેટલો પણ ભાગ લઈએ તોયે ઘરમાં રહેવાનો સમય ના રહે એવી હાલત થાય. મ્યુઝિયમ માઇલવાળી તાજેતરની એક સાંજે એવું જ થયું. રાતના નવ વાગ્યા એટલે મ્યુઝિયમો તો બંધ થઈ ગયાં. લોકો તો હજી હતા, અને થોડે દૂરના સેન્ટ્રલ પાર્ક કહેવાતા જાહેર ઉદ્યાન-સંપુટના એકસો એકરમાંના એક ભાગમાં ઑપૅરા હજી ચાલુ હતું, એટલે જલદી જલદી ત્યાં ગઈ. થોડો વરસાદ થયો હશે, તે ક્યાંક જરા કાદવ થયેલો, ઘાસ થોડું ભીનું થયેલું, અને ઘણા ઓછા – માંડ દસેક હજાર જેટલા લોકો સાંભળવા બેઠેલા. તેથી, ગાયકો અને ઑરકેસ્ટ્રા દેખાય-સંભળાય એ રીતે જગ્યા મળી ગઈ. રાત હતી તો પૂનમની, પણ ચંદ્ર વાદળાંની પાછળ હતો. અરે, અજવાળી હોય કે અંધારી – ન્યૂયૉર્કના નગરજનો વળી રાતથી ક્યાં ગભરાય છે? વળી, દિવસે જો કળા-વિન્યાસ હોય, અને રાતે સંગીત-અનુષ્ઠાન હોય તો ‘સાચા ન્યૂયૉર્કર’ને શહેરના મહામાર્ગ અને મહા-ઉદ્યાનથી વધારે વહાલું બીજું શું લાગે?